ગામમાં શોક જેવું વાતાવરણ હતું. જાણે ઘરે ઘરેથી મૈયત ઉઠી હોય એવું જ. ભારે ગમગીનીભર્યા બોજીલ આવરણ નીચે આખું ગામ દબાઈ ગયું હતું. રસ્તે આવ જા કરતાં લોકો પણ એકબીજાને કશું પૂછતાં નહોતા કે નહોતા એકબીજા સામે જોતા. જે લોકો આ સ્કીમથી દૂર રહી શક્યા હતા એવા બહુ ઓછા હતા. છતાં એ લોકો ખુશ થવાને બદલે જેમણે પૈસા ગુમાવ્યા હતા એ લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખી રહ્યા હતા. 'અમને તો ખબર જ હતી, અમે તો કીધું જ હતું..આવામાં કોઈ દિવસ ન પડાય, અલ્યા હજી તો ફેક્ટરીનું કંઈ ઠેકાણું નથી ને ભાવ શેનો વધે? મને તો પહેલેથી જ શંકા હતી...!' વગેરે વગેરે બોલીને કોઈ દાઝેલાને વધુ દઝાડતું. પણ પછી એ સમજી જતું કે હવે આમ બોલીને વધુ ડામ દેવા ન જોઈએ. મીઠાલાલને કશો લાભ તો થયો નહોતો પણ ગામનું સાંભળવું બહુ પડ્યું. લોકોને જવાબ આપી આપીને એ બિચારો થાકી ગયો. જો કે ટેમુએ આખો મામલો પોતાના હાથ પર લઈને લોકોને ઝાટકી નાંખ્યા. છતાં પણ દિવસો સુધી મીઠાલાલને ઘરની બહાર નીકળવું અઘરું થઈ પડ્યું હતું. ભગાલાલની ઘેરી તપાસ શરૂ હતી. પણ ભગાલાલ નામનો માણસ મુંબઈના એ સરનામે હતો જ નહીં! જે સરનામું ભગાલાલે મીઠાલાલને આપેલું એ વિસ્તારમાં કોઈ ભગાલાલ નામનો માણસ જ નહોતો રહેતો. વળી આવી કોઈ સ્કીમ વિશે કોઈને કશી ખબર નહોતી. ભગાલાલ જે ફોનથી રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ, અને પોલીસતંત્રમાં ફોન કરતો હતો એ ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું તો તદ્દન નવો એરિયા બતાવતું હતું.ભગાલાલે સ્કીમ કેવી રીતે બંધ કરવી એનું પણ જોરદાર આયોજન કર્યું હતું. તપાસ ચાલતી રહી. પણ ભગાલાલ ક્યારેય હાથમાં આવશે કે નહીં એ કહી શકાય તેમ નહોતું. ભેજાબાજ ભગો આવ્યો હતો સગો થઈને, પણ ગયો હતો દગો દઈને!***** તખુભા હવે ડેલી જ ખોલતા નથી. ડાયરો સાવ બંધ થઈ ગયો છે. છેલ્લે ભાભાને ફિટ કરવા જતાં એમના વધુ બે લાખ લાગી ગયા હતા. હુકમચંદને જેલમાં નાખવામાં આવ્યો હતો. એના વેવાઈ રણછોડના રાજકીય સંપર્કો પણ કંઈ કામમાં આવતા નહોતા. દસેક દિવસ સુધી તો દિવસે પણ રાત હોય એવું વતાવરણ ગામમાં રહ્યું. ડો લાભુ રામાણી, બાબો અને ટેમુ દવાખાને ભેગા થઈને બેસતા. ભગાલાલને પકડવા માટે કંઈક યોજના વિચારતા. સ્કીમ ચાલતી હતી ત્યારે એકવાર મુંબઈ જઈ આવવા જેવું હતું એમ ડોકટરે કહ્યું પણ ટેમુ ગયો હોત તો પણ ભગાલાલ હાથમાં આવેત જ નહીં એવું હવે લાગતું હતું. ભગાલાલે ટેમુને જમાઈ બનાવવાનું કહેલું પણ એ તો માત્ર મોં આગળ લટકાવેલું ગાજર જ સાબિત થયું. ટેમુએ એના પિતા મીઠાલાલની ઘણી ઉલટતપાસ કરી પણ ભગો એકવખતનો મિત્ર હતો અને એના બાપની ફરસાણની દુકાનમાં પોતે કામ કરતો હતો એ સિવાય કોઈ જાણકારી મીઠાલાલ પાસે નહોતી. આખરે ભાભાએ એક દિવસ તખુભાની બંધ ડેલીની સાંકળ ખખડાવી. તખુભા ડેલીમાં જ ખાટલો નાખીને સુતા હતા. ભીમો, ખીમો કે જાદવો કોઈ આવતું નહોતું. આજે ડેલીની સાંકળ ખખડી. તખુભાને એ ખખડાટનો અવાજ ખૂબ મીઠો લાગ્યો. ડાયરામાં રહેતા માણસને એકલું રહેવું બહુ તકલીફ આપતું હોય છે. તખુભાએ તરત જ ડેલીની બારી ખોલી. ભાભાને જોઈ તખુભા થોડા ઝંખવાયા. 'આ ભામણ હવે મારી ઠેકડી કરશે. મને મુરખો ગણશે. શું કામ પાછળ પડી ગયા'તા એવું એવું કંઈ કેટલુંય સંભળાવશે.. પણ ભલે સંભળાવે. કેટલાય દિવસથી કોઈ સાથે વાત કરી નથી.' એમ વિચારતા તખુભા ભાભાને તાકી રહ્યા."હવે આમ ભૂત ભાળી ગયા હો એમ તાકી જ રહેવું છે કે ડેલી ઉઘાડવી છે. આખા ગામમાં જાણે ઘરેઘરે મરણ થઈ ગયું હોય એમ માણસોએ મોં સીવી લીધા છે. તમેય જાણે આબરૂ લૂંટાવી દીધી હોય એમ ડેલી બંધ રાખીને પડ્યા રહો છો. ખોલો હવે ડેલી ને ઢાળો એક ખાટલો મારા માટે." ભાભાએ તખુભાના ખભે હાથ મૂકીને હલાવતા કહ્યું."હેં..? હા હા...ગોર તમે આવ્યા ઈ સારું થિયું. તમારે જે વઢવું હોય ઈ વઢો.. જે કહેવું હોય ઈ કેવા માટે તમેં હકદાર છવો. આવો હું ડેલી ખોલું.." કહી તખુભાએ ડેલી ખોલી. એક દરવાજે પોતાનો અને સામેના દરવાજે ભાભાને ખાટલો નાખી આપ્યો. ભાભા માટે પાણી પણ જાતે જ ભરી આવ્યા. ભાભાને લોટો આપી તખુભાએ હુક્કો પણ જાતે જ ભર્યો. કારણ કે જાદવો હવે આવતો નથી ને!"તખુભા, જે થિયું છે એના ગાણા ગાવાનો અર્થ નથી. મૂળમાં તો રૂપિયા જ ગયા છે ને? કંઈ આબરૂ નથી ગઈ કે નથી કોઈ માણસ મરી ગયું. આમ ગામમાં ધોળા દિવસે પણ સુનકાર છવાયો છે એ ક્યાં સુધી ચાલશે. ગામનો મોવડી જ આખા ગામને ખાડામાં નાખીને પોતેય પડ્યો છે. પણ હવે આમાંથી બધાને બહાર તો કાઢવા પડશે ને! આમને આમ ક્યાં સુધી માથે ઓઢીને રડ્યા કરવું છે.""ગોર તમારી વાત સાચી છે. મને માફ કરજો..મેં તમનેય..""હું ઈ વાત કરવા નથી આવ્યો તખુભા..હું એમ કહું છું કે હવે આ મુંજારો વેઠાતો નથી. કોક દવા પીશે તો કોક કુવે પડશે. મિટિંગ કરો ને બધાને સમજાવો. ગામને આઘાતમાંથી બહાર લાવવા આપડે જ આગળ આવવું પડશે. જે થઈ ગયું છે એની વાત કરવાને બદલે હવે શું કરવું જોઈએ એની વાત કરીએ." તખુભાને ભાભાની વાત ગમી. 'જિંદગી કંઈ આવી ખોટથી ઊભી થોડી રહી જવાની છે? જીવનની રફતારમાં ક્યારેક ડગલું ઉતાવળું ભરવા જતા ગળોટિયું ખાઈ જવાય. તેથી શું? ઊઠીને આગળ ચાલવા મંડવાનું હોય. પડી જવા બદલ રોયા જ કરવાથી તો પરિણામ બદલાઈ નથી જતું. ગોર ઠીક જ કહે છે. સ્કીમમાં લૂંટાયેલાને દિલસાની જરૂર છે. કોઈ દવા પીશે કે કુવે પડશે તો માતમ ઉપર માતમ છવાઈ જશે.'"વાત તો સોળ આના સાચી કરી તમે ગોર. હાલો હું આજ રાતે જ ગામની મિટિંગ બોલાવું છું. દાગતર બધાને સરખું સમજાવશે. થોડીક વાત તમેય કરજો. પોચા માસ્તરને પણ બે શબ્દ બોલવાનું કહીશું. હુકમચંદે તો ગામની પથારી ફેરવી નાંખી.." કહી તખુભાએ નિસાસો નાંખ્યો."તખુભા, વાંક એકલા હુકમચંદનો નથી. આપણને લાલચ નામની બલા વળગેલી છે. વગર મહેનતે મેળવી લેવું છે; પેલો લઈ જશે ને હું રહી જઈશ એવી લાલસા લાગી હોય છે. આપણે ભગાલાલ કે હુકમચંદ પર દોષનો ટોપલો નથી ઠલવવો. બસ આ ખોટનો આઘાત ખમી ખાઈને સૌને કામધંધે વળગાડવા છે." ભાભાએ કહ્યું. "ગોર છે તો જ્ઞાની. મને તો એમ જ હતું કે ખાલી ખોટું થુંક જ ઉડાડે છે. પણ આજ એની વાતથી કાળજે ટાઢક થાય છે. રૂપિયા ગયા એના વસવસાથી જે આગ બળતી હતી એ ઓલવાતી હોય એવું લાગે છે.' તખુભા મનોમન ભાભાને વંદી રહ્યા.પછી જાદવાને ફોન લગાડ્યો,"અલ્યા જાદવ.. ક્યાં છો? હવે ઓલી સ્કીમની ખોટ જઈ તેલ લેવા.. બસ સ્ટેન્ડે જઈ કિલો ભજીયા લઈને ડેલીએ આવ. ભીમા ખીમાંનેય બોલાવ્ય. આજ તો ભાભા શોતે આવ્યા છે. હવે આમાંથી બા'ર નીકળો બધા..""તખુભા કિલો ભજીયાના છુટા નથી મારી પાંહે. તણ્ય દી'થી છાશને રોટલા હાથે ઘડીન ખાવ છું. શાક લેવાનાય રૂપિયા નથી રિયા..મેં હંધુય વાળીસોળીન ઈસ્કીમમાં ભરી દીધું. જડકી બે દીધી ચ્યાંક વય ગઈ સે. કે'તી ગઈ સે કે ઈના ઘરેણાં વેસીને સ્કીમમાં રૂપિયા ભર્યા સે ઈ પાસા આવે તેદી ફોન કરજો..તખુભા હું તો ચારેય કોર્યથી ઘેરઈ જ્યો સું.." કહી જાદવાએ ફોનમાં જ પોક મૂકી."અલ્યા તેં તો ભારે કરી ભૂંડા. એમ રોયે કંઈ નહીં વળે જાદવ, તું મોઢું ધોઈને ડેલીએ તો આવ્ય." તખુભાએ કહ્યું. તખુભાએ ફોન મુક્યો એટલે ભાભાએ ઝભ્ભાના ખિસ્સામાંથી પંચસોની નોટ કાઢીને તખુભાને આપી."તખુભા, તમારી આ ડેલીમાં બહુ નાસ્તાપાણી કર્યા છે. હવે મારો વારો હો. ના પાડો તો બ્રહ્મહત્યાનું પાપ તમને. લ્યો આ રૂપિયા જાદવો આવે એટલે દેજો. ને મંગાવો આજ તો ભજીયા..ફાફડા ને જલેબી પણ મંગાવો. રૂપિયા હાર્યા છીએ કંઈ જિંદગી નથી હારી ગ્યા, હમજયા?""તખુભા દરબારની ડેલીમાં નાસ્તાના રૂપિયા ભામણ આલશે? એટલા ભિખારી નથી થઈ જ્યાં હો. પણ હવે તમેં બ્રહ્મહત્યાની દુહાઈ દીધી એટલે છૂટકો નથી.." કહી તખુભાએ પાનસોની નોટ લઈને ખિસ્સામાં મૂકી. થોડીવારે જાદવો આવીને બેઠો. ભીમો ને ખીમો પણ આવ્યા. બધાના મોં ઉતરેલા હતા. તખુભાએ ચંચાને ફોન કરીને બોલાવ્યો. જાદવાની સ્થિતિ ઘણી ગંભીર હતી. વધુ પડતા આત્મવિશ્વાસને કારણે જાદવાએ જે લોકોને એની નીચે જોડયા હતા એ લોકોને ગેરેન્ટી આપી હતી કે જો સ્કીમમાં ભોપાળું નીકળશે તો પોતે વ્યાજ સહિત મૂડી પાછી આપશે. કેટલાકે તો સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરાવી લીધું હતું. એ લોકોએ હવે જાદવાની ઊંઘ હરામ કરી નાંખી હતી. જાદવાનું મોં જોઈ તખુભાએ ચંચાને નાસ્તો લેવા મોકલ્યો. ભીમો ઢાળીયામાં જઈ ચા બનાવવા લાગ્યો. તખુભાને ડોક્ટરને બોલાવી લેવાનું ઠીક લાગ્યું. તખુભાની ડેલીએ તે દિવસે સ્કીમના આઘાતમાંથી ગામને બહાર કાઢવાનું નક્કી થયું. ડો લાભુ રામાણીએ ભાભાને આ વિચારને બિરદાવ્યો.રાત્રે ગ્રામ પંચાયતમાં મિટિંગ બોલાવવામાં આવી. ગામના નાના મોટા દરેક જણ મિટિંગમાં હાજર હતા. ભૂતકાળમાં થયેલી કોઈપણ મિટિંગમાં લોકોની આટલી જંગી હાજરી નહોતી થઈ. ગામ સમજતું હતું કે સ્કીમમાં જે રૂપિયા ગયા છે એ પાછા લાવવા માટે મીટીંગ થઈ છે. 'હુકમચંદ જેલમાંથી છૂટીને આવશે ત્યારે ગામના રૂપિયા તો જરૂર પાછા આપશે. નહિ આપે તો માથે ટકો કરીને ઊંધા ગધેડે બેસાડીને ગામમાં ફેરવવો છે. મોઢું કાળું કરીને ખાસડાનો હાર પહેરવાવો છે. પછી પાણા મારી મારીને પતાવી દેવો છે..'ગામમાં હુકમચંદ માટે આટલો ભયાનક રોષ ફેલાઈ ગયો હતો. લોકો હુકમચંદને બહુ ભૂંડુ મોત આપવા તૈયાર થયા હતા. અતિશય આક્રોશની આ આગ મિટિંગમાં તો ફાટી નહીં નીકળે ને? ભાભા, તખુભા કે ડોકટર આ આગને ખાળી શકશે? લોકોના મનમાં આઘાતની સાથે આક્રોશ પણ હતો, ગુસ્સાથી લોકો સળગી રહ્યા હતા. પણ કોઈ કંઈ બોલતું નહોતું. એક ચિનગારીની લોકોને રાહ હતી. ભાભાએ અને તખુભાએ મિટિંગરૂપી એ ચિનગારી પેટાવી હતી. પણ એ ચિનગારી દીવો સળગાવવાને બદલે આગ તો નહીં લગાડે ને?(ક્રમશ:)