લેખ:- મચ્છરો સાથે અન્યાય.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
આમ તો આ લેખ મારે 20 ઓગષ્ટ, એટલે કે 'વિશ્વ મચ્છર દિવસ'નાં રોજ રજુ કરવો હતો. પણ એને સમયસર પૂર્ણ જ ન કરી શકી. એટલે થોડો મોડો રજુ થાય છે. લાગે છે આ રજુ થયો ત્યાં સુધીમાં તો ઘણાં બધાં મચ્છરો બધાનું લોહી પી ચૂક્યા હશે.😂
નાનાં, મોટા, વૃદ્ધ, સ્ત્રી અને પુરુષ બધાં મચ્છરો સભામાં સમયસર એકત્રિત થઈ ગયા હતા. ગયા અઠવાડિયે ભરાયેલી એમની સામાન્ય સભામાં કારોબારી સભ્યોએ નક્કી કર્યું હતું કે આવતાં અઠવાડિયે આપણે આખાય સમાજને એકત્રિત કરી એમને થતાં અન્યાય વિશે ચર્ચા કરીશું.😃
ચર્ચા માટેનાં મુદ્દાનો વિષય હતો - મચ્છરદાનીમાં મચ્છરને બદલે માણસ કેમ સુઈ જાય છે? આ ચર્ચાની શરૂઆત એક યુવાન મચ્છરે કરી. એણે કહ્યું, "હું ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ફર્યો છું. મેં બધે નોંધ લીધી છે કે જ્યાં જ્યાં ફૂલદાની મૂકવામાં આવી છે એમાં હંમેશા ફૂલો જ હોય છે, જ્યાં પેન પેન્સિલ મૂકવાનું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે એમાં પેન પેન્સિલ જ હોય છે. તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ હોય છે? એમાં મચ્છર જ હોવાં જોઈએ."
ઘણાં બધાં મચ્છરોએ એનાં સૂરમાં સૂર પુરાવ્યો. "હા, હા, મચ્છરદાનીમાં મચ્છર જ હોવાં જોઈએ " હવે એક શાણુ મચ્છર બોલવા માટે ઉભું થયું. એણે કહ્યું, "એ બધી વાત બરાબર, પણ વિચારવા યોગ્ય મુદ્દો એ છે કે આ બાબતે આપણે ભેગાં થવાનું જ શું કામ?"
હજુ એ વધારે કશું બોલે એ પહેલાં તો ત્યાં હાજર બધાં મચ્છરોએ એનો વિરોધ કર્યો. કારણ માત્ર એટલું જ હતું કે એની ઉંમર ઓછી હતી. આથી બધાંને એમ લાગતું હતું કે હજુ તો આણે દુનિયા જોઈ નથી ને આપણને સલાહ આપવા બેસે છે.
ફરીથી ચર્ચાનો દોર શરુ થયો. દરેક જણાં પોતપોતાનાં મંતવ્યો રજુ કરી રહ્યાં હતાં. કોઈકે તો એવો પણ પ્રસ્તાવ મૂક્યો કે, "આપણે બધાંએ ભેગાં મળીને મચ્છરદાની બનાવવાવાળાનું જ બરાબર લોહી પીવું જોઈએ. એણે શા માટે આ મચ્છરદાની માણસ માટે બનાવી? અને જો માણસ માટે જ બનાવવી હતી તો એને નામ કોઈક બીજું આપવાનું હતું. આપણાં સમાજને કેમ એમાં નાંખ્યો?"
આ વાત સાંભળી ફરીથી બધાં ઉશ્કેરાઈ ગયાં. "હા હા, એકદમ સાચી વાત. ક્યાં તો એનું નામ મચ્છરદાનીને બદલે કંઈક બીજું રાખો ક્યાં તો એમાં મચ્છરોને જ રહેવા દો." બધાંએ એક સૂરમાં આ જ વાત કહી. હજુ પણ પેલું શાણુ મચ્છર તો ચૂપચાપ જ બેઠું હતું. આખરે એકાદ કલાકની ચર્ચા પછી બધાં જ્યારે થાક્યા (થાકી જાય કલાકમાં, માણસ થોડાં છે કે આખો દિવસ ચર્ચા કરી શકે? બિચારાં નાનાં નાનાં મચ્છરો!😂) ત્યારે એ શાણુ મચ્છર ફરીથી બોલવા ઉઠ્યું.
"મને ખબર છે કે હું અહીં સૌથી નાનું છું. એટલે જ કદાચ અત્યાર સુધી તમે લોકોએ મને બોલવા ન દીધું. પણ મારી આપ સૌને વિનંતિ છે કે એક વાર મારો મુદ્દો સાંભળો. આપ સૌ મારાં વડીલો છો. આપ સૌને બીજાનું લોહી પીવાનો મારા કરતાં વધારે અનુભવ છે.😂 પણ તમે બધાં માત્ર એક જ વાર વિચારો કે આ મચ્છરદાની આપણાં માટે હોય અને આપણે એમાં જઈએ તો એમાંથી બહાર કેવી રીતે આવીશું? આપણને બહાર કોણ કાઢશે? જેમાં આપણે પ્રવેશી શકતાં નથી, એમાંથી બહાર પણ ન જ આવી શકીએ ને? આવામાં એક વાર જો બધાં સામુહિક રીતે મચ્છરદાનીમાં ભેગાં થઈ જઈએ તો માનવીને તો સારું જ પડી જાય. મચ્છરદાનીની બહાર ઉભા રહીને આપણને મારી નાંખવાની દવા છાંટી દે તો ત્યાં હાજર બધાં જ મચ્છરો એકસાથે મરી જાય. પછી આપણાં સમાજનાં અસ્તિત્વનું શું? એ તો લગભગ નામશેષ થવાને આરે પહોંચી જાય. આથી જ આજની મિટિંગ અહીં જ સમાપ્ત કરો. આમ પણ સાંજ થઈ ગઈ છે. બધાં પોતપોતાનાં વિસ્તારમાં લોહી પીવા જવા માંડો, નહીંતર આજે ખાલી પેટ રહેવું પડશે."😂😂😂
હવે બધાંને ગળે આ વાત ઉતરી અને સૌ છૂટા પડ્યાં, પોતપોતાનાં કામે જવા માટે.😂
વાંચીને હસવા બદલ આભાર.😊
સ્નેહલ જાની.