કુલી
- રાકેશ ઠક્કર
રજનીકાંતની ‘કુલી’ (2025) ને સામાન્ય ફિલ્મ ગણવામાં આવી છે. રજનીકાંતના સ્વેગ, એક્શન અને સુપરસ્ટારના કેમિયો વચ્ચે વાર્તા ગાયબ છે. 'કૈથી', 'માસ્ટર', 'વિક્રમ' અને 'લિયો' જેવી ફિલ્મો આપનાર લોકેશની 'કુલી' વાર્તાની દ્રષ્ટિએ તેમની સૌથી મૂંઝવણભરી અને નબળી ફિલ્મ છે. વાર્તાની જટિલતાને અવગણીને રજનીકાંતના ચાહક તરીકે થિયેટરોમાં જઈને આનંદ માણી શકશો. રજનીકાંતની સિગારેટ ઉછાળવાની સિગ્નેચર સ્ટાઇલ, તેની લહેરાતી ચાલ અને દુશ્મનોને ધૂળમાં મેળવી દેતા એક્શન દ્રશ્યોથી સંપૂર્ણ આનંદ મળશે.
દિગ્દર્શક લોકેશ કનાગરાજે આ ફિલ્મ સંપૂર્ણપણે રજનીકાંતના ચાહકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. અભિનયમાં 50 વર્ષ પછી પણ રજનીકાંત આટલો શાનદાર અભિનય આપે છે અને દર્શકોને રોમાંચિત કરે છે તે પ્રશંસનીય છે. આ ફિલ્મ રજનીકાંત વિશે હોવાથી સમગ્ર ફિલ્મમાં નિર્દેશકનું ધ્યાન તેમના પર કેન્દ્રિત છે. રજનીકાંતે કોમેડી અને એક્શન બંને કર્યા છે. તેમનો સ્વેગ જ અલગ છે. તેમનો યુવાન અવતાર ભારે ક્રેઝ પેદા કરે છે. રજનીકાંત અને સત્યરાજના યુવા દેખાવને દર્શાવવા માટે AIનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
પહેલા ભાગમાં તે વાર્તા અને પાત્રોને સ્થાપિત કરવામાં સમય લે છે. તેથી ફિલ્મ થોડી ધીમી લાગે છે. બીજા ભાગમાં તે એક પછી એક તેના બધા પત્તા જાહેર કરે છે. નાગાર્જુન તેના દુર્લભ ખલનાયકના રોલમાં જોરદાર રીતે ચમકે છે. સૌબિન શાહિર દયાલની ભૂમિકા ભયાનક ખલનાયક તરીકે ભય પેદા કરે છે. તે ડાન્સ નંબરમાં પોતાના મૂવ્સથી પણ આશ્ચર્યચકિત કરે છે. પ્રીતિની ભૂમિકામાં શ્રુતિ હાસને યાદગાર કામ કર્યું છે. કલ્યાણીની ભૂમિકામાં રચિતા રામના એક્શન દ્રશ્યો ખૂબ જ રોમાંચક છે. કલિશાની ભૂમિકામાં ઉપેન્દ્ર શાનદાર દેખાવ કરે છે. મહેમાન આમિર ખાન ફિલ્મની ઊંચાઈ વધારી શકવામાં ખાસ સફળ થતો નથી.
એમાં કોઈ શંકા નથી કે લોકેશ હીરોને ઉત્તમ રીતે રજૂ કરવામાં અને તેમને ઊંચાઈ આપવામાં નિષ્ણાત છે. રજનીકાંતના સંદર્ભમાં તે નિરાશ કરતો નથી. ફિલ્મમાં કેટલાક ટ્વિસ્ટ છે જે દર્શકોને આશ્ચર્યચકિત કરશે. હવેલીમાં એક્શન દ્રશ્યો અને ટ્રેનમાં ચાલી રહેલા ગાંડપણને જે રીતે જોડવામાં આવ્યા છે તે પ્રશંસનીય છે. મસાલા સાથેનું એક લાક્ષણિક સમૂહ મનોરંજન અને રજનીકાન્તને ચમકાવવામાં 'કુલી' સારું કામ કરે છે.
વાર્તા પોતે જ ખૂબ જટિલ છે. તેને કહીને સમજાવી શકાય એમ નથી. જોઈને જ સમજી શકાય એમ છે. વાર્તા કુલી દેવા (રજનીકાંત) વિશે છે. એક સમયે તે કુલી હતો. હવે દેવા ચેન્નાઈમાં હોસ્ટેલ જેવી સુવિધા ચલાવે છે. એક દિવસ તેના 30 વર્ષ જૂના મિત્ર રાજશેખર (સત્યરાજ) નું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થાય છે. પરંતુ દેવાને ખબર પડે છે કે રાજશેખરની હત્યા થઈ ગઈ છે. તે તેના મૃત્યુનું કારણ શોધવા નીકળે છે. દેવા રાજશેખરનું સ્થાન લે છે અને ચતુરાઈથી સિમોનની ગેંગનો ભાગ બની જાય છે. એમાં સત્યરાજની પુત્રી પ્રીતિ (શ્રુતિ હાસન) મદદ કરે છે. વાર્તા આગળ વધે છે તેમ દયાલ (સૌબીન શાહિર), કલિશા (ઉપેન્દ્ર) અને દાહા (આમીર ખાન) ના પાત્રો પણ તેની સાથે જોડાયેલા રહે છે.
વધુ પડતાં પાત્રોની હાજરીને કારણે દર્શક કેટલીક જગ્યાએ મૂંઝવણમાં પણ પડી જાય છે. વાર્તામાં થોડી જમાવટતાનો અભાવ છે. કેટલીક જગ્યાએ ઘટનાઓ ગૂંચવણભરી અને અવિશ્વસનીય લાગે છે. મિત્રના મૃત્યુનો બદલો લેવા તરફ આગળ વધતી આ વાર્તા જુદા જુદા પાત્રો વચ્ચે ખોવાઈ જાય છે. દયાલનો ટ્રેક શરૂઆતમાં રસપ્રદ છે પણ થોડા સમય પછી તે ખેંચાઈ જાય છે. શ્રુતિ હાસનનું પાત્ર એટલું નબળું છે કે તેના પિતાનો ખૂની તેની સામે હોવા છતાં તે દેવાને પૂછે છે કે શું તેને થપ્પડ મારવી જોઈએ?
2 કલાક અને 50 મિનિટ લાંબી વાર્તા ઘણી જટિલતાઓથી ભરેલી છે અને કેટલાક પ્રશ્નો અનુત્તરિત રહે છે. વાર્તા ઘણી જગ્યાએ અનુમાનિત લાગી શકે છે. તેમાંના કેટલાક ભાવનાત્મક દ્રશ્યો એટલા અસરકારક નથી જેટલા હોવા જોઈએ. જો તમને મસાલા ફિલ્મો પસંદ નથી તો પછી આ તમારા માટે નથી. અનિરુદ્ધનું સંગીત થીમને અનુરૂપ છે જ્યારે BGM નંબર વન છે. જ્યારે પણ રજનીકાંત સ્ક્રીન પર પ્રવેશ કરે છે ત્યારે BGM તમારા રૂંવાડા ઊભા કરી દેશે. સંગીત દરેક એક્શન સિક્વન્સ અને ભાવનાત્મક દ્રશ્યમાં સંપૂર્ણ રીતે બંધબેસે છે.આમ પણ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વાર્તા ઓછી અને એક્શન સાથે સ્વેગ વધુ હોય છે. ‘કુલી’ એ સ્ટાઇલમાં હોવાથી તમે પણ આ ફિલ્મ એકવાર જોઈ શકો છો. લોકેશે મોટા પડદા માટે દરેક દ્રશ્ય બનાવ્યું છે અને તેથી જ તેને સિનેમા હોલમાં જોવી શ્રેષ્ઠ રહેશે.