"ચીઠ્ઠી આઈ હૈ..આઈ હૈ.. ચીઠ્ઠી આઈ હૈ..બડે દિનોં કે બાદ..ચીઠ્ઠી આઈ હૈ.." નટખટ છુટકી, પોતાના હાથમાં આવેલા પ્રેમપત્રને લઈને આમથી તેમ દોડાદોડી કરી રહી હતી અને રેશ્મા તેની પાછળ પાછળ બૂમો પાડતી પાડતી દોડી રહી હતી અને હાંફી રહી હતી.."એક વખત કહ્યું ને કે એ ચીઠ્ઠી મને આપી દે"
ગોરો વાન, લાંબા કાળા વાળ, દાડમની કળી જેવા દાંત, ગુલાબી હોઠ, હીરણી જેવી દોડ અને અમનના પ્રેમનો નશો તેની ઉપર ગજબનો ચઢેલો જેને કારણે તેનાં ચહેરા ઉપર એક અજબની લાલી પથરાયેલી રહેતી... રેશ્મા એટલી બધી તો સુંદર લાગતી કે જાણે સ્વર્ગની અપ્સરા જ જોઈ લો...!!
"પિતાજી આવી જશે તો લેવા ના દેવા પડી જશે..લાવ ને છુટકી મારી ચીઠ્ઠી..." રેશ્મા હાંફતા હાંફતા બોલી રહી હતી.
અને એટલામાં ડેલાની સાંકળ ખખડી એટલે બંને બહેનો સાવધાન પરિસ્થિતિમાં આવી ગઈ. અચાનક છુટકીએ પોતાના હાથમાં રહેલી ચીઠ્ઠી જમીન ઉપર ફેંકી અને તે અંદર ઓરડામાં ચાલી ગઈ તેની પાછળ પાછળ રેશ્માએ પણ હડપ કરતી પોતાની ચીઠ્ઠી ઉઠાવી અને પોતાની ચોલીમાં તેને સંતાડી દીધી અને ગભરાતી ગભરાતી છુટકીની પાછળ પાછળ તે પણ ઓરડામાં ચાલી ગઈ.
રેશ્મા અને છુટકી બંને નાના હતા ત્યારે જ તેમની માતાનું મૃત્યુ થયું હતું ત્યારપછી પિતાજીએ જ બંને દીકરીઓને લાડ કોડથી ઉછેરીને મોટી કરી હતી અને કદાચ એટલે જ બંને દીકરીઓ ઉપર તે થોડા સ્ટ્રીક્ટ પણ હતા. તે સમયે દીકરીઓને બહુ ભણાવવામાં નહોતી આવતી છતાં પણ સમાજની ઉપરવટ થઈને તેમણે બંને દીકરીઓને મેટ્રિક પાસ કરાવી હતી.
પૈસાવાળા બાપની દીકરીઓ એટલે તેમનો ઠસ્સો પણ એવો જ.. રૂઆબદાર રેશ્માને તેના પિતાએ વિવેકરાયે બૂમ પાડી એટલે તેણે હાથમાં જે પત્ર વાંચવા માટે લીધો હતો તે પાછો પલંગની ગાદી નીચે સંતાડી દીધો અને તે હાથમાં પાણીનો ગ્લાસ લઈને પિતાજીની સામે હાજર થઈ ગઈ.
બપોરનો સમય હતો એટલે વિવેકરાય પાણી પીને આડા પડ્યા રેશ્માનો જીવ પેલા પ્રેમપત્રમાં ચોંટેલો હતો તે પાછી અંદર ઓરડામાં ગઈ અને ઓરડાની સાંકળ બંધ કરીને ગાદી નીચેથી પત્ર કાઢીને પત્ર હાથમાં લઈને છુટકીની બાજુમાં તેણે પણ લંબાવી દીધી.ખૂબજ રસપૂર્વક તે પોતાના પ્રેમી અમનનો પત્ર વાંચી રહી હતી.
રેશ્મા અને અમનની ઓળખાણ હજુ માત્ર આ પ્રેમપત્રો પૂરતી જ મર્યાદિત હતી. રેડિયો ઉપર અમનની વીરતાના વખાણ એટલા ચાલ્યા એટલા ચાલ્યા હતા કે દેશભરમાંથી અમન ઉપર રોજની ઢગલો ચીઠ્ઠીઓ આવવા લાગી હતી.. તેમાંથી એક ચીઠ્ઠી આ નવયૌવના રેશ્માની પણ હતી કે જે અમનની વીરતાના વખાણ સાંભળીને તેને પોતાનું દિલ દઈ બેઠી હતી અને મનોમન તેને પોતાનો પતિ માની ચૂકી હતી.
આ નવયૌવનાની મીઠી મીઠી પ્રેમસભર વાતોથી અમન પણ તેનાં પ્રેમમાં ભીંજાયા વગર રહી શક્યો નહોતો. દર અઠવાડિયે બંને વચ્ચે પત્રોની આપ લે ચાલ્યા કરતી હતી. અમન તેને પોતાની પાસે ઈન્ડિયા બોલાવી રહ્યો હતો જે રેશ્મા માટે શક્ય નહોતું.
બંને નાદાન અને માસુમ પ્રેમીઓ એકબીજાને મળવા માટે તડપી રહ્યા હતા છેવટે ખૂબસુરત વાતો લખતી ખૂબસુરત નવયૌવનાને મળવા માટે આવવાનું દુઃસાહસ પણ અમને જ કરવું પડ્યું હતું.
લગભગ બપોરના બે વાગ્યા હતા દરરોજની જેમ વિવેકરાય બહાર પરસાળમાં ખાટલા ઉપર આડા પડ્યા પડ્યા પોતાની જુવાનજોધ બંને દીકરીઓને ક્યાં પરણાવવી અને ક્યારે પરણાવવી તેની ચિંતા કરી રહ્યા હતા અને રેશ્મા પોતાની નાની બહેન છુટકી સાથે અમનની વાતો શેર કરી રહી હતી. એટલામાં ડેલાની સાંકળ ખખડી એટલે વિવેકરાયે સૂતાં સૂતાં જ સાદ દીધો કે દરવાજો ખુલ્લો જ છે જે હોય તે અંદર આવી જાવ.
છ ફૂટની હાઈટ ધરાવતો પડછંદ કાય, તેની ચાલથી જાણે ધરતી પણ ધ્રુજી ઉઠે તેવા ભારે ભરખમ તેના પગ, છત્રીસની છાતી ધરાવતો લાંબો પહોળો દેખાવે ખૂબજ આકર્ષક અને સુંદર લાગતો, વાળ બિલકુલ ઓછા કરાવી દીધેલા અને માથા ઉપર ટોપી પહેરેલી ખૂબજ હેન્ડસમ લાગતો..જે પણ તેને જુએ પહેલી જ નજરમાં તેની ઉપર ફિદા થઈ જાય તેવો એક નવયુવાન વિવેકરાયની સામે આવીને ઉભો રહી ગયો. વિવેકરાય તેને જોતાં વેંત જ ખાટલામાં સફાળા બેઠા થઈ ગયા અને હજી તો તે કંઈક બોલે કે સમજવાનો વિચાર કરે તે પહેલા તો આ નવયુવાને પોતાના પગ પછાડીને એક હાથ ઉંચો કરીને વિવેકરાયને સેલ્યૂટ🫡લગાવી. આ ઉપરથી વિવેકરાયે એટલું તો તારણ કાઢી જ લીધું હતું કે આ નવયુવાન અડીખમ એવો એક ફૌજી જવાન છે.વિવેકરાયને પ્રશ્ન પૂછવાનો પણ મોકો ન આપનાર આ નવયુવાને પોતાની ઓળખાણ જાતે જ આપી કે, "હું લેફ્ટેનન્ટ અમન છું. માફ કરજો આપની પરવાનગી વગર આવ્યો છું પરંતુ આપની દીકરી રેશ્માને મળવા માટે આવ્યો છું."
અમનના મુખેથી રેશ્માનું નામ સાંભળતા વેંત જ વિવેકરાય તો પોતાના ખાટલામાંથી ઉભા થઇ ગયા."પણ તમે અહીંયા આવવાની હિંમત જ કઈરીતે કરી અને જનાબ આ તમારું હિન્દુસ્તાન નથી કે નથી હિન્દુસ્તાનની બોર્ડર આ પાકિસ્તાન છે અહીંયા મારા ઘરમાં તમને કોઈ જોઈ જશે તો તમને ગોળીએ ઠાર કરી દેશે અને સાથે સાથે મને અને મારા આખા પરિવારને ગોળીએ ઠાર કરી દેશે..!! અને એક હિન્દુસ્તાની ફૌજી થઈને તમે આ દેશમાં ઘૂસ્યા કઈરીતે..??""બસ, સમજી લો કે રેશ્માનો પ્રેમ મને અહીંયા સુધી ખેંચીને લાવ્યો છે. ચોરી છૂપેથી ઘૂસી ગયો છું અને રેશ્માને સાથે લઈને જ જવાનો છું."છુટકી અને રેશ્મા બંને બાપુ કોની સાથે વાત કરી રહ્યા છે તે જોવા માટે ઓરડાની બહાર આવીને બારણાંની પડખે ઉભા રહ્યા હતા.રેશ્મા પોતાના અમનને પહેલી જ વખત જોવા છતાં ઓળખી ગઈ હતી અને છુટકી પણ રેશ્માને કાનમાં કહી રહી હતી કે, "આ તો અહીં આવી પહોંચ્યો હવે..??"રેશ્માના ધબકારા વધી ગયા હતા. એક બાજુ બાપુની બીક અને બીજી બાજુ અમનને અહીંથી હેમખેમ પાછો કઈરીતે હિન્દુસ્તાન મોકલવો તે બીક..એક સેકન્ડમાં કંઈ કેટલાય વિચારો તેના નાજુક મનને ઘેરી વળ્યાં હતાં..વિવેકરાયે રેશ્માને બૂમ પાડી, રેશ્મા તો ફફડી રહી હતી.. મનમાં તો થતું હતું કે ધરતી માર્ગ આપે તો સમાઈ જ જવું છે..
ફફડતી ફફડતી નીચું મોં નાંખીને ગુનેગારની જેમ બાપુની સામે જઈને ઉભી રહી."રેશ્મા, પહેલા કમાળને અંદરથી સાંકળ લગાવી દો.."રેશ્માએ જાણે કોઈ અંદર ઘૂસી જવાનું હોય અને અમન પકડાઈ જવાનો હોય તેવા ડરથી તીવ્ર ગતિએ કમાળને અંદરથી સાંકળ લગાવી દીધી."આમને તમે ઓળખો છો""જી, બાપુ આ લેફ્ટેનન્ટ અમન છે.""તમારી ઓળખાણ એમની સાથે કઈરીતે થઈ?""રેડિયો ઉપર એમની વીરતાના વખાણ સાંભળીને મેં તેમને પત્ર લખ્યો હતો." રેશ્મા ફફડતા ફફડતા જવાબ આપી રહી હતી."પછી એમણે તને તારા પત્રનો જવાબ આપ્યો અને આ સીલસીલો ચાલુ જ રહ્યો.""જી, બાપુ.""રેશ્મા, આમને કહી દો કે તે જેવા આવ્યા છે તેવા જ પાછા ચાલ્યા જાય.." વિવેકરાય બહુ મક્કમતાથી બોલ્યા."હું રેશ્માને મળવા માટે આવ્યો છું તેની મરજી પૂછવા આવ્યો છું અને તેને સાથે લીધા વગર નહીં જવું." અમને પણ તેમના જેટલી જ મક્કમતાથી પોતાના ભારે અવાજે કહ્યું."હજી મારા શરીરમાં હિન્દુસ્તાની ખૂન જ દોડે છે માટે તમે અહીંયા જીવતા ઉભા છો નહીં તો ક્યારનાય તમને ઉડાડી દીધા હોત.." વિવેકરાયે અમનની સામે ગુસ્સાથી જોયું અને તે બોલ્યા."પણ હું તમને ત્રણેયને અહીંથી લઈ જવા માંગુ છું.""ભારત પાકિસ્તાનના ભાગલા પડે હવે ઘણાં વર્ષો વીતી ગયા મેં એની માને પણ ગુમાવી દીધી છે આ બંને દીકરીઓ ત્યારે તો ખૂબ નાની હતી મેં આ માં વગરની દીકરીઓને ખૂબ પ્રેમથી ઉછેરીને મોટી કરી છે. હવે અમે પાછા હિન્દુસ્તાન ન જઈ શકીએ અમે અહીંના જ થઈ ગયા છીએ હિન્દુસ્તાન આવી જઈએ તો પણ એ લોકો અમને પાકિસ્તાની સમજીને મારી નાંખે બેટા.. માટે તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, તું જેવો આવ્યો છે તેવો પાછો ચાલ્યો જા નહીં તો ગોળીએ વીંધાઈ જઈશ અને હિન્દુસ્તાનની ધરતીની માટી પણ નહીં પામી શકું.."
અમન વિવેકરાયના પગમાં પડી ગયો, "હું એકવાર મારી રેશ્માને મળી શકું છું?"વિવેકરાયે હકારમાં ફક્ત માથું ધુણાવ્યું.નાજુક નમણી રેશ્મા આગળ ચાલી રહી હતી અને પડછંદ કાય લેફ્ટેનન્ટ અમન તેની પાછળ પાછળ ચાલી રહ્યો હતો...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 15/8/25