નિતુ : ૧૧૯ (મુલાકાત)
નિતુ પોતાના જીવનમાં જે શાંતિ અને સારપની આશાએ બેઠી હતી. એ એના માટે એક સ્વપ્ન બની જવાના ડર સાથે પલ્ટો મારશે, એવું એણે સ્વપ્નમાં પણ ન્હોતું વિચાર્યું. અલમારીમાં જોયેલી પેન્ડિંગ ફાઈલે એને હચમચાવી દીધી હતી. સમય સાથે એનો તાલ નહોતો રહ્યો. જે વિદ્યા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગી, એ વિદ્યા એનાથી કોઈ વાત છુપાવી રહી છે. એવું એ માની જ નહોતી શકતી.
પાર્કિંગમાં કોઈ હાજર નહોતું. એકલ થવા એ ત્યાં જતી રહી અને ચોધાર આંસુડે રડી પડી. મેનેજર બનવાની ખુશી હતી, પણ મેનેજર બનતાની સાથે તોફાન ઉઠશે એ ધાર્યા બહારનું થઈ ગયું. વિદ્યા માટે સવાલો હતા, પણ અહીં દરેકની સામે વાત કરવી એને યોગ્ય ન લાગી.
બીજી બાજુ દરેક લોકો જમણવારની મજા માણી રહ્યા હતા. સાથે જમતા હરેશની નજર આ રીતે બહાર આવતી નિતુને જોતી હતી. સાગર એની જોડે વાતો કરતો હતો. એના તરફ ધ્યાન આપી હા ભણી, એક ક્ષણ પછી એણે આજુ બાજુ નજર કરી એને શોધી. એ ન દેખાતા એ ટેબલ પરથી ઉભો થયો, કે શારદાએ એને પૂછ્યું, "લે, તું કેમ ઉભો થય ગ્યો?"
નજર ઝુકાવતાં એણે કહ્યું, "મને બહુ ભૂખ નથી લાગી. મારુ પતી ગયું છે. તમે લોકો એન્જોય કરો. હું... હું જરાં, હમણાં આવું છું." શારદા બરતરફીથી એને જોતી હતી અને એ જતો રહ્યો. નવીને ફરી તેઓની સાથે વાત કરવાનું શરુ કરી દીધું. ઓફિસના કમ્પાઉન્ડના દરેક ખૂણામાં એ નજર કરતો હતો. મનમાં કંઈક થયું હોવાની આશંકા તો એને થઈ જ ગયેલી. "ઓફિસમાંથી બહાર કમ્પાઉન્ડમાં આવતા તો મેં એને જોઈ. પણ દેખાતી કેમ નથી? ક્યાં ગઈ હશે? એ રડી રહી હતી કે મારો વ્હેમ હતો?"
એને દરેક બાજુ શોધતા એની નજર પાર્કિંગ એરિયામાં પડી. એ ત્યાં ગયો અને પોતાની ગાડી પાસે પહોંચ્યો તો ગાડી પાછળ જમીન પર બેસીને એ રડી રહી હતી. તે કંઈ બોલ્યા વિના એની પાસે ગયો અને એના ખભા પર હાથ રાખ્યો. એના અચાનક સ્પર્શથી તે હેબતાઈ ગઈ. ઉપર નજર કરી તો હરેશ ઉભેલો.
એની પ્રતિક્રિયા જોતા હરેશ સમજી ગયો, કે એ કેટલા ઊંડા વિચારમાં હતી, "આ આ... પેનિક થવાની જરૂર નથી."
"હરેશ તું?"
"હા. હું."
"પણ તું? તું તો ત્યાં..." બહારની તરફ આંગળી ચીંધતા નિતુ એને પૂછવા લાગી.
"હું ત્યાં જ હતો. મેં જોઈ તને, જે રીતે તું ઓફિસમાંથી બહાર આવીને! એ બધું જોયું મેં. શું વાત છે? કેમ રડે છે?"
"હરેશ... તું ઘેર ચાલ. હું અત્યારે હવે વધારે સમય અહીં નથી રહેવા માંગતી."
"પણ થયું છે શું? એ તો કહે!"
"ના... એ બધી લપ તું છોડને. પ્લીઝ, મારે ઘરે જવું છે. તું ગાડી કાઢ."
"એક મિનિટ નિતુ. આ લપ નથી ઓકે! અને જે રીતે તું ઓફિસમાંથી બહાર આવી એ જોયું મેં. આ રીતે અહીં બેસીને શું કામ રડી રહી હતી? શું થયું અંદર ઓફિસમાં?"
"તું એ બધું છોડ. તું... તું પ્લીઝ મને ઘરે લઈ જા."
હરેશ એને તાકી રહ્યો હતો. પરિસ્થિતિ જોતા એને અત્યારે નિતુની વાત માનવી જ વ્યાજબી લાગી. વધારે કહેવાનું ટાળી એ એને લઈને ઘર તરફ ચાલ્યો. હરેશ વારંવાર એના તરફ નજર ઘુમવાતો હતો. આખે રસ્તે એ સુનમુન બેઠી હતી.
કાર્યક્રમના અંતે દરેક લોકો જવા લાગ્યા. વિદ્યા અને નિકુંજ ઉભેલા હતા અને આગંતુક મહેમાનો એ બંનેને નમસ્કાર કરી જતા હતા. અત્યાર સુધી વિદ્યાનું ધ્યાન નહોતું, પણ હવે ઘણા લોકો નીકળી ગયા બાદ એને વિચાર ઝબક્યો, કે નિતુ કશેય દેખાતી નથી. એણે નજર કરી તો નિતુનો પરિવાર એને દેખાયો, પણ એમાં નિતુ નહોતી. વિદાય લેતા મહેમાનોને વિદાય આપી એ કૃતિ તરફ ચાલી.
તેઓની પાસે આવીને ઉભી રહી એટલે શારદા એને કહેવા લાગી, "બેટા હવે અમીય જાઈ."
"ઠીક છે, પણ તમે બંને એકલા જ છો? નીતિકા તમારી સાથે નથી?"
કૃતિએ કહ્યું, "ના. એ તો ક્યારનીયે ઘરે જતી રહી છે."
વિદ્યા વિસ્મિત થઈ ગઈ, "ઘરે જતી રહી! મને જણાવ્યું પણ નહીં!"
કૃતિ કહેવા લાગી, "એણે તો અમને પણ જાણ નથી કરી. ચાલ્યા ગયા પછી મેસેજ કર્યો, કે હું ને સાગર જઈએ ત્યારે મમ્મીને ઘેર છોડતા જઈએ. એ અને હરેશ ક્યારે જતા રહ્યા એ જ ખબર ના પડી."
વિદ્યાના મનમાં શંકા ગઈ કે, "નક્કી કંઈક ગડબડ છે. નહિ તો કોઈને જાણ કર્યા વિના આ રીતે નિતુ હરેશને લઈને શું કામ ચાલી જાય? હરેશ તો આ લોકોની સાથે જ લંચ લેવા બેઠો હતો. તો પછી અચાનક બંને કેમ ચાલ્યા ગયા હશે?"
વિદ્યાની વિદાય લઈને કૃતિ, સાગર અને શારદા ત્રણેય નીકળી ગયા. વિદ્યા નિતુનાં આ પ્રકારના વ્યવહારથી વિસ્મિત હતી. દિમાગ પર જોર નાંખતા એને યાદ આવ્યું કે એ ફાઈલ મૂકવા કેબિનમાં ગઈ હતી. એ પણ મેનેજરની કેબીન તરફ ચાલી. અંદર આવી એ કેબિનમાં જોવા લાગી. ફાઈલો રાખેલી અલમારી ખુલ્લી હતી અને એક ફાઈલ નીચે પડેલી હતી. એણે ફાઈલ હાથમાં ઊંચકાવી જોયું. નિઃસાસો નાખ્યો કે જે એણે નિતુથી છુપાવેલું, એને માલુમ પડી ગયું છે.
એ બધું વ્યવસ્થિત મૂકી બહાર આવી. નિકુંજ એને સામે મળ્યો, "ક્યાં હતી? આખી ઓફિસ ચાલી ગઈ છે." વાતોમાંથી એનું ધ્યાન વિદ્યાના ચેહરા પર ગયું. ગમ્ભીર થતાં એ પૂછવા લાગ્યો, "વિદ્યા..."
એની સામે જોઈ વિદ્યા બોલી, "નિકુંજ! મારે તારી સાથે એક વાત કરવી છે."
"હા બોલ."
"પેન્ડિંગ પ્રોજેક્ટમાં એક ફાઈલ હતી જેના વિશે મેં નીતિકા સાથે કોઈ વાત નહોતી કરી. મને ડર હતો કે એ બધું જાણશે તો..." કહેતા વિદ્યાએ શ્વાસ છોડ્યો.
ઝીણી નજર કરી નિકુંજે પૂછ્યું, "તું કોની વાત કરે છે?"
"હું તને બધું ડિટેઈલમાં કહું છું."
ઘર આંગણે ગાડી ઉભી રહી તો કંઈ જ બોલ્યા વિના એ ઉતરીને અંદર જતી રહી. હરેશ બહાર નીકળી એને જતા જોતો હતો. એ પણ એની પાછળ ગયો. ઘરમાં પ્રવેશતા જ બેઠક ખંડમાં રાખેલ હિંચકા પર એ બેસી ગઈ અને રડવા લાગી. હરેશને આ થોડું અજુગતું લાગતું હતું. એ એની પાસે આવીને બેસતા બોલ્યો, "જો તને લાગતું હોય કે હું તારી સાથે વાત કરવાને લાયક નથી તો તારી ઈચ્છા. પણ વાત જરૂર કોઈ મોટી છે. નહિતર જ્યાં સુધી હું તને ઓળખું છું, તું આસાનીથી ભાંગી જાય, એમાંથી નથી."
તેણે માથું ઊંચકાવી એની સામે જોયું. હરેશે પૂછ્યું, "શું થયું ઓફિસમાં?"
એ રડતા રડતા બોલી, "હરેશ, એ થયું છે જેનો મને ડર હતો. હું વારંવાર એ માણસને ઈગ્નોર કરતી રહી. એના કોલ્સ, મેસેજ, મળવાનું... બધું મેં ટાળ્યું અને હવે એની સાથે..." એ અટકી અને બોલતા બોલતા રડી પડી.
"તું... કોની વાત કરે છે? કોણ છે જેનાથી તું આટલી ડરે છે."
"મારો હસબન્ડ."
સાંભળતા હરેશના કાન ચમક્યા. "તું મયંકની વાત કરે છે?" એણે હકારમાં માથું હલાવ્યું. હરેશે ફરી પૂછ્યું, "નિતુ, તું પ્લીઝ મને વિસ્તારથી કહીશ કે શું થયું છે?"
"હરેશ, હું મારા નવા બનેલા ક્લાઈન્ટની ફાઈલ મૂકવા કેબિનમાં પહોંચી તો ધ્યાન ગયું, કે પેન્ડિંગ પ્રોજેક્ટમાં એક મયંકનો પ્રોજેક્ટ પણ છે. એનો મતલબ કે હવે મારે એની સાથે કામ કરવું પડશે."
"તને પાક્કું એનું જ નામ દેખાયેલું ને? બની શકે કોઈ બીજા મયંકનું નામ હોય."
"ના. અગ્રવાલ પ્રોડક્શન હાઉસનું નામ લખેલું હતું, એના માલિક તરીકે મયંકનું નામ."
"એટલે તું અને મયંક એક સાથે..."
નિતુ બોલી, "મને કંઈ જ નથી સમજાતું કે હું શું કરું? મેડમને જાણ હતી કે મયંક ટાઈમ્સ સાથે કામ કરવા માંગે છે, છતાં એણે મને કોઈ વાત ના કરી."
"જો નિતુ, હવે જે થઈ ગયું એ જવા દે. તું વિદ્યાને કહી દેને કે કોઈ બીજાને એનું કામ સોંપે. તમારી ઓફિસમાં તો કેટલા બધા કર્મચારી છે. ભાર્ગવ, અશોકભાઈ, કોઈને કોઈ એનું કામ સંભાળી લેશે."
"પણ હવે મેનેજર તો હું જ છું ને. એ બધી ચર્ચાઓ તો મારી સાથે જ કરશે."
"પણ તું વાત તો કરી જો. જણાવ કે તું મયંકને ફેસ નહીં કરી શકે. એને કહેશે તો મેડમ કોઈ રસ્તો જરૂર કાઢશે."
નિતુ હરેશની વાત પર વિચાર કરતી હતી. એટલામાં બહાર ગાડી આવીને ઉભી રહી. સાગર અને કૃતિ શારદાને છોડવા માટે આવેલા. ત્રણેયના બોલવાનો અવાજ સંભળાતો હતો. બંનેએ પોતાની વાત અટકાવી દીધી. હરેશ ઘેર જવા સજ્જ થઈ ગયો. નિતુએ પોતાના આંસુ લૂછ્યા અને સ્વસ્થ થઈ ગઈ.
સાગર અને કૃતિ બહારથી જ જતા રહ્યા. થોડી જ વારમાં શારદા અંદર આવી પહોંચી. એ અંદર આવી કે હરેશ એને સામે મળ્યો અને નમસ્તે કરીને જતો રહ્યો. શારદા આવીને નિતુની સામેના સોફા પર બેઠી. આંખ બંધ કરી અને શાંતિનો શ્વાસ લીધો. અચાનક એની નજર નિતુ પર પડી. એ કોઈ વિચારમાં ખોવાયેલી હતી. એણે નીરખી એને જોવાનું શરુ કર્યું. નિતુની લાલ થતી આંખ જોઈ એ બોલી, "નિતુ દીકરા, હુ વચારેસ?"
એ સભાન થઈ, શારદા સામે જોયું. "ના. કૈં નહીં."
"તું ઠામુકી કેમ હાલી આવી? કોઈને કીધુંયે નય!"
"બસ એમ જ."
"કાંઈક તો થયેલું છે."
"કંઈ નથી મમ્મી."
"નિતુ, હું મા છું તારી. આ તારું મોઢું જોયને હમજાય છે મને. કેમ વેલાહાર આવતી રહી ક્હે જોઉં મને."
"મેં કહ્યુંને તને. થાકી ગયેલી એટલે."
શારદાને મન કોઈ વિચાર ફૂટ્યો. નિતુને અસ્વસ્થ થયેલી જોઈ એ બિહામણી બની ગઈ, "નિતુ!"
"હં?"
"તું અને હરેશ બેઉ વ્હેલા આવી ગયા. આ... તમારી બેય વચ્ચાળ કાંય હાલતું નથી ને?"
નિતુની આંખો પહોળી થઈ ગઈ. એ ખીજ કરી બોલી, "મમ્મી. કેવા ઊંધા ચત્તા વિચાર કરે છે? એ મને છોડવા આવેલો. ને પંચાતીયો છેને. તારી જેમ સવાલ કરતો હતો. કેમ વહેલા આવી ગઈ? શું થયું છે? ને અમે હજુ તમારી પહેલા પહેલા પહોંચ્યા જ છીએ."
"હા હા હવે... આ તો ઘરમાં જુવાન દીકરી હોય તો વિચાર હંધાય આવે."
ત્રાસીને એ ઉભી થઈ ગઈ. બોલી, "તારી દીકરી એવી નથી. ને મમ્મી તું આવી એબ્સર્ડ થીન્કર નહીં થા." કહેતી એ પોતાની રૂમ તરફ ચાલી. એટલામાં દરવાજે બેલ વાગી. "કોઈ આવ્યું છે. દરવાજો ખોલ." શારદાને કહીને એ ઉપર ચાલી ગઈ અને શારદા દરવાજો ખોલવા પહોંચી.
નિતુ પોતાની રૂમમાં આવી અને દરવાજો બંધ કર્યો. પર્સ સ્ટડી ટેબલ પર મૂક્યું એટલામાં રૂમના દરવાજે ટકોર થઈ. ત્રસ્ત ભાવથી એ બબડવા લાગી, "ચ્ચે... આ મમ્મી પણ છેને... વળી પાછું શું થયું?" એણે જઈને દરવાજો ખોલ્યો. ખોલતાની સાથે જ એના હોંશ ઉડી ગયા. સામે વિદ્યા ઉભેલી, "મેડમ! તમે અહીંયા?"