દિશાના ઘરમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેની બહેન પૂજાની સગાઈ થઈ હતી, અને પરિવારના સભ્યો, ભાઈ-બહેનો તેમજ બનેવીઓ સૌ ભેગા થયા હતા. શરૂઆતના દિવસોમાં ઘરમાં રોનક હતી, મહેમાનોની અવરજવર હતી. ધીમે ધીમે, મોટાભાગના મહેમાનો પોતપોતાના ઘરે પાછા ફર્યા, પણ દિશાની બે મોટી બહેનો, પ્રિયા (તેમના પતિ અભય સાથે) અને નીતા (તેમના પતિ વિવેક સાથે), હજુ રોકાયા હતા.
નાનીમાના ઘરે જમવા જવાની તૈયારી
એક દિવસ દિશાના નાનીમાએ પૂજા અને તેના ભાવિ પતિ આર્યનને, સાથે જ પ્રિયા-અભય અને નીતા-વિવેકને જમવાનું આમંત્રણ આપ્યું. નાનીમાએ દિશાને પણ સાથે મોકલવા માટે તેની માતાજીને કહ્યું. માતાજીએ તરત જ નવા જમાઈ, આર્યનને ફોન કરીને કહ્યું કે, "તમે અહીં અમારા ઘરે આવી જજો, પછી બધા સાથે જ નાનીમાના ઘરે જઈશું."
બીજા દિવસે સવારથી જ નાનીમાના ઘરે જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. દિશાની માતાજીએ તેને કહ્યું કે, "તારા ઘર પાસેથી જ સીધી બસ નાનીમાના ઘર તરફ જાય છે, તેમાં જજો." દિશાએ સંમતિ આપી. પ્રિયા, અભય, નીતા, વિવેક અને દિશા સૌ તૈયાર થઈને આર્યનની રાહ જોઈ રહ્યા હતા. આર્યન આવતાની સાથે જ બધા નાનીમાના ઘરે જવા નીકળ્યા.
બસ સ્ટોપ પર બસની રાહ જોતી વખતે, વિવેક બનેવીને મજાક સૂઝી. તેઓ આર્યન અને પૂજા સાથે હળવી મજાક-મસ્તી કરવા લાગ્યા, જેનાથી વાતાવરણ ખુશનુમા બની ગયું. થોડી જ વારમાં દાદર તરફ જતી ડબલડેકર બસ આવી પહોંચી. બધા બસમાં ચડ્યા. કંડક્ટરે તેમને ઉપરના માળે જવાનું કહ્યું. ઉપરનો માળ લગભગ ખાલી હતો, કારણ કે દાદર સર્કલ બસનું છેલ્લું સ્ટોપ હતું અને બધાને ત્યાં જ ઉતરવાનું હતું. વાતોના ગપાટા મારતા ક્યારે દાદર આવી ગયું તેની ખબર પણ ન પડી.
મુંબઈનો સાંજે ભીડનો અનુભવ અને શિવાજી પાર્કની મુલાકાત
નાનીમાના ઘરે પહોંચ્યા પછી, નાનીમાએ બધાને ભાવતા ભોજન કરાવ્યા. મામા-મામી સાથે વાતો કરતાં કરતાં સાંજ ક્યાં ઢળી ગઈ તેની જાણ જ ન થઈ. મુંબઈ જેવા શહેરમાં સાંજે, ખાસ કરીને ઓફિસો છૂટવાના સમયે, બસમાં એટલી ભીડ હોય છે કે ચડવું પણ મુશ્કેલ બની જાય છે. આ ભીડને ટાળવા માટે નાનીમાએ એક સારો ઉપાય સૂચવ્યો: "એક કામ કરો, તમે બધા પહેલાં દરિયા કિનારે ફરી આવો. બાજુમાં શિવાજી પાર્ક છે, ત્યાં થોડીવાર હરશો-ફરશો એટલે બસમાં ભીડ પણ ઓછી થઈ જશે, પછી આરામથી બસમાં જજો."
નાનીમાની સલાહ માનીને બધા શિવાજી પાર્કના દરિયે ફરવા ગયા. ત્યાં એક પાર્કમાં ફરતી વખતે પ્રિયાએ પૂજા અને આર્યનને દરિયા કિનારે રોમેન્ટિક પળો માણવા મોકલ્યા. બાકીના સભ્યો શિવાજી પાર્કમાં ઘાસમાંથી બનેલી એક ભૂલભુલામણીમાં સમય પસાર કરી રહ્યા હતા. થોડા સમય પછી પ્રિયા અને નીતાને તરસ લાગી, એટલે તેમણે દિશાને પાણીની બોટલ લાવવા કહ્યું. દિશા બધા માટે આઈસ્ક્રીમ અને પાણીની બોટલો લઈને આવી, ત્યાં સુધીમાં પૂજા અને આર્યન પણ પાછા આવી ચૂક્યા હતા. બધાએ આઈસ્ક્રીમ ખાધો અને બસ સ્ટોપ તરફ ચાલવા લાગ્યા.
બસમાં બનેલી અનિચ્છનીય ઘટના
શિવાજી પાર્ક પાસેથી બસ પકડી. બસમાં ધાર્યા કરતાં પણ વધુ ભીડ હતી. અંદર જરાય જગ્યા નહોતી, એટલે તેમને બહારની સાઈડ ઊભા રહેવું પડ્યું. લોકો એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા. ડબલડેકરના દાદરાના ખૂણા પાસે પૂજા અને દિશા ઊભા હતા. કંડક્ટર આવીને બધાને થોડા આગળ ખસવા કહ્યું. મારા બંને બનેવી થોડા અંદર જતા રહ્યા. મોટા બનેવીએ બધાની ટિકિટ લીધી અને કહ્યું કે તેઓ અંદરની બાજુ ઊભા છે.
આ ભીડમાં એક અજાણ્યો માણસ વારંવાર તેમની બાજુમાં આવી જતો હતો. પૂજા પહેલાં તો કંઈ બોલી નહીં, પણ તેની અસ્વસ્થતા દિશાએ પારખી લીધી. પૂજાએ ધીમેથી દિશાને કહ્યું કે, "તું આ બાજુ ઊભી રહે." દિશા તરત જ સમજી ગઈ. તેણે પૂજાને પોતાની બાજુમાં લીધી અને પોતે પેલી બાજુ ઊભી રહી ગઈ. પેલો માણસ ફરીથી દિશાની નજીક આવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. દિશાએ ગુસ્સાથી તેને એક ધક્કો માર્યો અને કહ્યું, "એ ભાઈ, સીધે ખડે રહો ને!" પેલા ભાઈએ જવાબ આપ્યો, "કિતની ગરદી હૈ." દિશાએ વધુ કંઈ ન કહ્યું.
થોડી જ વારમાં ભીડ ઓછી થઈ, એટલે તેઓ થોડા બહારની સાઈડ આવી ગયા. પણ પેલો માણસ ફરીથી પૂજાની પાછળ આવીને ઊભો રહી ગયો. આ જોઈને દિશાનો પારો છટક્યો. જેવો પેલો ભાઈ પૂજાને ભટકાવવા ગયો, ત્યાં સિગ્નલ આગળ બસ ઊભી રહી ગઈ. દિશાએ ગુસ્સામાં પેલા માણસનો કોલર પકડ્યો અને તેને બસમાંથી નીચે ઉતારી, જોરથી એક થપ્પડ મારી દીધી. પેલો માણસ જેવો સામે થવા ગયો, કંડક્ટરે તરત જ તેનો હાથ પકડી લીધો. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને "ક્યાં હુઆ, ક્યાં હુઆ?" પૂછવા લાગ્યા.
દિશાએ કંડક્ટરને કહ્યું, "યે આદમી કબ સે હમારે સાથ બદતમીઝી કર રહા હૈ. ઔર હમને જગહ બદલી તો વહાભી આકે પરેશાન કરને લગા." કંડક્ટરે ગુસ્સામાં કહ્યું, "એને પોલીસને હવાલે કરી દો." ત્યાં જ બનેવીઓ આવ્યા અને દિશાને કહ્યું કે, "જવા દે એને." આ તકનો લાભ લઈ પેલો માણસ ભાગી ગયો.
પછી બધા પાછા બસમાં ચડ્યા. કંડક્ટરે એક સીટ ખાલી કરાવી અને પૂજાને બેસાડી દીધી. બનેવીઓએ દિશાને કહ્યું કે, "તું અમને પણ કહી શકત અથવા કંડક્ટરને કહેત તો તે પણ મદદરૂપ થાત." દિશાને પહેલા ગુસ્સો આવ્યો, પણ પછી તે શાંત થઈ ગઈ અને વિચારવા લાગી કે નવા બનેવી સાથે હતા, એ વાત તેને યાદ ન રહી. આથી તે ઘર સુધી કંઈ બોલી નહીં અને ચૂપચાપ બેઠી રહી.
પારિવારિક ચર્ચા અને દિશાનું મનોમંથન
આર્યન જતા રહ્યા પછી, બનેવીઓએ પિતાજીને બધી વાત કરી. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "નવા જમાઈ આગળ શું પ્રભાવ પડશે કે પૂજાની બહેન કેવી 'બાજોડકી' (લડાયક) છે, તો પૂજા કેવી હશે!" પિતાજીએ દિશા અને પૂજાને ઠપકો આપ્યો અને ભવિષ્યમાં આવા સંજોગોમાં વધુ ધ્યાન રાખવા કહ્યું.
જોકે, દિશાને પિતાજી ખીજાયા તે ગમ્યું નહીં. તેને લાગતું નહોતું કે તેણે કંઈ ખોટું કર્યું છે. તે સમયે તેણે કંઈ ન કહ્યું અને શાંતિ જાળવી રાખી.
પછી જ્યારે ચારેય બહેનો એકલી બેઠી હતી, ત્યારે નીતાએ દિશાનો પક્ષ લીધો. તે બોલી, "તારી જગ્યાએ હું હોત તો હું પણ ઝઘડત. પણ તારી જેમ તે માણસનો કોલર પકડીને બસમાંથી ઉતારીને મારી ન શકત. મજા આવી ગઈ દિશા! તું તો બહુ બહાદુર છો!" પૂજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, "દિશા, તને જરાય ડર ન લાગ્યો?" દિશાએ સહજતાથી કહ્યું, "એમાં શું ડરવાનું." પ્રિયાએ ગર્વથી કહ્યું, "વાહ દિશા, વાહ! વી આર પ્રાઉડ ઓફ યુ." પછી ત્રણેય બહેનો હસવા લાગી, અને દિશા પણ તેમની સાથે હસી.
આ ઘટના પછી, જ્યારે દિશા એકલી હતી, ત્યારે તે ઊંડા વિચારમાં પડી. તેણે વિચાર્યું કે, "બધા પોતપોતાની રીતે સાચા હતા. તો પછી હું ક્યાં ખોટી હતી? તો પછી મને શા માટે ખીજાયા?" આ પ્રશ્ન તેને સમજાતો નહોતો.
ઘણીવાર બીજાને કેવું લાગશે તે વિચારીને આપણે કંઈ બોલતા નથી. દિશાએ જે કર્યું તે બરાબર કર્યું તેમ હું નથી કહેતી, કદાચ તેની કરવાની રીત બરોબર નહી હોય, પણ તે પરિસ્થિતિમાં કોઈને પણ ગુસ્સો આવી જાય ત્યારે કોઈ એમ ન વિચારે કે આમ કરવું ન જોઈએ કે તેમ કરવું ન જોઈએ. તેની ઉંમર પ્રમાણે તેણે જે કર્યું તે બરોબર કર્યું.
તમારો અભિપ્રાય જણાવજો.
Writer d h a m a k