ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 46
શિર્ષક:- કાશીમાં
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 46. ."કાશીમાં."
સિન્ધી પાઠશાળામાં બે-ત્રણ મહિના રહીને હું કાશી આવ્યો. કાશી પ્રત્યે મારા મનમાં પ્રબળ આકર્ષણ હતું. અઢી-ત્રણ વર્ષ ઉપર આ જ કાશીમાં દંડી સ્વામી સાથે રહ્યો હતો. પણ દંડી સ્વામીની તકેદારીના કારણે બીજો સંપર્ક કરી શક્યો ન હતો. મારે ભણવું હતું. પણ દંડીસ્વામીને ભણવા-ભણાવવામાં રસ ન હતો. એટલે થોડા દિવસ રોકાઈને હું બિહાર-બંગાળ તરફ ચાલ્યો ગયો હતો. હવે ફરી કાશી આવ્યો ત્યારે હું સ્વામી સચ્ચિદાનંદ થઈને આવ્યો હતો. છેલ્લે ત્રણ વર્ષના ગાળામાં મેં કાંઈક જોયું હતું. કાંઈક અનુભવ્યું હતું. કાશીના મારા અનુભવો લખું તેના પહેલાં થોડી પૃષ્ઠભૂમિકાની ચર્ચા કરીશ.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કાશી શબ્દ વપરાયો છે. (કાશ્યશ્ચ પરમેશ્વાસઃ) એટલે આ નગરી અતિપ્રાચીન છે. આખા ભારતમાં વિદ્યાની નગરી તરીકે તેનું મહત્ત્વ રહ્યું છે. આ નગરીમાં આજે એક સાથે ત્રણ વિશ્વવિદ્યાલયો, કૉલેજો તથા અનેક પાઠશાળાઓ ચાલી રહી છે. વિદ્વાનો તથા વિદ્યાર્થીઓથી આ નગરી ઊભરાય છે. હિન્દુ, બૌદ્ધ તથા જૈન એમ ત્રણે માટે આ તીર્થધામ છે. ભારતના જુદા-જુદા પ્રાંતોથી આવીને અહીં બ્રાહ્મણ વિદ્વાનો વસી ગયા છે. પ્રાચીન કાળમાં કાશીનો રાજા બહુ પરાક્રમી મનાતો. મુસ્લિમકાળમાં અહીં મુસ્લિમોનું રાજ્ય થયું. મંદિરો ધ્વસ્ત થયાં. કાશીવિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર તોડીને તેના ઉપર બાંધેલી મસ્જિદ આજ પણ વિવાદાસ્પદ બની છે. રાણી અહલ્યાબાઈ દ્વારા બંધાવેલું નાનું કાશીવિશ્વનાથનું મંદિર અને તેના ઉપર પંજાબના રાજા રણજિતસિંહ દ્વારા ચડાવાયેલાં સોનાનાં પતરાં આજે પણ વિદ્યમાન છે.
કાશીવિશ્વનાથના મંદિરથી થોડે દૂર કાશીકરવતનો કૂવો છે. કોઈ સમયે અહીં કરવત મુકાતી. માણસની અધૂરી ઇચ્છાઓ બીજા જન્મે પૂરી કરવા માટે કરવત લેવાની પ્રથા પુરોહિતોએ ચલાવેલી. કરવતથી લાકડું કાપે તેવી રીતે માણસને અહીં વહેરી નાખવામાં આવતો. જો આ કુપ્રથા કોઈ દૂરના અંધારા ગામડામાં થતી હોત તો સમજી શકાત. પણ આ તો કાશી. જ્ઞાનીઓની નગરી. અહીં આ પ્રથાને ચાલવા દીધી જ કેમ હશે? બધા વિદ્વાનો શું કરતા હતા? કે પછી વિદ્વત્તા પુરોહિતોની સમર્થક બની હતી? અંધકાર અને પ્રકાશ એક સાથે રહ્યા હતા કે પછી પ્રકાશ બિચારો થઈને અંધકારમાં ભળી ગયો હતો?
આ જ નગરી ૫૨ મુસ્લિમોનું રાજ્ય ચાલતું હતું ત્યારે પેશ્વાઓનું લશ્કર અહીં યુદ્ધ કરવા આવી પહોંચ્યું હતું. કાશી જેવા તીર્થધામને તેઓ વિધર્મીઓથી છોડાવવા માગતા હતા. પણ કાશીના મુસ્લિમ શાસકે દક્ષિણી બ્રાહ્મણોને ભેગા કરીને ધમકી આપી કે ખબરદાર જો પેશ્વાએ ચડાઈ કરી તો હું તમને સૌને મુસ્લિમ બનાવી દઈશ.' આ ધમકીથી એ પંડિતો ખુદ પેશ્વા પાસે જઈને પ્રાર્થના કરી આવ્યા હતા કે કૃપા કરીને તમે લડાઈ ન કરશો. નહિ તો અમને મુસ્લિમ બનાવી દેવામાં આવશે. કોઈ હિન્દુને બહુ સરળતાથી મુસ્લિમ બનાવી શકાય છે, પણ મુસ્લિમ થયેલા હિન્દુને પાછો હિન્દુ બનાવવો અત્યંત કઠિન કામ થઈ પડે છે. આનું નામ કુધર્મવ્યવસ્થા નહિ તો બીજું શું? માણસો, તેમાં પણ આત્મશ્લાઘી માણસો, બહુ ઝડપથી ભૂતકાળની વાસ્તવિકતા ભૂલી જતા હોય છે. આત્મશ્લાઘા દ્વારા તેઓ પોતાની સાથે જ પ્રર્વચના કરતા હોય છે. કાશીની જ નહિ, આખા દેશની પ્રજા વાસ્તવિકતાને ભૂલી ગઈ લાગે છે.
વિદ્વત્તાથી મઘમઘતી પણ ગલીઓની ગંદકી તથા ગુંડાઓની ગુંડાગીરીથી ખદબદતી કાશીમાં હું લગભગ અગિયાર વર્ષ રહ્યો. ભણ્યો અને ઘણુ સમજ્યો.
વિદ્યાના ક્ષેત્રની પણ થોડી ચર્ચા કરીશ. કોઈ સમય હતો જ્યારે અહીં દંડીસ્વામીઓની પ્રધાનતા હતી તથા તેમનું જોર હતું. દંડીસ્વામીઓ માત્ર બ્રાહ્મણવર્ણમાંથી જ થતા હોય છે અને તેઓ માત્ર બ્રાહ્મણને જ સંન્યાસનો અધિકાર છે એમ માને છે તે વાત પહેલાં કહેવાઈ ચૂકી છે. ધીરે ધીરે અહીં પરમહંસ સંન્યાસીઓનો ઉદય થયો. પણ પરમહંસમાં ત્રણ વર્ષના સાધુઓ હોવાથી દંડીસ્વામીઓ તેમને હલકી દૃષ્ટિથી જુએ અને તુચ્છકાર બતાવવા ‘શુદ્ર’શબ્દનો પણ પ્રયોગ કરતા મેં સાંભળ્યા છે. કોઈ સમયે આ કથાચિત શૂદ્ર સંન્યાસીઓથી ગંગાજીનો દશાશ્વમેધઘાટ અભડાઈ ન જાય એટલે તેમને સ્નાન પણ કરવા દેવામાં ન આવતું. સંઘર્ષ થતો. દશનામી સંન્યાસીઓનો એક પહેલવાન જેવો પંડ્યો, લાઠી લઈને ઊભો રહેતો અને આ પરમહંસ સંન્યાસીઓ સ્નાન કરતા.
વિદ્યાના ક્ષેત્રમાં દંડીસ્વામીઓ કરતાં પરમહંસ સ્વામીઓ વધુ પ્રગતિશીલ રહ્યા છે. તેનું કારણ સંન્યાસ લેવાની ઉંમરનો તફાવત લાગે છે. દંડીસ્વામીઓ મોટે ભાગે પ્રૌઢ ઉંમરે સંન્યાસ લેતા હોય છે. જ્યારે પરમહંસો મોટા ભાગે યુવાવસ્થામાં દીક્ષા લેતા હોય છે. પ્રચારકોની દૃષ્ટિથી પણ પરમહંસોએ અસંખ્ય પ્રચારકો ઉત્પન્ન કર્યા છે. જ્યારે દંડીસ્વામીઓથી એવા પ્રચારકો ખાસ થઈ શક્યા નથી. એક સમય હતો જ્યારે કાશીની ગણમાન્ય પાઠશાળામાંઓથી એક-બે પાઠશાળાઓમાં વેદાન્ત ભણાવનારા ઉચ્ચ કોટિના પંડિતો અધ્યાપન કાર્ય કરાવવા જતા. આવા પરમહંસ સંન્યાસીઓ શૂદ્ર છે એટલે તેમને વેદાન્ત વગેરેનું અધ્યાપન કરાવી શકાય નહિ; જો કોઈ કરાવશે તો તે પોતે તથા પાઠશાળાનો શેઠ નરકમાં જશે તેવા પ્રવાદ સાથે પરમહંસોને ભણાવવાનું બંધ કરાવવા પ્રયત્ન થયેલો.
શ્રી હરિહર કૃપાળુ નામના વેદાન્તના ઉચ્ચ કોટીના વિદ્વાને આવી વાત માની ન હતી. અને નોકરી છોડવી પડે તો નોકરી છોડીને રસ્તા ઉપર બેસીને પણ પરમહંસોને ભણાવવાની તૈયારી બતાવેલી. નવાઈની વાત તો એ કે પાઠશાળાના માલિક વૈશ્ય શેઠ હતા. તે પોતે વર્ણવ્યવસ્થાના હામી હોવાથી તેમણે પોતાના જ વર્ણને વેદાન્તાદિ ભણવાનો અધિકાર નથી એવું સ્વીકારી લીધેલું. આ જ શેઠના જમાઈને ટી.બી. થયેલો ત્યારે ટી.બી.ની દવાઓ નીકળી ન હતી. શ્રીમંત માણસો દરદીને સ્વિટ્ઝર્લૅન્ડ લઈ જતા. શેઠ પણ પોતાની પુત્રીના સોહાગને બચાવવા જમાઈને સ્વિટ્ઝર્લૅન્ડ લઈ જવા તૈયાર થયેલા.
આ વાત જ્યારે કાશીના ગણમાન્ય પંડિતોએ સાંભળી ત્યારે જાણે આકાશ તૂટી પડ્યું હોય તેમ સૌ મળીને તેમની પાસે ગયા અને પેલા મારવાડી શેઠને પ્રાર્થના કરી કે, જો આપ જ ઊઠીને સમુદ્રપારની યાત્રા કરશો તથા મ્લેચ્છ દેશમાં જશો તો ધર્મ રહેશે ક્યાં ? આપ તો ધર્મના આધાર છો. ભગવાન ઉપર ભરોસો રાખો, તમારા જમાઈ સારા થઈ જશે. પરદેશ ન જશો.' પંડિતોના દબાણથી શેઠે પરદેશ જવાનું બંધ રાખ્યું. થોડા જ સમયમાં તેમના જમાઈ ગુજરી ગયા. પંડિતોને એટલો તો સંતોષ થયો હશે કે, "ચલો ધર્મ તો બચ ગયા!"
આવી જુનવાણી અને સંકુચિત માન્યતાઓથી ભરપૂર આ પંડિતોની નગરીમાં અંતે પરમહંસોએ પોતાની પાઠશાળાઓ શરૂ કરવા કમર કસી. સાંભળવા પ્રમાણે સર્વ પ્રથમ સ્વામી ગોવિંદાનંદજી મહારાજે સંન્યાસી કૉલેજની સ્થાપના કરી. પછી તો બીજા અનેક મહંતોએ પાઠશાળાઓ શરૂ કરી એટલું જ નહિ મફત રહેવાનું, જમવાનું તથા ઉપરથી શિષ્યવૃત્તિ આપીનેસંન્યાસીઓને ભણવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી આપી. હું જ્યારે કાશી પહોંચ્યો ત્યારે દસ-પંદર પાઠશાળાઓ સાધુઓ દ્વારા ચલાવવામાં આવતી હતી, જેમાંથી મોટા ભાગની ઘણી સારી સ્થિતિમાં ચાલતી હતી. નાની ઉંમરના અનેક સાધુઓ હાથમાં પુસ્તકો લઈને અધ્યયન માટે આવતા-જતા જોઈ શકાતા.
આભાર
સ્નેહલ જાની