સરઝમીન
- રાકેશ ઠક્કર
ભારત- પાકિસ્તાનના વિષય પર ભલે ઘણી ફિલ્મો આવી ગઈ છે. છતાં સારું છે કે 'સરઝમીન' એની નજીક પણ નથી. પિતા આર્મી ઓફિસર છે. જેનો દીકરો 8 વર્ષ માટે ગાયબ થઈ જાય છે અને જ્યારે તે પાછો આવે છે ત્યારે પિતા તેના પર વિશ્વાસ કરી શકતા નથી કે આ તેનો દીકરો છે કે નહીં કે આતંકવાદી છે. જેમાં અંત સુધી ખબર નથી પડતી કે શું થશે? વાર્તામાં કોઈ બિનજરૂરી ભારત-પાકિસ્તાન નાટક ઉમેરવામાં આવ્યું નથી.
કર્નલ વિજય મેનન (પૃથ્વીરાજ) જેમણે પોતાનું આખું જીવન દેશની રક્ષા માટે સમર્પિત કર્યું હોય છે. પત્ની મેહર (કાજોલ) એ પોતાનું જીવન પુત્રને તમામ નુકસાનથી બચાવવામાં વિતાવી દીધું છે. પરંતુ પુત્ર હરમન (ઇબ્રાહિમ અલી ખાન) દેશ માટે ખતરો બની જાય છે ત્યારે શું થાય છે? એ બતાવ્યુ છે. એક ઓપરેશન દરમિયાન વિજયને ખબર પડે છે કે તેનો ગુમ થયેલ પુત્ર હરમન આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હોઈ શકે છે. આ સત્યનો સામનો કરીને તેની પત્ની મેહર આ ભાવનાત્મક ઉથલપાથલમાં ફસાઈ જાય છે. પરિવાર એવી પરિસ્થિતિનો સામનો કરે છે જ્યાં વ્યક્તિગત સંબંધો રાષ્ટ્રીય જવાબદારીઓ સાથે સંઘર્ષમાં આવે છે. વિજયને દેશ અને પુત્ર વચ્ચે પસંદગી કરવાની થાય છે. પત્નીના દબાણ હેઠળ તે પિતાના હૃદય સમક્ષ નમે છે અને પુત્રના બદલામાં આ આતંકવાદીઓને મુક્ત કરવા સંમત થાય છે. પછી છેલ્લી ક્ષણે દેશ પ્રત્યેની તેની ફરજ જાગી જાય છે.
વાર્તામાં ઘણી બધી બાબતોમાં વિશ્વસનીયતાની કમી છે. સિનેમાની વધુ પડતી સ્વતંત્રતા લેવામાં આવી છે. એક લશ્કરી માણસને પત્નીની પૃષ્ઠભૂમિની ખબર નથી અને પડોશી દેશના સંદેશાઓ પર સરળતાથી વિશ્વાસ કરે છે. ઘણા દ્રશ્યોમાં લશ્કરી પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું હોવાનું લાગશે. કર્નલ વિજય બે વોન્ટેડ આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય એકલા લે છે. એમને કોઈને પૂછવાની કે સલાહ લેવાની જરૂર લાગતી નથી. અને પૃથ્વીરાજનો તેના પિતા સાથેનો સંબંધ કેવી રીતે બન્યો અને તેના પુત્ર સાથેના સંબંધો આટલા કડવા કેમ છે તેનું કોઈ નક્કર કારણ બતાવાયું નથી.
બધા કલાકારોએ તેમના પાત્રોને સારી રીતે સંભાળ્યા છે. ઇબ્રાહિમ અલી ખાને તેની બીજી ફિલ્મમાં આક્રમક ભૂમિકા સારી રીતે ભજવી છે. પહેલી ફિલ્મ 'નાદાનિયાં'માં પ્રેમી છોકરાની ભૂમિકા હતી. 'સરઝમીન'માં એકદમ અલગ અંદાજમાં છે. તેણે પોતાનામાં કંઈક અંશે સુધારો કર્યો છે. આતંકવાદીની ભૂમિકા માટે શારીરિક રીતે કસરત કરીને શરીર બનાવ્યું છે. અને પુષ્કળ પ્રમાણમાં બતાવ્યું પણ છે. એક 'ચોકલેટ બોય' થી એક ગંભીર આતંકવાદી બનવાનું પરિવર્તન પ્રભાવશાળી છે. પાત્રમાં એક ચોક્કસ સંવેદનશીલતા અને ગંભીરતા લાવી છે. જે તેની વાર્તા જાણવા માટે દર્શકને મજબૂર કરે છે.
પૃથ્વીરાજ સુકુમારને પોતાનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે. તે એક કડક આર્મી ઓફિસર જેવો દેખાય છે. ડાયલોગ ડિલિવરી સારી છે. એની સ્પષ્ટ હિન્દી સાંભળીને એવું લાગતું નથી કે કોઈ દક્ષિણનો અભિનેતા હિન્દી બોલી રહ્યો છે. તે પાત્રની પીડાને પ્રતિબિંબિત કરે છે.
કાજોલની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેણીએ ફક્ત માતાની ભૂમિકા ભજવી નથી. ફિલ્મ ‘મા’ ની ભૂમિકા સમાન છે પણ મનોરંજક છે અને તેમાં કેટલીક ચમક છે. ક્લાઇમેક્સમાં કાજોલ માતાના રોલમાં એવો ટ્વિસ્ટ લાવે છે કે ખરેખર આશ્ચર્યચકિત થઈ જવાય છે. છતાં કાજોલના પાત્રની વાર્તા અધૂરી રહી ગઈ હોય એવું લાગે છે. કેમકે વાર્તા સાથે જોડાણનો અભાવ છે.
પહેલા ભાગમાં વાર્તા ખૂબ સીધી રીતે આગળ વધે છે બીજા ભાગમાં મજા આવે છે. કારણ કે ફિલ્મમાં એટલા બધા વળાંકો આવે છે કે દર્શક ચોંકી જાય છે. અંતમાં એક મોટો વળાંક છે જેની કલ્પના પણ ન કરી શકો. ફિલ્મને ફક્ત મનોરંજનના પાસાથી જોવામાં આવે તો ચોક્કસપણે ઘરે બેઠા જકડી રાખે છે. નથી વધુ પડતા નાટકીય દ્રશ્યો કે નથી લવસ્ટોરી. સીધી એના મુદ્દાથી શરૂ થાય છે અને મુદ્દા પર જ સમાપ્ત થાય છે.
અભિનેતા બોમન ઈરાનીના પુત્ર કયોજ ઈરાનીએ 'સરઝમીન' થી દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તે ખાસ પ્રભાવ પાડતો નથી. ફિલ્મનો અડધો ભાગ અંધારામાં છે. જેને જોવા માટે ખુલ્લી આંખોની જરૂર પડે છે. ફિલ્મની ગતિ ધીમી છે. ઓછું હોય એમ ગીતોથી ભરેલી છે. સૌથી મોટું જમા પાસું એ છે કે બીજી OTT ફિલ્મો કે શ્રેણીની જેમ કોઈ અશ્લીલતા કે દુર્વ્યવહારના દ્રશ્યો નથી. તેથી પરિવાર સાથે આરામથી જોઈ શકાય છે. તેથી 'સરઝમીન' ને OTT પર રિલીઝ થયેલી હાલની ફિલ્મોમાં સારી કહી શકાય એવી જરૂર છે.