"માનવ"
મૈત્રીને મનમાં થયું કે આ નામ ક્યાંક તો સાંભળ્યું છે. તેને કોશિશ કરી પણ તેને યાદ નહતું આવતું.
-------------------------------------------
"મૈત્રી શું વિચારી રહી છે? તારા વિચારવાના ચક્કરમાં આપણે ઑફિસ પહોંચી ગયા. મારે તારી સાથે વાત કરવી હતી."
"મારે તારી સાથે કોઈ વાત નથી કરવી." કહીને મૈત્રી જીપમાંથી ઉતરી લીફ્ટમાં જતી રહી.
"મૈત્રી હું તારી સાથે વાત કરીને જ રહીશ. મને ખબર છે મેં ઘણી ભૂલો કરી છે. તે બધાની માફી માંગીશ અને તારી સાથે પહેલા જેવો સંબંધ સ્થાપીને જ રહીશ". કપીશ પણ મનમાં આ વિચારતો વિચારતો લીફ્ટમાં ગયો.
-------------------------------------------
"પણ, સર મેં માનવ નામ ક્યાંક તો સાંભળ્યું છે પણ યાદ નથી આવતું."
"આવ કપીસ, મૈત્રી તો ક્યારની માનવના નામની માળા જપે છે. તું જ કહે શું મળ્યું તમને ત્યા?"
"હા સર આખા રસ્તામાં તે આજ વિચારી રહી હતી. સર, અમને ત્યા આમતો કંઈ ખાસ મળ્યું નહી. પણ મને તેમના નોકરનું વર્તન કંઈક અલગ લાગ્યું. કેમકે તમે જો આખો દિવસ ઘરમાં કામ કરતા હોય તો તમારા કપડા આટલા કડક ઈસ્ત્રી કરેલા કેવી રીતે રહી શકે? અને તેેને પગમાં પણ સ્લીપર નહી પણ બ્રેન્ડ શું પહેર્યા હતા. તેના રસોડાનો કપડા પર એક પણ હળદરનો કે કોઈ પણ બીજો ડાઘ નહતો. એવું લાગતું હતું
કે હમણા જ નવું નવું કપડું કાઢ્યું છે."
"ઓકે, કપીસ તું એક કામ કર તું તે નોકર પર ધ્યાન આપ."
"સર, મને લાગે છે કે આ ંંનોકર કરતા આપણે માનવને શોધવો જોઈએ."
"ઠીક છે કામ કર મૈત્રી તું માનવ ને શોધ અને કપીસ તું પેલા નોકરને ફોલો કર. અને મને હવે રિઝલ્ટ
જોઈએ છે. જયહિંદ"
"જયહિંદ સર"
ત્રણે છૂટા પડ્યા.
-------------------------------------------------------------------------------------------------------
મોક્ષિતનો સાથ આ રીતે અધવચ્ચે છૂટી જશે તે મેં ક્યારે વિચાર્યું જ નહતું. મોક્ષિત મારી સાથે આટલો
મોટો દગો કરશે તે પણ મારી બાળપણની મિત્ર સાથે મળીને. એ મિત્ર જેને હું મારા મા-બાપુ પછી મારી સૌથી નજીક માનતી હતી. તેને મારી સાથે આવું કર્યું. આ વિચારી વિચારીને મારૂં મન રડી રડીને થાકી ગયું હતું.
આંખથી નિકળેલા આસું તો તમે હાથની આંગળીઓથી લૂછી શકો, પણ મનમાં નીકળેલા આંસુને તમે કઈ રીતે લૂછી શકો. હું જે ખુશીથી ગામમાં ગઈ હતી. તેના કરતા તો વધારે દુખી થઈને પાછી આવી. મા-બાપુએ ઘણી રોકવાની કોશિશ કરી. હું જેટલા દિવસ રહી તેટલા દિવસ મોક્ષિત અને ગૌતમીએ મારી સાથે વાત કરવાની, પોતાની સફાઈ આપવાની બહુ કોશિશ કરી. પણ, મારે તેમની કોઈ સફાઈ નહોતી સાંભળવી હતી. તમે જ્યારે ગુન્હો કર્યો તે પછી સફાઈ આપવાનો શું ફાયદો. સફાઈ આપવી હતી તો પછી ગુન્હો જ કેમ કર્યો.
"વૈદેહી, અમારી વાતો સાંભળ યાર. અમે કઈ પરિસ્થીમાં આ લગ્ન કર્યા તે તો જાણવાની કોશિશ કર. વૈદેહી
હું આજે પણ તને જ પ્રેમ કરૂં છું. મારા માટે ગૌતમી માત્રને માત્ર તારી મિત્ર જ છે. અને આ વાત મે ગૌતમીની પણ કહી છે. વૈદેહી અમને બંન્ને ને એક ચાન્સ તો આપ અમારી સાઈડ મુકવાનો."
"મોક્ષિત અને ગૌતમી તમે બંન્નેએ આ પગલું ઉઠાવતા પહેલા મારા પાસે તમારી વાત મુકવા આવું જોઈતું હતું. તો, હું તમને સાંભળત પણ હવે, હવે બહું મોડું થઈ ગયું છે. યુ મિસ ધી બસ..... સો. પ્લીઝ.... લીવ ધીસ ટૉપિક.. ધેર ઈઝનો પોઇન્ટ ટુ ડિસકસ. હું કાલે સવારે મુંબઈ માટે નીકળી જઈશ. તમે તમારી જીંદગી ખુશી ખુશી જીવો. એનજૉય યોર મેરીડ
લાઈફ."
મુંબઈ આવીને મારૂં જીવન એક મશીન બની ગયું હતું. હું માત્રને માત્ર જીવવા ખાતર જીવી રહી હતી. મનમાં તો હતું કે મરીન ડ્રાઈવ જઈને સુસાઈડ કરી લઉ. પણ, તે પણ હિંમત ન થઈ. ખબર નહી કઈ રીતે લોકો પોતાને મારવાની હિંમત કરતા હશે. મેં ઘણી કોશિશ કરી પણ મારાથી હિંમત થઈ નહીં. મેં
ભગવાનનો સહારો લીધો. મારી કૉલેજ તો આમે પતી ગઈ હતી. એટલે મારી પાસે જૉબ શોધ્યા સિવાય બીજુ કોઈ કામ નહતું. તેથી હું રોજ મંદિર જતી અને ભગવાન પાસે આ પરિસ્થીતીમાંથી બહાર નીકળવાનો રસ્તો માંગતી. અને જાણે ભગવાને મારી વાત સાંભળી લીધી હોય એમ મને એક મહારાજને ભેટો થયો.મહારાજ નિજાનંદ.
મંદિરના પ્રાંગણમાં તેમનો સત્સંગ ચાલતો હતો. હું પણ તે સત્સંગમાં જવા લાગી અને ધીરે ધીરે આ પરિસ્થીતીમાંથી બહાર નીકળવાનો મને માર્ગ મળવા લાગ્યો. તેમને મેં મારા ગુરૂ બનાવી લીધા. સવારે હું નોકરી માટે ઈન્ટરવ્યું આપવા જતી અને પછી સાંજે આ સત્સંગ આ મારો નિયમ બની ગયો હતો. રોજ સવારે ઈન્ટરવ્યુ આપવા જતી. પણ મને ક્યાંથી પણ કૉલ નહતો આવતો. એક સાંજે હું મહારાજ નિજાનંદના સત્સંગમા ગઈ તો સહી પણ મારૂં મન નહતું. કેમકે મને નોકરી મળી નહતી રહી અને મા-બાપુ મને
ગામમાં બોલાવી રહ્યા હતા. હવે, તેમને કઈ રીતે સમજાવું કે મારે ગામ કેમ નથી જવું. પણ, તેઓ મારી પાછળ જ પડી ગયા હતા. હું મારી નોકરીનું બહાનું બતાવીને ઘણા સમય સુધી ટાળતી રહી. પણ, હું બહુ ટાળી ના શકી અને ગુરૂજી ના આશીર્વાદ લઈને હું ગામે જાવા નીકળી ગઈ.
---------------------------------
ગામે જઈને ખબર પડી કે મોક્ષિત ગૌતમી ને લઈને મુંબઈ આવી ગયો હતો. તેને મુંબઈમાં એક કંપનીઓમાં નોકરી મળી ગઈ હતી.
"તને ખબર નથી?"બા એ પૂછ્યું.
" ના, બા મને નહોતી ખબર. ખબર હોત તો તને પૂછત કે? ક્યારે ગયા તેઓ?"
"તું અહીંથી ગઈ તેના પછીના જ મહિનામાં મોક્ષિત ને કાગળ આવ્યો. મુંબઈની કોઈ કંપનીથી અને તે ગૌતમીને લઈને જતો રહ્યો. કેમ તે તેને મુંબઈમાં મળ્યો નહતો."
“ના બા, કદાચ તેને એમ હશે કે પહેલા હું સેટ થઈ જાઉં પછી વૈદેહીને મળું. જવાદે તું કહે કેમ મને બોલાવી છે. બધુ બરાબર તો છેને.”
“હા, બધુ બરાબર છે પણ મેં અને તારા બાપુજીએ તારી માટે એક છોકરો જોયો છે. જે મુંબઈમાં જ રહે છે અને તેઓ પાસે ખાનદાની પૈસાવાળા છે. તારા બાપુના મિત્ર હરિશચંદ્ર સરિપડીયાના બહેનનો દિકરો છો.”
“બા, તને કહ્યું ને મારે હમણા લગ્ન નથી કરવા. મારે મારૂં કરિયર બનાવવું છે. મારા જીવનનો લક્ષ્ય પુરો કરવો છે. પછી જોઈશ.”
“બેટા, મુંબઈમાં જ તારે લગ્ન પછી રહેવાનું છે. તો તું તારૂ લક્ષ્ય પુરૂ કરી શકીશ. તેઓ જુનવાણી નથી. તું વાત કરીશ તો તારી વાત માની લેશે. તું એક વાર મળી તો જો.”
“ના, બા મારે કોઈને મળવું નથી. તમે બાપુને કહી દો, મારે હમણા લગ્ન કરવા નથી. જ્યારે કરવા હશે ત્યારે સામેથી તમને કહીશ. હમણા નહી.”
બાને કઈ રીતે સમજાવું કે મારે લગ્ન કેમ નથી કરવા. એકવાર દિલ ભાંગી ગયુ છે પછી પાછું હમણા મારે ઊલમાંથી ચૂલમાં નથી પડવું.
ગામમાં જેટલા દિવસ રહી એટલા દિવસ બા-બાપુએ મને બહુ મનાવાની કોશિશ કરી પણ મારા મન એકવાર ખાટું થઈ ગયું હતું. પાછું ખાટું થવા માટે તૈયાર નહતું.
પણ, મને ત્યારે ખબર નહોતી કે તે બાપુના મિત્રના બહેનના દિકરા પાસે મારો ફોટો પહોચી ગયો હતો. અને તેને તે જોઈ લીધો હતો.
------------------------------------------------------------------------------