મહાશિવરાત્રિ એ શિવની આરાધનાનો અવસર છે. અમુક માન્યતા અનુસાર આ દિવસ શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ કહેવાય છે. તો કેટલાક માને છે કે આ દિવસે ભગવાન શિવે સમુદ્રમંથનના અંતે નીકળેલું હળાહળ વિષ ગટગટાવીને સૃષ્ટિને બચાવી હતી. અહીં આપણે આ કથાનકો પાછળના તાત્ત્વિક રહસ્યોને સમજીએ, જેથી આ મહાપર્વ નિમિત્તે સાચા શિવસ્વરૂપને ઓળખીને તેમની આરાધના કરી શકાય.
જ્યાં સુધી પોતે અજ્ઞાનદશામાં છે ત્યાં સુધી જીવદશા કહેવાય અને પોતાને સાચા સ્વરૂપનું ભાન થાય ત્યારથી પોતે શિવદશામાં આવ્યો કહેવાય. એટલે કે, જ્યાં સુધી “હું આ દેહ છું, નામધારી છું, હું કરું છું” મનાય છે ત્યાં સુધી અજ્ઞાન છે, રાગ-દ્વેષ છે અને ત્યાં સુધી જીવદશા કહેવાય. જ્યારે ભાન થાય કે “હું તો આત્મા છું, કરનાર હું નથી, સંજોગો બધું ચલાવે છે” તો એ શિવદશા છે. અખા ભગતે સુંદર વાત કરી છે કે,
“જો તું ‘જીવ’ તો કર્તા હરિ, જો તું ‘શિવ’ તો વસ્તુ ખરી”.
મૂળ શિવસ્વરૂપ એટલે તત્ત્વસ્વરૂપ, જે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર તેમજ ક્રોધ-માન-માયા-લોભથી પર એવું આત્માસ્વરૂપ છે. “ચિદાનંદ રૂપઃ શિવોહમ્ શિવોહમ્” નો અર્થ જ એમ થાય છે કે “સચ્ચિદાનંદ સ્વરૂપ એવો હું પોતે જ શિવ છું.” જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે પોતે આત્મા થાય છે અને ત્યારે જ શિવોહમ્ બોલાય છે. વાસ્તવિકતામાં જેટલા કલ્યાણ સ્વરૂપ થયા છે, સ્વ-પર કલ્યાણી એટલે કે પોતાનું કલ્યાણ સાધીને અન્યનું કલ્યાણ કરવા સમર્થ થયા છે, એ બધા જ શિવ કહેવાય છે.
મંદિરમાં શિવ ભગવાન, પાર્વતી, નંદી, કાચબો વગેરે ભક્તિ, યોગ અને કથાના સ્વરૂપે રૂપકો મૂકાયા છે. પણ તાત્ત્વિક દ્રષ્ટિએ જેમનો અહંકાર વશ થઈ ગયો છે, તે મહાદેવ કહેવાય. અહંકારના પ્રતિકરૂપે ગળાને વીંટળાયેલો નાગ મૂક્યો છે. પાર્વતી એ આદ્યશક્તિનું રૂપક છે. શિવ એ પુરુષ કહેવાય અને જીવ એ પ્રકૃતિદશા. જેટલું પોતે આત્મારૂપે થયો એટલું બીજી બાજુ પ્રકૃતિ બહુ ઊંચી હોય, તેને આદ્યશક્તિ સ્વરૂપ કહેવાય અને તે જ પાર્વતી. માતાજી બધા આદ્યશક્તિ કહેવાય. માતાજીની ભક્તિ કરીએ તો પ્રકૃતિ સરળ થાય અને આત્માસ્વરૂપ ભગવાનની ભક્તિ કરીએ તો મોક્ષ થાય. એટલે આ રૂપકના માધ્યમથી લોકો ખરેખર પુરુષ અને પ્રકૃતિ, શિવ અને પાર્વતી એમ બે સ્વરૂપની પૂજા કરે છે.
પોતે આત્મારૂપ થયા પછી, કર્મના ફળરૂપે કોઈ અપમાન કરે, આક્ષેપો આપે, ગાળો ભાંડે તો તેને પોતે આશીર્વાદ આપીને સમતાભાવે પૂરા કરે, તે શિવસ્વરૂપ થતો જાય. નીલકંઠ એટલે ગાળામાં ઝેરને ધરનાર એવું રૂપક છે. પણ વાસ્તવિકતામાં, અપમાનરૂપી વિષના પ્યાલા હસતે મુખે, આશીર્વાદ આપીને પી જાય તે જ ખરેખર “નીલકંઠ” મહાદેવ કહેવાય!
"હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન, સંપૂર્ણ અયાચકને ખપે નહીં માન તાન”.
આત્માનું જ્ઞાન થયા પછી જીવ અને શિવનો ભેદ છૂટી જાય અને પોતે શિવસ્વરૂપમાં આવી જાય, ત્યારથી સમાધિ કહેવાય. સમાધિ એટલે હાથ-પગ વાળીને ધ્યાનમાં બેસવું એમ નથી. પણ બહાર આધિ, વ્યાધિ અને ઉપાધિ હોય છતાં અંદર કશું અડે નહીં તે દશાને સમાધિ કહે છે. દેહ ઉદયકર્મને આધીન ફર્યા કરે, પણ પોતે આત્મામાં જ નિરંતર રહે તે જ ખરી સમાધિદશા છે.
તેવી જ રીતે, શિવલિંગ એટલે આત્માનું પ્રતિક મૂક્યું છે. હું સ્ત્રીલિંગ કે પુરુષલિંગ નથી, નપુંસકલિંગ નથી, પણ શિવલિંગ છું, એમ અંદરની નિર્લેપ દશાનું વર્ણન કરવાનું પ્રતિક છે. પોતે શિવસ્વરૂપ થયા, એ શિવલિંગ કહેવાય. પછી આગળ વધીને પોતે સંપૂર્ણ કેવળજ્ઞાની થાય એટલે જ્યોર્તિલિંગ કહેવાય. જે ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયમાંથી પાર નીકળી ગયા તે જ્યોર્તિલિંગ. જ્યોતિર્લિંગ શબ્દ મૂળ જ્યોતિ ઉપરથી આવ્યો છે. આત્માના કેવળજ્ઞાન સ્વરૂપ, કેવળ આનંદ સ્વરૂપને જ્યોતિ સ્વરૂપ કહેવાય અને એ જ્યોતિ સ્વરૂપને જ્યોતિર્લિંગ કહ્યું. જ્યોર્તિલિંગનું આરાધન કરતા કરતા મનુષ્ય મૂળ વસ્તુ શોધશે અને તેને કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા પ્રાપ્ત થશે એ હેતુ હતો. લોકો તત્ત્વની વાતને સીધી પકડી ન શકે, માટે રૂપકો મૂકીને આરાધન કરવાનો હેતુ હતો, જેથી ધીમે ધીમે તત્ત્વ સુધી પહોંચી શકાય.
તો ચાલો, આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આપણે અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય અને આત્મજ્ઞાન પામી શિવદશા પ્રાપ્ત થાય, એ ભાવથી શિવની આરાધના કરીએ!