દિકરો બિમાર થયો. તમે નોકરીએ ગયા હતા. મને એમ થયું કે મમ્મી પાસે પૈસા લઉં ને બસમાં ચાલી જાઉં દવા લેવા માટે એટલે તમે આવો ત્યાં સુધીમાં તો હું આવી પણ જાઉં. એટલે મેં મમ્મી પાસે દવા લાવવા માટે પૈસા માગ્યા. મમ્મીએ ફરીથી આ વખતે પણ પૈસા ન આપ્યા. કહી દીધું કે મારી પાસે પૈસા નથી. દિકરાને મેં તાવની દવા તો આપી દીધી હતી પણ પછી એને ઝાડા ઉલ્ટી શરૂ થઈ ગયા. મેં મમ્મીને કહ્યું કે મને ફક્ત બસના ભાડા જેટલા પૈસા આપો. તો મમ્મીએ બસમાં આવવા જવાની ટિકિટ જેટલાં જ પૈસા આપ્યા. મેં વધારે કંઈ વિચાર્યું નહી ને નીકળી ગઈ દિકરાને લઈને દવા લાવવા માટે. આપણા ઘરથી લગભગ એક કિલોમીટર જેટલું બસ સ્ટોપ સુધી ચાલવાનું હતું અને પછી બસની રાહ જોવાની. દિકરાને સતત તાવ ચઢી રહ્યો હતો. બસમાં બેઠા પછી મને યાદ આવ્યું કે મમ્મીએ તો બસની ટિકિટ જેટલા જ પૈસા આપ્યા છે. પણ ત્યાં ઉતરીને પછી હું ડોકટરકાકા ના દવાખાના સુધી કેવી રીતે પહોંચીશ ? અને મારે બસ સ્ટોપથી દવાખાના સુધી ચાલવું જ પડ્યું લગભગ પિસ્તાળીસ મિનિટ થઇ. દવાખાને પહોંચ્યા પછી ડોકટરકાકા એ દિકરાને તપાસ્યો અને પછી કહ્યું આને હોસ્પિટલમાં દાખલ કરવો પડશે નહીંતર તું કહે તો અહીં જ એને બાટલા ચઢાવી દઉં. મારી પાસે પૈસા તો હતા નહીં મેં એમને કહ્યું તમે અહીં જ ચઢાવી દો. અને ત્યાં જ દિકરાને બાટલા ચઢાવવા શરૂ કર્યા. ત્યારે મોબાઈલ ફોન તો હતા નહીં. એટલે દવાખાનાના ફોન પરથી જ મેં મારા ઘરે ફોન કર્યો કે હું અહીં દવાખાને આવી છું અને દિકરાને બાટલા ચઢાવાય છે. એટલે મમ્મીએ તરત જ ભાઈને દવાખાને મોકલ્યો ખાવાનું અને પૈસા લઈને. મેં મમ્મીને તો કહ્યું જ ન હતું કે મારી પાસે પૈસા નથી હું તો આજે ડોક્ટરકાકાને એમ કહેવાની હતી કે તમે અમારું ખાતું બનાવી દો પગાર થાય એટલે તમને પૈસા આપી જઈશું. મેં ત્યાંથી જ ગામ પણ બાજુમાં કાકીને ત્યાં ફોન કરીને જાણ કરી હતી કે તમે મમ્મીને કહી દેજો કે મને આવતા મોડું થશે દિકરાને બાટલા ચઢાવાય છે. તમે નોકરીએથી આવ્યા ને તમને મમ્મીએ કહ્યું એટલે તરત તમે દવાખાના પર આવ્યા હતા. મોડી સાંજે બાટલા ચઢાવવાનું બંધ કર્યુ પછી આપણે ઘરે આવ્યા. દવાખાનામાં તમારા આવવા પહેલાં જ ભાઈએ પૈસા ચૂકવી દીધા હતા. તમે મને એમ પણ ન પૂછયું કે પૈસા આપ્યા કે આપવાના છે ? એ તો ઠીક પણ મમ્મીએ તને પૈસા આપ્યા હતા કે નહીં એવું પણ ન પૂછ્યું. મેં તમને રસ્તામાં પૂછ્યું કે તમે દવાખાને આવ્યા તો મમ્મીએ તમને પૈસા ન આપ્યા કે ત્યાં જોઈશે લઈ જા. તમે મને ના પાડી અને કહ્યું કે એ તો તને સવારે આપ્યા જ હશે ને ? મેં ના પાડી કે મને તો બસભાડા જેટલા જ પૈસા આપ્યા હતા. તો તમે બોલ્યા કે મહિનો પૂરો થવાનો એટલે કદાચ મમ્મી પાસે નહીં હશે. કંઈ ની પગાર થશે પછી આપી દઈશું. ત્યારે મેં કહ્યું કે ના પૈસા તો ભાઈએ ચૂકવી દીધા છે એટલે પપ્પાને આપવા પડશે. તો તમે કહ્યું કે સારું પપ્પાને આપી દઈશું. ઘરે પહોંચ્યા પછી આ વખતે પણ મમ્મીએ એમ ન પૂછ્યું કે દિકરાને હવે કેવું છે ? પણ એમણે તો એમ કહ્યું કે તારે તારા ઘરે જ રહી પડવું હતું ને પાછું દિકરાની તબિયત બગડશે તો જવું પડે એના કરતા. મને એમ લાગ્યું કે એમનો કહેવાનો મતલબ એવો હશે કે રાતે તબિયત બગડે ને ગામથી જવું પડે એના કરતાં ત્યાં હોય તો સારું. પણ બીજી જ ક્ષણે પાછા એમ બોલ્યા કે આવવા જવાના ખોટા પૈસા વપરાયા કરે ને એટલે. ત્યારે મને એમ થયું કે શું યે આડકતરી રીતે મને મારા ઘરે ચાલ્યા જવાનું કહે છે ?