Mara Anubhavo - 48 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 48

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 48

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 48

શિર્ષક:- સાળા મળ્યા!

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 48 ."સાળા મળ્યા ! "



કાશીમાં એક વર્ષ રહીને ઉજ્જૈનનો કુંભભેળો કરવા માટે ઉજ્જૈન જવાનું થયું. મારા ગુરુદેવનો આગ્રહ હતો કે કુંભમેળામાં મારે મારો વિરજાહવન કરાવી લેવો. જોકે હું તેની આવશ્યકતા સમજતો ન હતો. પણ ગુરુજીની આજ્ઞા માની હું કુંભમેળામાં ગયો હતો તથા લગભગ એક મહિનો રહ્યો હતો. ઉજ્જૈનનો કુંભમેળો વેરવિખેર હોય છે. અર્થાત્ પ્રયાગરાજની માફક એક સ્થળે સાધુસમાજ એકત્રિત ન થતો હોવાથી છૂટાંછવાયાં સ્થળોમાં દર્શનાર્થીઓને ફરવું પડતું હોય છે. તેમ છતાં હું જ્યાં ઊતરલો તે મુલ્લાં મદારીનો બાગ (પાછળથી મહાવીર બાગ) તથા ક્ષિપ્રા સુધીનો ભાગ ખૂબ જ ભરચક તથા ખૂબ દેદીપ્યમાન હતો.


સૌ પોતપોતાની રાવટીઓ, તંબૂઓ લગાવીને લાઉડસ્પીકરો ઉપર વારંવાર કથા પ્રવચનોનો પ્રવાહ વહેવડાવતા હતા. પાસે પાસે જ ઉતારાઓ હોવાથી લાઉડસ્પીકરોનો ઘોંઘાટ એકબીજા માટે ઘણી વાર અસુવિધા કરનારો તથા કેટલીક વાર ઝઘડા કરાવનારો પણ થઈ જતો; સ્પર્ધાનું વાતાવરણ પણ રહેતું. ત્યાગની કથા કરવાથી કાંઈ જીવન ત્યાગી નથી થઈ જતું. રાગદ્વેષ છોડવાની શિખામણથી પણ કાંઈ પોતાના રાગદ્વેષ છૂટી નથી જતા હોતા. અંતે તો માણસ એ માણસ જ છે. તેની સાથે દુર્બળતાઓ થોડા ઘણા અંશે રહેવાની જ. આવું બધું સમ્મીલિતરૂપે મેળામાં જોવા ન મળે તો ક્યાં મળે?

આ કુંભમેળામાં મારી સાથે એક એવી હાસ્યાસ્પદ ઘટના બની કે મને જીવનભર યાદ રહેશે.



રાત્રે આઠેક વાગે અમે સૌ સાધુઓ ભોજન કરીને પોતપોતાના તંબૂમાં જવા રવાના થઈ રહ્યા હતા. આદત પ્રમાણે હું સૌથી પાછળ હતો. કમંડળવાળા હાથને હલાવતો હલાવતો હું ધીરે ધીરે મસ્તીમાં જઈ રહ્યો હતો. ત્યાં પાછળથી કોઈએ મારો હાથ પકડ્યો. આશ્ચર્ય સાથે મેં પાછા ફરીને જોયું તો એક શ્રીમંત શેઠ મજબૂતાઈથી હાથ પકડીને આંખમાં ઝળઝળિયાં લાવીને મને જોઈ રહ્યા છે. આવી રીતે હાથ પકડવો એ અસભ્યતા લાગવાથી હું થોડો ઉગ્ર થઈને બોલ્યો, "આપ કૌન હૈં? ઔર ક્યા બાત હૈ?" મારી વાત સાંભળીને તેમણે વધુ જોરથી મારો હાથ પકડીને કહ્યું: “અરે, ભૂલ ગયે? કીતને કઠોર હો !' તેમની વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. તેમણે જ આગળ ચલાવ્યું.


“મેરે લીયે નહીં તો કમસે કમ મેરી બહનકે લિયે તો દયા લાઈયે. ઉસ બિચારીકી ક્યા હાલ હો રહા હૈ, આપકો પતા હૈ ? આપકે ચલે જાનેકે બાદ વહ ખાતી નહીં. દિન-રાત રો-રો કરતી હૈ. જરા સોચિયે ઔર ઘર ચલિયે. મૈં પંદરહ દિનોંસે યહાં આપકો ખોજ રહા થા, હરેક કૅમ્પકો છાન મારા. આખિરમેં આપ આજ મિલ ગયે. અબ મેં છોડનેવાલા નહીં.'


તેમની વાત સાંભળી હું ડઘાઈ જ ગયો ! મેં કહ્યું, “જિસકો આપ ઢૂંઢતે વહ મૈં નહીં હૂં. મેં તો દૂસરા હૂં.' પણ મારી વાત માનવા તે તૈયાર ન હતા. તેમનું કહેવું હતું કે એ જ આકૃતિ એ જ ચાલ એ જ અવાજ – બધું એ જ છે. એટલે તમે જ છો. હવે મને છેતરશો નહિ. તે ભાઈની સાથે તેમનો મુનીમ પણ હતો. તે પણ શેઠની વાતમાં સૂર પુરાવીને કહેવા લાગ્યો, વહી હૈ, વહી. બિલકુલ વહી.'



હું ગભરાયો. મને થયું કે હમણાં અહીં ટોળું ભેગું થઈ જશે. એક તમાશો થશે. લોકો મારા પક્ષે નહિ પણ પેલા શેઠના પક્ષે થઈ જશે. સૌકોઈ મને તેમની સાથે જવા તથા તેમની બહેનને સંભાળવા આગ્રહ કરશે. શેઠે મારો હાથ મક્કમ રીતે પકડ્યો હતો. તે હવે જરાય ઢીલા થવા તૈયાર ન હતા.



મેં વિચાર કર્યો કે આ ભાઈને સમજાવી મારા તંબૂ ઉપર લઈ જાઉં, ત્યાં બીજા ત્રણ-ચાર સંન્યાસીઓ છે, તેમના દ્વારા કહેવડાવું કે હું રાજસ્થાની નહિ પણ ગુજરાતી છું, તથા વાણિયો નહિ પણ બ્રાહ્મણ છું. ગમે તેમ સમજાવીને હું તેમને મારા તંબૂ ઉપર લઈ ગયો. સાથેના સંતોને ખરી હકીકત કહી અને કહ્યું કે તમે આ ભાઈને સમજાવો કે જેને તેઓ ખોળે છે તે હું નથી. મારી માતૃભૂમિ ગુજરાત છે તથા હું બ્રાહ્મણ છું, વગેરે. પણ પેલા ભાઈની કરુણ દશા, મક્કમતા વગેરે જોઈને સાથવાળા સંન્યાસીઓને પણ થઇ ગયું કે હું તે જ છું જેને પેલા ભાઈ ખોળી રહ્યા છે. મારો પક્ષ લેવાને બદલે તે પેલા શેઠના પક્ષમાં થઈ ગયા અને મને સમજાવવા લાગ્યા કે:


“દેખો, અભી તુમ્હારા વિરજાહવન નહીં હુઆ હૈ, અભિ તુમ ઘર જા સકતે હો. જુવાન ઔરત કો છોડ કે ભાગ આયે હો. વહ પાપ હૈ. જાઓ અપને ઘર વાપસ જાઓ.'



પેલા શેઠને મહાત્માનો ટેકો મળવાથી વધુ મક્કમ બન્યા, જ્યારે મારી સ્થિતિ બદલાઈ ગઈ. મેં ગુજરાતી ભાષાની વાત કહી તો તે કહે કે એ તો ઘૂમતા-ફરતા માણસને આવડી જાય. ત્રીજા જ દિવસે મારો વિહજાહવન થવાનો હતો. તે ન થાય તેની ચિંતા પેલા શેઠને હતી. પેલા સંતો પણ તેમાં ભળ્યા હતા અને જો વાત આગળ વધે તો આખો કૅમ્પ પેલા શેઠના પક્ષમાં થઈ જાય તેમ હતું. તે વારંવાર મને કરુણાભરી વાણીમાં કહેતા હતાઃ “આપ એક બાર ઘર ચલિયે, ઘરમેં ના રહેના હો તો તાલાબ કે ઉપર કુટિયા બનવા દેંગે. આપ જૈસે કહેંગે વૈસા કરેંગે. કિન્તુ એક બાર ઘર ચલિયે.'



અમારી રકઝકમાં રાતના અગિયાર વાગી ગયા હતા. મારા પક્ષમાં કોઈ ન હતું. હવે શું કરવું? ચિંતા થતી હતી. અંતે મને એક ઉપાય સૂઝ્યો. મેં કહ્યું, તમારી સાથે બીજું કોણ આવ્યું છે? તો કહે કે માજી આઈ હૈ, બહુ આઈ હૈં” વગેરે વગેરે. મેં સાહસ કર્યું. મેં કહ્યું: "ચલિયે, મેં આપકે કૅમ્પમેં આતા હૂઁ ઉન સબસે મિલને કે લિયે.” તે રાજી થવા. અમે ત્રણે જણા રાતના ચાલી નીકળ્યા. તેમના કૅમ્પમાં પહોંચ્યા. ત્યારે તેમનો પરિવાર તેમની રાહ જોઈને-થાકીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો. પેલા શેઠે મારવાડી ભાષામાં વાતચીત કરી અને સૌને સમજાવ્યું કે મારા બનેવી મળી ગયા છે તથા માંડ માંડ અહીં લઈ આવ્યો છું. સૌ મારી સામું ટગરટગર જોઈ રહ્યાં. મેં હિંમત કરીને કહ્યું કે હું તે નથી. તમે સૌ ભ્રાન્તિમાં પડ્યાં છો. પણ કોણ માને ? અંતે ડોશીમા તંબૂમાંથી બહાર આવ્યાં. બત્તીના ગોળા આગળ મને લઈ ગયાં. આંખો ઉપર ડાબા હાથની છાજલી બનાવીને ધારી ધારીને મને નીરખ્યો, પછી કહે:  'એસો દિખ્ખે નાંહિ.' (એવો લાગતો નથી.) મને થોડી હિંમત આવી. ફરી મેં સૌને સમજાવ્યાં. પેલાં ડોશીમા હવે મારા પક્ષે હતાં. તે કહેતાં હતાં કે ના આ કોઈ બીજો છે. રાતના બાર વાગે પેલા શેઠને ખાતરી થઈ કે હું તેમનો બનેવી નથી. જેવી ખાતરી થઈ કે તરત કહે, 'અચ્છા તો અબ આપ જા સકતે હૈં' તેનો વ્યવહાર તદ્દન સુક્કો થઈ ગયો. પોતાનું માણસ સમજીને અત્યાર સુધી તે મને છોડતો ન હતો, પણ હવે સ્વજનપણું સમાપ્ત થતાં તે પોતાના કામમાં લાગી ગયો. રાતના બાર વાગ્યે મને મૂકવા તો તેણે આવવું જોઈએ, પણ હવે મારે-તમારે શું ? જેવી સ્થિતિ થઈ ગઈ.



હું એકલો આવીને મારા તંબૂમાં ચૂપચાપ સૂઈ ગયો. ‘હાશ છૂટ્યા’ની શાન્તિ હતી. બીજી તરફ હસવું પણ આવતું હતું. જો પેલી ડોશી મારી વહારે ન ચડી હોત તો ? અને મારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત અને જવા તૈયાર થઈ ગયો હોત તો?



સમાજ, સમાજના પ્રશ્નો કેટલા ગૂંચવાયેલા હોય છે ! ઘણી વાર તેની ગૂંચો ઉકેલવા જતાં જાણતાં-અજાણતાં તે વધુ ગૂંચવાઈ જતા હોય છે. ઈશ્વરની કૃપા હતી કે અમે સૌ ગૂંચમાંથી નીકળી ગયા હતા.



આભાર

સ્નેહલ જાની