તન્વી ધ ગ્રેટ
- રાકેશ ઠક્કર
અનુપમ ખેર માટે નિર્દેશન કરવાનું કામ સફળતા અપાવે એવું નથી. 2002 માં ‘ઓમ જય જગદીશ’ બનાવ્યા પછી 2025 માં તે નિર્દેશકના રૂપમાં ‘તન્વી ધ ગ્રેટ’ લઈને આવ્યા છે. એ સફળતા અપાવી શકે એવી બની નથી. એમાં કોઈ શંકા નથી કે અનુપમ અભિનેતા તરીકે ગ્રેટ જ છે ત્યારે નિર્દેશક તરીકે હજુ ઘણી બાબતો પર કામ કરવાની જરૂર છે.
ફિલ્મ અનેક રીતે નબળી છે. એમણે લેખનમાં સહયોગ આપ્યો છે. પણ સારી વાર્તા અને મજબૂત કલાકારો હોવા છતાં ‘તન્વી ધ ગ્રેટ’ ના કેટલાક દ્રશ્યો ધીમા જ નહીં વધારે ખેંચાયેલા લાગે છે. બીજા ભાગમાં વાર્તાની ગતિ ધીમી પડવા સાથે પકડ નબળી પડી જાય છે. ફિલ્મની લંબાઈ દુઃખદાયક બની જાય છે. ક્લાઈમેક્સ પહેલાનો એન્ટી-ક્લાઈમેક્સ ભાગ અને પછી આવતા અન્ય દ્રશ્યો ફિલ્મને થોડી વધારે ખેંચે છે. VFX ખૂબ જ નબળું છે.
માન્યું કે આ કોઈ સાયન્સ ફિક્શન નથી અને એક ભાવનાત્મક ફિલ્મ છે. પરંતુ દ્રશ્યો તો વધુ સારા હોવા જ જોઈએ. એ સાચા લાગવાને બદલે હાસ્યાસ્પદ બને છે. ઉદાહરણ તરીકે એક ટ્રક ખાડામાં પડી રહ્યો છે અને તેમાં આગ લાગી છે ત્યારે લોકો એ જોઈને હસી રહ્યા હોય છે. ઘણા ભાવનાત્મક દ્રશ્યો એટલા સારા છે કે તે આંખોમાં આંસુ લાવી દે છે. તો કેટલાક દ્રશ્યો એવા છે જેમાં વિશ્વાસ કરી શકાય એમ નથી. પ્રશ્ન થશે કે આ કેવી રીતે બની શકે? તન્વીનો વીરતાવાદ સ્વાભાવિક અને વિશ્વાસપાત્ર નહીં પણ અતિશયોક્તિભર્યો લાગે છે. એના પાત્રની રજૂઆતમાં સુસંગતતાનો અભાવ દેખાય છે. કેટલાક દ્રશ્યોમાં તન્વી સંપૂર્ણપણે સામાન્ય લાગે છે. એમાં દોષ અભિનેત્રીનો નહીં નિર્દેશકનો જ ગણાશે. કેમકે શુભાંગીએ નિર્દેશ મુજબ જ અભિનય કર્યો છે. તન્વી આર્મી તાલીમમાં જોડાય છે અને વાર્તા એક અવાસ્તવિક વળાંક લે છે. સેનાની જરૂરી કઠિન પ્રક્રિયા બતાવવાને બદલે ફિલ્મ તન્વીની તૈયારીને ફક્ત તાલિમ અને એક રોમાંચક પરાક્રમી કૃત્ય સુધી સિમિત બનાવી દે છે.
કેટલાક દ્રશ્યોમાં વધારે પડતી સિનેમેટિક સ્વતંત્રતા લીધી હોવાથી એમાંની વિશ્વસનીયતા ખોવાઈ જાય છે. વિદ્યાનો ઓટીઝમ સમિટ ટ્રેક વાર્તા પ્રવાહને તોડે છે. કેટલાક દ્રશ્યો વાસ્તવિક લાગતાં જ નથી. આ ફિલ્મથી બોલિવૂડને એક નવી અભિનેત્રી જરૂર મળી છે.
શુભાંગી દત્તને આ ફિલ્મની શોધ કહેવામાં ખોટું નથી. ઓટીસ્ટીક છોકરીના પડકારજનક પાત્રમાં તેણે આત્મવિશ્વાસપૂર્વક અભિનય આપ્યો છે. ‘તન્વી’ ની સાદગી અને માસૂમિયતને પડદા પર ખૂબ સારી રીતે રજૂ કરી છે. અનુપમ ખેર કર્નલ રૈનાની ભૂમિકામાં સંપૂર્ણ છે. હંમેશની જેમ એમણે પરિપક્વ અભિનય આપ્યો છે. પલ્લવી જોશી થોડા સમય માટે દેખાય છે પણ અભિનય જોઈ એમ થશે કે તેને વધુ સમય મળવો જોઈતો હતો. સ્ક્રિપ્ટની નબળાઈને કારણે સંગીત શિક્ષકનું બોમન ઈરાનીનું પાત્ર અસરકારક બની શક્યું નથી. અરવિંદ સ્વામી પોતાની ભૂમિકામાં પ્રભાવ છોડી જાય છે.
કીરવાનીના સંગીતમાં ગીતો મધુર લાગે છે, પરંતુ યાદ રહે એવા બન્યા નથી. 'અપની તન્વી કી જય જય હો જાયે...' જેવું ગીત સાંભળીને એવું લાગે છે કે આ ફિલ્મ માત્ર બાળકો માટેની છે કે શું? 'સેના કી જય...' ગીત થોડું સારું છે. પણ એ સ્ક્રિપ્ટમાં બંધબેસતું નથી. ‘તન્વી ધ ગ્રેટ’ ની વાર્તા ચોક્કસપણે પ્રેરણાદાયક છે અને કોઈને ઓછા ન આંકશો એવું શીખવે છે. આ ફિલ્મનો હેતુ સાચો છે. કેટલાક દ્રશ્યો પ્રભાવ છોડી જાય છે ત્યારે વાર્તા અને લંબાઈ પડકારજનક સાબિત થાય છે. ક્લાઇમેક્સ પણ તાર્કિક લાગતો નથી. કુલ સમયગાળો ૨ કલાક ૪૦ મિનિટનો છે. ચુસ્ત એડિટિંગથી લંબાઈને ઘટાડી શકાઇ હોત. આવી સંવેદનશીલ વિષય પરની ફિલ્મ ખૂબ કાળજી અને પ્રમાણિકતા સાથે બનાવવાની જરૂર હોય છે. નિર્દેશક અનુપમ ખેરે કેટલાક પાસાઓનું ધ્યાન રાખ્યું હોત તો એક ગ્રેટ ફિલ્મ બની શકી હોત.