આપણા રાજ્યનું એક નાનકડું ગામ. આ ગામ ખૂબ સારો વિકાસ પામેલું હતું અને અહીં સંપ પણ એવો જ. ઈશ્વર તરફથી મળેલી એક સ્વર્ણિમ ભેટ કહો, તો એ ગામ નદીના કાંઠે વસેલું હતું. આમ તો નદીમાં નીર બહુ ઓછા રહેતા, પણ ચોમાસામાં નદી છલોછલ થઈ જતી. આ નદી સુધી જવા માટે ગામની એક મોટી શેરીમાંથી માર્ગ નીકળતો અને આગળ ઢોળાવ લઈને નદીમાં ભળતો. આવા રૂડા ગામડામાં બધા સંપથી રહેતા અને એકબીજાને મદદ કરતા.
આંહી બે મિત્રો ઘણા લાંબા સમય પછી પરત ફરેલા. મનન અને જય, બંને મિત્રો હંમેશા સાથે રહેતા. શહેરમાં ભણવા માટે પણ સાથે ગયા ને આવ્યા ત્યારે પણ સાથે જ આવ્યા. મનનના પપ્પા રાજેશભાઈ ગામની એ જ મોટી શેરીમાં કરિયાણાની દુકાન ચલાવતા. પરંતુ વિધિએ વક્રતા ઢોળી અને રાજેશભાઈ અકાળે હૃદયરોગથી મૃત્યુ પામ્યા. ઘરમાં હવે મનન સિવાય કોઈ રહ્યું નહીં જે એના ઘરને ચલાવવા માટે કંઈક કરી શકે. એકના એક સંતાને પિતાની વારસાઈ સાચવવાનો નિર્ણય લીધો.
મનન તેની કરિયાણાની દુકાન સંભાળવા લાગ્યો અને તેનો મિત્ર જય પણ એનો સાથ દેવા લાગ્યો. પરંતુ ગામડાના શાંત વાતાવરણ અને ઓછી ગ્રાહકી હોવાથી બંનેને દિવસભર વધારાનું કંઈ ખાસ કામ કરવાનું રહેતું નહીં. એટલે બંને તેની દુકાન પર ભેગા થાય. કોઈ ગ્રાહક આવે તો તેને સામાન આપે અને ફરી પાછા ભેગા થઈને બેસે.
બંને ફોનમાં ગેમ રમવાના શોખીન જીવ. બને એવું કે બપોરના સમય દરમિયાન કોઈ ગ્રાહક દુકાન પર આવતું નહીં. એવામાં દુકાન પર જ બંનેએ આરામથી બેસીને ફોનમાં સમય વિતાવવાનું શરૂ કરી દીધું. ઉનાળાના વાતાવરણમાં બહાર તડકે જવાને બદલે દુકાનમાં જ પંખા નીચે બેસી રહેવામાં તેઓ શાણપણ માનતા. બંને સામસામે પગ લંબાવે અને સાંજ સુધી પડ્યા રહેતા.
તેમની શેરી જ્યાંથી શરૂ થતી ત્યાં એક મોટો ચોક હતો. એને ચોક કે ચોરો કહો, જ્યાં ચબુતરો અને એ ચબુતરાની સામે એક શિવમંદિર હતું. મંદિરનાં પૂજારી એવા સંત ધર્માનંદજીનો રોજનો ક્રમ બંધાયેલો હતો. સવારે વહેલા નદીએ સ્નાન કરવા જાય અને પછી મંદિરમાં પૂજા-પાઠ કરે. બપોરના સમયે પોતાના માટે આંટો લેવા ગામમાં ભ્રમણ કરતા અને સાંજે ક્યારેક નવરાશ મળે તો ગામમાં ફરીને ગામના સમાચાર લેતા. બંને મિત્રોથી એ સુપેરે પરિચિત હતા અને રોજે નીકળતા ધર્માનંદ સંતથી તે બંને પણ પરિચિત હતા.
એક દિવસ પોતાના નિત્યક્રમ પ્રમાણે બપોરના સમયે તે ગામમાં આંટો લેવા નીકળ્યા. ત્યાંથી પસાર થતા એ પોતાની જોળી સરખી કરી રહ્યા હતા. એવામાં મનનની કરિયાણાની દુકાન સામે પડેલો એનો બાંકડો એના પગ સાથે અથડાયો. ધર્માનંદજીએ નજર કરી તો તેમને આશ્ચર્ય થયું. "રોજે આ બાંકડો અહીં ન રહેતો, આજે કેમ હશે!" વિચાર કરતાં તેમણે દુકાનમાં નજર કરી તો બંને મિત્રોને જોયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, "રાજેશભાઈ તો રોજે આ બાંકડો બપોરના સમયે અને સાંજે દુકાન બંધ કરવાના સમયે અંદર મૂકી દેતા. તેનો દીકરો આજે ભૂલી ગયો છે કે પછી બાંકડો અંદર લેવાની એને ખબર જ નહીં હોય!"
તેમણે ધીમેથી બોલાવ્યો, "મનન બેટા... દીકરા મનન..." એના જવાબની રાહ જોતા સંતનો અવાજ એના સુધી પહોંચી જ નહોતો રહ્યો. બંને પોતાના ફોનમાં ગેમ રમવામાં જ મશગુલ હતા. આખરે પડતું મૂકીને તેમણે પોતાનો રસ્તો પકડ્યો.
બીજા દિવસે પણ એ સંત ત્યાંથી નીકળ્યા, તો જોયું કે આજે પણ બાંકડો પડ્યો છે. આજે તે તેની દુકાનનું પગથિયું ચડી ગયા. કોઈ આવ્યું છે એમ જાણી મનને તેના તરફ જોયા વિના જ કહ્યું, "બોલો, શું જોઈએ છે?"
"ના મારે કશું જોતું નથી." સંતે જવાબ આપ્યો.
"તો કેમ આવ્યા છો?" મનન હજુ પણ તેની સામે જોયા વિના જ બોલી રહ્યો હતો. ધર્માનંદજીએ જવાબ વાળ્યો, "આ તો હું આંહીથી પસાર થતો હતો, તો જોયું કે તમારો બાંકડો અહીં પડ્યો છે. બેટા, એને વ્યવસ્થિત મૂકી દે, નહીં તો તારા પિતા મુકતા એ રીતે અંદર મૂકી દે."
"હા હા... મૂકી દઈશ." મનને તેના તરફ ધ્યાન ન આપ્યું અને એમ જ જવાબ આપી દીધો. સંત એની વાત પર ભરોસો કરતાં કે એ મૂકી દેશે, ત્યાંથી ચાલતા થયા.
પછીના દિવસે ધર્માનંદજી વહેલી સવારે સ્નાન માટે જઈ રહ્યા હતા. મનનની દુકાન પાસે પહોંચતા તેમની નજર એ બાંકડા પર ગઈ. "અરે! આ છોકરાઓ બાંકડો અંદર લેવાનું ભૂલી ગયા કે શું?" ધર્માનંદજીએ મનમાં વિચાર કર્યો. તેમની ભલમનસાઈ ભરેલી બુદ્ધિમાં એ વિચાર હતો કે કામ વગરનો પડેલો આ બાંકડો કદાચ રસ્તામાંથી પસાર થતા લોકોને નડતો હોય. માટે તે વારંવાર તે બંને મિત્રોને ટકોર કરી રહ્યા હતા.
બપોરના સમયે પોતાના નિત્યક્રમ પ્રમાણે સંત ત્યાંથી નીકળ્યા અને બંને યુવાનોને સૂતા જોયા. ધર્માનંદજીએ ત્યાં જઈને તેમને જગાડ્યા અને કહ્યું, "તમે આજે પણ આ બાંકડો અંદર લેવાનું ભૂલી ગયા?"
જયે તેને જવાબ આપ્યો, "શું મહારાજ, રોજે રોજે અંદર મૂકવો ને બહાર કાઢવો! આટલી બધી માથાફોડ કોણ કરે? રોજે બહાર તો કાઢવાનો જ હોય છે. થોડાંક ભાભલાઓ આવે છે ને સાંજના સમયે ત્યાં બેસે છે. હવે રોજે મૂકવાનો જ છે તો પછી અંદર મૂકવાનો શું લાભ! એના કરતાં ભલેને ત્યાં પડ્યો."
ધર્માનંદજીને એ સમજતા વાર ન લાગી કે આ તે બંનેની આળસ બોલે છે. છતાં તેમણે કહ્યું, "એ તો બરાબર. પણ કોઈ આવે અને બેસે ત્યાં સુધી બરાબર છે. પણ બપોરના સમયે કોઈ ના હોય અને સાંજે દુકાન બંધ કરો ત્યારે તો અંદર મૂકી શકાય. નકામો કોઈને નડતો હોય."
મનન બોલ્યો, "વાત બરાબર મહારાજ. પણ બધાને ખબર જ છે કે બાંકડો અહીં પડ્યો હોય. તરીને બીજી બાજુથી જતા રહેશે. આજ સુધી કોઈને નડ્યો નથી. ખોટી શું માથાફોડ કરવાની!"
"ઠીક. જેવી તમારી ઈચ્છા. આ તો આજે વહેલી સવારે મેં જોયો એટલે કહ્યું. આખી રાત બહાર પડ્યો હોય અને તમારા ધ્યાન બહાર ચોરી થઈ ગઈ તો? બાકી જેવી તમારી ઈચ્છા." કહેતા તેઓ ત્યાંથી ચાલતા થયા.
દુકાનમાં સૂતા સૂતા બંને મિત્રોએ સંતની આ વાત પર વિચાર કર્યો. જયે કહ્યું, "મનન, ધર્માનંદજીની આ વાત તો સાચી. આખી રાત બહાર પડી રહેલો બાંકડો જો કોઈ ચોરી ગયું તો?"
"તો શું કરીશું?" મનને પૂછ્યું.
જય કહેવા લાગ્યો, "આપણે એનો પર્મનન્ટ ઈલાજ કરવો જોઈએ. આપણે કંઈક એવું કરીએ કે વારંવાર આપણે મહેનત પણ ન કરવી પડે અને બાંકડો કોઈ ચોરી પણ ન કરે." આગળ શું કરવું એની તે બંને ચર્ચા કરવા લાગ્યા.
ધર્માનંદજી પોતાના નિયત સમયે વહેલી સવારે નદીએ જવા માટે નીકળ્યા. તો તેમનું ધ્યાન ગયું કે બાંકડો ત્યાં જ પડ્યો છે, પણ કોઈ ચોરી ન કરે એ માટે બંને મિત્રોએ એને ઈંટ અને સિમેન્ટ નાંખીને મજબૂત કરી દીધો હતો. સંતે વિચાર્યા વગર કરેલા તેઓના આ કામ બદલ એક નિસાસો નાંખ્યો અને પછી પોતાના રસ્તે જતા રહ્યા. આજે બપોરના સમયે સંત નીકળ્યા તો બંને મિત્રો તેમની સામે જોઈને પોતાની હોંશિયારી પર હસી રહ્યા હતા.
સંતને જોઈને જય મનનને કહેવા લાગ્યો, "જોયું, અમે એનો પર્મનન્ટ ઈલાજ કરી દીધો. હવે વારે વારે અંદર-બહાર મૂકવાની જરૂર જ નહીં પડે."
સંત કહે, "બેટા, અમુક કામ વિચારીને કરવા જોઈએ. આમ પોતાની આળસ ક્યારેક આપણને જ નડતી હોય છે." તે ત્યાંથી જતા રહ્યા.
જય અને મનન હવે બિન્દાસ રોજની જેમ ગેમ રમે અથવા સૂઈ જાય. ધીમે ધીમે ઉનાળાના દિવસો પસાર થઈ ગયા. ચોમાસાની શરૂઆત થઈ. પહેલા વરસાદે આભ ગજાવ્યું અને મુશળધાર વરસાદ શરૂ થયો. બંને મિત્રો પોતાની ટેવ પ્રમાણે દુકાનમાં બેસીને વરસાદ નિહાળતા રહ્યા. ધીમે ધીમે વરસાદનું પાણી ગલીઓમાં એકઠું થવા લાગ્યું.
મોટી શેરીમાંથી, જ્યાં મનનની દુકાન હતી, ત્યાંથી પસાર થઈને પાણી નદીમાં વહી જતું. પણ હવે ત્યાં બંને મિત્રોએ બાંકડાને મજબૂતી આપવા ઈંટો અને રેતીથી ચણતર કરી નાંખેલું. એટલે પાણી ભરાવા લાગ્યું. થોડી થોડી વારે પાણીનો પ્રવાહ ઉપર આવવા લાગ્યો. દુકાનમાં અંદર પાણી આવતા બંને મિત્રોને એ અહેસાસ થયો અને પોતાના ફોનમાંથી બહાર આવ્યા.
જોયું તો પાણી દુકાનમાં પ્રવેશી ગયેલું. બહાર જોયું તો પાણી બાંકડાને લીધે ભરાઈ રહ્યું હતું અને તેને જવા માટે રસ્તો નહોતો મળતો. તેથી અંદર પ્રવેશી રહ્યું હતું. બંનેને એ ભાન થઈ ગયું કે તેમણે ચણતર કરીને ખોટું કર્યું છે અને તેના આ કામથી જ પાણીના માર્ગમાં અવરોધ ઊભો થયો છે. બંને પોતાની આ બેદરકારી માટે પસ્તાઈ રહ્યા. તેમણે તુરંત ફોન બાજુમાં રાખી દીધા. બહાર આવ્યા અને એક મોટો હથોડો લઈને એ બાંકડાને તોડવા લાગ્યા.
જ્યાં સુધીમાં એ ચણતર તોડે ત્યાં સુધીમાં ઘણું પાણી અંદર ઘુસી ચૂક્યું હતું. પરત દુકાનમાં આવીને જોયું તો પગની પાની ડૂબે એટલું પાણી ભરાઈ ગયેલું અને ઘણો માલ-સામાન વેડફાઈ ગયો હતો. વરસાદ બંધ થયો, ગામના અન્ય લોકો ત્યાં આવી તેની પરિસ્થિતિ જોવા લાગ્યા. બંને લાચાર બનીને બેઠા હતા.
એવામાં ધર્માનંદજી ત્યાં આવ્યા. તેમને જોઈને મનન અને જય તેમની પાસે જાય છે. મનન રડમસ અવાજે કહેવા લાગ્યો, "મહારાજ, તમે જોયું. તમે અમને વારંવાર કહેતા રહ્યા, પણ અમે આ બાંકડાનો પર્મનન્ટ ઈલાજ કર્યો છે એમ વિચારીને શાંતિથી બેસી ગયા અને એ ભૂલ અમને બહુ ભારે પડી."
ધર્માનંદજીએ એક નાનકડી મુસ્કાન આપી અને તેમને સમજાવતા કહ્યું, "જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે પસ્તાવો કરવાનો કોઈ અર્થ નથી. હું તમને બંનેને આ સમજાવવા જ માંગતો હતો. પણ તમે બંને આળસમાં કોઈનું સાંભળવા જ નહોતા માંગતા."
જય બોલ્યો, "હા. એમાં ભૂલ અમારી જ હતી અને તેથી જ અમને આટલું નુકસાન થયું."
સંતે ફરી કહ્યું, "નહીં દીકરા. આ તમારા વિચારોની ભૂલ છે. તમે લોકો સૂવામાં અને ફોનમાં સમય વીતાવવાને જ સાચું સુખ માની રહ્યા હતા. તમને થતું હતું કે શાંતિ સૂવાથી અને આરામ કરવાથી મળે છે. પંખા નીચે બેસીને સમય પસાર કરવાને તમે સુખ માનતા હતા. ને વળી, એ સુખને સારું સમજી માણતા રહ્યા. આ સુખ નહીં પણ આળસની નિશાની છે. આવી આળસમાં જીવશો તો જીવન ક્યારેય નહીં માણી શકો કે ના જીવનનો આનંદ લઈ શકશો. જીવનનો આનંદ સૂવામાં નથી. પોતાના ભાગમાં આવતું કામ પૂરું કરીને, લોકો સાથે મળીને જીવન જીવવામાં સાચો આનંદ અને સુખ છે."
મનન કહેવા લાગ્યો, "હા સંત મહારાજ. હવે અમને તમારી વાત સમજાઈ ગઈ છે. હું ક્યારેય આળસ નહીં કરું. હું પહેલા મારા ભાગનું કામ કરીશ અને પછી જ બીજી વસ્તુમાં ધ્યાન આપીશ."
સંતે હસીને ગામના લોકોને કહ્યું, "આ ગામ એક પરિવાર છે. આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. ચાલો ભાઈઓ. સાથે મળીને આપણે આ બંનેની દુકાન ફરીથી પહેલા જેવી કરવામાં મદદ કરીએ."
ધર્માનંદજીની વાત સાંભળી બધા તે બંને મિત્રો સાથે મળીને તેમને કામ કરાવવા લાગ્યા. એ બંને મિત્રોએ પોતાની આળસની ભૂલ સ્વીકારી અને નાનકડા કામમાં કરેલી આળસનું પરિણામ કેટલું અઘરું હોય છે એનો અનુભવ કર્યો. પછી સંત હસ્યા અને પોતાના નિત્યક્રમ પ્રમાણે ચાલતા થયા.