શ્રીકૃષ્ણ ભગવાન સાથે આધ્યાત્મિક રીતે જોડાવા માટે, તેમના સાચા સ્વરૂપની ઓળખાણ અને તેમણે પ્રબોધેલા ગીતાજ્ઞાનની યથાર્થ સમજણ મદદરૂપ થઈ શકે છે. દુનિયામાં શ્રીકૃષ્ણ ભગવાનને બાલકૃષ્ણ, ગોવર્ધન ગિરિધારી, મુરલીવાળા મોહન, ગોપાલક ગોવિંદ, શ્રીનાથજી, તિરુપતિ બાલાજી વગેરે અનેક સ્વરૂપે ભજવામાં આવે છે. પરંતુ શ્રીકૃષ્ણ એટલે નરમાંથી નારાયણ થયા તે! તેઓ વાસુદેવ હતા, ગીતાનું અદ્ભુત જ્ઞાન આપનાર મહાન જ્ઞાની હતા. ત્રેસઠ શલાકા (શ્રેષ્ઠ) પુરુષો એટલે જેમને મોક્ષમાર્ગનો સિક્કો વાગી ગયો હોય છે તેવા મહાન પુરુષો, જેમાં વાસુદેવનો સમાવેશ થાય છે. વાસુદેવ એટલે રાજપાટ, રાણીઓ એમ બધી ચીજોના ભોક્તા હોય, છતાં મોક્ષના અધિકારી હોય.
પોતાના સંબંધીઓ અને વડીલો સામે યુદ્ધ લડવાના વિચારથી વિષાદમાં ડૂબેલા અર્જુનને તેનો ક્ષત્રિય ધર્મ યાદ કરાવવા, અને યુદ્ધ માટે લડવા તૈયાર કરવા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું, તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાયું. કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ પહેલા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે, જે સગાં સંબંધીઓ સાથે લડવાના નામથી તું વિષાદ પામે છે, તેઓ પણ બધા આત્મારૂપે છે. આત્મા જન્મતો નથી કે મરતો નથી. શસ્ત્રો આત્માને ભેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી. હે પાર્થ! તું પણ તેવો જ આત્મા છે. હું પણ તે જ આત્મારૂપ છું. તું મારા સાચા સ્વરૂપને ઓળખ! ગીતાના અદ્ભુત જ્ઞાન થકી અર્જુનનો ભય અને વિષાદ દૂર થયો. એટલું જ નહીં, મહાભારતના યુદ્ધનું ભયંકર કર્મ કરવા છતાં, તેઓ આત્માના જ્ઞાન થકી અકર્મદશામાં રહ્યા. પાછલા જીવનમાં તેમણે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી, અને તે જ ભવે મોક્ષે પણ ગયા!
શ્રીકૃષ્ણ ભગવાનને સોળ હજાર રાણીઓ હોવા છતાં તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. જેમના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય! ઉદયમાં અબ્રહ્મચર્ય હતું, છતાં તેમના ભાવમાં સતત બ્રહ્મચર્ય પ્રત્યે નિષ્ઠા હતી. બ્રહ્મચારીઓ અને ત્યાગીઓ માટે તેમને એટલો અહોભાવ હતો કે અત્યંત ઉત્કૃષ્ટ ભાવથી અસંખ્ય સાધુઓને વંદન કર્યું હતું! તેમણે પોતાના રાજ્યમાં જેમને દીક્ષા લેવી હોય તેમના અને તેમના આખા કુટુંબના જીવનનિર્વાહ અને સંરક્ષણનું બધું સાચવી લેવાની જવાબદારી ઉપાડી હતી. શ્રીકૃષ્ણ ભગવાનને નેમિનાથ ભગવાન પાસેથી ક્ષાયક સમકિત પ્રાપ્ત થયું હતું અને તે જ ભવમાં તેમણે તીર્થંકર ગોત્ર પણ બાંધ્યું હતું! આવતી ચોવીસીમાં શ્રીકૃષ્ણ ભગવાન તીર્થંકર ભગવાન થશે ત્યારે કરોડો લોકો તેમના નિમિત્તે આત્માનું જ્ઞાન પામીને મોક્ષમાર્ગે દોરાશે!
શ્રીકૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર એ કોઈ શસ્ત્ર નહોતું. દર્શન એટલે દૃષ્ટિ અને સુદર્શન એટલે સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ દર્શન. નેમિનાથ ભગવાન પાસેથી શ્રીકૃષ્ણ ભગવાનને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું હતું. અજ્ઞાનતાથી જીવો આ નામધારી, દેહધારી હું છું તેવી ભ્રાંતિમાં જીવે છે જયારે “હું આત્મા છું” એ સમ્યક્ દૃષ્ટિ છે. જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાનતાના આવરણો ભેદાય છે અને 'સુદર્શન' અર્થાત્ સમ્યક્ સમજણ પ્રગટ થાય છે. સર્વ ભ્રાંત માન્યતા તૂટતાં “હું આત્મા છું” એવી રાઈટ બિલીફ બેસે, એ જ સમ્યક્ દર્શન.
શ્રીકૃષ્ણ ભગવાનના સાચા સ્વરૂપને ઓળખીને તેમની ભક્તિ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આપણને મહીં જ આત્માનો સાક્ષાત્કાર થાય છે અને તે જ સાચા શ્રીકૃષ્ણ છે. ત્યાં ભક્ત અને ભગવાન એક થાય છે. ખરા શ્રીકૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર એક જ્ઞાની પુરુષ જ કરાવી શકે. છેલ્લી વાત એ છે કે, પોતાનું આત્મા સ્વરૂપ એ જ કૃષ્ણ છે. આત્મસાક્ષાત્કાર પછી પોતે સ્વરૂપમાં રમણતા કરે તો “આત્મવત્ સર્વભૂતેષુ” એટલે કે જીવમાત્ર આત્મસ્વરૂપે દેખાય.
આત્મસાક્ષાત્કાર/આત્મજ્ઞાન એટલે ‘પોતે’ ખરેખર કોણ છે, તેને જાણવું. પણ શું તમને ખબર છે, કે હકીકતમાં તમે પોતે કોણ છો? વધુ જાણવા માટે અહીં ક્લિક કરો: https://www.dadabhagwan.in/self-realization/