Poetry collection. - 5 in Gujarati Poems by રોનક જોષી. રાહગીર books and stories PDF | કાવ્ય સંગ્રહ. - 5

Featured Books
Categories
Share

કાવ્ય સંગ્રહ. - 5

એણે કહ્યું લે બોલ લાગી શરત તું હારે છે,

મેં પણ હસીને કહ્યું હા એજ મારી હારે છે.

વાદળ વરસી પડ્યું સૂકી ધરાની શાનમાં,

માટી સુગંધરૂપે બોલી તું પણ મને તારે છે.

હૃદયરૂપી એક ધબકારો હતો અમારો,

શ્વાસથી છૂટો પડી વિશ્વાસ તો મારે છે.

વાત એવી બની કે અમે બંને મૌન થયા,

વાત કે વિવાદ નહીં થાય એવુ સૌ ધારે છે.

હિંમત, હાર, સત્તા, ભય, દગો આપ્યું ઘણું,

આવ્યો સમય અર્થીનો હવે તારે સહારે છે.

-

રોનક જોષી.

'રાહગીર'.

કહી દે એક વાત કે કંઈ સુધારવાની જરૂર નથી,

મનપ્રિતને પળેપળે યાદ રાખવાની જરૂર નથી.

ખ્વાબ  તૂટે સાથ છૂટે  દર્દમાં ડૂબવાની જરૂર નથી ,

મળશું ક્યારે એવી કંઈ  ચિંતા કરવાની જરૂર નથી.

સાથ આટલો ખૂબ છે સંગાથે જીવવાની જરૂર નથી,

ડૂબ્યા છીએ એ હદે કે કિનારો શોધવાની જરૂર નથી.

સમજે કે ના સમજે સમજાવવાની જરૂર નથી,

અહીંનું અહીં ત્યાંનું ત્યાં હિસાબ રાખવાની જરૂર નથી.

એક છે સવાલ જવાબ મૌન પાળવાની જરૂર નથી,

દૂર  ક્યાં જઈશું ? આભને કંઈ ઓઢવાની  જરૂર નથી .

-

રોનક જોષી

'રાહગીર'.

ચૂંટીને ફૂલો સૌ કુમળાં  માળી બની બેઠા છે,

ન્યાયની પુકાર દલીલબાજી ટાળી બેઠા  છે.

કરે અવનવા અખતરા , ખતરા પેદા કરે ,

સૌ કોઈ બગલાઓને હંસ જેવા ભાળી બેઠા છે.

ઉલટા સુલટા ચશ્મા પહેરી  દુનિયા જોતા,

માણસો જ માણસાઈ ખોઈ જાળી બની બેઠા છે .

તન મન ધન જાણે ખુલ્લે આમ વહેંચીને ,

જાતને ધોળા દિવસે જ કરી કાળી બેઠા છે.

મીણના માણસો મીણબત્તી લઈ  નગરમાં,

સ્વયં  જાત સાથેની વફાદારી ટાળી બેઠા છે.

-

રોનક જોષી

'રાહગીર'.

મધ દરિયેથી હું આવ્યો છું કોઈને ડૂબાડ્યા વગર ,

ડૂબાડી દીધો મને કિનારે કોઈએ કૈં પૂંછ્યા વગર.

સમયની ને શાંતિની અપીલ હજી કોર્ટમાં પેન્ડિંગ છે,

રસ્તે  યમના  પાડાએ ઉપાડ્યો કૈં પણ  જાણ્યા વગર.

મંદિર , મસ્જિદ, ચર્ચ ને ગુરુદ્વારા બધે જ જઈ આવ્યો,

ધીમેથી કહ્યું કટોરો ક્યાં છે? હું શોધું મને શોધ્યા વગર.

ના વળ્યું કંઈ તો વાંધો નહીં , કિનારો તો હજી અહી જ છે,

ઢાંકણીમાં પાણી લઈને ફરીથી  ડૂબી જા ડૂબ્યા વગર.

સાચાને સાચું અને ખોટાને ખોટું જ સાબિત કરતાં ,

એક દિવસ તો  તારા જ તને નહિ રહે  બાળ્યા વગર.

-

રોનક જોષી

'રાહગીર'.

પ્રકૃતિને  હૂંફાળા સ્પર્શનું અચ૨જ જોઈએ છે,

એકરસ થવા નવો નક્કોર સૂરજ જોઈએ છે.

તું ફક્ત દૂર દૂરથી લીલોતરીને જોયા કર,

આંખના જ કોમળ સ્પર્શની રજે ૨જ જોઈએ છે.

આ પર્વત , નદી, આ વનરાઈમાં અજબ સ્પંદન,

માદક હવાનો મદહોશ  ફરફરતો ધ્વજ જોઈએ છે.

અડીખમ ઊભેલા પર્વત પરથી સરતી નદી,

દૂરના દરિયાનો સંગાથ સજધજ જોઈએ છે.

વ્યોમની નીલી નીલી નિલીમા આજે  આંખોમાં આંજી છે,

ચોતરફ  મધુરતમ સાજની તરજ જોઈએ છે.

-

રોનક જોષી

'રાહગીર'.

પારકું પણ સાવ  પોતાનું સંગીન હોવું જોઈએ ,

આંખમાં તો એક નવું ખ્વાબ રંગીન હોવું જોઈએ.

તારે જો જોઈએ તો લે મારી આંખ તું હવે લઈ જા ,

આંસુ પણ  કોરે કોરું ને ગમગીન હોવું જોઈએ.

સ્હેજ પણ મારા આંસુમાં દર્દ ખુમારી દેખાય છે?

સઘળું આ એક નજરમાં તલ્લીન હોવું જોઈએ.

દુનિયાદારીની આ આંટી ઘૂંટી ને આપા ધાપી વચ્ચે ,

ખુદનું ખુદની સાથે પણ મિલન હોવું જોઈએ.

કંઈ કેટલા અહી ધરતી પર આવ્યા  અને ગયા ,

સતત ઝિંદાદિલ આપણું જીવન હોવું જોઈએ.

-

રોનક જોષી

'રાહગીર'

મજા ગામડાની તો અલગ ઝલક છે,

અલગારી જિંદગીનું મસ્ત ફલક છે.


બાળપણની યાદોનું મધુર ગુંજન ,

જાણે આજે આપણું જીવંત મલક છે.


ક્યાં ગીચ શહેર ? ને ક્યાં મોકળું ગામડું ?

આકાશ અને પાતાળ જેવો ફરક છે.


પ્રકૃતિ તરફ પાછા વળોનો સાદ છે,

હજી પણ સમજવાની ઘણી તક છે.


નગરની હવા ત્યાં કાતિલ ઝેર બની છે,

શાંતિ શુદ્ધ હવાનું જ્યાં ગામ સબક છે.


-

રોનક જોષી

'રાહગીર'


સૂર્યની રોશની વિશે તો હું વિચાર કરું છુ ,

ધગધગતી આગને પણ નિખાર કરું છું.


ના સમજને તારી ક્યાં કંઈ પણ પરખ છે ?

તો પણ રોજ રોજ તારામાં વિહાર કરું છું.


આમ તો તું નિરંતર બદલતો જ હોય છે,

તો યે તારી મુસીબતોનો હું નિવાર કરું છું .


કેટલી તેજ છાયા રંગ રૂપની છે ઝલક ,

સુબહ શામની રંગીનતા દીદાર કરું છું .


હૂંફની ઉષ્મા તો કરે છે સતત ઝિંદાદિલ ,

મેઘધનુષ્ય જેમ લાગણી નિતાર કરું છું .


-

રોનક જોષી

'રાહગીર'


એ સમજ્યા હું ડૂબ્યો પણ હું ખારવો હતો,

તમે પણ ખરા છો એકવાર તો ધારવો હતો.


દોરડું તાણી સમજી લીધું કે મરી ગયો,

એકવાર તો ગાંઠ ખોલી મારવો હતો.


અને એને મોત પણ મારી પાછી ધકેલી,

એ સમજ્યો જ નહીં મારે એને પડકારવો હતો.


ગુનાહ જાણતો છતાં પનાહ આપી એને,

અસત્યથી સત્યના માર્ગે ઉગારવો હતો.


મારી જિંદગી મારામાં જીવ્યો સપનાની જેમ,

મારે જ મને મારા નશામાં ઉતારવો હતો.


-

રોનક જોષી

'રાહગીર'


સખત તાપમાં જિંદગી બાળી છે,

જિંદગીને આપી અમે હાથતાળી છે.


નથી જોયું કે જાણ્યું એવું કાંઈ નથી,

અમે ક્યાં કોઈની વાતને ટાળી છે.


વાતે વાતે રંગ બદલે તો શું થયું,

રાત તો અમાસ રહેવાની કાળી છે.


જિંદગી હાર જીતમાં વિતાવી બસ,

ક્યાં કોઈ ટેવને આજીવન પાળી છે.


ભમરા, ફૂલ, બાગનાં વખાણ સૌ એ કર્યા,

નાં પૂછ્યું કોઈએ નામ ઠામ એ માળી છે.


-

રોનક જોષી.

"રાહગીર".


સમંદરની અંદર છે કેટલો ખજાનો,

ભીતર ડૂબી જુઓ આપણો જમાનો.


સ્વાર્થ છૂટ્યો તોયે આશ ન છૂટી,

રાહમાં રાહી તારી રાહ જ ખૂટી.


ગગન આ કહેશે તને ધરતીની વાતો,

વર્ષો જૂનો તારો મારો આ નાતો.


અંધારી રાતમાં ચાંદ તારા ચમકે,

ધોમધખતા તાપમાં મૃગજળ ચળકે.


વાદળ ને વાવડ અણધાર્યા આવશે,

છેલ્લી ઘડીના રથડા શણગાર્યા લાવશે.


-

રોનક જોષી

"રાહગીર".


મજા આપણી એકબીજામાં ઢળે તો ગમે,

રદીફ અને કાફિયા બંને ભળે તો ગમે.


વિચાર પણ હવે વાંચી વાંચી વૃદ્ધ થયા ,

એકાદવાર જો હવે બુદ્ધ મળે તો ગમે.


નાહકની ફિકરમાં બેચેન થઈશ ના તું,

આ ચિત્તનુંય વ્યર્થ ભ્રમણ ટળે તો ગમે.


રોકવા મુશ્કેલ વહેણ વહેમ અને ભ્રમણ,

મનથી મોઢા સુધી મિઠાશ લળે તો ગમે.


હવે તો અહીં બહું થયું આવન જાવન ,

જીવન ખુદ જીવન માટે ફળે તો ગમે.


-

રોનક જોષી.

'રાહગીર'


દિલ, લાગણી, વિશ્વાસની વાત નીકળી હતી,

મારા પ્રેમ સહવાસની વાત નીકળી હતી.


પ્રેમની રાહમાં શું શું નથી થતું તે તો કહો,

દર્દ ,દિલ,અહેસાસની વાત નીકળી હતી.


એમને શી ખબર હાલ કેવા થયા અમારા,

એક બેતાબની, પ્યાસની વાત નીકળી હતી.


એમની આંખોમાં એક ગહન સમંદર છે,

તાગવા મોતીની આશની વાત નીકળી હતી.


આ ગઝલ મારી દોસ્ત એક અલ્પ કોશિશ છે,

અંધારની અજવાસની વાત નીકળી હતી.


-

રોનક જોષી

'રાહગીર'.


એક સાથે આવે છે ને નિંદ્રા ઉડાવી જાય છે,

આ ચિંતાઓનું વંટોળ ક્યાં દેખાઈ જાય છે.


હૈયું ધબકે છે અને હાથ પગ ધ્રૂજે છે,

જિંદગીનો સાર આ ક્ષણો વર્ણવી જાય છે.


નજરની અસર ઓછી, કાન થયાં છે બંધ,

જીભથી બોલેલું ક્યાં કોઈ સાંભળી જાય છે.


અંદર એ રાતોનું એક ધબકતું ઝરણું,

તરસેલી આંખોમાંથી ધીમે વહી જાય છે.


શાંતી માંગીએ તો શોર વધે છે વધુ,

મૌન પણ અંધારાની ભાષા સમજાવી જાય છે.


દિલના પ્રશ્નોને હવે જવાબો નથી મળતાં,

વિચારોના વંટોળમાં શ્વાસ પણ ભટકી જાય છે.


છાંયાવાદી પળો હવે સમજાય છે ધીમે,

દરદની ભાષા એક દિવસ ભાસી જાય છે.


શબ્દોથી આગળ હવે મૌન જે કહે છે,

એ સચોટ અર્થ જીવનને સમજાવી જાય છે.


-

રોનક જોષી

'રાહગીર'


એ જ ચહેરો ને સ્મિત જણાવાનો થોડો ફર્ક ઉંમરનો,

મળતાં આંખ ભીની થૈં દેખાવાનો થોડો ફર્ક ઉંમરનો.


હૈયું અને હાથ મળવા કેવા તલપાપડ થઈ રહ્યા,

સમાજનો મલાજો સાચવવાનો થોડો ફર્ક ઉંમરનો.


પ્રેમ હતો કે કેમ તે કોઈ કહી ના શક્યા ક્યારેય પણ,

હૈયે છે અફસોસ બતાવવાનો થોડો ફર્ક ઉંમરનો.


અલગ રાહ ને અલગ ચાહ - બંને સાથે જીવીએં છીએ,

જાણતા અજાણતા બની જાળવવાનો થોડો ફર્ક ઉંમરનો.


સાત જનમની વાત છે તો એક જનમનો વિરહ છે,

વિતેલી યાદોમાં તો વિતાવવાનો થોડો ફર્ક ઉંમરનો.


-

રોનક જોષી 'રાહગીર'


ખુદને સાચો સાબિત કરવા બળ ના કર,

જો સાચો માણસ છે તો પછી છળ ના કર.


રસ્તો લાંબો ને ભલે હોય આગળ અંધકાર,

અડીખમ માણસ છે તો ઉતાવળ ના કર.


મનના સમંદરમાં તો ઘૂઘવતા રહે મોજા,

જીભથી એ ઝરણની જેમ ખળખળ ના કર.


શાંત ચિત્તે સાંભળ્યા કર બધાનું બધું એ,

અર્થ વગરની વાત એ આગળ ના કર.


નજર સામે નજર મિલાવી સભામાં બેસ,

સંકલ્પ લઈ ચાલનાર વાત પાછળ ના કર.


રોનક જોષી 'રાહગીર'


મારી સાથે ભીંજાવું કે પલળવું તું નક્કી કર,

સાથની યાદમાં કે પછી યાદની સાથમાં જીવવું તું નકકી કર .


ખ્વાબની પાંખે ઊડીએ, નવી દુનિયાના દરવાજા ખુલે,

જીવનના આ વ્હેણમાં વ્હેવું છે કે અટકવું તું નક્કી કર .


પળ પળ મોજ મજામાં સંબંધોથી માણી લઈએ જીવન,

ખામોશીની ઉલઝનમાં રહેવું કે મલકવું તું નક્કી કર .


આપાધાપી મારામારી કાપાકાપી જ્યાં જુઓ ત્યાં,

ફાની દુનિયામાં ક્યાં ક્યાં સપનામાં રઝળવું તું નક્કી કર .


આંખોના મોતી છે આંસું, છલકો ઝલકો દરિયો થઈને,

પળ પળમાં આતમની ખુશબૂ થઈને છલકવું તું નક્કી કર .


-

રોનક જોષી 'રાહગીર'.


શું અલ્લાહ અને ઈશ્વરને બતાવવા માગો છો તમે,

ક્યા ધર્મને કઈ ઘરતીને બચાવવા માગો છો તમે?


સર્જનહાર તો એક છે ને નામ ભલેને અનેક છે,

શું પ્રેમનો દીપ દિલમાં પ્રગટાવવા માગો છો તમે?


પૂજા કરવાના મંદીર - મસ્જિદ તો માત્ર ઠેકાણાં છે,

આતમ જ્યોત શું ઝળહળ જગાવવા માગો છો તમે?


નફરતની આગમાં સળગે છે અંધાધૂધ દુનિયા,

આનંદ ને શાંતિનાં ફૂલ શું ખીલવવા માગો છો તમે?


જગતમાં તો માત્ર માણસાઈનો ધર્મ જ સર્વોપરી,

શું માનવતાની નવી દુનિયા સજાવવા માગો છો તમે?


-

રોનક જોષી 'રાહગીર'.


અઢાર અક્ષરની ગઝલ અઢાર પુરાણ જાણે,

હોંશિયાર પંડિતોની સભામાં ખેંચમતાણ જાણે.


ભાગમભાગ દોડધામ ભરી દુનિયાની અંદર,

હુંસાતુસી વિચારોનું ચારેકોર ૨મખાણ જાણે.


સંવેદના વેદ ગળી ગઈ વેદનાને વાચા ફૂટી,

એક એક શ્વાસ ભરી વેચ્યા એને હવે પ્રાણ જાણે.


મિથ્યા ભમી રહ્યો છે આ ભવસાગરમાં કેમ તું?

ખુદને ઓળખી જીવ ભલે દુનિયા અણજાણ જાણે.


અડધું સાચું અડધું જુઠું,અડધું હોય અધ્ધર,

કોઈને નથી સાવ સાચી ખુદની ઓળખાણ જાણે.


-

રોનક જોષી 'રાહગીર'.