(રસ્કિન બોન્ડ ની વાર્તા monkey business નો ભાવાનુવાદ.)
તુતી
દાદાજી ચર્ચમાં રવિવારના માસમાંથી પરત આવી મને હોબી ક્લાસમાંથી લઈ ઘેર આવતા હતા. અમે બજારમાંથી પસાર થયા ત્યાં એક ખૂણે મદારી ડુગડુગી વગાડી વાંદરાઓનો ખેલ કરતો હતો. બે મોટા વાંદરા એ કહે એમ કરતા હતા. એક ખૂણે સાવ નાનું વાંદરું સાંકળમાં, એક થાંભલા સાથે બાંધેલું હતું. એ આમથીબતેમ કૂદાકૂદ કરતું હતું, તોફાની લાગતું હતું પણ એની આંખો જાણે રડતી હતી. એ ખૂબ ઉદાસ લાગતું હતું.
દાદાજીએ મદારીને કહ્યું કે પોતે આ વાંદરું ખરીદી લેવા માગે છે. થોડા ભાવતાલ પછી દાદાજીએ કદાચ સો રૂપિયામાં એ લીધું. સાંકળ પકડી મને આપી કહે “લઈ જશું ને ઘેર?”
મને તો મઝા પડી ગઈ. દાદાજીને પ્રાણીઓ પાળવાનો અને યોગ્ય સમયે છોડી મૂકવાનો શોખ હતો. તેઓ રેલ્વેમાંથી રીટાયર થયેલા.
ઘેર આવતાં જ દાદી કહે “ઘરમાં આટલાં પ્રાણીઓ છે એનાથી ધરાતા નથી? એક બકરી, છ સાત સફેદ ઉંદર, એક પોપટ, એક કાચબો..”
દાદાજી કહે “વાંદરું ખૂબ ઉદાસ લાગતું હતું એટલે મેં લઈ લીધું. આપણા આને ગમશે.”
મારી સામું જોઈ કહે “બોલ, ખરું ને?”
મેં તો હા પાડી. આઠ વર્ષની ઉંમરે આવું બધું ગમે.
દાદીએ જોઈને કહ્યું કે એ વાંદરી હતી. કૂતરાને બધા તૂતુ કહે તો મેં વાંદરીનું નામ તૂતી પાડ્યું. એને બકરી અને કાચબા સાથે ઘરની બહાર એક શેડમાં બાંધી. તુતીને તો જલ્દીથી બકરી સાથે ફાવી ગયું. એ તો બકરીની પીઠે બેસી સહેલ પણ કરતી અને ડાળીઓ પરથી બકરી માટે કશુંક તોડી આપતી.
તુતી ધાર્યા કરતાં તોફાની નીકળી. એની આંખોમાં જ તોફાન છલકતું હોય. એના દાંત એકદમ સફેદ. કચકચાવે તો ભલભલા ડરી જાય.
દાદા એને ટ્યુબથી નવરાવી સાફ પણ કરતા. એને ટ્યુબની ધારામાં નહાવું ગમતું. ટ્યુબ જોતાં એ ઊભી થઈ જાતે ટ્યુબ પકડી પાણી સામે ઊભી રહેતી.
મેં તૂતીને શેક હેંડ કરતાં પણ શીખવી દીધું.
ઘેર કોઈ આવે તો મજાલ છે કે તૂતી સાથે શેક હેંડ કર્યા વગર ઘરમાં પ્રવેશે!
દાદાના એક મિત્ર બેન્જામિન અંકલ આવે એટલે ત્યાંથી આવી તુતી એના ખભે ચડી જતી, એમના વાળમાં હાથ ફેરવતી. અંકલ હટ હટ કરે એટલે તુતીને વધુ મઝા પડે. અંકલ આઠ દસ વખત હાથ ન મિલાવે ત્યાં સુધી એમને ઘરમાં જવા દેતી નહીં. એને ખબર પડી કે અંકલ ડરે છે એટલે એમને જોઈ એ ખાસ દાંત કચકચાવે.
તુતીના હાથ જાણે અથાણામાં આથ્યા હોય એવા સૂકા ભઠ અને કરચલીઓ વાળા હતા પણ એની આંગળીઓની પક્કડ મજબૂત હતી. એની પૂંછડી એ ત્રીજા હાથ તરીકે કરતી લાગતી. પૂંછડીથી ઝાડની ડાળીએ લટકી એ ખૂબ દૂર ખેંચાઈ પોતાનું ગમતું તોડતી.
દાદીની એક સગી યુવતી રૂબી અમારે ત્યાં રહેતી. એને તુતી સાથે અને તુતીને એની સાથે ઊભું બનતું નહીં. રૂબીને જોઈને એ દાંત કચકચાવતી અને રુબી એને જોઈ બૂમો પાડતી.
એક વખત રૂબીના રૂમમાંથી એની ચીસાચીસ સંભળાઈ. અમે સહુ દોડયાં. જોયું તો તુતીએ રૂબીનો પેટીકોટ પહેરી લીધો હતો. અમને જોઈ કાઢવા ગઈ તો એનાં મોં પર વીંટાઈ ગયો. સફેદ ડોકું બેડ પર જે કૂદે! મેં તુતી ને બોલાવી શાંત પાડી.
એક વખત તુતી ડ્રેસિંગ ટેબલ પાસે પહોંચી ગઈ. કોઈ હેર બ્રશ, કદાચ રૂબીનું, લઈ પોતાની બગલ ખણી રહી હતી! એ બ્રશ ફેંકી દેવા જતી હતી તો મેં કહ્યું કે તુતી રોજ નહાય છે. (કદાચ તારા કરતાં વધુ ચોખ્ખી છે!) એમાં તુતીના હાથમાં શેમ્પૂ આવી ગયું. ગમે તેમ ખોલી પોતાની ઉપર રેડ્યું. અમે ટ્યુબ ધરી નળ ખોલી આપ્યો, એને તો
ફીણમાં નહાવા મળ્યું?
આવાં તોફાનો વચ્ચે દાદાજીને પેન્શનના કામે નજીકના શહેરમાં જવાનું થયું. ઘેર કોઈને ત્રાસ ન કરે એટલે એક બ્લેક ટ્રાવેલ બેગમાં તુતી ને લીધી, સાથે અમારા પાળીતા પોપટને લીધો. એનું નામ મેં પોપુ પાડેલું. એ બેયને સાચવવા મને લીધો. તુતીની બેગમાં નીચે ઘાસ પાથર્યું. એ બેગને હવા માટે આગળ જાળી હતી. એને હેંડ લગેજ તરીકે લીધી. પોપુ એમ જ. કેન્વાસની બેગની જાળીમાંથી તુતીને બહાર જોવા પૂરતી મોકળાશ હતી. રસ્તે એમાંથી જ મેં એને કેળાં, બિસ્કિટ વગેરે આપ્યું. મારો હાથ એના મોં સુધી પહોંચે પણ એનો હાથ બહાર નીકળી શકે નહીં. એ અકળાય ત્યારે બેગમાં કૂદે, આળોટે. બેગને આમ નાચતી જોઈ સહપ્રવાસીઓને મઝા આવી ગઈ.
ત્રણેક કલાકની મુસાફરી પછી અમારું સ્ટેશન આવ્યું. બહાર નીકળતાં દાદાજીએ ટીસીને પોતાનો રેલવેનો ફેમિલી પાસ બતાવ્યો. ઓચિંતું શું થયું, કેનવાસ બેગની સાંકડી જાળીમાંથી રુંવાદાર, કાળો નાનકડો પંજો નીકળી ટીસી સામે ધરાયો. શેકહેન્ડ કરવા કે એને બધાને ટિકિટ આપતો જોઈ એ કાંઈક આપશે એમ માનીને! એક ક્ષણ ટીસી હેબતાઈ ગયો. પછી કહે આ ડોગ ની ટિકિટ લેવી પડે. લાવો ફાઇન. દાદાજીએ દલીલ કરી કે એ કૂતરો નથી, હોમો હોરિબિસ એટલે માણસ જેવું વાનરનું બચ્ચું છે અને નાનાં બચ્ચાંઓની રેલવેમાં ટિકિટ હોતી નથી.
“આવડું મોટું તો છે. બચ્ચું શેનું? એનું બર્થ સર્ટિફિકેટ છે?” ટીસીએ પૂછ્યું.
“તો તમે આગળ જતાં એની મા ની પ્રૂફ માગશો.” દાદાજીએ કહ્યું.
“આ નથી કૂતરો કે બિલાડી, નથી માનવ બાળક. એ પ્રાણી છે ને એની ટિકિટ લેવી પડે. હવે ફાઈન..”
ટીસી આમ બોલે ત્યાં ઓચિંતી ગાર્ડની સિટી વાગી. પ્લેટફોર્મ પર ઊભેલા લોકો દોડ્યા. મેં જોયું તો પોપુ અદ્દલ એવો અવાજ કરતો હતો! અમે પહેલાં રેલવે કોલોનીમાં રહેતા. નજીકથી ટ્રેનો પસાર થાય એટલે પોપુને ગાર્ડનો સીટી અને ટ્રેનની વ્હીસલની નકલ કરતાં ફાવી ગયેલું. ટીસી પ્લેટફોર્મ તરફ જુએ ત્યાં દાદાજી પોતે રેલવે સ્ટાફ છે કહી બહાર નીકળવા લાગ્યા. ત્યાં પોપુએ ટ્રેનની વ્હિસલ જેવો અવાજ કર્યો. સ્ટેશન પર અફડાતફડી મચી ગઇ. એવામાં અમે બહાર નીકળી ગયા. પોપુ વારાફરતી એ વ્હિસલો મારતો રહ્યો.
**
શિયાળો આવ્યો. અમારી તરફ ખૂબ ઠંડી પડે તુતીને માટે દાદાજી દાદી પાસે એક તપેલામાં ગરમ પાણી કરી મૂકતા. મેં તુતીને પહેલાં એક પગ બોળી પછી માફ્ક લાગે તો બીજો પગ બોળી એ તપેલામાં ડોક સુધી બેસી જવા શીખવેલું. એ એવી રીતે નહાતી થઈ ગયેલી. એને માટે પ્રાણીઓનો સાબુ પણ લાવેલ. તુતી જાતે એ પોતાના શરીરે ઘસતી. પાણી ઠંડું થાય એટલે ચાર પગે કૂદતી ઘરમાં ઉત્તર ભારતમાં હોય છે તેવી ફર્નેસ પાસે કોરી થવા બેસી જતી. એ બધા વચ્ચે જો કોઈ એની ઉપર હસ્યું તો આવી બન્યું. એ દાંતિયા કરતી જે આવે એ ફેંકે.
એમાં એક વખત દાદીએ ચુલા પર ચા ની તપેલી મૂકેલી. તુતી ત્યાં આવી પહોંચી. ઢાંકણ ઢાંકેલી તપેલીમાં પાણી ઉકળે છે એ જોઈ એણે ઢાંકણ ખસેડવા પ્રયત્ન કર્યો. એ થોડું ખસ્યું પણ એમાં તપેલી ખસી ગઈ. અંદર પાણી ઉકળે છે એટલે નહાવાનું એમ સમજી તુતીએ તપેલી ઊંચકી પોતાની ઉપર રેડી. એકદમ ઉકળતું પાણી. એ રાડારાડ કરતી ચીસો પાડતી કૂદી રહી. એમાં તપેલી એના માથાં પર સજ્જડ ભરાઈ ગઈ. પાછું દૂર જાય તો ઠંડી લાગે એટલે ચૂલાના તાપ પાસે જ એનું નૃત્ય ચાલ્યું. મેં, દાદાજી અને દાદીએ માંડ એને માથેથી તપેલી કાઢી. એ બળી જતાં બચેલી. સખત દાઝી ગયેલી.
બેન્જામિન અંકલ આવી ચડ્યા. દાદાજીને કહે “આજે તો અહીં નાસ્તો કરીએ. શું છે નાસ્તામાં?”
દાદાજી કહે “આવો, ગરમ ચા, બોઇલ્ડ એગ અને હાફ બોઇલ્ડ મંકી!” અંકલ વળતા પગે પાછા ચાલ્યા ગયા.
**
એક વખત રૂબી એનાં વસ્ત્રો પહેરી રાખી માથું ધોતી હતી. તુતી એને પાણી નાખતા, શેમ્પૂ કરતાં નજીકથી જોઈ રહી અને એની નકલ શીખી ગઈ. પછી ખાલી બોટલ હોય તો પણ એને હાથમાં ઉંધી કરી માથે ઘસ્યા કરે!
**
રુબી અમારે ત્યાં રહીને ભણતી હતી ત્યાં જ એણે પોતાને માટે યુવક ગોતી લીધો, રોકી ફર્નાન્ડિસ. એ ગોવા તરફનો હતો. એને યોકોલેલે સરસ આવડતું. એના ઉપર પશ્ચિમી ઉપરાંત હિન્દી ફિલ્મી ધૂનો વગાડતો જે દાદીને પ્રિય હતી એટલે દાદીના મનમાં પણ એ રૂબી માટે વસી ગયો. એ ઘેર આવે એટલે તુતી સામે જોઈ સરસ સીટી વગાડે. સામેથી હેંડ શેક કરે એટલે તુતી રૂબી ને જોઈ દાંતિયા કરતી એ રોકીને જોઈ ખુશ થતી. રોકી એને માટે મકાઈ, અમુક બિસ્કિટ વ. લાવતો અને મારે માટે એની પાસે અનંત ભંડાર હોય એમ સરસ ચોકલેટો ને એવું લાવતો. એણે મને અલગ અલગ જાતના રૂટ માર્ચ સોંગ શીખવ્યાં. મારો પણ એ મિત્ર બની ગયો.
હવે, અમારા રિવાજ મુજબ એ બન્ને માટે એન્ગેજમેન્ટ રિંગ લેવા જવાનું નક્કી થયું. મને સૂચના હતી કે એમની સાથે જવું પણ સાથે નહીં, થોડું દૂર ચાલવું. અમારી યોજનાની અને સંબંધિત હિલચાલની તુતીને કોઈક રીતે ગંધ આવી ગઈ. હું શેરી વટું ત્યાં એ મારી પાછળ પણ થોડે દૂર રહેતી ચાલી આવી. ઘડીમાં દેખાય, ઘડીમાં આંખોથી ઓઝલ થાય. ફરી દેખાય.
અમે ભીડભાડ વાળી બજારમાં પ્રવેશ્યાં. અહીંથી એ બે થી બહુ પાછળ રહેવું શક્ય ન હતું. છતાં હું છુપાતો હોઉં એમ દૂર રહ્યો. તેઓ એક મોંઘા જ્વેલરી સ્ટોરમાં પ્રવેશ્યાં. જાણે અચાનક મળ્યાં હોઈએ એમ “ઓહ, તમે અહીં?” કરતો હું ત્યાં આવ્યો. રૂબીને મારું આવવું ખાસ ગમ્યું નહીં પણ રોકીએ મને બોલાવ્યો ને કહે “દૂર શું કામ ઊભો છે? આવ, રૂબીને સરસ રીંગ પસંદ કરવામાં મદદ કર.”
હું દુકાનમાં એમની સાથે બેઠો.
મેં મારી સમજ મુજબ એક વ્હાઇટ મેટલ, કદાચ ચાંદીમાં ફિક્સ નાના ડાયમંડસ વાળી પ્રમાણમાં સસ્તી રીંગ તરફ આંગળી ચીંધી કહ્યું “મસ્ત લાગશે.” રૂબીએ મોં મચકોડ્યું.
“નામ રૂબી છે તો રૂબી સ્ટોનની થઈ જાય” મેં રૂબીને ખુશ કરવાના ઇરાદે કહ્યું.
“આમેય એ સ્ટોન તારો લકી સ્ટોન છે. તો ભલે થઈ જાય.” કહેતાં રોકી, ડાયમંડ સ્ત્રીઓને પ્રિય છે એવા અર્થનું કોઈ ગીત ગણગણી રહ્યો.
રૂબી એ રીંગ હાથમાં ફેરવી જોતી હતી. રોકી એની કિંમત અને બીજી એવી રીંગો જોતો હતો ત્યાં ઓચિંતી ક્યાંકથી તુતી શો રૂમમાં આવી ચડી. સહુથી પહેલું મારું ધ્યાન પડ્યું. “તુતી, આઉટ.. ચાલ, આઉટ” કહેતો હું એની પાસે જાઉં ત્યાં આ બધી ઝાકઝમાળ જોઈ ખુશ થયેલી તુતીએ આમથી તેમ ફરવા માંડ્યું. શો માટે ખુલ્લો રાખેલો એક ડાયમંડ નેકલેસ પોતાના ગળે ચડાવ્યો. ત્યાં તો ચારે બાજુ ચકચકિત અરીસાઓ હતા. એમાં પોતાને જોઇ આમથી તેમ કુદવા લાગી.
“મને હતું જ કે આ સખણો નહીં રહે ને આ વાંદરીને લાવશે. બાપ રે.. હવે શું કરશું?” મૂંઝાઈને રડવા જેવી થયેલી રૂબી બોલી. જ્વેલરના માણસો તુતી તરફ દોડ્યા.
ગભરાઈને તુતી રોકીને વળગી એના બે પગ વચ્ચે ભરાઈ ગઈ. રોકી એને માથે હાથ ફેરવી “કમ ઓન, આપી દે તો!” કહેતો નેકલેસ કાઢવા ગયો. એ ખેંચાતાં જ તુતી કૂદી. બે હાથે નેકલેસ પકડી દોડતી ભીડવાળા રોડ પર થતી સામે ક્રોસ કરી ગઈ. હું વાહનો વચ્ચેથી જોખમ ઉઠાવી એની પાછળ ભાગ્યો. મારી સાથે જાતજાતના સીસકારા, બુચકારા કરતા જ્વેલરના માણસો દોડ્યા. અહીં તુતીને કૂદવા ઝાડની ડાળીઓ ન હતી તો ધમ ધમ કરતી દુકાનોના બોર્ડ પર લાત મારતી બીજી શેરીમાં જતી રહી. બીજા રાહદારીઓ પણ અમારા મિશનમાં જોડાયા. તુતીને તો એ બધાના ખભા ને માથાં જાણે સ્પ્રિંગબોર્ડ મળ્યાં! એના ઉપરથી વેગથી ઠેકતી એ દૂર નીકળી ગઈ. એની દિશામાં હાકોટા પડકારા કરતા અમે, બૂમો ને ચીસો પાડતી રૂબી, “હેઈ યુ ગુડ ગર્લ.. સ્ટોપ” કહેતો રોકી. કેમ જાણે એની સાળી હોય!
ટોળું તુતી પાછળ દોડતું જતું હતું. અમૂક લોકો મદદ માટે તો અમુક બીજાને દોડતા જોઈ કારણ વગર. કોઈ તો ચોર.. ચોર.. બૂમો પાડતો દોડ્યો. અમુક લોકો રસ્તે ઊભેલી લારીઓ કે ત્યાં ઉભી ખાતા લોકો સાથે અથડાયા. એ માણસો પડ્યા, એની ડીશોમાંથી ખોરાક ઊછળી પાછળ આવતાઓ પર ઉડ્યો.
કહે છે ટોળું નેતાને અનુસરે છે પણ નેતા કોણ એ એમને ખબર હોતી નથી.
દોડતા માણસો નજીક આવતાં તુતી એકદમ જંપ મારી એક સ્કૂટરિસ્ટને ખભે બેસી ગઈ. સ્કૂટર ઘણું આગળ તો જતું રહ્યું પણ એનું બેલેન્સ ગયું અને એ કોઈ ફ્રુટવાળી કેળાંની લારી લઈને ઊભેલી એના ખોળામાં પડ્યો. ઓલી એને બે તમાચા મારી દીધા ત્યાં એ ઢગલા પર તુતી પડી. બે હાથે પાંચ છ કેળાં ઉપાડી, નેકલેસ સાથે દબાવતી કોઈ દુકાનના છજા પર ચડી ગઇ.
કોઈએ પથરો માર્યો. ઉતરીને ટોળાં પાસે આવવાને બદલે તુતી કૂદીને કેળાં પડતાં મૂકી ચાર પગે ભાગતી એક ધોબી ગધેડો લઈને જતો હતો એના ગધેડા પર કૂદી. ગધેડો ડરીને હોંચી હોંચી કરતો ભાગ્યો, એની પીઠ પરનું પોટલું નીચે પડી કપડાં અહીં તહી વેરાઈ ગયાં.
શું થાય છે એ સમજ્યા વગર હમણાં છૂટેલ કોઈ સ્કૂલ કે ટયુશનના છોકરાં હો હા કરતાં દોડ્યાં.
આ બધું એણે પહેરેલ નેકલેસને કારણે થઈ રહ્યું છે એ ખ્યાલ આવતાં તુતી ઓચિંતી ટર્ન લઈ ઘરની દિશામાં ભાગી. પણ એ પહેલાં પકડાશે તો બધા મારશે એ બીકે એણે નેકલેસ એક વહેતી, ઊંડી ગટરમાં ફેંકી દીધો!
પાછળ આવતો મોટેથી ગંદી ગાળો બોલતો મુખ્ય જ્વેલર ગટરમાં કૂદ્યો. પાછળ પોતાને કારણે આ થયું એટલે સરસ વસ્ત્રોમાં સજ્જ રોકી, એની પાછળ હું જવાબદાર છું એમ લાગતાં હું, એની પાછળ કેટલાંય આબાલ વૃદ્ધો ગટરમાં કૂદી હાથ ફંફોસવા લાગ્યાં. ટ્રેઝર હન્ટ રમાતું હોય એવું થઈ ગયું.
વીસેક મિનિટ પછી રોકીએ બુક પાડી “મળી.. મળી.. આ રહ્યો”. અને કાદવથી ખરડાયેલા, અમુક નાના દેડકા કે નાની માછલીઓ અને ગંધાતો કાદવ ખંખેરતા અમે સહુ નીકળ્યા. જ્વેલરે નેકલેસ મળી જતાં રાહતનો ઊંડો શ્વાસ લીધો.
“વિધિ બિધિ … માં જાય તો અત્યારે જ આ પહેરીને રિક્ષા કરીને ભાગ” કહેતાં રોકી એ ભર ટ્રાફિક અને બજાર વચ્ચે, ગટરની વાસ લેતાં એની ફિયાન્સીને પસંદ કરેલી ડાયમંડ રીંગ પહેરાવી.
રોકીએ પેમેન્ટ કરી અમે ઘેર પહોંચ્યા.
“આ વાંદરીને અત્યારે ને અત્યારે કાઢી મૂકો” કહેતી ભયંકર ફુંગરાયેલી રૂબી એના રૂમમાં જતી રહી.
**
લગ્નનો દિવસ આવી પહોંચ્યો. હવે કિચનમાં પણ આમ તેમ ફરતી તુતી આવી ચડતી. એને દાદીએ પોટ ચૂલે ચડાવતાં ઉતારતાં શીખવી દીધેલું. એ દાદીને કોઈક મદદ પણ કરતી. મસાલા નાખતાં જોઈ એ ચપટી ભરી ઉકળતી રસોઈમાં નાખતી પણ એમાં ક્યારેક કસ્ટાર્ડ માં મરચું, જેલી ઉપર ડુંગળી કે ચિકન સૂપમાં સ્ટ્રોબેરી ખાવા મળતી. એમાં એકવાર સેન્ડવીચને બટકું ભરતાં બેન્જામિન અંકલનો એક દાંત તૂટી ગયેલો, એમાં વચ્ચે અખરોટનો શેલ નાખી દીધેલો!
દાદી તો કહેતાં કે હવે તુતી ઘરની દીકરી બની ગઈ છે. મને પોતું કરવા જેવાં કામમાં પણ મદદ કરે છે. પણ વેડિંગ કેક માં જ ઈંડાં નાં છીલકાં, કારેલું અને લાલ મરચું નાખી આવેલી! મહેમાનોએ જેણે ખાધી એણે ‘ઇનોવેટિવ’ એમ કહ્યું બાકીના ક્યારેય અમારે ઘેર ફરક્યા નહીં.
ચર્ચમાં લગ્નવિધિ વખતે મેં તુતીને બ્રાઈડ ના ડ્રેસમાં શણગારી પણ આ વખતે ખુદ દાદાજીએ એને લઈ જવાની ના પાડી. તુતીને શેડમાં પૂરી દેવામાં આવી. મેં એને હવા ઉજાસ આવે એટલે સાવ નાની હવાબારી ખુલ્લી રાખેલી.
લગ્ન શાંતિથી પૂર્ણ થયાં. આખી વિધિ હું એક ખૂણે પોપુને ખભે રાખી, પગ પાસે કાચબો રાખી બેઠોબેઠો જોતો હતો. લગ્ન પૂરાં થતાં દાદાજીએ વાજિંત્ર પર સરસ ધૂન વગાડી. દાદી અને રૂબી ના માતા પિતા એને વળગીને રડ્યાં.
હવે અમારાં કમ્પાઉન્ડમાં જ રિસેપ્શન હતું. ટેબલો પર વિવિધ વાનગીઓ ભરેલા બાઉલ્સ અને ડીશો સજાવેલી.
તુતી પણ સાચે સફેદ વેડિંગ ગાઉનમાં સજ્જ થઈ મોટી વેડિંગ કેક પાસે બેસી એને કાગડા, માખીઓ, ખિસકોલીઓ થી બચાવતી હતી. કેટલાક જાણીતા મહેમાનો એની સાથે હેન્ડશેક પણ કરતા હતા. કોઈ જાણીતા મહેમાન, કદાચ બેન્જામિન અંકલ સામે તુતીએ એનો પરિચિત આવકારનો ખિખિયાટો કર્યો. “હેઈ ..હેઈ..” કરતી રૂબી એની તરફ હાથ ઉગામતી ગઈ.
બસ, પોતે આવકાર્ય નથી એ જોઈ દુઃખી થતી તુતી ત્યાંથી રવાના તો થઈ ગઈ, સાથે કેક નો સહુથી ઉપરનો ડેકોરેટેડ ભાગ અને ચેરી ઉપાડતી ગઈ. કેકનું સત્યાનાશ વળી ગયું. રૂબી થોડી વાર શાંત રહી હોત તો?
અમે લોકો દુઃખી તુતીને મનાવવા પાછળ ગયા. એક ફણસનાં ઝાડ પર કેક ખાતી બેઠેલી તુતીએ બધા પર કેકના અવશેષો ફેંક્યા. કપડાં, ચહેરો બધાનાં બગડ્યાં પણ રોકીએ “ચાલો, બધાને આનંદ આવે એવું કંઈક થયું” કહી વાત વાળી લીધી. હું અમુક ફૂટ તુતીને આપી મનાવી આવ્યો.
અમારા પોર્ચ ની બહાર શણગારેલી કાર આવી. એક સગા અંકલ કાર ડ્રાઇવ કરી રૂબી, રોકીને નજીકમાં મસૂરી હનીમૂન માટે એમાં લઈ જવાના હતા. બધાં છેલી વારનું ભેટ્યાં અને કાર વિદાય થઈ.
કારમાં બેઠાં ખુશીમાં રોકીએ એની મસ્ત ધૂનની સીટી વગાડી ત્યાં પાછલા કાચ પર ટકોરા પડ્યા. એ સીટી ઓળખતી તુતી પાછલા બોનેટ પર બેસી ગયેલી! એને ઊતરવું ન હતું!
“આ હનીમૂનમાં પણ ભેગી આવશે! સાલી વાંદરી!” ગુસ્સામાં લાલચોળ રૂબીએ કહ્યું.
“અરે ત્યાં ઝાડ પર રમશે. ભલે આવતી.” રોકી સમજુ હતો.
પણ રસ્તે જ કોઈ જંગલ આવતાં તુતી પોતાના વિશ્વમાં જવા નીકળી ગયેલી. હવે એ મોટી થઈ ગયેલી. દાદાજી કહે દીકરીએ તો એક દિવસ જવાનું જ હોય છે.
***