મને એ દિવસે વિચાર આવ્યો કે પગાર તો મમ્મી લઈ લેતા હતા. અમને જરૂર પડતાં જ રૂપિયા ગણીને આપતા હતા. તો શું એમને લાઇટબીલ આવશે એવી ખબર નહીં હોય ? એમણે લાઈટબીલ માટે પૈસા ન રાખ્યા હોય ? પણ હવે એ વિચાર કરવાનો કંઈ અર્થ ન હતો કારણ કે એમને આ વિશે પૂછવાની હિંમત તો હું કરી જ ન શકું અને તમે એમને એ પૂછવાના હતા નહીં. એ વખતે તો કાકીને ત્યાંથી રૂપિયા લાવીને લાઈટબીલ ભરી દીધું હતું. હવે મારે એ વિચારવાનું હતું કે બીજું લાઈટબીલ આવે તે પહેલાં એ બીલ જેટલા પૈસા મારે મારી પાસે રાખવાના હતા અને ઘર પણ ચલાવવાનું હતું. ધીરે ધીરે દિવસ પસાર થતા હતા. મેં ઘરમાં જે પ્રમાણે દૂધ, શાકભાજી વગેરે આવતું હતું એ કાયમ જ રાખ્યું. એમાં કંઈ પણ બાંધછોડ કરી નહીં. પણ મેં જોયું કે મમ્મી ચાર પાંચ શાકભાજી મંગાવી લે અને પછી એમાંથી લગભગ બે શાક તો બગડી જાય એટલે ફેંકી જ દેવા પડે. એટલે મેં રોજનું રોજ શાકભાજી લાવવાનું શરૂ કર્યુ. વળી, આપણે ત્યાં રોજ સાંજે દૂધ લાવતા જે દિકરા સાથે બપોર સુધીમાં પતી જતું. એટલે બપોરે જો કોઈ મહેમાન આવે તો ચા બનાવવા માટે બાજુમાં કાકીને ત્યાંથી દૂધ લાવવું પડતું અને એ દૂધ લેવા મારે જ જવું પડતું જે મને બિલકુલ ગમતું નહીં. વળી, જ્યારે દૂધ આપવાનું હોય ત્યારે મમ્મી જતા અને જેટલું લાવ્યા હોય તેનાથી થોડું વધારે આપી આવતા કે આપણને આપે છે ને એટલે. મેં આગળ પણ એમને કહેલું કે આપણે દૂધ સવારે જ મંગાવીએ તો ? પણ એ હંમેશા ના જ પાડતા. પણ હવે મેં એ દૂધ વાળા ભાઈને કહી દીધું કે તમે સવારે જ દૂધ આપી જજો. એટલે જો કોઈ મહેમાન આવે ને સાંજે દૂધ પૂરું થઈ ગયું હોય તો લઈ લેવાય. એટલે બાજુમાં કાકીને ત્યાં લેવા જવું જ ન પડે. આમ કરતાં કરતાં એ મહિનો તો પૂરો થઈ ગયો. મારે લાઈટબીલ સિવાય બીજા કોઈ પણ કામ માટે કોઈ પાસે રૂપિયા શોધવા ન પડ્યા. પણ થોડા રૂપિયા બચ્યા હતા. મેં એ સાચવીને મૂકી દીધા કે ફરી પાછું જયારે લાઈટબીલ આવશે તેના માટે ચાલશે. બીજા મહિનાનો તમારો પગાર આવી ગયો. મેં એમાંથી કાકી પાસે લાઈટબીલ ભરવા જે પૈસા લીધા હતા તે આપી દીધા. ફરી દિવસ વીતતાં હતા. થોડા જ દિવસમાં ગેસનો બાટલો પતી ગયો. એ ભરાવી દીધો. ત્યારે મને એમ થયું કે હવે જે પૈસા છે એમાંથી મારે મહિનો પૂરો કરવાનો છે અને પૈસા બચે તો બચાવવાના પણ છે લાઈટબીલના ભેગા કરવા માટે. અને એ મહિનો પણ નીકળી ગયો. મારી પાસે આગળના અને અત્યારના બચેલા રૂપિયા ભેગા કરતાં લાઈટબીલ જેટલા થઈ ગયા હતા. મને થોડી હાશ થઈ. એના પછીના મહિનામાં પગાર થયો ત્યારે તમારા સ્કૂટરમાં થોડો ખર્ચો હતો તે કરાવવાનો હતો તે કરાવ્યો. પણ બચેલા રૂપિયામાંથી મહિનો પૂરો થઈ રહ્યો. થોડા બચ્યા પણ ખરા. આમ ધીરે ધીરે બધું વ્યવસ્થિત ચાલતું હતું. પછી જ્યારે લાઇટબીલ આવ્યું ત્યારે મમ્મીએ કહ્યું પણ ખરું કે પૈસા ન હોય તો બાજુમાંથી લઈ આવ. પણ મેં ના પાડી અને કહ્યું કે છે મારી પાસે. મારો જવાબ સાંભળીને એ થોડા આશ્ચર્ય ચકિત થઈ ગયા પણ કંઈ બોલ્યા નહીં. ને એ જ સમયમાં આપણી જમીન જે ભાઈ ખેડતા હતા તે પૈસા આપવા આવ્યા અને એમણે કહ્યું કે હવે તેઓ આપણી જમીન ખેડશે નહીં. એ ભાઈ જે પૈસા આપી ગયા હતા તે પણ મમ્મીએ તમને આપી દીધેલાં કે હવે તું જ રાખ મારે કંઈ સંભાળવું નથી. ને હવે તારે જમીન નું જે કરવું હોય તે કરજે હું કંઈ કરવાની નથી.