શિવાંગના ચોંધાર આંસુ માધુરીના દેહની સાથે સાથે તેના મનને પણ પલાળી ગયા...
તેણે આંખો ખોલી...
અને એટલામાં પરીનું રૂમમાં દાખલ થવું...
પરીએ રૂમનો દરવાજો ખોલ્યો અને તે આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ...
"ડેડી.. ડેડી..મોમ..મોમ...."તેના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા...
શિવાંગ ભાંગી પડ્યો હતો...માધુરીને ભાનમાં લાવતાં લાવતાં તે માધુરીની સ્થિતિમાં ચાલ્યો ગયો હતો...
પરી ઘડીકમાં પોતાની મોમની સામે જોતી હતી તો વળી ઘડીકમાં પોતાના ડેડની સામે જોઈ લેતી હતી...
તે વિચારી રહી હતી કે, ડેડી કેમ કશું બોલી નથી રહ્યા.. તેનું સમગ્ર અસ્તિત્વ તેની મોમ તરફ ઢળી પડ્યું હતું..
બે ચાર મિનિટ બાદ તેને ભાન થયું કે તેના ડેડી કંઈજ બોલી નથી રહ્યા..પોતાના ડેડની આ પરિસ્થિતિ જોઈને તે વિમાસણમાં મૂકાઈ ગઈ...
હવે તેણે પોતાના ડેડને ઢંઢોળવાનું ચાલુ કર્યું.."ડેડ..ડેડ જૂઓ તો ખરા મોમ ભાનમાં આવી ગઈ છે.."
તે પોતાના ડેડને જોર જોરથી ઢંઢોળી રહી હતી અને બોલી રહી હતી કે, "ડેડ તમે ઉંચુ તો જૂઓ.. તમને શું થયું છે..? તમે કંઈ બોલતા કેમ નથી..? આપણે વર્ષોથી જે ઘડી જે ક્ષણનો ઈંતેજાર કરી રહ્યા હતા તે આવી ગઈ છે...મોમ ભાનમાં આવી ગઈ છે.. હું હવે તેની સાથે વાતો કરી શકીશ.. આપણે તેને આપણાં ઘરે લઈ જઈશું ને ડેડ..? ડેડ તમને શું થયું છે તમે કંઈ બોલતા કેમ નથી..??"
આ બાજુ પરી ખુશીની મારી ઝૂમી રહી હતી અને શિવાંગ જાણે બેભાન બની ગયો હતો...
પોતાના પ્રેમ ઉપરથી અને પોતાના ઈશ્વર ઉપરથી તેને વિશ્વાસ ઉઠી ગયો હતો.. ખૂબજ દુઃખી થઈ ગયો હતો તે....
પરીની ખુશી આજે તેનાથી જીરવાય તેમ નહોતી અને તેની ખુશી વહેંચી શકે તેવી કોઈ નજીકની વ્યક્તિ તેની પાસે નહોતી...
માધુરી યથાવત પરિસ્થિતિમાં હતી...
થોડી વાર પોતાના ડેડને ઢંઢોળ્યા પછી તેને ભાન થયું કે, ડેડ તો કંઈ જ પ્રતિસાદ નથી આપી રહ્યા...
તે પાણીના જગ તરફ દોડી અને એક ગ્લાસમાં થોડું પાણી લઈ આવી અને પોતાના ડેડના ચહેરા ઉપર છાંટ્યું....
શિવાંગે ઉંચુ જોવાનો પ્રયત્ન કર્યો તેને પોતાની નજર સામે સ્થિર ઉભેલી પરી દેખાઈ...
તેણે પરીનો હાથ પકડી લીધો અને લાચાર હ્રદયે તે પરીની માફી માંગવા લાગ્યો, "બેટા, મને માફ કરી દે.. મેં ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ હું તારી મોમને ભાનમાં લાવી શક્યો નથી.. તારી મોમ કોઈ બીજી જ દુનિયામાં ચાલી ગઈ છે બેટા, ત્યાંથી તેને પાછી ખેંચીને લાવવી નામુમકિન છે બેટા... હું શું કરું મેં ઘણાં પ્રયત્નો કર્યા પણ હું લાચાર છું બેટા.. હવે તો મને ઈશ્વર ઉપરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે અને મારા પ્રેમ ઉપરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે....!!"
પરીની ખુશીનો કોઈ પાર ન્હોતો...તેને મનમાં એમ થતું હતું કે તે ખુશીની મારી પાગલ થઈ જશે..." ડેડ તમારી મહેનત બાતલ નથી ગઈ.. જૂઓને મોમે આંખો ખોલી છે અને તે છત સામે તાકી રહી છે.." તેણે પોતાના ડેડનો ચહેરો માધુરી તરફ ફેરવ્યો..અને તે બોલતી રહી, " ડેડ તમારો પ્રેમ અમર છે અને તમારા કાનજીએ પણ તમારી અરજ સાંભળી લીધી છે એટલે તો મોમ આપણી વચ્ચે પાછી આવી છે... જૂઓ ડેડ તમે મોમ સામે જૂઓ.."
અને બેભાનીની અવસ્થામાંથી શિવાંગ બહાર ખેંચાઈ આવ્યો...તે પોતાની જગ્યા ઉપરથી સફાળો ઉભો થઇ ગયો અને માધુરીના ગાલને સ્પર્શ કરવા લાગ્યો અને તેને કહેવા લાગ્યો, "ક્યાં ચાલી ગઈ હતી તું મને છોડીને... હવે અમને છોડીને ક્યાંય ન જતી અને આ જો..આ જો..આ તારી દીકરી છે..પરી તે ચોવીસ વર્ષની થઈ ગઈ છે...જો એ બિલકુલ તારા જેવી જ દેખાય છે..તારો જ અંશ..."
માધુરી કોઈ પ્રતિક્રિયા નહોતી આપી રહી...
અને એટલામાં દરવાજા ઉપર કોઈ આવીને ઉભું રહ્યું હતું જે આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત પણ હતું અને ખૂબ ખુશ પણ હતું....
તેની પરીના આ પાગલપનને જોવાની ઝંખના જાણે આજે તૃપ્ત થઈ હતી....
કોણ હશે એ..??જવાબ આપે જણાવવાનો છે..કોમેન્ટમાં જણાવવા વિનંતી 🙏 😊 ક્રમશઃ ~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 7/7/25