સૈયારા
- રાકેશ ઠક્કર
જે ફિલ્મ 'સૈયારા’ (2025) ની હાઇપ ખાસ ન હતી એ એણે અહાન પાંડે અને અનીત પડ્ડાને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. 'સૈયારા’ એટલે તારાઓ વચ્ચે એકલો તારો, જે પોતાને બાળીને આખી દુનિયાને પ્રકાશિત કરે છે. ફિલ્મને જોનારો વર્ગ યુવા જ છે. 2025 ના બધા જ સ્ટાર કિડમાં અહાન બાજી મારી ગયો છે. એટલું જ નહીં આ વર્ષમાં વિકી કૌશલની ‘છાવા’ પછીનું બીજું સ્થાન મેળવીને અજય, આમિર અને અક્ષયકુમાર કરતાં વધુ ઓપનિંગ મેળવ્યું છે. નિર્દેશક મોહિત સૂરીએ જ્યારે બંને નવોદિતો સાથે નવી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'સૈયારા' ની જાહેરાત કરી ત્યારે એ બહુ મહત્વની લાગી ન હતી. બંને નવોદિત આખી ફિલ્મ ખેંચી શકશે કે કેમ? એવી શંકા હતી પણ એમના અભિનયના વખાણ જ થયા છે.
આજકાલ જોવા મળતી નથી એવી તાજગી અને પ્રામાણિક્તા બંનેમાં છે. અહાન પાંડે ચંકી પાંડેના પરિવારનો હોવા છતાં સમીક્ષકોએ એને એક સારો અભિનેતા માન્યો છે. અનીતની માસૂમિયત આકર્ષે છે. ‘સૈયારા’નું પ્રમોશન નિર્દેશક તો ઠીક મુખ્ય કલાકારોએ ખાસ કર્યું ન હતું. મોહિત સુરીના સીવીમાં આવી ઘણી ફિલ્મો હતી જે તેમને પ્રેમકથાઓ કહેવા માટેના એક સંપૂર્ણ નિર્દેશક ગણાવે છે ત્યારે એ ‘સૈયારા’ની વાર્તાને સંગીત સાથે જોડીને સુંદરતાથી પડદા પર લાવ્યા છે. ભલે એમાં ‘આશિકી 2’ થી ‘સનમ તેરી કસમ’ ની ઝલક દેખાતી હોય.
અસલમાં ફિલ્મનું નામ ‘આશિકી 3’ જ રાખવામાં આવનાર હતું. પરંતુ એ નામના અધિકાર મળી શક્યા ન હતા. અનુરાગ બસુ પણ કાર્તિક આર્યન સાથેની ફિલ્મનું નામ ‘આશિકી 3’ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે પણ હજુ મળ્યું નથી. અહાનના એન્ટ્રી શોટ પરથી જ ખ્યાલ આવી જાય છે કે તે 'આશિકી 2' ના આરજે અને 'રોકસ્ટાર' ના જેજે જેવો બેફિકર, ગુસ્સેલ, સિગારેટ પીતો યુવાન છે.
આજકાલ એક ગીત સારું લાગતું નથી ત્યારે પાંચ સંગીતકારોનું સંગીત ફિલ્મનો આત્મા છે. શીર્ષક ગીત હૃદયને સ્પર્શે છે અને ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં રહે એવું છે. અન્ય ગીતો ભલે અસર છોડતા નથી પણ સાંભળવા ગમે એવા છે. એનો પૃષ્ઠભૂમિ સ્કોર દરેક ભાવનાત્મક દ્રશ્યમાં વધુ ઊંડાણ ઉમેરેવાનું કામ કરે છે.
બીજી ફિલ્મોની જેમ 'સૈયારા'માં કેટલીક ખામીઓ છે. શરૂઆત બહુ ધીમી થાય છે. ઘણી જગ્યાએ ગતિમાં સાતત્યનો અભાવ છે. તો કેટલાક દ્રશ્યો એટલા અસરકારક લાગતાં નથી જેટલા તે બની શકતા હતા. કેટલાક દ્રશ્યો ખૂબ લાંબા છે. કેટલાક સંવાદો ફરીથી આવતા લાગે છે. એક-બે વળાંક છે પણ એવો કોઈ મોટો કે આઘાતજનક વળાંક નથી. તેથી વાર્તા થોડી સરળ લાગે છે.
વધુ અપેક્ષાઓ સાથે જોવા જનારને નિરાશ કરશે. એનો અંત પણ અધૂરો લાગી શકે છે. પરંતુ આખી ફિલ્મને એનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. કેમકે ફિલ્મ જાણે છે કે તેના દર્શકો કોણ છે. એમાં એક નવી તાજગીભરી મુખ્ય જોડી, એમની શાનદાર કેમિસ્ટ્રી, મજબૂત નાટક, લોકપ્રિય સંગીત અને સારો અભિનય. તેમને એ બધું જ આપવામાં આવ્યું છે જે આ ફિલ્મમાંથી જોઈએ છે. સંવાદો સારા અને વજનદાર છે. પરંતુ અહાનની સંવાદ અદાયગી ઘણી જગ્યાએ નબળી હોવાથી સ્પષ્ટ સંભળાતા નથી. મોહિતે જે રીતે પોતાના પાત્રોના પ્રેમને પડદા પર દર્શાવ્યો છે તે દર્શકોને જકડી રાખે છે.
ઘણા સમયથી એક યુવાન ધબકતી પ્રેમકથાની શોધ હતી એ ‘સૈયારા’ માં પૂરી થાય છે. લાંબા સમયથી બોલીવુડની પ્રેમકથાઓથી નિરાશ થયેલા લોકોને ચોક્કસ ગમશે. પહેલા ભાગમાં પટકથા મજબૂત છે. સમીક્ષકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે. એમનું માનવું છે કે ઇન્ટરવલ પછી બીજા ભાગમાં ટ્રેજેડીનો ભાગ શરૂ થતાં વાર્તા ડગમગવા લાગે છે. વાર્તાને કઈ દિશામાં લઈ જવી તે અંગે નિર્દેશક મૂંઝવણ અનુભવતા લાગે છે. અનીતની માંદગી અને અહાનની પ્રસિધ્ધિ એટલી ઝડપથી વધે છે તે માનવું મુશ્કેલ છે. તેમ છતાં પાત્રો સાથેનો દર્શકનો સંબંધ અકબંધ રહે છે.
ઘણા સમય પછી નવા કલાકારો સાથે બનેલી રોમેન્ટિક ફિલ્મ લોકપ્રિય બની રહી છે. એનું મુખ્ય શ્રેય યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાને જાય છે. તેમણે બંને મુખ્ય કલાકારોને ફિલ્મના પ્રમોશનથી દૂર રાખ્યા હતા. જેથી તેમની જોડીની તાજગી જળવાઈ રહે અને લોકો તેમને પહેલીવાર સિનેમાઘરોમાં એકસાથે જુએ.