લેખ:- પ્રવાસી પક્ષીઓ - યાયાવર.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
આજે સવારથી પિંકી જીદ લઈને બેઠી હતી કે એને આજથી બે દિવસની રજા છે તો ક્યાંક ફરવા જવું છે. આમ તો પિંકી બહુ નાની નથી, પણ મોટી થઈ ગઈ એવું ય ન કહેવાય. બાર વર્ષની એની ઉંમર. ધાર્મિક તહેવાર નિમિત્તે એને શાળામાં બે દિવસની રજા હતી, પણ એનાં પિતાને ન્હોતી. આથી ફરવા જવું શક્ય ન હતું. આમ તો એણે આ જીદ ગઈકાલે સાંજથી જ શરુ કરી દીધી હતી.
ગઈકાલે સાંજથી ચાલતી આ માથાકૂટ જોઈને હવે પિંકીનાં દાદાથી નહીં રહેવાયું. એમણે પિંકીને એમની પાસે બોલાવી અને પૂછ્યું, "તારે ફરવા જવું જ છે?" તરત જ ખુશ થતાં પિંકી બોલી, "હા દાદાજી. બે દિવસ ઘરમાં રહું એનાં કરતાં મને ક્યાંક જવું છે " ફરીથી એનાં દાદાએ પૂછ્યું, "મમ્મી પપ્પા જ લઈ જાય એવું જરુરી છે? હું લઈ જાઉં તો ન ચાલે?" પિંકીની મમ્મી ગૃહિણી હતી, નોકરી કરતી ન હતી, અને એનાં દાદા 65 વર્ષની ઉંમરે પણ હજુ એકદમ સ્વસ્થ અને મજબૂત બાંધો ધરાવતા હતા. ક્યાંય પણ એકલા જવાનું હોય તો અમને વાંધો નહીં આવે. નખમાં ય રોગ નહીં. પિંકીએ થોડું વિચાર્યું અને પછી હા કહી.
દાદાએ પિંકીને સરસ રીતે તૈયાર થઈ જવા કહ્યું અને સાથે સાથે એની પાણીની બોટલ પણ ભરી લેવા જણાવ્યું. નાસ્તાની વ્યવસ્થા દાદા પોતે કરવાના હતા. સરસ મજાનો શિયાળો ચાલી રહ્યો હતો. રહેવાનું એમનું અમદાવાદમાં હતું. આથી આજે દાદાજી પિંકીબેનને લઈને નળ સરોવરની સહેલગાહે જઈ રહ્યા હતા. પિંકીએ દાદાને ફરવા જવાનાં સ્થળ વિશે પૂછ્યું ત્યારે દાદાએ એને 'સરપ્રાઈઝ છે' કહીને સ્થળનું નામ ન જણાવ્યું.
ઘરની જ કાર હતી. ડ્રાઈવરે કાર શરુ કરી અને એઓ પહોંચી ગયા વિશ્વ વિખ્યાત નળ સરોવર! ભાતભાતનાં રંગબેરંગી પક્ષીઓ જોઈ પિંકી તો ખુશીથી ઉછળી જ પડી! "દાદા, આટલાં બધાં પક્ષીઓ! તમે મને પહેલાં કેમ અહીં નહીં લાવ્યા ક્યારેય? હવેથી દરેક વેકેશનમાં મને અહીંયા એક વાર જરૂરથી લાવજો." એટલે દાદાએ કહ્યું, "હા દીકરા, લાવીશ. પણ વેકેશનમાં નહીં. આવી જ રીતે બે દિવસની રજા હોય ત્યારે અને એ પણ શિયાળામાં જ!"
આથી નવાઈ પામીને પિંકીએ પૂછ્યું, "કેમ એવું?" દાદાજી કહે, "દીકરા, આ બધાં યાયાવર પક્ષીઓ છે, એટલે કે મહેમાન. હજારો, લાખો કિલોમીટર દૂરથી તેઓ ઉડીને આવે છે. દર વર્ષે તેઓ ઘણું લાંબું અંતર કાપે છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તેઓ વધારે પડતી ગરમી સહન કરી શકતાં નથી. આથી પોતાનાં વિસ્તારમાં ગરમીની ઋતુ શરુ થાય એ પહેલાં જ તેઓ ત્યાંથી સ્થળાંતર કરીને ઠંડા પ્રદેશમાં પહોંચવાનો પ્રયાસ કરે છે. હવે આપણે ત્યાં ગરમી શરુ થવાની હશે એ પહેલાથી આ પક્ષીઓ અહીંથી ઉડીને અન્ય સ્થળે જવાની તૈયારી કરી લેશે."
પિંકી અચરજ અને ઉત્સાહ સાથે દાદાને સાંભળી રહી હતી. દાદાજી ફરીથી બોલ્યા, "માત્ર ગરમી જ નહીં, અમુક સ્થળો આ દુનિયામાં એવા છે કે જ્યાં શિયાળામાં એટલો બધો બરફ અને ઠંડી પડે છે કે કોઈ જગ્યાએથી ખોરાક મળે જ નહીં. આવા સ્થળોએથી પણ પક્ષીઓ ખોરાકની શોધમાં અન્ય સ્થળે જતાં રહે છે." બાળસહજ જિજ્ઞાસાવશ પિંકીએ પૂછ્યું, "તે દાદાજી, આ પક્ષીઓ થાકી નહીં જતાં હોય? એક દેશમાંથી બીજા દેશમાં જતાં? અને આવા કેટલાં પક્ષીઓ હશે?" પિંકીનાં આ માસુમ પ્રશ્ન પર એમને હસવું આવી ગયું. પછી એમણે કહ્યું, "આપણાં ભારતમાં આવા આશરે 200 જાતિનાંનાં પક્ષીઓ આવે છે."
અચરજ સાથે પિંકીએ આ પક્ષીઓનાં નામ વિશે જણાવવા કહ્યું. દાદાજીએ નામ કહેવા માંડ્યા. હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંસોનું ટોળું, મધ્ય એશિયાના વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ પણ અહીં આવીને તેમને ગમતું અને સુરક્ષિત વિશ્વ મેળવી લે છે. જેમાં લાલ આંખ કારચિયા, સફેદ સુરખાબ, નાનો કલકલિયો, મોટો હંજ, નાની ડૂબકી, લુહાર સહિતના પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. સાઈબેરિયન ક્રેન, પેલીકન, તિબેટીયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમઘાટનાં ગીચવનોના વિસ્તારોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. રણપરદેશમાં જ્યાં પાણીનો વિસ્તાર હોય ત્યાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે.
આટલાં બધાં નામો સાંભળીને પિંકી તો ખૂબ જ નવાઈ પામી ગઈ. આટલું જણાવ્યા પછી એનાં દાદાજીએ ફરીથી એને સમજાવતાં કહ્યું, "જો આપણે બધાં ઝાડ ન કાપીએ, જેમ બને તેમ વધારે પ્રમાણમાં વૃક્ષો ઉગાડીએ, વાતાવરણ પ્રદુષિત થાય એવું કાર્ય ન કરીએ તો આ બધાં પક્ષીઓ ખૂબ જ સારી રીતે જીવન જીવી શકે." પિંકીએ હકારમાં માત્ર માથું હલાવ્યું. એ ફરીથી પક્ષીઓ જોવામાં મશગુલ થઈ ગઈ.
આખો દિવસ વિવિધ પક્ષીઓની મજા લઈ મોડી સાંજે તેઓ ઘરે પહોંચ્યા. પિંકી તો ઘરમાં આ પક્ષીઓની વાતો કરતાં થાકતી ન હતી. જમતી વખતે ફરીથી એણે પ્રશ્ન કર્યો, "દાદાજી,, એવું બનેં કે રસ્તામાં કોઈ પક્ષી મૃત્યુ પામે?" "હા." જવાબ આપતા દાદાજી બોલ્યા, "રસ્તામાં ઘણી જગ્યાએ પ્રતિકૂળ વાતાવરણ હોય, કે પછી શિકારીઓ તીર લઈને નિશાન તાકીને એમનો શિકાર કરે કે પછી બંદૂકની ગોળી છોડી એમને મારી નાંખે છે." આ સાંભળી પિંકી રડવા જેવી થઈ ગઈ. આથી દાદાજીએ કહ્યું, "દરેક દેશની સરકાર આ માટે ખાસ ટીમ બનાવે છે. આ ટીમ શક્ય એટલાં પક્ષીઓને બચાવવાનો અને શિકારીને મહત્તમ સજા મળે કે જેથી એ ફરીથી આવું ન કરે એને માટે પગલાં લે છે."
જમવાનું પત્યું તો પણ પિંકીનાં મનમાં આવતાં પ્રશ્નો હજુ ઓછાં થતાં ન હતાં. એણે પૂછ્યું, "આ પક્ષીઓ બીજા દેશમાં જાય તો રહેતાં ક્યાં હશે?" એટલે એની મમ્મી બોલી, "એમને માટે સરકાર ખાસ વ્યવસ્થા કરે છે. જે રીતે તુ આજે દાદાજી સાથે નળ સરોવર જોઈ આવી એવાં અનેક સ્થળો ભારતમાં આવેલા છે. આમાંના મુખ્ય 89 અભ્યારણો છે, જેમાંના 4 આપણાં ગુજરાતમાં છે. કેટલાંક નામો હું તને કહું. નળ સરોવર, થૉળ તળાવ, ખીજડીયા અભયારણ્ય, વઢવાણ વેટલેન્ડ, દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘુડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા અનેક વિસ્તારો છે જેમાં સરકારે આ યાયાવર પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. ઉપરાંત આ પક્ષીઓને જોવા આવતાં પ્રવાસીઓને લીધે આજુબાજુનાં સ્થાનિક લોકોનું ગુજરાન પણ સારી રીતે ચાલે છે."
આમ વાત કરતાં કરતાં પિંકીને ક્યારે ઊંઘ આવી ગઈ એની એને ખબર જ ન પડી. આમ પણ એ થાકેલી હતી. આમ, એની રજાનો એક દિવસ પણ પસાર થઈ ગયો અને એને કંઈક નવું જાણવા મળ્યું. બીજા દિવસે એણે જાતે જ આવી બધી માહિતીઓ એકત્રિત કરવાનું નક્કી કર્યું અને પછી ઈન્ટરનેટ તેમજ વિવિધ પુસ્તકોની મદદથી યાયાવર પક્ષીઓ વિશે માહિતિ મેળવવા માંડી.
આભાર.
સ્નેહલ જાની.