Talash 3 - 51 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 51

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 51

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

અંધકારથી ઘેરાયેલ ઉદયપુરની એક સાંકડી ગલીમાં એણે પ્રવેશ કર્યો. અને ધીમે ડગલે ગલીની અંદર જવા લાગ્યો. છૂટી છવાઈ એ ઝુપડપટ્ટી + કાચા મકાનો ધરાવતી એ ગલીમાં થોડી ચહેલ - પહેલ હતી. શેરીમાં કેટલાક છોકરાઓ રમી રહ્યા હતા. ક્યાંક કોઈક બુઝર્ગ ટાઈમપાસ કરવા મહેફિલ જમાવી હતી તો એકાદ સહેજ મોટા મકાન ના ઓટલે મહિલા પરિષદ ભરાઈ હતી. છુટક અનાજ પરચુરણ અને પાન - સિગરેટ ના ગલ્લે થોડી ભીડ હતી. એણે ઝડપથી કદમ ઉપાડ્યા. અચાનક કોઈની નજર એના પર પડી એ માણસ  આગંતુક ને ઓળખ્યો. પણ આગન્તુક નો ચહેરો જોઈને એને પોતાની આંખો પર ભરોસો ન રહ્યો. એણે આંખો ચોળી અને ફરીથી એની સામે જોયું.  આગંતુકે એક પરિચિત સ્મિત એના સામે કર્યું. એ સાથે જ પેલો દોડ્યો અને એના પગમાં પડી ગયો. અને પછી ભાગ્યો થોડે દૂર જ્યાં બુઝર્ગ ની મહેફિલ જામી હતી ત્યાં પહોંચ્યો અને મોટેથી એ બધાને કંઈક કહ્યું. એ બધા અચંબિત થઈને આગંતુક તરફ વળ્યાં. પેલાએ ફરી ભાગીને મહિલા મંડળની પાસે જઈ અને આગન્તુક વિશે જણાવ્યું. એ સાથે જ 70 વર્ષની બુઝર્ગ મહિલાથી લઈને 18-19ની નવી પરણેતર ઉભી થઇ ગઈ. અને રીતસર આગંતુક તરફ દોટ મૂકી. માંડ એક દોઢ મિનિટમાં એક મોટું ટોળું આગન્તુકને ઘેરી વળ્યું. 

"શેર સિંહ જી તમે, અહીં, અચાનક.." એક વડીલ આગંતુકને સંબોધીને બોલ્યો. પણ એની જીભ એને સાથ આપી રહી ન હતી. 

"હા, છુપમ છુપાઈ બહુ રમી લીધું, હવે કે આ પાર કે પેલે પાર નો ફેંસલો લેવાનો વખત આવી ગયો છે." શેરા એ કહ્યું.

"હા એનો જુલ્મ બહુ જ વધી ગયો છે. ગઈ કાલે જ બિચારો મંગલ.." 

"હા, મંગલે શ્રીનાથજી ની સેવામાં બલિદાન આપ્યું અને હવે આપનો વારો છે. આપણું જે કઈ છે એ શ્રી નાથજીનું જ છે. આપણા વડવાઓ એ આપણને બલિદાન દેવાનું શીખવ્યું છે"

"સામે જ મંગલ નું ઘર છે. એનો બાપ રોઈ રોઈને અધમરો થઇ ગયો છે. બીચાડાની બે દીકરીયું છે."

"હું એને મળવા જ આવ્યો છું." કહીને શેરા એ મંગલ ના ઘરમાં પ્રવેશ કર્યો. ફળિયામાં મંગળનો બાપ નિમણું મોઢું કરીને બેઠો હતો, એની બાજુમાં લખન હતો. એક ખૂણામાં મંગળની પત્ની અને એની માં રડી રહ્યા હતા. તો એની બાજુમાં મંગળની બે બહેનો મંગળના બે નાના બાળકોને છાના રાખવાનો પ્રયાસ કરી રહી હતી. લખને શેરાને આવતો જોયો એ ઉભો થયો અને શેરા ના પગમાં પડ્યો. મંગલના બાપે પણ શેરાને જોયો એ ભાગેલા પગે ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં શેરાએ દોડીને એને ખભેથી પકડ્યો અને કહ્યું. "કાકા બેઠા રહો."

"દીકરા, હવે બેઠું રેવાથી દાડો નહિ વડે, મારે આ બધા માટે કૈક તો કરવું પડશે ને."

"કાકા, એ મારી જવાબદારી છે, તમે ને મંગલે અને અનેક લોકો એ ઘણું બધું કર્યું છે. પણ બસ હવે બહુ થયું."

"હું કાકાને ક્યારનો ય એ જ કહું છું, શેર સિંહ જી" લખને કહ્યું અને ઉમેર્યું. "હું એ હરામખોર ને છોડીશ નહિ." આ સાંભળીને શેરાએ એક સળગતી નજર લખન તરફ નાખી અને એ નજરથી જાણે ડરી ગયો હોય એમ લખન દુબકીને પાછો બેસી પડ્યો. 

"શેર સિંહજી, મારો એક દીકરો ભલે ગયો. પણ આ લખન મારા ભાઈનો દીકરો, ભલે એ પણ શહીદ થાય અને પછી મારા મંગલનો દીકરો... પણ એ હરામખોરને સજા આપજો."

"કાકા હવે આપણે બહુ બલિદાન આપ્યા હવે બલિદાન આપવાનો વારો એનો છે. આજની રાત આ દુનિયા માંથી કા હું વિદાય લઈશ અથવા એ હરામખોર શંકર રાવ કાલનો સૂરજ નહીં જોય, હું વચન આપું છું." કહીને એને સાંત્વના આપી અને પછી એક સરાસરી નજર લખન પર નાખી અને કહ્યું. "લખન મારી સાથે આવ તો." આ સાંભળીને  લખન ઉભો થયો શેરા ધીરે ધીરે અમુક લોકો સાથે વાત કરતા કરતા એ એ અંધારી શેરીમાંથી બહાર આવ્યો. શેરીની બહાર એક જીપમાં 2-3 પઠ્ઠા બેઠા હતા. શેર એ જીપમાં ગોઠવાયો અને હળવેકથી લખન ને કહ્યું. "ભાઈ ને મરાવી નાખવો એ બહુ મોટું પાપ છે, લખન પણ શ્રી નાથજીએ મને પ્રેરણા કરી છે કે હું તને એક મોકો આપું. નહીં તો ત્યાં તારા કાકા ની સામે જ.." આટલું સાંભળતા જ લખન એના આગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો. "શેર સિંહ જી, મારા થી બહુ મોટી ભૂલ થઇ છે. એ હરામખોરે મને મજબુર કર્યો હતો, એણે મંગળની બહેનને ઉઠાવી લીધી હતી મારી પાસે 2 માંથી એક ને જ બચાવવાની તક હતી બિચારી મારી પિતરાઈ બહેન માંડ 17 વર્ષની છે." 

"ખેર થવાનું હતું એ થઈ ગયું. તું જંગલનો ભોમિયો છે. અને એ હરામખોર ખજાનાની બહુ કરીબ છે. તું ધારે તો હજી ખજાનો બચાવી શકશે. નહીતો તારા અને મારા વડવાઓએ આપેલ બલિદાન એળે જશે." આ વાક્ય સાંભળતા જ આખો લૂછીને લખન જીપના સ્ટિયરિંગ પર ગોઠવાયો. અને જીપ જંગલ તરફ ભગાવી મૂકી.

xxx 

ઘનઘોર જંગલના અંધકારને ચીરતો પ્રકાશનો એક શેરડો ફેલાઈ રહ્યો હતો. અને અંધકારમાં ઝપેલા પ્રાણી પક્ષી ને અકળાવી રહ્યો હતો એ પ્રકાશનું ઉદગમ સ્થાન જમીનથી લગભગ સાડા છ ફૂટ ઊંચું હતું. પૃથ્વીના કપાળ પર બાંધેલી એક કપડાની પટ્ટી અને એની વચમાં લગાવેલ એક બલ્બમાંથી એ પ્રકાશ રેડાતો હતો. પૃથ્વી ઝડપભેર આગળ વધી રહ્યો હતો. લગભગ દોઢેક કલાક પહેલા એને કુંભનગઢ અને સાદડી ની વચ્ચે આવેલ એક ગામમાં પોતાની કાર રોકી હતી. એણે  ત્યાં પહોંચવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો એના કરતા એ લગભગ એક કલાક મોડો હતો. ગામનો સરપંચ ખડક સિંહનો ઓળખીતો હતો. એણે પૃથ્વીને બહુ આગ્રહ કર્યો કેસવાર સુધી રોકાઈ જાવ, મારા બે દીકરા ગામતરે ગયા છે એ મોડી રાત્રે આવી જશે પછી સવારે એ તમારી સાથે આવશે, પણ જીતુભા એ તાકીદ કરી ને એને ખજાનાના સ્થળે કોશિયારની પહાડીમાં જલ્દી પહોંચવાનું કહ્યું હતું. એને ચા નાસ્તો કરી અને વિદાય લીધી.

"કુંવર તમેં જંગલમાંથી નીકળવા કઈ હથિયાર રાખ્યું છે."

"હા ગન છે મારી પાસે, અને બાકી આ કાંડાથી.." કહી પૃથ્વીએ અધ્યાહાર રાખ્યો. 

"પણ કુંવર જંગલમાં રસ્તો બનાવવા તમારે આની જરૂર પડશે." કહી ને એણે પૃથ્વીને એક કુહાડો આપ્યો. લગભગ 10" ના ફણા વાળા અને એકાદ મીટરનો લાકડાનો મજબૂત  હાથો ધરાવતો એ કુહાડો જાણે સાક્ષાત પરશુરામ ના પરશુ જેવો પ્રતીત થતો હતો. જંગલમાં બનેલી પગદંડી પર ચાલવામાં વચમાં આવતા ઝાડી ઝાંખરા કે કોઈ વૃક્ષની ડાળી ને એક ઝટકે દૂર કરી નાખે એવી ધાર ધરાવતો એ કુહાડો અત્યારે જાણે પૃથ્વીના હાથમાં રમી રહ્યો હતો.એના હાથ વીજળીની ઝડપે ચાલી રહ્યા હતા. અને વચમાં નડતા ડાળી, ઝાંખરા, કે પાંદડા એક ઝટકે નીચે પડી રહ્યા હતા. અને કોઈ મદમસ્ત હાથી જંગલમાં વિચરતો હોય એમ પૃથ્વી ફટાફટ ડગલાં ભરી રહ્યો હતો. અચાનક ચિબરીએ એક તીણી ચીસ નાખી અને આખું જંગલ જાણે જાગી ગયું હોય એમ એક પછી એક પશુ - પક્ષીની ચિચિયારીઓ ગુંજવા મંડી, અને પૃથ્વી સચેત થયો. એણે પગ પાસે સરસરાટ અનુભવ્યો, તીરછી નજર કરી તો દેખ્યું કે એક લીલો ભોરિંગ એના પગ સાથે ઘસાઈને નજીકની ઝાડીઓમાં ગમ થઈ ગયો. સ્વાનુભવ અને મિલિટરીની તાલીમથી એને એટલું તો સમજાઈ ગયું હતું કે એની આજુબાજુમાં જ કોઈક છે કે આવી રહ્યું છે જે જંગલનો હિસ્સો નથી. કોણ હોઈ શકે?? એ વિચારતા એને પોતાની જાત ને એક ઘેઘુર ઝાડીની પાછળ ધકેલી અને છુપાઈને ઉભો રહ્યો. અંધકારમાં એની નજર ટેવાઈ ગઈ હતી માટે બાંધેલ લાઈટની પટ્ટી એને પોતાના ખીસામાં મૂકી હતી એ જ વખતે સહેજ કોલાહલ થયો અને એનાથી લગભગ 100 ફૂટ દૂર કેટલાક માણસો એક પછી એક પસાર થવા લાગ્યા. એ સજ્જન સિંહનો કાફલો હતો. 

xxx 

"એ હોય, આ મસ્ત માલ કે જેનો ભાર આપણે ઉપાડ્યો છે. આને શુ કામ વેંઢારીએ છીએ. શું આજે જ એ ખજાનો મેળવવો જરૂરી છે.?" એક ગુંડો બીજાને પૂછી રહ્યો હતો. એ બન્ને સજજનસિંહ ના કાફલામાં નવા જોડાયા હતા એ હતા. 

"હા હવે મુંગો મૂંગો હાલવા માંડ, આ મહારાણી બોસની ભાણેજ છે. અને આમેય આપણને એને ઉચકવાના જ રુપીયા આપ્યા છે. " બીજાએ કહ્યું.

"હા ણ જે બોસ સાથે આવ્યા છે એ પાંચેય ની નજર પણ એના રૂપ પર છે. તો હું શું કહું છું. આને બધા ભેગા મળીને, મોજ માણીયે. આ કઈ ખજાનાથી કમ નથી.  બોસ એકલો આપણું શું કરી લેવાનો છે. રાત ભર મોજ માણીયે, સવારે જઈને ખજાનો લઈ લઈશું. બોસ પણ ખુશ. કેવો લાગ્યો મારો આઈડિયા." એની હલકાઇ ભરેલી વાત સાંભળીને પૂજા મનોમન ધ્રુજી ઉઠી. અને મનમાં સતત પ્રભુને પ્રાર્થના કરવા મંડી. સહેજ આગળ નિકળેલા સજ્જન સિંહે. હાક મારી ને આ જાણીજોઈને પાછળ ધીમા પડેલા લોકોને ફટાફટ પગ ઉપાડવાની તાકીદ કરી.

xxx  

"ખબરદાર જો કોઈ હલ્યા છો તો. જે જ્યાં છે ત્યાં જ ઉભા રહો. અને આ ખાટલીમાં કોને બાંધ્યું છે. છોડો એને." પૃથ્વીનો રુવાબદાર અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો.

"એલ કોનું મોત આવ્યું છે." ગુલામ ખાને ત્રાડ નાખતા કહ્યું. અને પોતાના સાથીને પાનો ચડાવતા કહ્યું. ગોતો એને આટલામાં જ ક્યાંક છે. ટુકડા કરી નાખો એના."

આ સાંભળીને એનો એક સાથી આગળ વધ્યો એના હાથમાં કડિયાળી ડાંગ જેવી લાકડી હતી. જેવો એ નજીક આવ્યો કે પૃથ્વી કુહાડો અચાનક વીજળીના ચમકારા જેમ ફરો અને એની લાકડીના 2-3 ટુકડા થઈને ઊડી ગઈ. અચાનક થયેલા હુમલાથી એ હેબતાઈ ગયો એણે પોતાના ખિસ્સામાંથી રામપુરી કાઢ્યું પણ એ ચાકુ ખોલે એ પહેલા જ પૃથ્વીનો કુહાડો ફરીથી ફર્યો અને એના જમણા હાથ અને ડાબા પગમાં ચાર પાંચ ઈંચ ઊંડા ઘા માત્ર 5-6 સેકન્ડમાં કરી દીધા. એને ખબર જ ન પડી કે ક્યારે એના પર ઘા થયા ક્યારે રામપુરી જમીન પર પડ્યું અને ક્યારે એના મોંમાંથી ચીસ નીકળી. અને એ ચીસ પુરી થાય એ પહેલા એક જોશભેર લાત એના જડબા પર પડી, લાત એટલી જોરદાર હતી કે 2-3 દાંત છુટ્ટા થઈને જંગલમાં વેરાયા અને એની ચીસોનો સીલસિલો અવિરત શરૂ થયો.  

પોતાના સાથીની આ હાલત જોઈને એના 2 સાથી આગળ વધ્યા. એક જણે લોખંડ સડિયાંથી પૃથ્વીને ફટકો મારવાની કોશિશ કરી તો બીજાએ પૃથ્વીની પાછળ જઈને એની પીઠ પર ખંજર મારવાની તૈયારી કરી. પણ એમને ખબર ન હતી કે પૃથ્વીએ એ આવા તો અનેક યુદ્ધો લડ્યા છે. જેવો પહેલો માણસ આગળ વધ્યો કે તરત જ પૃથ્વી બે ડગલાં પાછળ ગયો એને પાછો ફરતો જોઈ ને ખંજર વાળો અસમંજસમાં મુકાયો અને શું કરવું એ વિચારમાં એણે બહુ કિંમતી 2-3 સેકન્ડ ગુમાવી દીધી. પૃથ્વીનો કુહાડો પાછળની બાજુ ફર્યો અને ખંજર વાળો પોતાના બચાવમાં સહેજ પાછળ જવું પડ્યું.  એ તકનો લાભ લઈને પૃથ્વીએ અચાનક સામે દોટ મૂકી અને લોખંડના સળિયા વાળા કઈ સમજે એ પહેલાં એના જમણા ખભા પર કુહાડીનું લાકડું જોશભેર અથડાયું એક કારમી ચીસ એના મોંમાંથી નીકળી ગઈ, એનો હાથ ખભાના જોઈન્ટ પાસેથી છૂટો પડી ગયો હતો. એનો સળિયો હાથમાંથી છૂટી ગયો. સજ્જન અને એના બાકીના સાથીઓ સ્તબ્ધ થઈને આ તમાશો જોતા હતા, પૃથ્વીનો કુહાડો ફરીથી ફર્યો અને આ વખતે લોખંડ સળિયા વાળાનો ડાબા પગની સાથે જ પાછળના ખનજરવાડાનું જમણું કાંડુ એના ચકરાવા આવ્યા અને એ બન્ને ના બોકાસાથી જંગલ ગુંજી ઉઠ્યું. એના બાકીના સાથીઓ કોઈ મંત્રેલુ પાણી છાંટયું હોય એમ પૂતળા બનીને ઉભા હતા.  

"આ કોને બાંધ્યું છે પલંગમાં છોડો એને." ત્રાડ પાડતા પૃથ્વીએ કહ્યું. અને જાણે અચાનક બધા સચેત થયા. ગુલામ ખાને પોતાની દેશી બંદૂક બહાર કાઢી અને પોતાના સાથીઓને સાબદા કરવા મંડ્યા. જયારે સજ્જન સિંહે પૃથ્વી ને વાતોમાં ઉલઝાવવા કહ્યું. "કોણ છે ભાઈ તું. એ તો મારી દીકરી છે. બીમાર છે, નજીકના ગામ વૈદ્ય પાસે લઇ જઈએ છીએ."

"હરામખોર જુઠ્ઠું બોલે છે? જો એ તારી દીકરી છે તો આમ બાંધીને લઇ જવાની શી જરૂરત છે." કહેતા પૃથ્વી એ કુહાડો ડાબા હાથમાં લીધો અને પોતાની ગન કાઢીને હવામાં એક ગોળી છોડી. અને કહ્યું જીવતા રહેવું હોય એ હાથ ઉપર કરીને.."

'ધાય,' કરતી એક ગોળી એના માથા પરથી પસાર થઇ, અને એ સાથે જ પૃથ્વીની ગન માંથી એક ભડાકો થયો અને ગુલામ ખાનનું કાંડુ વીંધાઈ ગયું. એની દેશી બંધુક હાથમાંથી સરકી પડી, અને એક સાથે ત્રણ ગુંડા પૃથ્વી તરફ આગળ વધ્યા. અને ખંજર લાકડી ચાકુ નાનું ત્રિશુલ જે હાથમાં હતું એનાથી પૃથ્વી પર હુમલો ચાલુ કર્યો. અને એ સાથે જ પૃથ્વીએ ધડાધડ ગનનું ટ્રીગર દબાવવા માંડ્યું. એક સાથે ચાર પાંચ ધડાકા થયા. અને બે ત્રણ ગુંડાના બોકાસાથી જંગલ હચમચી ઉઠ્યું. પૃથ્વીએ ગન પોતાના ખીસામાં મૂકી અને તલવારની જેમ કુહાડો વીંઝવા મંડ્યો. ચારે તરફથી ગુંડાઓની ચીસો ફેંકાતા રહી. સહેજ દૂર પહોંચેલા સજ્જને પોતાની ટોળીની બરબાદી પોતાની નજરે જોઈ. એની હિંમત જવાબ દઈ ગઈ હતી છતાં એણે પોતાની ગન માંથી પૂજાનું નિશાન લઈને એક ફાયર કર્યો. પૃથ્વી એ આ જોયું અને છલાંગ મારીને ખાટલી સહિત પૂજાને ઉચકીને એક બાજુ ઘા કર્યો. ગોળી ખાટલાની ઇસ સાથે અથડાઈ, અને એક કડાકાભેર લાકડું તૂટ્યું. અને કાથીની ખાટલીમાં બંધાયેલ પૂજા એના કાથી માં ઓર ગુંચવાઈ ગઈ. અને છૂટવા માટે હવાતિયાં મારવા મંડી. સજ્જન સિંહે આ જોયું એનું ધ્યાન પડ્યું કે પૃથ્વી એની તરફ ફરી રહ્યો છે. એણે મુઠીઓ વાળી ને જે બાજુ રસ્તો દેખાયો ત્યાં ભાગવા માંડ્યું.  

ક્રમશઃ

 

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.