ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.
સ્થળ:- વીજળી મહાદેવ.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
આપણાં દેશમાં અનેક ચમત્કારિક જગ્યાઓ આવેલી છે. આમાંની જ એક એવી ચમત્કારિક જગ્યાએ આજે હું તમને લઈ જવાની છું. હિમાચલ પ્રદેશમાં આવેલું વીજળી મહાદેવ કે જ્યાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે. આખું શિવલિંગ તૂટી જાય છે અને તૂટીને ફરીથી જોડાય છે.
વીજળી મહાદેવ ભારતના પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિર કુલ્લુથી 14 કિમી દૂર બિયાસ નદીની પેલે પાર આવેલું છે. તે મંદિર સુધી પોંહચવા માટે 3 કિમી જેટલું ટ્રેકિંગ કરવું પડે છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુ વેલીના કશાવરી ગામમા વીજળી મહાદેવનું મંદિર આવેલુ છે. મહાદેવનું આ મંદિર 2460 મીટરની ઉંચાઈ પર આવેલુ છે.
મંદિરમાંથી કુલ્લુ અને પાર્વતી વેલીનું મનોહર દૃશ્ય જોઈ શકાય છે. આ ઉપરાંત સ્થાનિકોની માન્યતા અનુસાર શિવલિંગ પાસે કાન લગાવી ધ્યાનથી સાંભળવાથી નદી નીચે વહેતી નદીનો અવાજ સંભળાય છે.
હિમાચલ પ્રદેશના આ મંદિરમાં વીજળી પડે છે, છતાં શિવલિંગ અખંડ રહે છે. આવો જાણીએ આ ચમત્કારી મંદિરનું રહસ્ય...
કુલ્લુ ખીણમાં આવેલું, વીજળી મહાદેવ મંદિર તેની અનોખી ઘટનાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે દર 12 વર્ષમાં એકવાર આ મંદિરના શિવલિંગ પર વીજળી પડે છે, જેના કારણે આ શિવલિંગ તૂટી જાય છે. પરંતુ થોડા સમય પછી શિવલિંગ ફરી જોડાઈ જાય છે. મંદિરના પૂજારી શિવલિંગના ટુકડાને મીઠા વગરના માખણથી લપેટવામાં આવે છે. જેના કારણે થોડા દિવસો પછી શિવલિંગ પહેલા જેવુ જ થઈ જાય છે. શિવલિંગ જોડાઈ જાય પછી તેનાં પર પાણી રેડવામાં આવે છે. એકવાર શિવલિંગ જોડાઈ જાય પછી કોઈને અણસાર સુધ્ધાં નથી આવતો કે આ સંપૂર્ણપણે ખંડિત થઈ ગયું હતું.
મંદિરની બહાર લગભગ 50 ફૂટની ઊંચાઇએ ઝાડ પર સ્થાપિત ત્રિશૂળ દ્વારા વીજળી સીધી શિવલિંગ સુધી પહોંચે છે.
મંદિર સાથે જોડાયેલ દંતકથા:-
પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થાન પુરાણોમાં ઉલ્લેખિત મહાદેવના દિવ્ય સ્થાનોમાંથી એક છે. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ વિસ્તાર કુલાંત નામના રાક્ષસ દ્વારા આતંકિત હતો, જેને ભગવાન શિવે પોતાની દૈવી શક્તિથી નાશ કર્યો હતો.
આ કુલાંત રાક્ષસ અજગરનું રુપ ધારણ કરીને નાગધર થઈને મથાણા ગામમાં આવ્યો હતો. આ ગામમાંથી વહેતી વ્યાસ નદીને તેણે રોકી દીધી હતી. એટલે એનું પાણી વહેતું અટકી ગયું હતું. આ કારણે જ્યાં પાણી જમા થયું હતું એ ભાગમાં આ વિસ્તારમાં રહેતાં પશુઓ આ પાણીમાં ડૂબીને મરવા લાગ્યા હતા. જ્યારે ભગવાન શંકરને આ બાબતની ખબર પડી ત્યારે તેમણે ઈન્દ્ર દેવને આ રાક્ષસ ઉપર વીજળી ત્રાટકવી જોઈએ એવો આદેશ આપ્યો. સાથે સાથે એમ પણ આદેશ આપ્યો કે દર 12 વર્ષે આ વીજળી કુલાંત રાક્ષસ ઉપર પડવી જોઈએ. પરંતુ ઈન્દ્રદેવનાં કહેવા મુજબ આમ કરવાથી ગામ લોકોને પણ નુકસાન થાય એમ હતું. જેનાં ઉકેલ સ્વરૂપે ભગવાન શિવે આ વીજળી પોતાનાં પર લઈ લેવાનું નક્કી કર્યું અને આથી જ આ ગામને વીજળી અને આ રાક્ષસમાંથી બચાવી લેવાય છે. એવું માનવામાં આવે છે કે આ જગ્યાનું નામ 'કુલ્લુ' પણ આ કુલાંત રાક્ષસ સાથે જોડાયેલી કથાને લીધે જ પડ્યું છે.
કુલાંતના વિનાશ પછી પણ જ્યારે લોકોનો ડર ઓછો ન થયો ત્યારે ભગવાન શિવ પર્વતની ટોચ પર સ્થાયી થયા, અને ભગવાન ઈન્દ્રને કુલ્લુના લોકોની તમામ મુશ્કેલીઓ તેમના પર વીજળીના રૂપમાં વરસાવવાનો આદેશ આપ્યો.
એવું માનવામાં આવે છે કે ત્યારથી ભગવાન શિવ કુલ્લુ ખીણની દરેક આફત સહન કરે છે. આ કારણથી દર 12 વર્ષમાં એકવાર મહાદેવના શિવલિંગ પર વીજળી પડે છે.આ પછી મંદિરના પૂજારી તૂટેલા શિવલિંગના ટુકડાને માખણ, ઘી અને ગુપ્ત ઔષધિઓથી પુનઃસ્થાપિત કરે છે.આ રહસ્ય હજુ પણ વિજ્ઞાન દ્વારા વણઉકલ્યું છે કે શા માટે માત્ર આ મંદિરમાં જ નિયમિત અંતરે વીજળી પડે છે?
સૌજન્ય:- ઈન્ટરનેટનાં વિવિધ વેબપેજ.
આભાર.
સ્નેહલ જાની