MOJISTAN - SERIES 2 - Part 33 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 33

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 33

પોચાસાહેબ રૂપાલીને એમના ઠાઠિયા પર બેસાડીને લઈ ગયા એટલે જાદવો, ભીમો અને ખીમો હાથ મસળતા રહી ગયા. તખુભાને પણ નહોતું જ ગમ્યું. આવું રૂપાળું માણસ આજુબાજુ હરતુંફરતું હોય તો એકલા જીવને જરીક ટાઢક રહેત એમ તખુભા વિચારતા હતા. તખુભા તો નખશીખ સીધા માણસ હતા પણ આખરે તેઓ પણ એક પુરુષ હતા. સ્વાભાવિક રીતે સુંદર સ્ત્રી દરેક પુરુષને ગમે એમાં એમનો કંઈ વાંક નહોતો. 'આમ તો સારું જ થયું. હું કંઈ મારૂ ઘર એને ભાડે ન દઈ શકું. કારણ કે હું એકલો રહું છું ને એ પણ એકલી રહે તો ગામ વાતું કર્યા વગર રહે નહીં. વળી, વિશ્વામિત્ર પણ જો મેનકાના રૂપ આગળ ચળી ગયા હોય તો હું કોણ? નકામું ન થવાનું થાય ને ધોળામાં ધૂળ પડે. ભલું થાજો પોચા માસ્તરનું..મને આ ઉપાધિમાં પડતો બચાવી લીધો..' એમ તખુભાએ મન મનાવ્યું."મારો હાળો આ પોચો બાજી મારી જ્યો. મારુ બેટુ ભારે રૂપાળું બયરું સે હો. પોચાને ભારે પડવાનું સે. ગામ ગાંડુ નો થાય તો કે'જો. તખુભા તમે આ માસ્તરણીને ગામમાં નોકરી કરવા નો દેતા. નકર ગામના સોકરા ભણી રિયા." જાદવાએ માથું ખજવાળતા કહ્યું.''તમે તણેય આમ હેઠીના બેહો ને! અલ્યા એ બિચારી સાવ સીધી છે.શહેરમાં ઉછરી છે તોય ગામડામાં નોકરી કરવા આવી છે એટલે આપડે ઈનું ધ્યાન રાખવું પડે. આમ વેવલીના થિયા વગર્ય કામ કરો તમારું હાળ્યો." તખુભાએ ખિજાઈને કહ્યું."હા હાલો મારેય વાડીએ કામ સે. તખુભા હાચુ જ કેય સે. ઈમ કોયની વાંહે નો પડી જવાય." કહી ખીમો ચાલતો થયો. એની પાછળ ભીમો પણ ચાલ્યો, "ઊભો રે અલ્યા. મારેય વાડીએ કામ સે.." એ બેઉ જવા લાગ્યા એટલે જાદવો ચોંક્યો. 'આ બેય મારા બેટા સે તો હાવ નવરીના..આસનક ચ્યાંથી વાડીએ કામ નીકળ્યું!' એમ વિચારી એ પણ બોલ્યો, "અલ્યા હૂંય આજ તો ભૂલી જ્યો. દવા સાંટવાનો દાડીયો કર્યો સે એટલે વાંહે આંટો મારવા જાવું પડસે.""પણ જાદવા ચા તો બનાવ. હમણે ઓલીને ઘર બતાવવા ઘાંઘા થિયા'તા ને હવે મારા બેટાવને વાડિયું સાંભરી. ચા પાણી કરીને નથી જવાતું? બોલાવ્ય ઈ બેયને પાસા.." તખુભા ફરી ખીજાયા. "અલ્યા હાલો..સા પિયને જાવ. તખુભા બોલાવે સે." જાદવાએ ભીમા ખીમાને સાદ પાડ્યો."મારે તો ઉતાવળ સે..""મારેય જાવું પડે ઈમ સે. તું ને તખુભા સા પિય લ્યો.."  ભીમો ને ખીમો તો પાછા વળ્યા નહિ. જાદવાને પરાણે ચા બનાવવા બેસવું પડ્યું. તખુભાએ હોકામાં તમાકુ ભરીને પેટાવ્યો.  જાદવો ઉભરાઈ ગયેલી ચાનું વાસણ ધોઈ ફરીવાર ચા બનાવવા બેઠો પણ એનું મન ખીમા ને ભીમા  પાછળ જ લાગ્યું હતું, 'મારા બેટા વાડીએ તો નો જ ગિયા હોય. નક્કી પોચા માસ્તરના ઘર બાજુ જ જાહે. ઓલીને ઘર ભાડે રાખવાનું સે એટલે આ બેય ઈ બાને પોચા માસ્તરની ઘરે જાવાના હોય. હુંય સા પાણી પતે પસી આંટો મારુ. મારા ઘરે ઈવડી ઈ માસ્તરણી રેહે તો ઈનેય લાભ થાહે. જડકીનેય કાંક બુધી આવહે. મારેય જીવને થોડીક નિરાંત રેહે..બીજે તો જાવા જ નથી દેવી..'  જાદવો આમ વિચારતો હતો ત્યાં ભાભાની પધરામણી થઈ. "કેમ છે તખુભા.." કહી ભાભાએ તખુભાના સામે ખાટલે બેઠક લીધી. ઢાળીયામાં ચા બનાવતા જાદવાને જોઈ ઉમેર્યું, " લે આજ તો જાદવોય આવ્યો લાગે સે. અલ્યા આદુ જરાક સમાયે નાંખજે હો.."''આવો ગોર આવો..હા જોવોને પસી આજ જાદવને બોલાવ્યો સે. ચ્યાં હુંધી પસી રોદડાં રોવા..ડાયરો તો કરવો જ પડે ને!" તખુભાએ કહ્યું.  "ભાભા, તમારા ગનાની દીકરાએ કાંક યોજના બનાવી સે ઈ તમને તો કીધું જ હસે ને. ભાયસાબ અમારા રૂપિયા પાસા લાવી દયો તો તમારા પગ ધોયન પાણી પીહુ..લ્યો અતારે તો તમે સા પીવો.." કહી જાદવાએ ભાભાને ને તખુભાને ચા આપી.   ''ભાભાએ ચા નો સબડકો લેતા કહ્યું, "જો ભાઈ જાદવ..લખમીનું તો એવું સે ને કે જેટલી ભાગ્યમાં હોય એટલી રહે. આપણું ભાગ્ય ફૂટી જાય તો જતી રહે. તારા તો લાખ બે લાખ ગયા હશે રાજના રાજ પણ વ્યા જાય સમજ્યો. આપણી ભૂલ આપણને જ નડે. લોભ ને લાલચ બહુ બુરી બલા છે. એનાથી દૂર રહેવું.." "ઈ હંધુય અમે જાણવી જ છી. હવે બોધ દેવાનું રે'વા દયો ભાભા. બાબાલાલને કો કે કાંક કરે." જાદવાએ નારાજગીથી કહ્યું."તમે બધાએ બાબાને પુછીને રૂપિયા રોક્યા'તા? બાબાએ કીધું છે એટલે એ જરૂર મહેનત કરશે. પણ પૂછવાની એણે જેમ તમને બધાને ના પાડી છે એમ મનેય ના પાડી છે સમજ્યો? કહી ભાભાએ ચાની રકાબી નીચે મૂકીને તમાકુની ડબ્બી કાઢી.  તખુભા તો જાણતા જ હતા કે બાબા પાસે કોઈ યોજના નહોતી. અને હોય પણ ક્યાંથી? ભગાલાલ ઘણો ચાલક આદમી હતો જે લોકોને બનાવી ગયો હતો. પોલીસ એની તપાસ કરી રહી હતી પણ એ હાથમાં આવવાનો નહોતો.  "દાગતર કાંક આમાં જાણતા હોય. ફોન કરી જોવો..નવરા હોય તો બોલાવો. થોડુંઘણું જાણવા મળે કદાચ.." ભાભાએ તખુભાને કહ્યું."મને તો નથી લાગતું કે ડોક્ટરને કંઈ ખબર હોય. છતાં તમે કયો છો તો લો ફોન કરું." કહી તખુભાએ ડોક્ટરને ફોન કર્યો.  ડોકટર દવાખાને હતા. ખાસ કોઈ પેશન્ટ હતા નહિ એટલે થોડીવારે આવવાનું કહ્યું.ડોકટર થોડીવારે આવીને બેઠા. વાતો એની એ જ હતી. ભગાલાલ ગામને લૂંટી ગયો હતો. સૌથી વધુ નુકસાન હુકમચંદને થયું હતું.   "આપણે હુકમચંદને મળવા તો જવું જોઈએ. જે થયું તે થયું; આમાં હુકમચંદનો એકલાનો કંઈ વાંક નથી. બધાને લાલચ લાગી હતી. એણે ક્યાં કોઈને માસીના સમ દીધા'તા. હું એનો બચાવ નથી કરતો પણ મને લાગે છે કે આખરે એ પણ આ ગામનો આગેવાન હતો એટલે મળવા તો જવું જ જોઈએ." ડોકટરે કહ્યું.  તખુભા અને ભાભાને ડોકટરનો વાત ગમી. ચા પાણી પીને ડોકટર એમની મારુતિ લઈ આવ્યા. તખુભા, ભાભા અને જાદવો કારમાં ગોઠવાયા.   તખુભાને ધંધુકાની જેલમાં થોડી ઓળખાણો હતી એટલે હુકમચંદને મળવામાં બહુ મુશ્કેલી નડી નહિ.  હુકમચંદ સાવ નખાઈ ગયો હતો. દાઢી મૂછ વધી ગયા હતા. તખુભા, ભાભા અને ડોક્ટરને મળવા આવેલા જોઈ એ રાજી થયો. મુલાકાતી માટેના ઓરડામાં હુકમચંદ લોખંડની ગ્રીલ પાછળ આવીને નીચું જોઈને ઊભો રહ્યો. ઘડીક તો શું બોલવું એ કોઈને સમજાયું નહીં. પછી ભાભાએ કહ્યું,"હુકમચંદ જે થયું એમાં એકલા તમે દોષિત નથી. લોભ અને લાલચને કારણે જ આપણા સૌની આ દશા થઈ છે. પણ હવે આમાંથી જલ્દી બહાર નીકળવું જરૂરી છે." "ભાભાની વાત બરાબર છે. અબ પસ્તાયે ક્યા કરે જબ ચીડિયા ચુગ ગઈ ખેત.." ડોકટરે કહ્યું. "હુકમચંદ હવે તમારી ઉપર આરોપ નાંખીને પણ કંઈ ગયેલા રૂપિયા તો પાછા આવવાના નથી ને! પણ જો તમે કાંક ભેગા કરી શક્યા હોવ તો ગરીબ માણસોને પાછા દેજો. બાકી કંઈ કે'તા નથી."  તખુભાએ કહ્યું."હું તો સાવ ગરીબ જ છવ, તખુભાને ખબર્ય જ સે. હકમસંદ કોયને નો દયો તો હાલશે પણ મને મારા મૂળગા પાસા દેજો. મારે વ્યાજ નથી જો'તું તમતમારે.. એટલું તો હૂંય હમજુ ને!" જાદવાએ તક ઝડપી લેતા કહ્યું. હુકમચંદને હતું આ લોકો આવીને જેમતેમ બોલશે. કદાચ તખુભા ગાળો કાઢશે. પણ એની ધારણા કરતા અલગ વાત થઈ રહી હતી. "તખુભા એકવાર હું બાર્ય આવું પછી કંઈક થઈ રહેશે. હું છેતરાયો છું એમાં કોઈ શંકા નથી. પણ લોકોને છેતરીને રૂપિયા બનાવવાની મારી કોઈ નેમ નહોતી. મારે ગામમાં રહેવું છે તખુભા." કહી હુકમચંદે ભાભા ને ડોકટર તરફ જોઈને ઉમેર્યું,  "ભાભા ગામને કહેજો કે નીંરાત રાખે. કંઈક રસ્તો નીકળશે જ. નહિ નીકળે તો હું કાઢીશ. સૌનું કંઈકને કંઈક થઈ રહેશે..""તમારી તબિયત તો બરાબર છે ને હુકમચંદજી.."  ડોકટરે તબિયત પૂછી."હા તબિયત તો સારી છે ડોકટર.. માફ કરજો મેં તમને હેરાન કર્યા હતા." "કંઈ વાંધો નહિ. હવે એ વાત મનમાં ન રાખતા.." ડોકટરે કહ્યું."સર્પસ સાયબ, મારૂ કરજો હો. મારે તો મરવાનો વારો આવ્યો સે." જાદવાએ ફરી યાદ કરાવ્યું."બધાનું કંઈક કરીશું ભાઈ." હુકમચંદે કહ્યું. "તારો ટોકરો વગાડ્યા વગર શાંતિથી ઊભો રહે.." તખુભા જાદવાને ખીજાયા.   થોડીવાર આડી અવળી વાતો કરીને ચારેય જણ જેલમાંથી બહાર નીકળ્યા. તખુભા સિવાયના ત્રણેયને ક્યારેય જેલમાં આવવાનું થયું નહોતું. તખુભા આવી રીતે કોઈ કોઈ કેદીને મળવા આવેલા હતા. વળી એમના બે ચાર સબંધીઓ જેલ ખાતામાં જ પોલીસ હતા. "હુકમચંદે રસ્તો કાઢવાની વાત કરી એટલે મને લાગે છે કે ગમે તેમ કરીને આપણા ગામના લોકોને થોડા તો થોડા પણ રૂપિયા પાછા આપશે ખરો..તમને શું લાગે છે તખુભા.." ડોકટરે કારને ગામના રસ્તે ચડાવી એટલે ભાભાએ કહ્યું."ઈ એમ બોલેલો કે મારે ગામમાં રહેવું છે. હવે ગામમાં રહેવું હોય તો કાંક તો પશ્ચાત્તાપ કરવો જ પડશે. ગોર, એ હુકમચંદ હુકમનો એક્કો છે. એણે કંઈક તો વિચાર કરી જ રાખ્યો હોય. ગામ એને ઊંઘે ગધેડે નો ચડાવે એ માટેની તૈયારી તો રાખી જ હોય.." "તખુભા, મેં મારી ભેંસ વેસીન તમારી સેવા કરેલી સે હો. બીજા બધાનું જે કરવું હોય ઈ કરજો પણ મને...''જાદવાએ ફરી એની વાત મૂકી."અલ્યા આને કયા સાથે લાવ્યા..તું શાંતિ રાખને ભાય. ગામનું જે થાશે ઈમાં તારુંય થઈ રેહે.." તખુભા ખીજાયા. "કંઈ નાસ્તો કરીશું..?" રસ્તામાં હોટલ આવી એટલે ડોકટરે પૂછ્યું."બસો બસો ગ્રામ ગોટા હાલશે.." તખુભાએ તરત જ ડોકટરના પ્રસ્તાવને વધાવ્યો.  ચારેય હોટલમાં જઈ ટેબલ પર નાસ્તો કરવા બેઠા. ડોકટરે એક કિલો મિક્સ ભજીયાનો ઓર્ડર આપ્યો.   ભજીયા ખૂબ સ્વાદિષ્ટ હતા. ગરમાગરમ ભજીયા, ચટણી ને કાંદા મરચા ઉપર એક એક ગ્લાસ ઠંડી છાશ પી ને ચારેય ધરાઈ ગયા.  ઓર્ડર તો ડોકટરે આપેલો, અને નાસ્તો કરવાનો પ્રસ્તાવ પણ એનો જ હતો એટલે બિલ પણ ડોકટરે જ ચૂકવવાનું હોય. ડોકટર આ વાત સમજતા હતા.   ડોકટર દવાખાનેથી સીધા જ તખુભાની ડેલીએ ગયેલા. પછી હુકમચંદને મળવા જવાનું થયું એટલે બરોબારથી કાર લઈને આવતા રહેલા. દવાખાને એમને પર્સની જરૂર પડતી નહિ ને ખિસ્સામાં રાખવું એમને ફાવતું નહિ એટલે ઘરે જ મૂકી દેતા.  ક્યાંક બહાર જવાનું થાય તો પર્સ કબાટમાંથી લઈ ખિસ્સામાં મૂકી દેતા. પણ આજ ઉતાવળમાં પર્સ લેવાનું ડોકટર ભૂલી ગયેલા.   ડોકટર કાર લઈને આવ્યા એટલે તખુભા હોકો ખંખેરીને કારમાં બેસી ગયેલા. ભાભાને તો કંઈ ચિંતા જ ન હોય ને! તો વળી જાદવો ક્યાં રૂપિયાવાળો હતો!  "મારુ બેટુ ભારે થઈ..પર્સ તો ઘરે જ રહી ગયું..." ડોકટરે પાછળના ખિસ્સામાંથી હાથ બહાર કાઢીને કહ્યું.   પેલા ત્રણેયના મોં પડી ગયા. કિલો ભજીયા તો ઝાપટી ગયા હતા. પણ પૈસા ચૂકવવાની કોઈએ ગણતરી રાખેલી નહિ.   "દાગતર તમારે પેલા ઈ જોય લેવું પડે ભલામાણહ. રૂપિયાનું પાકીટ નો હોય તો નાસ્તો કરવા નો બેહાય.." જાદવાએ કહ્યું.   "તમારામાંથી કોઈ એકજણ અત્યારે આપી દયો. હું ઘરે જઈને તમને આપી દઈશ. મને ખ્યાલ ન રહ્યો..""હુંય તમારા ભરોસે કારમાં બેસી ગયો છું યાર.." તખુભાએ પોતાની અસમર્થતા જાહેર કરીને ભાભા સામે જોયું."રામ રામ કરો..મારે રૂપિયા સાથે રાખવાની જરૂર જ નથી પડતી.." ભાભાએ ખભા ઉલાળીને કહ્યું."તો ભાઈ જાદવ..હવે તારે આશરે છવી. તું ખેડુનો દીકરો રિયો એટલે તારી પાંહે કાંક તો હશે જ. નકર પસી હોટલવાળાના ઠામડા ધોઈ દેજે એટલે છુટા થાવી.." તખુભાએ જાદવને પકડ્યો."મારી પાંહે હતા પણ મેં હંધાય ઈસ્કીમમાં રોક્યા સે ને! તમારા ઘરે તો સા બનાવીને વાસણ બવ ધોયા, હવે હોટલના ધોવરાવો..હું કાંય નવરીનો નથી." કહી જાદવો ઊભો થઈને બહાર જતો રહ્યો."હવે? ભાભા તમારા ઝભ્ભામાં કાંક તો હશે જ. સાવ કોરા ધકોર નો હોય.." તખુભાએ ભાભા તરફ મીટ માંડી. "થોડાંક સુટા નીકળે કદાચ.." કહી ભાભાએ ઝભ્ભાના ખિસ્સામાંથી પરચુરણ કાઢીને ટેબલ પર મૂક્યું. ડોકટરે એ સિક્કા ગણ્યા તો રોકડા સત્તર રૂપિયા હતા.  કાઉન્ટર પર બેઠેલો હોટલનો માલિક ક્યારનો આ ખેલ જોઈ રહ્યો હતો. કાર લઈને આવેલા ચારેય જણ કોઈ હાલી મવાલી નહોતા એનો ખ્યાલ એને આવ્યો હતો. તખુભા અને ભાભાને દરબાર અને બ્રાહ્મણ હોવાનો અને  ડોકટરને પણ દેખાવ પરથી સામાન્ય માણસ તો નથી જ એ ખ્યાલ એને આવી જ ગયો હતો.  આખરે તખુભા ઊભા થઈને કાઉન્ટર પર આવ્યા."જો ભાય અમે એક ખાસ કામે આવેલા તે ઉતાવળમાં એમનીમ કારમાં બેસીને નીકળી ગયેલા છીએ. આ ભાઈ ડોકટર છે, આ મા'રાજ શાસ્ત્રી છે ને હું તખુભા. લાળીજા અમારું ગામ. તારા કિલો ભજીયા અમે ખાધા સે એની ના નથી પાડતા. તારા દોઢસો કે બસ્સો જે થાતા હોય ઈ તને કાલે પોગાડી દેશું.""નો પોગાડો તોય અમે કાંય ભડાકે થોડા દેશું તખુભા? કાંય વાંધો નય તમતમારે. હજી બીજા કિલો બાંધી દવ કે'તા હોય તો..મુંજાય શું ગયા ઈમાં.." કહી પેલો હસી પડ્યો."ના ભાય ના...આટલું અમારી જેવા અજાણ્યાનું રાખ્યું એ પણ ઘણું. કાલે તને તારું બિલ મળી જાશે." તખુભાએ પણ હસીને કહ્યું."લાળીજા તો હુકમચંદ સ્કીમવાળાનું ને? અલ્યા બવ ઝાઝા લોકોને લૂંટયા છે હો. અમેય રોકેલા છે. તેં હેં દરબાર આમાં કાંય થાય ઈમ છે કે નય. તમે ઈના ગામના છો એટલે તમને ખબર્ય હોય.." કાઉન્ટર પર ઉભેલા એક જણે તખુભાને પૂછ્યું. "સવનું થાશે ઈ વવનું થાશે.." કહી તખુભા કાર તરફ ચાલતાં થયાં.   ડોકટરે કાર ગામ તરફ હાંકી મૂકી.(ક્રમશઃ)