(1) મૂંઝવણ
મનમાં મૂંઝવણ ભરી છે સામટી,
કોઈ ચહેરો હવે પરખાતો નથી.
વચનો તો ઘણા અપાય છે પ્રેમમાં,
અફસોસ એકેય સાચે નિભાવાતો નથી.
કાલે કહ્યું કે ‘દુનિયા છો તું મારી',
અને આજે કહે કે, ‘કોણ છે તું ઓળખાતો નથી'.
કઠોરતાં કેટલી હશે તે હૃદયમાં,
કોઈનું જીવન બગાડી પણ શરમાતો નથી.
આ તે કેવો સમય આવ્યો ‘સચેત',
હવે તો પ્રેમનો કોઈ શમણો પણ સજાવાતો નથી.
(2) આવજે
લાગણી તો અપાર છે તારા માટે,
પણ પોંસાય જો પરિવારનો સાથ તો આવજે.
આંખમાં તો ઘણા ચહેરા રમતા હશે,
પણ આંખથી અંતરમાં ઉતરાય તો આવજે.
સંબંધો તૂટતા જોયા છે મેં આ જાતિવાદથી,
ઝંઝીરરૂપી રૂઢિચુસ્ત નિયમો ઉલ્લંઘાય તો આવજે.
ઘણા લોકો હશે તારી આસપાસ,
પણ મહેફિલમાં મારી ખોટ વર્તાય તો આવજે.
તને હસાવવા વાળાની કમી નહીં હોઈ,
પણ જો એકલા રડવાનું મન થાય તો આવજે...
(3) મૂલાકાત
આજે ફરી તેમની સાથે મુલાકાત થઈ,
એમને મળીને હૈયામાં એક લાગણી વહેતી થઈ.
વિચાર્યું કે આનંદ થયો હશે મળીને અમને,
પણ શું ખબર કે તેઓ તો ચહેરા પર સ્મિત લાવ્યા'તા કમને.
હોઠોથી તો હસીને વાત છુપાવી ગઈ,
પણ એ આંખનુ શું કરશે જે વ્યથા બતાવી ગઈ.
સ્મૃતિએ કહ્યું છોડ ‘સચેત' એ તુજને ભૂલી ગઈ,
મન કહે કે ફરી આજે ‘ભૂલેલી બધી યાદ અપાવી ગઈ...'
(4) સાથ
મંઝિલ તો બહુ દૂર છે, બસ સફરમાં સાથે ચાલ તો ઘણું છે.
રસ્તો બતાવનારની કમી નથી, તું બસ રાહદારી બને તો ઘણું છે.
સુંદર તો સૌ દેખાય છે અહીં, તું બસ નજર ઝુકાવ તો ઘણું છે.
મુલાકાત તો હર કોઈ કરે છે, આપે જો એક ક્ષણ તો ઘણું છે.
ઉદારતા તો બધી આંખોમાં છે, તું બસ સ્નેહ વરસાવ તો ઘણું છે.
પસંદ તો હર કોઈ કરે છે, રાખ જો મારા પર વિશ્વાસ તો ઘણું છે.
મૃત્યુ તો એક કડવું સત્ય છે. પણ અંત સુધી મળે જો તારો સાથ તો ઘણું છે.
(5) બાળપણ
ચાલ ને જિંદગી એક સરળ સોદો કરીએ,
હું આપું આ યુવાની મારી,
તું બાળપણ ફરીથી સોંપી દે..
ઠલાવી દવ જવાબદારી જબરી,
તું તૂટેલા રમકડાં સોંપી દે..
આપું હું મોંઘા ડાટ મોબાઈલ,
તું પેલી દાંડીને પૈડું ફરી સોંપી દે..
નથી ભાવતાં આ પીઝાને બર્ગર મને,
પેલી બટકું એક રોટલીમાં,
ઘી-ગોળ ચોપડી દે..
બહુ ભાર લાગે છે લેપટોપની આ બેગનો,
તું પેલી શાળાનું દફ્તર મને સોંપી દે..
થાક્યો હવે સ્વાર્થ કેરા સંબંધોની દોડમાં,
બાળપણની નિખાલસતા સોંપી દે..
નથી ચઢવું સફળતાનાં શિખરો પર,
પિતાનો એ ખભો મજબૂત સોંપી દે..
નથી ખિલવવું આ પ્રણયનું પુષ્પ મારે,
મારી માતાનો ખોળો મને સોંપી દે..
ચાલ ને જિંદગી એક સરળ સોદો કરીએ,
હું આપું આ યુવાની મારી,
તું બાળપણ ફરીથી સોંપી દે.
(6) વેદના
વધુ નથી બદલ્યો હું, થોડા દિવસો વિત્યાની વાત છે.
હતા આપણે, હવે હું, હું થયો ને તું, તું થયાની વાત છે.
વેરાન રણના વગડામાં એક વાદળ વરસવાની વાત છે.
વિરહની વેદના કેટલી ? બસ એક મિલનની વાત છે.
આંખ ભીની તો થઈ નહીં, બસ હૃદયના રુદનની વાત છે.
જાણું છું અસંભવ છે પામવું, બસ એક ચમત્કારની વાત છે.
સમાજના દંભમાં શુ જીવવું, બધા માટે વ્યંગ સભર વાત છે.
બસ જાણે છે માત્ર બે જ લોકો, કે સંપૂર્ણ જીવનની વાત છે.
(7)
વિસરાતી સંસ્કૃતિના સ્મરણો
કોણ જાણે શું થશે હવે, વારસો વિસરાતો જાય છે.
માનવતાના મૂલ્યો આજે, ક્યાંય ભુલાતા જાય છે.
માતા હવે ‘મોમ' બન્યા, પિતાને ‘ડેડ' કહેવાય છે.
ભાઈઓને ‘બ્રો' કહીને, બહેન ‘સિસ' કહેવાય છે.
ટેકનોલોજીનો યુગ આવ્યો, શેરી રમત રૂંધાય છે.
લોકગીતો તો લુપ્ત થયા, ડીજે પર ગીત ગવાય છે.
ફાંટેલા તો કપડાં પહેરી, ફેશન એ કહેવાય છે.
અન્ય ભાષામાં શિક્ષણ આપી, માતૃભાષા ઘવાય છે.
રાષ્ટ્રીય તહેવાર આવે ત્યારે, સ્ટેટ્સમાં ત્રિરંગો લહેરાય છે.
નથી ખબર કે બીજા દિવસે, તે ત્રિરંગો ક્યાં જાય છે.
ઉદ્યોગોના યુગમાં આજે, જગતનો તાત મૂંઝાય છે.
કહે ‘સચેત' ચેતજો સજ્જનો, સંસ્કૃતિ સંકેલાતી જાય છે.
-વિજય શિહોરા“સચેત"