ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"શેર સિંહજી, આપણે હવે કઈ બાજુ જવાનું છે?"
"આપણે માલીદાની પહેલા 3-4 કિલોમીટરથી રસ્તો બદલશું. કેમ કે શંકર રાવ પાસે ઓરીજનલ નકશો છે. એ ચોક્કસ માલીદાથી સીધો જુના આશ્રમથી ઉપરવાસ બાજુ ચાલશે. કેમ કે એ સરળ રસ્તો છે. અને જો એ એવી ભૂલ કરશે તોજ આપણે એની પહેલા પહોંચી શકીશું."
"તો હવે?" લખને ફરી પૂછ્યું.
"માલીદાની પેરેલર 3 કિલોમીટર પછી સેમા ગામ આવે છે, અને અત્યંત લપસણી પહાડી છે. આ જીપ ત્યાં નહિ ચાલે આપણે પગપાળા છ કિલોમીટર ચાલવું પડશે. પણ એક ફાયદો એ છે કે ખજાનાનું પ્રવેશદ્વાર આપણે જે રસ્તે હશું એ બાજુ છે. એ લોકો ને પહાડી ને ચક્કર મારીને આવવું પડશે."
"શેર સિંહ જી મારા પર ભરોસો છે?"
"હા લખન માણસ ગમે એટલો બહેકી જાય પણ ખાનદાન ના સંસ્કારો ન જ ભુલાય, મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે."
"તો મારી એક વાત માનજો. ખજાનાની ગુફામાં પ્રવેશવાની ઉતાવળ નહિ કરતા. કેમ કે બીજું કોઈ પણ શંકર રાવની માફક આજે જ ખજાનો હાથ કરવા મેદાનમાં ઉતર્યો છે."
"કોણ છેએ હરામ ખોર, અને એને આ વાતની ખબર કેવી રીતે પડી?" ગુસ્સે થઇને શેરાએ કહ્યું.
"એ જન્મ્યો તે દિવસથી ખજાના વિષે જાણે છે. અને છેલ્લા 2 વર્ષ થી એણે શંકર રાવ સાથે હાથ મિલાવ્યા છે. તમને ખબર છે કે હું શંકર રાવનો ખાસ માણસ છું એટલે મને બધી જ ખબર હતી,.અને મંગળ મારફત મેં જ તમને બધા સમાચાર પહોંચાડ્યા હતા, કામ ખૂબ વધી ગયું અને શંકર રાવ એના બીજા ત્રીજા આડા અવળા કામ મને સોંપતો ગયો એટલે મારે ના છૂટકે મંગલને એનો આસિસ્ટન્ટ બનાવવો પડ્યો. અને એમાં આ પહાડી તોડવાનો અને આધુનિક રિસોર્ટ બનાવવાનો વિચાર એ હલકટ સજ્જન સિંહે જ શંકર રાવને આપ્યો હતો. આપણા ગામના ભૂતપૂર્વ સરપંચનો દીકરો સજ્જન સિંહ"
"અરે પણ એ તો પહેલા મુંબઈ હતો અને પછી સાઉથ આફ્રિકા રહેવા વ્યો ગયો છે."
“એને આખી જિંદગી એવું લાગ્યું છે કે એને અન્યાય થયો છે. એને જે છોકરીને પરણવું હતું એ બીજા કોઇને પરણીને મુંબઈ ચાલી ગઈ ત્યાં એ લોકોનું બહુ મોટું નામ છે. તમે 'વિસી એન્ટરપ્રાઇઝિસ’નું નામ સાંભળ્યું જ હશે. એ છોકરીને પામવા એ એમાં ભાગીદાર બન્યો પછી પોતાનો ભાગ લઇને સાઉથ આફ્રિકા જતો રહ્યો. પણ એને આ ખજાનામાં રસ હતો. પાછો મંદિરે પહોંચાડવામાં નહિ પરંતુ પોતાની અંગત મિલકત બનાવવામાં. એ એના કેટલાક સાથીઓ સાથે આજે રાણકપુર બાજુથી કોશીવારા પહોંચવામાં જ હશે. મેં કાલે મંગળને મરાવ્યો ત્યારે જ એને ફોનથી જણાવ્યું હતું. તમારો સંપર્ક કઈ રીતે શક્ય ન હતો તો મેં વિચાર્યું કે કઈ નહિ બે દુશ્મનો લડી કૂટાઈ ને મરી જાય. એટલે ઘણું."
"ખેર જે થવાનું હતું એ થયું. મને ક્યારેય એ વાત સમજાઈ ન હતી કે એને પણ ખજાનો પોતાનો કરવામાં રસ છે. મેં બે એક વાર એનો સંપર્ક કર્યો હતો. અને હવે મને સમજાય છે કે જયારે જયારે મેં એનો સંપર્ક કર્યો કે 2-3 દિવસમાં જ મારા પર જાનલેવા હુમલાઓ થયા હતા. અને તું જે 'વીસી એન્ટરપ્રાઇઝિસ' ની વાત કરે છે એ વિક્રમ અને એના બાપની મહેરબાની થીજ હું બચ્યો છું. એ ગમ્મે તે હોય હું જીવું છું ત્યાં સુધી કોઈ ખજાનાને પોતાનો કરવાનું વિચાર પણ કરશે તો હું એને ખતમ કરી નાખીશ ભલેને એ સરપંચ નો દીકરો હોય." શેરાએ કહ્યું અને લખનના માથેથી જાણે એક મોટો ભાર ઉતરી ગયો હતો એણે જીપને જંગલમાં દોડાવી મૂકી
xxx
જીતુભાએ વેલા - છોડવાને દોરડા જેવું વાળી, ગિરધારી તરફ લંબાવ્યું. પરંતુ દોરડું સહેજ ટૂંકું પડ્યું. દલદલ નો દબાવ એટલો ભારે હતો કે ગિરધારીનું શરીર ધીમે ધીમે અંદર ખેંચાતું જતું હતું. તેની આંખોમાં ડર ચોખ્ખો છલકાય રહ્યો હતો. એણે મનોમન પોતાની પત્ની અને બાળકોને યાદ કર્યા અને મનમાં વિચાર્યું. “હવે કશું નથી બનવાનું… મારુ મોત નિશ્ચિત છે.”
એ જ ક્ષણે, ઉપરના વૃક્ષો માંથી અચાનક કાગડાઓ અને શિકરા ઓનો મોટો ઝુંડ ચીસો પાડતો ઊડીને પસાર થયા, જંગલની ઘેરી નિશ્ચલતા તૂટી પડી, એમના તીખા અવાજોથી આસપાસના જંગલી પ્રાણીઓ ચેતન થઈ ઉઠ્યા. નજીકના ઝાડીઓમાંથી કંઈક હલચલ દેખાઈ અને કોઈ હાથીની ગરદન હલાવવાની ધ્રુજારીનો અવાજ આવ્યો. ધીરે ધીરે એ હાથીઓનું ઝુંડ આગળ વધ્યું. જીતુભાએ આ જોયું અને હાથીઓના રસ્તામાંથી એક સાઈડની ઝાડીમાં પેસ્યો. બધા હાથી પોતાનું સ્થાન છોડીને આગળ વધ્યા. એમના ભારે પગલાંઓ થી દલદલની આસપાસની જમીન ધ્રુજી ઉઠી, એ અવાજથી જ ગિરધારી ને થોડી તાકાત મળી, જાણે હાથી જંગલની કોઈ “રક્ષકશક્તિ” બનીને આવી ગયું હોય. જીતુભા એ ક્ષણમાં એનો અર્થ સમજ્યો. આ કોઈ સાધારણ ઘટના નથી; કોઈ અદ્રશ્ય શક્તિ જ અમને બચાવવા તત્પર છે. જીતુભાએ શરીરની તમામ તાકાત એક કરીને ફરીથી દોરડું ગિરધારી તરફ ફેંક્યું. ગિરધરીના હાથમાં દોરડાનો છેડો આવ્યો.
જીતુભા દોરડાને મજબૂતાઈથી ખેંચવા માંડ્યું. હાથીના ઝુંડમાં પાછળ રહી ગયેલા એક મદનીયુ (બાળ હાથી) એ આ જોયું અને દોરડા ખેંચની રમત રમતો હોય એમ પોતાની સૂંઢએ દોરીમાં લપેટી અને જીતુભા તરફ જોર કર્યું એજ ક્ષણે એક હાથણી વિહ્વળ થઇને પોતાના બાળ મદનિયાની શોધમાં આવી, એકાદ ક્ષણ એ આ દોરડા ખેંચ રમત જોઈ રહી, પછી એક જોશભેર ચીંઘાડ કર્યો, અને મદનિયું દોડીને પોતાની માં તરફ ભાગ્યું ને અને એની તાકાત લાગવાથી દોરડું પકડેલો ગિરધારી દલદલ માંથી બહાર ખેંચાઈ આવ્યો. એણે દોરડું છોડી દીધું, જીતુભાના હાથમાં હતો એ છેડો તો ક્યારનોય તૂટી ગયો હતો. સૂકી જમીન પર પડેલો ગિરધારી જમીન પર હાંફતો, ઢળી પડ્યો. આંખોમાં આંસુ સાથે જીતુભા એ એની પાછળ પહોંચી બન્ને હાથ થી બાથ ભરી. બન્નેને એક બીજાની આંખોમાં જોઈને એક જ વાત સમજાઇ કે આ ખજાનાની સફર ફક્ત એમની શક્તિથી નહીં, પણ અજાણી દૈવી શક્તિથી પણ માર્ગદર્શન પામી રહી છે.
xxx
જે વખતે લખને પોતાની જીપ સેમા ગામની સિમમાં પહોંચ્યા ત્યાં જીપને ઉભડી અને પછી એ શેરા અને એના બે સાથી પગપાળા જંગલમાં આગળ વધ્યા એ જ વખતે એમનાથી 6-7 કિલોમીટર દૂર પહાડીની પેલી બાજુ ઉત્તરમાં જીતુભા અને ગિરધારી દલદલથી થોડે દૂર વહી રહેલા ઝરણાં માં ગિરધારી નાહીને પોતાના શરીર પર ચોંટેલો કાદવ સાફ કરી રહ્યા હતા. જીતુભા ચારે બાજુ જોઈને શેરાએ આપેલ એંધાણી પરથી ખજાનાથી કેટલા દૂર છે એ મનોમન નક્કી કરી રહ્યો હતો તો એ જ વખતે દક્ષિણમાં 7 કિલોમીટર દૂર પૃથ્વી બેહોશ પૂજાને હલબલાવીને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યો હતો. એણે એક હાથે મહામહેનતે પૂજાના શરીર પરથી મેથ્યુ ના મૃતદેહને હટાવ્યો હતો. એને ડાબા હાથ માં સખત પીડા થતી હતી. એના ખભા અને ગાર્ડન વચ્ચે જોશભેર લોખંડના કાંટા જડેલી કડિયાળી ડાંગ નો પ્રહાર થયો હતો. એને 2 મહિના પહેલા ડાબા ખભામાં ગોળી વાગી હતી. (તલાશ 1) માંડ એ ઘા ભરાયો હતો. ત્યાં આ ડાંગ વાગવાથી એના શરીરમાં લોખંડના કાંટા ખૂંપેલા હતા. ઉપરાંત રેમાને જે ચાકુનો પ્રહાર કર્યો હતો એ નથી એના ડાબા પડખા માંથી લોહી સતત વહી રહ્યું હતું. ગનીમત હતું કે એ ઘા જીવલેણ ન હતો પણ પળેપળે એ પૃથ્વીને ક્ષીણ કરી રહ્યો હતો. મહા મહેનતે મેથ્યુની લાશ એણે પૂજાના શરીર પરથી હટાવી અને પૂજાને હલબલાવીને જગાડવા માંડી. પાંચ સાત મિનિટે પૂજા હોશમાં આવી અને બે એક મિનિટે એની આખો સ્થળ થી. પોતાના ચહેરાની સામે સહેજ સ્મિત કરતા પૃથ્વીને જોઈને એ પૃથ્વીને વળગી પડી અને હિબકા ભરીને રડવા મંડી. પૃથ્વીએ માંડ એને શાંત કરી. સહેજ સ્વસ્થ થયા પછી એને પૃથ્વીની સ્થિતિ સમજાય હતી. એ ઉભી થઇ અને પૃથ્વીની ડાબી બાજુ જઈને એનો ડાબો હાથ હળવેથી ઊંચક્યો અને પોતાના વાસા પાછળ લઈને પોતાના ખભે મુક્યો પૃથ્વીના ડાબા પડખે થી નીકળતું લોહી એના સફેદ કુર્તાને લાલચોળ કરી રહ્યો હતો. પણ એની એને પરવા ન હતી. તો એ જ ક્ષણે એમનાથી ચારેક કિલોમીટર દૂર પશ્ચિમમાં પોતાનો જીવ બચાવીને ભાગેલા સજ્જન સિંહ અને માઈકલે એક છુપા ટ્રાન્સમીટર થી કોનો સંપર્ક કર્યો એ મને જેનો સંપર્ક કર્યો એ માંગી રામ હતો. એ લોકો કોશીવારા ગામની પહાડીઓ ઉપર પહોંચ્યા હતા. આમ ચારે બાજુથી ચાર ગ્રુપ આવી રહ્યા હતા અને શંકર રાવ એકદમ ઉપરની સાઈડ હતો વચ્ચો વચ એ પહાડી હતી એની કોઈ એકાદ કરાડની વચ્ચે શ્રી નાથજીનો ખજાનો બસો વર્ષથી છુપાયેલ હતો.
xxx
સોનલ અને મોહિની કાચના દરવાજા ખોલીને અંદર પ્રવેશી. મુંબઈ સુધી ચર્ચાયેલ નામ ધરાવતો આ નવો શોરૂમ નાથદ્વારામાં ખુલ્યો હતો. કહેતા કે અહીંથી ડ્રેસ લીધા વગર ફિલ્મ સ્ટાર પાછા ફરતા નહિ. દુકાનની અંદરનો પ્રકાશ એવો હતો કે કોઈને લાગે જાણે મહેલમાં આવી પહોંચ્યા હોઈએ. લગભગ બે હજાર ફૂટના શોરૂમની દીવાલોમાં લાગેલી રેગ્યુલર લાઈટ્સ સિવાય વચ્ચોવચ એક મસમોટી હેલોજન લાઇટનો ઝગમગતો પ્રકાશ ચંદ્રમા જેવી આભા પાથરી રહ્યો હતો. છતના ડિઝાઇનમાં વચ્ચે-વચ્ચે ઝીણી લાઈટ ઝગમગી રહી હતી—જાણે આકાશમાં તારલિયા ઉગ્યા હોય—અને આખી જગ્યા એક અદભુત ચાંદની રાતનો માહોલ બનાવી રહી હતી.
કાચના કેબિનેટમાં પરંપરાગત રજવાડી ડ્રેસ ચમકી રહ્યા હતા—રાજસ્થાની બાંધણી, કઢાઈવાળા ઓઢણાં, ઝાલરવાળા ઘાઘરા. મોહિની આનંદથી એક ડિઝાઇન તરફ દોડી ગઈ.
“અરે વાહ સોનુ, આ કલર અને ડિઝાઇન તો એકદમ કમાલ છે”
સોનલ સ્મિત કરતી એની તરફ જોઈ રહી હતી. એ જ જીદ કરીને એ મોહિનીને સાથે લાવી હતી. એના મનમાં વિચાર હતું કે પોતે અને મોહિની બન્ને માટે રજવાડી ડ્રેસ લેશે. આ નવા ખુલેલા શોરૂમ વિષે એને જીજ્ઞાએ કહ્યું હતું—કે આ દુકાનનું નામ મુંબઈની હાઈ સોસાયટી માં ગુંજે છે, અને જાણીતી અભિનેત્રીઓ મોટી પાર્ટીમાં સામેલ થવા માટે અહીંથી જ કપડાં મંગાવતી હતી. નાથદ્વારા આવ્યા બાદથી સોનલ અહીં આવવા ઉત્સુક હતી. ડ્રેસ ખરેખર અદભુત લાગ્યા. પરંતુ અચાનક એના મનમાં કોઈ ખટકો ઉઠ્યો. જાણે કંઈક ખોટું થઈ રહ્યું હોય એવો અહેસાસ એની છઠ્ઠી ઇન્દ્રિય એને કરાવી રહી હતી. એણે દરવાજા પાસે ઊભી રહી આખા શોરૂમમાં એક નજર ફેરવી. કાઉન્ટર પાસે પરંપરાગત રાજસ્થાની ડ્રેસ પહેરેલી એક છોકરી (નાઝ) મોહિની તરફ આગળ વધી રહી હતી, થોડે દૂર એક હેલ્પર અગાઉના ગ્રાહક છોડેલો ડ્રેસ ફરી ગોઠવી રહ્યો હતો, અને ખૂણામાં આવેલા કાઉન્ટર પાછળ વૃદ્ધ દુકાનદાર હિસાબ લખી રહ્યો હતો. સામાન્ય દુકાનમાં હોય એવો જ માહોલ લાગતો હતો. પણ એનો ખચકાટ શાંત ન થયો. એની ધડકન વધી ગઈ હતી, એના હાથ પગ જાણે ઠંડા થઇ રહ્યા હતા, અને કપાળ પર પરસેવાની એક લહેર ધીરે ધીરે ઉભરી રહી હતી. એની નજર વારંવાર અરીસામાં અટકી રહી. અરીસામાં મોહિનીએ પસંદ કરેલ ડ્રેસ વિશે સમજાવી રહેલા નાઝના પ્રતિબિંબમાં દેખાતા નિર્દોષ સ્મિત વચ્ચે, એક ક્ષણ માટે એની આંખોમાં કંઈક અજાણ્યું ઝબકી ગયું. બસ એક પળ. તરત જ એ પ્રતિબિંબ ફરી સામાન્ય બની ગયું. પણ સોનલની રીડમાંથી ઠંડી લહેર સરકી ગઈ.
"આવ સોનુ કેમ ત્યાં ઉભી રહી ગઈ. તું તો નાથદ્વારા આવી ત્યારથી અહીં આવવાનું કહી રહી હતી." મોહિનીએ એક ડ્રેસ પસંદ કરીને કહ્યું.
“કદાચ હું થાકી ગઈ છું,” સોનલે મનમાં વિચાર્યું, અને હળવેથી ખભા ઝાંખતા કહ્યું, “ચાલ, ટ્રાય કરીએ. આ ડ્રેસ માંતો તું રાજકુમારી લાગીશ, જીતુડો તો તને જોઈને પાગલ થી જશે.” આ સાંભળીને મોહિની ખડખડાટ હસી પડી સોનલ અને નાઝ પણ એ હાસ્યમાં જોડાયા, પણ સોનલે નાઝનો ચહેરો ધ્યાનથી જોયો એની આંખોમાં જાણે અંગાર વરસી રહ્યા હતા. દરવાજા બહાર કાચના દરવાજાની પાર, કોઈ છાયા થોડા સેકન્ડ માટે અટકી ગઈ હતી. પણ અંદર હાસ્ય અને રંગીન કપડાં વચ્ચે એ છયા વિશે કોઈએ નોંધ લીધી નહીં, સોનલે પણ એક ડ્રેસ પસંદ કર્યો. નાઝે એ બેઉએ પસંદ કરેલા ડ્રેસ ઉપાડ્યા, અને છેક પાછળ ની સાઈડ આવેલા ચેન્જિંગ રૂમ તરફ એમને લઇ ગઈ ત્યારે કપડાં ઘડી કરનાર અને દુકાનનો માલિક બનેલા અઝહર અને શાહિદ હસી રહ્યા હતા.
xxx
લગભગ પાંચ મિનિટ પછી એક ફુસફુસાટ ભર્યો અવાજ રજવાડી ડ્રેસ પહેરીને ચેન્જિંગ રૂમ માંથી બહાર આવતી સોનલના કાને પડ્યો. "સોનુ તે શું વિચાર્યું હતું આ નાઝને તું નચાવીશ? હવે આ જો" કહી પોતાની કુર્તી સહેજ ઉંચી કરી. અને એક છુપા ખિસ્સામાંથી ધીરે ધીરે એક ધાતુનો ટુકડો બહાર આવ્યો. "આને લિલીપુટ કહેવાય એક મુઠ્ઠીમાં સમાઈ જાય, પણ એક સાથે સાત ધડાકા કરી શકે કઈ સમજાયું. ચુપચાપ તું અને મોહિની મારી સાથે એવો અને પાછળના દરવાજાની સામે પડેલી કારમાં બેસી જાવ, મારે તારા એ જીતુડા સાથેના કેટલાક હિસાબ સેટલ કરવાના છે. ચાલ એ ય મોહિની ભાભી જલ્દી બહાર આવ." એના અવાજમાં રહેલો ગૂર્રાહટ થી સોનલ અને મોહિની બન્ને થથરી ગયા. સામે નાઝ ગન લઈને ઉભી હતી. બંનેએ એકમેકની સામે જોયું, બંને પાસે ઝેર પાયેલ સોય વાળી વીંટી હતી. પણ એનો ઉપયોગ કરવો કે નહીં એ વિચારમાં 3-4 સેકન્ડ પસાર થઇ સોનલે નોંધ્યું કે, કપડાં ઘડી કરનાર અને ગલ્લા પર બેઠેલો માલિક બંને ઉભા થઇ ગયા હતા અને ઘડી કરનાર છોકરો (શાહિદ)શોરૂમનું સટર અંદરથી બંધ કરવા માટે ખેંચી રહ્યો હતો.
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.