ટેમુ અને બાબો ગયા પછી ડોકટરે સ્કીમનો પર્દાફાશ કરવામાં રહેલા જોખમ વિશે વિચારવા માંડ્યું. ભગાલાલને જોયો નહોતો છતાં એ કેટલો ખતરનાક હશે એનો ખ્યાલ ડોક્ટરને આવ્યો હતો. સમાજસેવા કરવા જતાં કદાચ જીવ પણ ગુમાવવો પડે. આવા લોકો પોતાના સ્વાર્થ ખાતર રસ્તામાં આવતા કોઈપનને કચડી નાંખવામાં માનતા હોય છે.
ડોકટરે થોડીવાર વિચારીને એમના મોબાઈલમાં એક મેસેજ ટાઈપ કર્યો. અમદાવાદમાં ડોક્ટરને ઘણા સંપર્કો હતા. એમના ખાસ મિત્ર શિવલાલ પંડ્યાને ડોકટરે મેસેજ કરીને પોતે શૂટ કરેલો વિડીયો પણ મોકલી આપ્યો. થોડીવારે પંડ્યાનો ફોન આવ્યો એટલે ડોકટરે સ્કીમની તપાસ વિશે અથથી ઇતિ સુધી જણાવ્યું.
"રામાણી, મને એ સમજ નથી પડતી કે તું ડોકટર હોવા છતાં આવી મૂર્ખાઈ કેમ કરી રહ્યો છો? સાલા તને કંઈ ભાન છે કે નહીં?" પંડ્યાએ આખી વાત સાંભળીને કહ્યું.
"મારી ભાન ટૂંકી પડે છે એટલે તો તને જણાવ્યું ને! હવે આમાં કઈ રીતે આગળ વધવું એ સમજાવ." ડોકટરે કહ્યું."આ જે વિડીયો તેં બનાવ્યો છે એ કોઈને મોકલ્યો તો નથી ને?''
"ના હજી કોઈને નથી મોકલ્યો. થોડા પુરાવા આવે પછી ગામના ગ્રુપમાં મુકવાનો વિચાર કર્યો છે."
"તો એ વિચાર પડતો મુક. સાચો ખેલાડી હંમેશા પડદા પાછળ રહીને રમતો હોય છે. આમ મેદાનમાં કૂદી પડીશ તો લોકો તને ફૂટી નાંખશે. અને જે લોકો સ્કીમ ચલાવી રહ્યા છે એનો દુશ્મન થઈ જઈશ. એ લોકો બહુ પહોંચેલી માયા હોય છે. તારે ભગાલાલને ફોન કરવાની પણ જરૂર નહોતી. તું હવે એ લોકોની શંકાના દાયરામાં તો આવી જ ગયો છો. એટલે એ લોકો તારી સાથે જરૂર કંઈક તો કરશે જ એમ મને લાગે છે. તું તરત ગામ છોડીને અહીં આવતો રહે. કારણ કે ત્યાં હવે તારા માટે જોખમ છે. અહીંથી આપણે જે કરવું હોય એ કરીશું. તું અત્યારે જ નીકળી જા."
શિવલાલ પંડ્યા બીઝનેસમેન હતા. ડોકટર હંમેશા એમની સલાહ લેતા. ડોક્ટરને પણ ખ્યાલ આવ્યો હતો કે પોતે સળગતું હાથમાં પકડી લીધું છે. હવે દાઝી ન જવાય એનું ધ્યાન રાખીને જ આગળ વધવું જરૂરી હતું.
ડોકટરને નીકળવા માટે કોઈ તૈયારી કરવાની જરૂર નહોતી. કોઈ સમાન પણ સાથે લેવાનો નહોતો. માત્ર નર્સ ચંપાને જાણ કરવાની હતી. નર્સ ચંપાને 'ખાસ અગત્યનું કામ હોવાથી અમદાવાદ જાઉં છું' એવો મેસેજ કરીને ડોકટર એમના કવાટરની બહાર નીકળ્યા. એમની મારુતિકાર કવાર્ટરની દીવાલે જ પાર્ક થઈને પડી હતી. ડોકટર કવાર્ટરનો દરવાજો લોક કરીને જેવા કાર પાસે પહોંચ્યા એ જ વખતે જગો અને નારસંગ એમની જીપ લઈને આવી પહોંચ્યા.
"અરે દાગતર સાયબ, હાલો જીપમાં બેહી જાવ. મારા માડી માંદા થય જ્યા સે. લ્યો હાલો ઝટ.." જગાએ જીપમાંથી ઉતરીને ડૉક્ટરનો હાથ પકડ્યો.
"અરે ભાઈ તું હાથ મુકને. માડીને દવાખાને લઈ જા ત્યાં નર્સ છે એ દવા આપી દેશે. હું આવી શકું તેમ નથી." કહી ડોકટરે હાથ છોડાડવાનો પ્રયત્ન કર્યો.
"માડી આવી હકે ઈમ નથી અટલે તો તમને લેવા આયા છી. તમે દાગતર ઉઠીન આવવાની ના પાડો ઈમ ચીમ હાલે. તમારે આવવું તો પડહે જ. સાનામાના જીપમાં બેહી જાવ તો હારું નકર ઉપાડી લેવા પડહે. હારું ઈ તમારું..દાગતરસાયબ." નારસંગે ડોક્ટરની બાજુમાં આવીને ઊંચા અવાજે કહ્યું.
ડોકટર એ બંનેને વારાફરતી તાકી રહ્યા. એ જોઈ જગો બોલ્યો, "ચ્યાં સે તમારી પેટી? ઘરમાં સે? લ્યો હું લેતો આવું..તમે જીપમાં બેહો."
"હું આવું છું ચાલો. પણ તમે લોકો ધમકી કેમ આપો છો? આવી રીતે જબરજસ્તી કરો એ ન ચાલે." કહી ડોકટર ક્વાર્ટર તરફ ચાલ્યા.
"તમે આવવાની ના પાડી અટલે અમારે ઈમ કેવું પડ્યું. લ્યો હાલો ઝટ માડીને બવ અહખ જેવું સે." જગાએ કહ્યું.
ડોકટર તાળું ખોલી ઘરમાં ગયા. આ બેઉ ગામના જ છે એની ડોક્ટરને ખબર હતી. પણ એ લોકો હુકમચંદના માણસો છે એની ખબર નહોતી. પણ ડોકટરના મનમાં શક પડ્યો હતો. બારીનો પડદો ખસેડીને એમણે બહાર જોયું તો જગો અને નારસંગ જીપ પાસે ઊભા હતા. ડોકટરે મોબાઈલ કાઢીને બારીમાંથી એ બંનેનો ફોટો પાડયો.
ફોટામાં જીપ પાસે ઉભેલા એ બંને અને જીપનો નંબર સ્પષ્ટ દેખાતા હતા. એ ફોટો ડોકટરે તરત જ બાબાને મોકલી આપ્યો. નીચે મેસેજ પણ લખ્યો, 'આ બંનેમાંથી એકની મા બીમાર હોવાનું કહી આ લોકો મને લેવા આવેલા છે. જો હું કલાક પછી મેસેજ ન કરું તો મને કોલ કરવો. મારો ફોન ન લાગે તો તપાસ કરવી. મને આ લોકો શંકાસ્પદ જણાય છે.'
"અરે દાગતર ચેટલીવાર લાગશે. હાલો ને ભયશાબ..'' કહેતો જગો અંદર ધસી આવ્યો.
"અરે ભાઈ પેટીમાં જોવું તો પડે ને. જરૂરી દવાઓ અને ઈન્જેક્શન ન હોય તો ધક્કો પડે.'' કહી ડોકટરે પેટી ખોલીને અંદર એક નજર ફેરવી. કબાટમાંથી થોડી દવાઓ અને ઈન્જેક્શન પેટીમાં મુકયા. પછી પેટી જગાને આપીને બહાર નીકળ્યા.
ડોકટર જીપમાં બેઠા એટલે જગાએ જીપ ભગાવી. એ પછી તરત જ નારસંગે કહ્યુ, "સાયબ તમારો ફોન દયો ને, મારે એક ફોન કરવો સે. આ જગો તો ઈનો ફોન ઘરે ભૂલી જ્યો સે. ને મારો ફોન બગડી જ્યો સે."
"તારે કોને ફોન કરવો છે? હું મારો ફોન કોઈને આપતો નથી, તું ઘરે જઈને કોઈનો ફોન લઈ લેજે ભાઈ." ડોક્ટરને ડર હતો કે કદાચ આ લોકો ફોન લઈ લેવા માંગતા હશે.
"પસી તો મોડું થય જાય. ખાસ કામ સે સાયબ, નકર તમારો ફોન નો માગેત. એવું હોય તો તમે જ નમ્બર લગાડી દયો બસ..?" નારસંગે કહ્યું.
"ના ભાઈ હું ફોન નહિ આપી શકું. તું પછી કરી લેજે. બહુ જરૂરી હોય તો તું જીપમાંથી ઉતરી જા. ગામમાંથી ગમે તનો ફોન મળી જશે. મારો ફોન હું કોઈને અડવા પણ દેતો નથી. કારણ મેં તમારા હાથમાં વાયરસ હોય. મને એ વાયરસની એલર્જી છે. એટલે સોરી દોસ્ત, હું ફોન નહિ આપું." ડોકટરે કહ્યું.
બરાબર એ જ વખતે જગાના ફોનની રીંગ વાગી. જગાએ ખિસ્સામાંથી ફોન કાઢ્યો. એ ફોન હુકમચંદનો હતો. "હા ભાઈ..દાગતરને લયને આવવી છી. બાને ટાઢા પોતા મુકવાનું સાલું રાખજો. દાગતર આવવાની ના પાડતા'તા. પણ પસી મેં કીધું કે માડી આવી હકે ઈમ નથી અટલે જીપમાં બેહી જ્યા. દાગતર તો બવ હારા સે. અમે જિમ બને ઈમ ઝટ આવવી જ છી.." જગાએ કહ્યું.
"જગા આવું ખોટું બોલવાનું? તું તો કેતો'તો ને કે ફોન ઘરે ભૂલી જ્યો સો." નારસંગે ગુસ્સો કરતા કહ્યું. જગો તરત હસવા લાગ્યો.
" તું ફોનમાં બવ લપ કરેસ. બેટરી ઉતરી જાય તાં લગી મુકતો જ નથી અટલે મારે તને ફોન નો'તો દેવો. અતારે પણ બેટરી લો થય જય સે. તું દાગતરનો ફોન લય લે.." કહી જગાએ જીપ ચલાવતા ચલાવતા પાછળ મોઢું ફેરવીને ડોક્ટરને કહ્યું, "દયો ને ઘડીક ફોન સાયેબ. અમે હાથ ધોયને સોખ્ખા જ રાખવી છી. કાંય વાયસર નો હોય ભલામાંણહ. તમે ભણેલા લોક આવા નખરા બવ કરો હો. લ્યો હવે દયો ઘડીક આને ફોન." પછી નારસંગ તરફ જોઈ ઉમેર્યું, "તું કામથી કામ રાખીને ફોન પાસો દય દેજે."
"હા તે વાંધો નય. એવું હોય તો હું રૂમાલમાં ફોન પકડી લવ. પણ દયો તો ખરા.." નારસંગે કહ્યું.
ડોક્ટરને હવે ફોન આપ્યા વગર છૂટકો નહોતો. છતાં એમણે વચલો રસ્તો કાઢતા કહ્યું,"ફોન તો હું તને નહિ આપું ભાઈ. પણ તારું કામ થઈ જશે. એમ કર તું જેને ફોન કરવાનો છે એનો નંબર બોલ..હું એ નંબર લગાડીને ફોન સ્પીકર પર રાખીશ. તું વાત કરી લેજે બરાબર?"
નારસંગે જગા સામે જોયું. ડૉક્ટરનો ફોન લઈ લેવાની સૂચના હુકમચંદે આપી હતી. પણ ડોકટર કોઈવાતે ફોન આપતા નહોતા.
"મારી હામે સું જોવેસ. ફોન કરવો હોય તો નંબર બોલ્યને. દાગતરસાબ બરોબર જ કે સે.'' કહી જગાએ આંખ મારી.
"ચોરાણું બે ચોરાણું....@$$@$.." નારસંગ નંબર બોલ્યો. ડોકટરે નંબર લગાડીને સ્પીકર ઓન કર્યું. ફોનમાં રીંગ વાગી રહી હતી. થોડીવારે સામેથી કોઈ સ્ત્રીએ ફોન ઉચકયો.
."હેલો..કોન બોલોસો.."
" અલી હું નારીયો બોલું સું..અવાજ બરોબર આવે સે ને?"
"નાર્યો? હંકન અવાજ તો આવેસ. પણ નકરું ઘુરઘુર થાય સે. હરખું નથ હંભળાતું.."
"દાગતર ફોન થોડોક મારી કોર્ય રાખોને, રૂપલીને હંભળાતું નથી.." નારસંગે ડોક્ટરને કહ્યું. જીપમાં એ આગળ બેઠો હતો.
"હેલો... નાર્યા.. તું ચ્યાં સો..ને દાગતર પાંહે ચીમ જ્યોસો. આ નમર કોનો સે. હેલો નાર્યા..." પેલી સ્ત્રીનો આવજ આવ્યો.
"જગાના માડી માંદા પડી જ્યા સે તે અમે દાગતરને લેવા આયા છી. મારો ફોન બગડી જ્યો સે અટલે દાગતરના ફોનમાંથી કર્યો સે. બોલ સું હાલે સે.."
"નાર્યા, નકરું ઘરૂર ઘરૂર થાય સે. જગાના મોઢામાં સાંદા પડી જ્યા સે? નકરા માવા ગળસો સો તે સાંદા જ પડે ને મોઢામાં.. ઈનું ડોહુ ચ્યાંક કેન્સલ નો થિયું હોય.."
"અલી ઈમ નથી કેતો.. જગાના બા સે ને? ઈમને તાવ આવે સે.."
"હી..હી..હી...અલ્યા નાર્યા તું ગાંડો તો નથી થય જ્યો ને? જગાની બાને આવડી ઉંમરે બાવ નો આવે. તું હાવ બુધી વગર્યનો જ ગુડાણો સો. નકરું ઘરૂર ઘરૂર થાય સે. હરખું હંભળાતું નથી.."
"અલ્યા માર ખાવાની થય સે હો આ રૂપલી.." જગો ખીજાયો.
"અલી રૂપલી..બાવ નય તાવ આવ્યો છે તાવ.. હાળીને કોણ જાણે કાનમાં ચેટલો મેલ ભરાણો હશે. હારું ઈ બધું જાવા દે..ભેંસે પસી દોવા દીધું કે નય ઈ કે.."
"મારા કાનમાં તો કાંય મેલ નથી. નકરું ઘરૂર ઘરૂર થાય સે. સું કેસ? ભેંસે જોવા દીધું ઈમ? સું જોવું સે તારે? ભેંસ થોડીક જોવાની ના પાડે? ઈ તો જનાવર કેવાય. ઈ થોડાક લૂગડાં પેરે સે? ફરતી કોર્ય ઉઘાડી જ હોય..તારે જ્યાંથી જે જોવું હોય ઈ જોય લેજે..મારો પીટયો..ભેંસમાં હું જોવાનું હશે આને..હીહીહી.."
"આણે તો ભારે કરી..અલી હું ઈમ નથી કેતો..."
ડોકટરે ફોન કટ કરીને ખિસ્સામાં મૂકીને કહ્યું."આ જ કામ હતું ભાઈ તારે? એની ભેંસે દોવા દીધું છે કે નહીં એ એના ઘરે જઈને પૂછી આવજે. સાલાઓ ક્યાં ક્યાંથી ચાલ્યા આવે છે. ખાસ કામ છે ફોન આપો..આવું હોય ખાસ કામ?"
ડોકટર ખીજાયા એટલે જગો હસી પડ્યો, "શાબ આ નારસંગો એવો જ છે. એટલે જ હું ઈને ફોન નો દવ. સારું થિયું તમે નો આપ્યો..."
નારસંગે જગાના પડખામાં ગોદો મારતા કહ્યું, "તું સાનોમાંનો ગાડી હાંકયને! બવ વાયડું થિયા વગર્ય!'' પછી ડોકટર તરફ ફરીને બોલ્યો,
"સાયેબ હાવ એવું નોતું..કામ બીજું હતું ને ઈ જ ખાસ હતું. પણ મેં કીધું કે ભેંસથી સરૂ કરું..પસી મેનવાત ઉપર્ય આવું ઈમ. મોઢામોઢ ઈ રૂપલીને કે'તા મારી જીભના લોસા વળી જાય સે તે મને ઈમ થિયું કે ફોનમાં કય દવ. પણ તમે ફોન કાપી નાયખો.."
"શું કહેવું છે એ બેનને તારે. એવું તે શું છે કે તું મોઢામોઢ કહી શકતો નથી.." ડોક્ટરને પણ થોડો રસ પડ્યો.
"લાવો ને ફોન દયો ને ભૂંડ્યો! હું કાંય તમારો ફોન લયન ભાગી નય જાવ. મારા હાથ સોખ્ખા જ સે. દયો ને વળી.." નારસંગ કરગરી પડ્યો.
"દયો ને દાગતર શાબ્ય. ઈ રૂપલીને લવ કરે સે પણ કય હકતો નથી. બે જીવ ભેગા કરવાનું પુન થાહે." જગાએ હસીને કહ્યું.
પણ ડોકટર ફોન દેવા માંગતા નહોતા. પણ એ જ વખતે ડોકટરના ફોનની રીંગ વાગી. ડોકટરે નંબર જોયો તો રૂપલીનો જ હતો.
"શાબ..શાબ..રૂપલીનો હોય તો મને દયો..ઈનો જ હશે..મને ખબર્ય સે..મને સે એટલી જ ઈનેય ઈચ્છા છે..કેદુની ઈસારા તો કરે જ સે..લાવો લાવો...મને ફોન દય દયો..આજ તો આય લવ યુ કય જ દેવું સે..!'' નારસંગે ડોકટરના હાથમાંથી ફોન લઈ લેવા હાથ લાંબો કર્યો.
"ના ભાઈ તને તો હું ફોન નહિ જ આપું. લે તારે જે કહેવું હોય એ કહી દે..પણ આ વખતે વચ્ચે ગાય કે ભેંસને લાવતો નહિ.." ડોકટરે સ્પીકર ઓન કરીને ફોન આગળની સીટ તરફ રાખીને કહ્યું.
"હેલો...નાર્યા..ફોન ચીમ કપય જયો. તું ચ્યાં સો..નકરું ઘુરૂરઘુરૂર થાય સે. ગાડી ઘડીક ઊભી રાખ્ય ને." રૂપલીએ કહ્યું.
જગાએ તરત જ સાઈડમાં જીપ ઊભી રાખી દીધી. અને જીપનું એન્જીન બંધ કર્યું.
"હવે થાય સે ઘુરઘુર?"
"ના ના હવે નથી થાતું. તેં હું ઈમ પુસુ સુ કે તું ચ્યાં સો. જગાભાય હાર્યે સે? દાગતર શાબ્ય શોતે ભેગા સે?" "હા અમે દાગતર શાબ્યને લેવા આયા'તા. બોલ્ય ફોન ચીમ કર્યો?"
"મેં ચ્યાં કર્યો સે. ઈતો તેં કર્યો'તો અટલે મેં કર્યો. ભેંસનું સું પુસ્તો'તો?"
"ઈ તો ખાલી પુસ્તો'તો. કોણ કોણ ઘરે સે..એકલી સો..?"
"ચીમ તારે સું કામ સે?"
"અલી કામ તો સે..પણ કે'તા મને બીક લાગે સે. ને આ દાગતર શાબ્ય જો ને ફોન દેતા નથી. ઈસ્પીકર સાલું રાખીન વાત કરાવે સે. અટલે જગો ને શાબ્ય બેય હાંભળે સે."
"તે મન હાંભળે? કે'તા બીક લાગતી હોય તો નો કેવું. હંધાય હાંભળે સે તો મુકય ને ફોન." કહી રૂપલીએ ફોન કટ કરી નાંખ્યો.
ડોકટર અને જગો હસી પડ્યા. ડોકટરે ફોન ખિસ્સામાં મુકવા હાથ પાછો ખેંચ્યો પણ નારસંગ તકની રાહ જોઈને જ બેઠો હતો. ડોકટર ફોન ખિસ્સામાં સરકાવે એ પહેલાં નારસંગે ઝાપટ મારીને ડોકટરના હાથમાંથી ફોન લઈ લીધો.
"તમને મસકરી લાગે સે? કોક બે માણહને હરખી વાતેય નો કરવા દયો. જાવ જગાની બાની દવા કરતા થાય તાં લગીમાં હું રૂપલી હાર્યે વાત કરીન આવું.." એમ કહી નારસંગ જીપમાંથી ઉતરી ગયો."
"અરે પણ એવું કેમ ચાલે.. તું મારો ફોન લાવ ભાઈ..અરે ઓ જગા તું કહે એને. નહિતર હું તારા ઘરે નહિ આવું. તું કોઈ બીજા ડોક્ટરને બોલાવી લેજે.." ડોકટરે રાડ પાડી. અને જીપમાંથી ઉતરવા દરવાજા તરફ ખસ્યા.
પણ જગાએ તરત જ જીપ હાંકી મૂકી. "તમે ઉપાધિ નો કરો દાગતર. આપડ ઘરે પોગવી તાં લગીમાં ઈ ફોન લયને આવી જાશે."
ડોકટરની શંકા સાચી પડી હતી. નારસંગે ડૉક્ટર પાસેથી ફોન આખરે પડાવી જ લીધો. શું ખરેખર હુકમચંદે ડૉક્ટરને કિડનેપ કરી લીધા?
(ક્રમશ:)