Owner in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | માલિક

Featured Books
Categories
Share

માલિક

માલિક

- રાકેશ ઠક્કર

          રાજકુમાર રાવનો ગેંગસ્ટર તરીકેનો અવતાર શક્તિશાળી છે પણ 'માલિક' એક માસ્ટરપીસ ફિલ્મ બનવામાં સફળ થતી નથી. કેમકે ‘માલિક’ની વાર્તા એવી છે કે એને કોઈપણ લખી શકે એમ હતું! એટલું સારું છે કે ફિલ્મ ‘માલિક’ ફહાદ ફાઝિલની મલયાલમ ફિલ્મની રીમેક નથી. ચર્ચા ઘણી હતી પણ બંને ફિલ્મોનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી. આ ફિલ્મ અલ્હાબાદની વાસ્તવિક ગેંગવોરથી થોડી પ્રેરિત છે. ફિલ્મમાં રક્તપાત, બદલો, અપમાન, અભિમાન, પાપ-પુણ્ય અને છેતરપિંડીની વાર્તા છે. જેમાં ફિલ્મના હીરોને હીરો કહેવો જોઈએ કે ખલનાયક એ સમજાતું નથી. એમાં કશું અલગ પણ નથી. દરેક ગેંગસ્ટર ફિલ્મની વાર્તા જેવી જ છે. આવી બીજી ફિલ્મોના 3 કલાક 2 કલાક જેવા લાગે છે ત્યારે ‘માલિક’ ના 2 કલાક પણ 3 કલાક કરતા વધુ લાગે છે.

        એ માનવું પડશે કે રાજકુમાર રાવની મજબૂત હાજરી છે. તેણે પોતાની છબી તોડવામાં સફળતા મેળવી છે. તે ફરી એક વખત સાબિત કરે છે કે તે દરેક ભૂમિકામાં પોતાના 100% આપે છે અને માલિક એમાં અપવાદરૂપ નથી. એક ખતરનાક ગેંગસ્ટર તરીકે રાજકુમાર સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર લાગે છે. એ દ્રશ્ય જ્યાં તે એકસાથે ચાર લોકોને ફાંસીએ લટકાવી દે છે. આવા દ્રશ્યો તેને વર્તમાનના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક ગણાવે છે. અભિનય ખૂબ જ સંતુલિત છે અને એક્શન કરતી વખતે પણ નકલી લાગતો નથી.

         સહાયક કલાકારોની પસંદગી સારી છે. માનુષી છિલ્લર એની બીજી ફિલ્મો કરતાં વધુ સારી દેખાય છે અને કામ સારું કર્યું છે. એક ગામડાની સામાન્ય છોકરીની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે. તે અભિનયમાં વધુ આત્મવિશ્વાસુ લાગે છે. ભૂમિકા મર્યાદિત હોવા છતાં સારી રીતે ભજવી ગઈ છે. અંશુમન ની ભૂમિકા મુખ્ય છે. તેણે એક મજબૂત છાપ છોડી છે. 12વી ફેલ પછી આ તેનું બીજું પ્રશંસનીય પ્રદર્શન છે. સૌરભ શુક્લાની ભૂમિકા તેને પહેલાં કોઈ ફિલ્મમાં જોયેલી હોય એવી જ લાગે છે. જો કલાકારોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આ ફિલ્મ ફક્ત નામથી જ નહીં પરંતુ સામગ્રી દ્વારા બોલિવૂડની માલિક બની શકી હોત.

         આ 90 ના દાયકામાં સેટ કરેલી ગેંગસ્ટર આધારિત એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. એમાં એ જ પ્રકારના ગેંગસ્ટર છે જેને 99% ગેંગસ્ટર ફિલ્મોમાં આપણે જોયા હશે. જેમાં ગરીબીમાંથી ઊંચા ઉઠીને પોતાનું નામ આગળ વધારવા માટે ખોટા કામો કરીને પોતાનું વર્ચસ્વ બનાવવું વગેરે હોય છે. આ પહેલાં જેમણે ક્યારેય ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ જોઈ નથી તેમને શક્ય છે કે ગમી શકે. બહુ ચોંકાવનારા ટ્વિસ્ટ નથી. મોટાભાગની બાબતોનો અંદાજ પહેલાથી જ આવી જાય છે. એ કારણે રોમાંચ ઓછો થાય છે. પહેલો ભાગ બહુ ટૂંકો છે. ઇન્ટરવલ પછીનો ભાગ લગભગ 90 મિનિટ લાંબો છે. કેટલાક દ્રશ્યોમાં દર્શકોની ધીરજની કસોટી થાય છે.

         નિર્દેશક પુલકિતની એ સૌથી મોટી નબળાઈ છે કે અમિતાભ બચ્ચનના ‘વિજય’, યશના ‘રોકી ભાઈ’ અને અલ્લુ અર્જુનના ‘પુષ્પરાજ’ ની જેમ રાજકુમારના ‘માલિક’ બનવાનું કોઈ મજબૂત કારણ આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી દર્શકો આ પાત્ર પ્રત્યે કોઈ સહાનુભૂતિ કે લગાવ અનુભવતા નથી. આ માલિક ગરીબો માટે મસીહા પણ નથી. તે ફક્ત અડધો ડઝન ગુંડાઓની મદદથી પોતાના વિરોધીઓને મારી રહ્યો છે. નવાઈની વાત એ છે કે જેમની પાસે નવું કશું કહેવાની કે કરવાની સમજ નથી એ ‘માલિક’ ની સીકવલ લઈને આવવાના છે. એ કારણે ક્લાઇમેક્સ પણ નબળો રહી ગયો છે. તે નિરાશાજનક પણ છે. જ્યાં ફિલ્મ સમાપ્ત થવી જોઈતી હતી તે બિંદુને છોડી દેવામાં આવે છે. આ ભાગ ફક્ત બિનજરૂરી જ નથી પણ થોડો હાસ્યાસ્પદ લાગે છે.

         કેતન સોઢાનું બેકગ્રાઉન્ડ સારું છે. સચિન- જિગરના સંગીતમાં ગીતો ખાસ અસર કરવામાં સફળ થતાં નથી. 'નામુમકિન' સુંદર ફિલમાંકન માટે થોડી પ્રશંસા મેળવી જાય છે. 'દિલ થામ કે' ભૂલી શકાય એવું છે. 'રાજ કરેગા માલિક' ફિલ્મના મૂડ અને સેટિંગ સાથે ખાસ મેળ ખાતું નથી.