સાસરું એટલે દેશવટો?
********************
આજકાલ દીકરી.. દીકરી.. દીકરી એટલું ચાલે છે કે, દીકરીઓ આર્થિક રીતે તો સ્વતંત્ર થઈ જાય છે, છતાં એમનાં માનસિક રીતે પંગુ બનવાનાં ચાન્સ વધી ગયાં છે!
અટપટું વાક્ય છે. કદાચ, સો ટકા ગળે ન પણ ઉતરે. હાલના તબક્કે સમજવા જેવી વાત કહેવા માંગુ છું.
આ સોશિયલ મીડિયામાં વ્યુઅર્સ, ફોલોવર્સ વધારવાનો સહેલો અને ઈજ્જતદાર રસ્તો છે, લોકોની ઋજુ લાગણીઓનો ભરપૂર ઉપયોગ કરવો! દીકરી, વૃદ્ધ માતા પિતા, સાસરે જતી દીકરીની વિદાય, વૃદ્ધાશ્રમો વગેરે વગેરેની રીલ કે વિડિયો બનાવો તો કૂદકે ને ભૂસકે વ્યૂઅર મળે એની ગેરંટી! એકદમ સ્વાભાવિક વાત છે કે દરેક જગ્યાએ સેલેબલ તો લાગણીઓ જ છે ને! જો કે એનાં પ્રકાર જુદાં જુદાં હોય. કઈ વાતો વધારે અસરકારક સાબિત થશે એ જે તે રીલર કે વિડિયો મેકરની કથનકળા પર નિર્ભર છે!
હવે, મુખ્ય વાત અને મારાં વિચારો કહું. દીકરીને એક ઘર છોડી બીજે ઘરે જવું, એ વાતને જાણે અતિશય દુઃખદ પ્રસંગ હોય એમ હાઉ ઉભો કરવામાં આવ્યો છે. દીકરીને જાણે કાયમી વિદાય આપી હોય, ક્યારેય જોવા કે વાત કરવા જ ન મળવાની હોય એટલી હદે સાસરું એટલે પારકું ઘર એમ ઠસાવવામાં આવી રહ્યું છે. (પરોક્ષ રીતે જ જો કે) એવું સમજાવવું જરૂરી છે કે,
"આ તારી મમ્મી, કાકી, માસી, ફોઈ કે સાસુ બધાં જ સાસરે રહે છે. હવે પોતાનું સમજી કેવી રીતે સેટ થઈ ગયાં છે એમ તું પણ થઈ જઈશ. બસ, અમુક સંબંધો બદલાશે ફકત!" એને બદલે
"કામ નહિ કરાવો, સાસરે જઈને તો કરવાનું જ છે ને".
"અહીં જેટલા લાડ થાય એટલાં કરાવો સાસરે મળે ન મળે."
"દીકરીનાં મા બાપ હોય એને જ ખબર પડે."
"દીકરીને સાસરે વળાવવી એટલે બાપ માટે દુનિયાનું સૌથી મોટું દુઃખ."
આવા વાક્યોની જબરજસ્ત ગોળાબારી ચાલી રહી છે! સાસરું શબ્દ માથે એટલો નેગેટિવલી પછાડવામાં આવે છે કે, ઘણી દીકરીઓ ત્યાં જઈને કોઈ પણ વ્યક્તિને સહજતાથી સ્વીકારી નથી શકતી. પરાયાપણું અનુભવતી રહે છે. પતિ સિવાય બીજાં દરેક સભ્યો પારકા લાગે છે. સંવેદનાઓ કેળવી નથી શકતી. મા બાપની તકલીફો સમજી શકતી દીકરી પોતાનાં પ્રિયપાત્રના મા બાપની તકલીફ સમજી નથી શકતી અથવા એ તકલીફો એને અડતી નથી. તમે કઈ રીતે ધારી લો છો કે કદાચ સાસરે લાડ નહિ મળે? તમારે લાડ કરાવવા હોય એટલાં કરાવો પણ "સાસરે" શબ્દ બોલવો જરૂરી નથી હોતો. દીકરીનાં મા બાપને જ શા માટે ખબર પડે કે દીકરી શું છે? અને એને સાસરે વળાવવી એ શું છે? દીકરાની મા પણ સાસરે આવી જ છે ને? ક્યારેક તો એ એડજસ્ટમેન્ટ એણે પણ કર્યું જ હશે ને! દીકરીને સાસરે વળાવવી એ બાપ માટે દુનિયાનું સૌથી મોટું દુઃખ છે? કેમ વળી? તમે કોઈની દીકરી નથી લાવ્યા? દીકરીને ગમ્યું કોઈ પાત્ર, એની સાથે હરે ફરે છે ખુશ રહે છે. દીકરીને પણ એ પ્રિયપાત્ર સાથે સંસાર વસાવવો છે. જેમ તમે પુત્રવધૂ કે પત્ની સાથે ઘરમાં રહો છો એમ તમારી દીકરી એની ખુશીથી ત્યાં રહેશે. હા, ઘર સૂનું લાગે એ વાત સાચી. સાસરે જતી દીકરીને બાપનો હસતો ચહેરો યાદ રહે એમ વિચારવું જોઈએ.
મા બાપનાં અતિશય લાગણીવેડા દીકરીનો સંસાર નહિ ટકવા દે એ વિચારવું રહ્યું. જેમ તમે દીકરી બીજાં ઘરે મોકલો છો એમ એ ઘરનો દીકરો પણ ઘરમાં જ રહીને "પારકી દીકરી" ને હવાલે થઈ જ જાય છે ને! જે વર્ષો વર્ષ માનો પાલવ પકડીને ચાલ્યો હોય છે એ હવે આવનારને ઈશારે ચાલતો થઈ જાય છે. એનાં સંસારમાં બાળકો આવે પછી લગભગ મા બાપ તરફની લાગણી પચીસ ટકા બચે છે. તો એ મા બાપની વ્યથા દીકરીનાં મા બાપની જેમ અસર કેમ ઉભી નહિ કરી શકતી હોય?
ક્રમશ: