"ધોરણ એક એટલે પહેલું પગલું! બાળકનું અભ્યાસની દુનિયામાં પ્રથમ કદમ. નાનું બચ્ચું એની માની ગોદમાંથી બહાર નીકળીને હાલતા ચાલતા શીખે, પછી રમતા શીખે ને એ પછી તોફાન મસ્તી કરે, કાલું કાલું બોલે એટલે વાલું વાલું પણ લાગે. માબાપ એને લાડ લડાવે એટલે છકી પણજાય. પછી આવે ભણવા! નિશાળમાં એને ન ગમે. એકડો કરવો અઘરો લાગે, વારેવારે બાને યાદ કરે. રડ્યા કરે, પહેલા ભેંકડો ને પછી ઝીંણા રાગે! પીપી કરી જાય તો ક્યારેક ચડ્ડી પણ બગાડે. આવા બાળકને ભણવાનું મન ન હોય, એને રમવું હોય ત્યારે આપણે એની આંગળી પકડવાની છે; વ્હાલ કરવાનું છે. પ્રેમથી બાળકને પલોટવાનું છે. ધીમે ધીમે એની જિંદગીમાં પરિવર્તન આણવાનું છે. રૂપાલી, તું આ બધું સમજી? જેના દિલનું સરોવર પ્રેમના જળથી છલોછલ ભર્યું હોય; અરે માત્ર ભર્યું જ હોય પણ હોઠ પરથી શીતળ હવાની મંદમંદ લહેરખી વડે લહેરાતું હોય એવી કોઈ શિક્ષિકા જ બાળકને અભ્યાસની કેડીએ પ્રથમ ચાલતું અને પછી દોડતું કરી શકે છે. ડિયર રૂપાલી તું જરા પણ ચિંતા ન કરીશ, કારણ કે તારે જ્યારે અને જ્યાં તથા જે પણ પ્રકારનું માર્ગ દર્શન જોઈશે તે હું આપીશ.." પોચા સાહેબે ધોરણ એકના વર્ગમાં કેટલક રડતા તો કેટલાક વાતો કરતા તો કેટલાક ધીંગામસ્તી કરતા બાળકોને શાંત રાખવા મથતી રૂપાલીને લાંબુ લેક્ચર આપી દીધું. ક્લાસરૂમમાં નાની બેન્ચીસની ત્રણ લાઈન હતી. કાબરના ટોળાની જેમ ત્રીસેક બાળકો કલબલાટ કરતા હતા. રૂપાલી પહેલા જે શિક્ષિકા બહેન આ વર્ગ લેતા હતા એ નિવૃત થયા હતા. છેલ્લે સાવ પાકી ગયેલા એ બહેને બાળકોને સરખું બેસતા પણ શીખવ્યું નહોતું. વર્ગમાં પડેલા ટેબલ ખુરશી પર તેઓ આખો દિવસ આરામ ફરમાવતા રહેતા. ક્યારેક મૂડ હોય તો એકડા બોલાવતા. ક્યારેક ગીત ગવડાવતા તો ક્યારેક ગ્રાઉન્ડમાં લસરપટ્ટી ને હીંચકા ખાવા લઈ જતા. એ સિવાય ખાસ કામ એમણે કરેલું નહોતું. એટલે રૂપાલીને ઘણું માર્ગદર્શન આપવું જરૂરી બનશે એમ પોચાશ્રી સમજ્યા હતા."જી સર, આપનો આભાર." કહી રૂપાલીએ હાજરી પુરવી શરૂ કરી. પણ બાળકો અવાજ કરી રહ્યા હતા. એટલે દિવા ફરતે ફરતા ફુદાને તાકી રહેલી ગરોળીની જેમ પોતાને તાકી રહેલા પોચા સાહેબને રૂપાલીએ કહ્યું,"સર આ બાળકોને શાંત કરી બતાવો તો મને એ શિખવા મળશે.""અરે કેમ નહિ! જો બાળકોને શાંત આમ કરાય.." કહી પોચા સાહેબે બાળકો તરફ જોઈ નાક પર આંગળી મૂકી રાડ પાડી, 'ચું..ઉં...ઉં...ઉં...પ..' ધોરણ એકમાં આ અગાઉ કોઈએ આવી મોટી રાડ પાડી નહોતી. એટલે જે વાતો ને મસ્તી કરતા હતા એ ચુપ થઈને મોટા સાહેબને તાકી રહ્યાં. પણ જે ચૂપ જ હતા એ રડવા લાગ્યાં અને જે હીબકાં ભરીને રડતા હતા એ બાળકોએ ભેંકડા તાણ્યા. બે ચાર બાળકીઓ રડતી રડતી દોડીને રૂપાલીના પડખામાં આવીને લપાઈ ગઈ. પોચા સાહેબે વાતાવરણ વધુ બગડેલું જોઈ એક હાથની હથેળી હવામાં ઊંચી કરીને મારવાનો સંકેત કરી જે રડતા હતા એને ચૂપ કરવા માટે ડરાવ્યા. પણ એથી તો જે ચૂપ થયા હતા એમણે પણ ભેંકડા શરૂ કર્યા. એ લોકોનું જોઈ જે હજી નહોતા રડ્યા એમણે પણ ચાલુ કર્યું. બાજુના વર્ગમાંથી અંબાબેન દોડી આવ્યા. પોચા સાહેબને હાથ ઉગામીને બાળકોને ડરાવતા જોઈ ખીજાયા, "આ શું કરો છો તમે? આવી રીતે બાળકોને કેમ ડરાવો છો. ચાલો જાવ અહીંથી..""રૂપાલીને વર્ગ કેવી રીતે શાંત કરવો એ હું શીખવી રહ્યો છું. તમે વચ્ચે દખલ ન કરો. તમારે ઓફિસમાંથીઅહીં આવવાની જરૂર નથી." પોચા સાહેબને અંબાબેનનું આગમન ગમ્યું નહિ."આમ તે વર્ગ શાંત થતો હશે? તમે બાળકોને બીક બતાવો છો સાહેબ. તમે આ ઠીક નથી કરી રહ્યા. ખસો એક બાજુ, જુઓ હું વર્ગને શાંત કરી બતાવું.." કહી અંબાબેને પોચા સાહેબનો હાથ પકડીને દરવાજા તરફ ધકેલ્યા. પછી બાળકો તરફ આગળ વધીને બેઉ હાથ ઊંચા કરીને બોલ્યા, "ચાલો બાળકો..બંને હાથ ઊંચા..આ...આ..." બાળકોને અંબાબેનમાં રક્ષણ દેખાયું. તરત જ રડવાનું બંધ કરીને અંબાબેનનું અનુકરણ કરવા લાગ્યા. અંબાબેને હાથ ઊંચા, આગળ, નીચે વગેરે કરાવીને તાળીઓ પણ પડાવી. પછી હાથના વિવિધ આકારો કરીને બાળકોને હસાવ્યા. રૂપાલી તરફ મીઠી નજર કરીને વર્ગના બારણે ઊભેલા પોચા સાહેબને ત્યાંથી ચાલ્યા જવાની સંજ્ઞા કરી. બાળકો ખુશ થઈને શાંત થઈ ગયા."બાળકોને ડર બતાવીને નહિ પણ પ્રેમથી આવી પ્રવૃત્તિમાં વાળીને શાંત કરાય સમજયા? જાવ હવે ઓફિસમાં કામ હશે એ કરો. રૂપાલીને હું માર્ગદર્શન આપી દઈશ."પોચા સાહેબ કમને ઓફિસમાં ગયા. અંબાબેન પણ રૂપાલીને થોડીક સૂચનાઓ આપીને એમના વર્ગમાં ગયા. રીશેષ સુધી અભ્યાસક્રમ ચાલ્યો. ઉદાએ રીશેષનો બેલ માર્યો. નિયમ એવો હતો કે નાના ધોરણના શિક્ષકો રીશેષમાં બાળકો સાથે જ રહેતા. એટલે રૂપાલી સહિત ધોરણ 4 સુધીના બાળકોને એમના વર્ગ શિક્ષકો ગ્રાઉન્ડમાં લીમડાના ઝાડ નીચે નાસ્તો કરાવવા લાઈનમાં લઈ જવાના હતા. પોચા સાહેબ તરત જ ગ્રાઉન્ડમાં રાઉન્ડ મારવા નીકળી પડ્યા. ઉદો ચા બનાવવા લાગ્યો. ચંદુલાલ ઢોકળા લાવ્યો હતો. થેલાથી ઢોકળાનો ડબ્બો લઈ એ પણ ગ્રાઉન્ડ તરફ ચાલ્યો. મુકુંદરાયે તરત જ ચંદુના પગલાં દબાવ્યા. એ જોઈ ઉકાલાલ અને બાબુલાલ પણ ગ્રાઉન્ડમાં ઉપડ્યા. પોચા સાહેબે રીશેષમાં બાળકો નાસ્તો કરતા હોય ત્યારે શિક્ષકોને એક રાઉન્ડ મરવાનો નિયમ કર્યો હતો. જેથી કોઈ બાળકો તોફાન મસ્તી કરે નહિ. શરૂઆતમાં થોડા દિવસો સુધી દરેક જણ એક રાઉન્ડ મારતા. પછી વારા કરેલા. થોડા દિવસો સુધી જેનો વારો હોય એ શિક્ષક એક આંટો ગ્રાઉન્ડમાં મારીને જલ્દી જલ્દી સ્ટાફરૂમમાં આવી જતો. પછી વારાવાળો શિક્ષક જતો બંધ થઈ ગયેલો. એનું જોઈ બીજે દિવસે જેનો વારો હોય એ પણ 'પેલો નથી ગયો તો હું શા માટે જાઉં' એવું બહાનુ કાઢીને જતો નહી. પોચા સાહેબ પણ રીશેષમાં ઘડીક આંખને પોરો આપવા ખુરશીમાં જ ઢળી પડતા. રીશેષ પુરી થાય એ પછી અડધી કલાકે પોચા સાહેબની આંખો ઉઘડતી. ઉદો એમના માટે ફરીવાર કડક અને મીઠી આખા દૂધની આદુવાળી ચા બનાવી આપતો. પોચા સાહેબનો કપ ભરાય તોય ચા વધતી. જેનો લાભ ઉદો જ લેતો. પણ આજ સ્થિતિ બદલાઈ હતી. ચારેય શિક્ષકો અને ખુદ પોચા સાહેબ પણ આજે ગ્રાઉન્ડમાં આંટો મારવા ઉપડી ગયા હતા. ધોરણ એક થી ચારના બાળકો જુદા જુદા લીમડાના ઝાડ નીચે રાઉન્ડમાં બેસીને નાસ્તો કરતા હતા. એમના કલાસ ટીચરો પણ ખુરશી નાંખીને એ બાળકો જોડે જ બેસીને ઘરેથી લાવેલો નાસ્તો આરોગતી હતી. રૂપાલીનો તો પહેલો જ દિવસ હતો, વળી એ પોચા સાહેબના ઘરેથી જ આવી હતી એટલે એની પાસે નાસ્તો ક્યાંથી હોય! બાળકો એમના નાસ્તાના ડબા લંબાવીને નવા ટીચરને નાસ્તો લેવાનું કહેવા રૂપાલી ફરતે ટોળે વળ્યાં હતા. રૂપાલી બાળકોનું મન રાખવા દરેક ડબામાંથી થોડું થોડું લઈ રહી હતી. ચંદુલાલે ઢોકળાનો ડબ્બો રૂપાલી સમક્ષ ધરીને કહ્યું, "ખાટિયા ઢોકળા.. બોટાદના સ્પેશિયલ! મારી વાઈફ બહુ મસ્ત બનાવે છે. લો લઈ લો.. મજા આવશે."રૂપાલીએ હસીને એક ઢોકળું ઉપાડ્યું. એ જ વખતે મુકુંદરાયે ચંદુની પાછળ આવીને ડબ્બામાં હાથ નાંખ્યો, "અલ્યા ઢોકળા લાવ્યો છો. વાહ મને બહુ પ્રિય છે, લાવ લાવ." મુકુંદરાયે ચારપાંચ બટકા એકસાથે ઉપાડી લીધા. એનું જોઈ બાબુલાલ અને ઉકાલાલ પણ ધસ્યા. ઉકાલાલે તો રૂપાલી તરફ રાખેલો ડબ્બો જ આંચકી લીધો."કાયમ અમારા નાસ્તા ઉભા ગળે ઓગાળી જાશ. આજ વળી ઢોકળા લાવ્યો છો તોય અમને તો વિવેક પણ કરતો નથી. અરે રૂપાલી, તમે લઈ લો જેટલા ખાવા હોય એટલા." ઉકાલાલે ડબ્બો રૂપાલી તરફ પકડી રાખતા કહ્યું. "અરે પણ હું એને આપવા જ આવ્યો છું. યાર ઉકાલાલ આ યોગ્ય નથી હો. બાળકોની જેમ તમે નાસ્તો ઝુંટવો એ નહિ ચાલે." ચંદુએ ડબ્બા પર પકડ મજબૂત કરતા કહ્યું. એ વખતે પોચા સાહેબ ઉતાવળું ચાલીને આવી પહોંચ્યા. ઢોકળાની સુગંધ એમના નાકમાં ઘુસી હતી અને મોંમાં પાણી પણ આવ્યું હતું. "અરે ચંદુ ઢોકળા લાવ્યો છો? લાવ લાવ." કહી એમણે પણ ડબ્બામાં હાથ નાંખ્યો. બાબુલાલ પણ પોતે રહી જશે એવી ભીતિથી ચંદુના પડખામાં ઘૂસ્યો હતો. ડબ્બા પર ચંદુ અને ઉકાલાલની પકડનું બળ સામસામું લાગી રહ્યું હતું. રૂપાલીએ બીજું બટકું લઈ, "બસ, હવે તમે લોકો ખાવ'' એમ કહ્યું. એ વખતે ધોરણ સાતના બે બાળકો ઝગડી પડ્યા. વિદ્યાર્થીઓએ હો હા મચાવી એટલે પોચા સાહેબે ઉકાલાલને આદેશ કર્યો, "ઉકાલાલ તમારા વર્ગના બાળકો લડી રહ્યા છે, જાવ જલ્દી એ લોકોને છુટા પાડો. ઉકાલાલને હાલના સંજોગોમાં ડબ્બો છોડીને જવું પોસાય તેમ નહોતું. એટલે ડબ્બો આંચકી લેવા એમણે જોર કર્યું. પણ ચંદુ એમ પોતાની અસ્કયામત લૂંટાઈ જવા દેવા માંગતો નહોતો. મુકુંદરાય અને બાબુલાલ કંઈ બોલ્યા વગર ઢોકળા ઉપાડી રહ્યા હતા. એ લોકોના હાથ વચ્ચે પોચા સાહેબે પણ ઢોકળા એમના મુખ તરફ ગતિમાન કર્યા હતા. હજુ સુધી ચંદુને તો એક ઢોકળું પણ નસીબ થયું નહોતું એટલે એ અકળાયો, "છોડો ને યાર તમે બધા. મને તો ખાવા દો.." કહી એણે ડબ્બો આંચકયો. એ વખતે પોચા સાહેબે થૂંક અને ઢોકળાનું મિશ્રણ ઉકાલાલ તરફ ઉડાડતા ઊંચા અવાજે કહ્યું, "તમે સાંભળતા કેમ નથી ઉકાલાલ, તમને કહ્યું ને? જલ્દી જાવ અહીંથી. પેલા બેઉને મારી ઓફિસમાં લઈ જઈ અંગૂઠા પકડવો. બીજા વિદ્યાર્થીઓને શાંત પાડો." ઉકાલાલના મોં પર ઢોકળાના રસનો છંટકાવ થયો અને સાહેબ ખીજાયા એટલે એમનો પિત્તો છટક્યો."નથી જોયા અમે ઢોકળા? ભૂખડી બારસની જેમ ગંધાતા ઢોકળા ઉપર તૂટી પડ્યા છો તે. કોઈને કંઈ શરમ જેવું જ નથી." કહી ડબ્બો છોડીને વિદ્યાર્થીઓનું તોફાન શમાવવા ભાગ્યા. ચંદુલાલે આંચકો માર્યો એ જ વખતે ઉકાલાલે ડબ્બો છોડી દીધો એટલે આઘાત સામે પ્રત્યાઘાત બળ શૂન્ય થઈ ગયેલું. ડબ્બો એકદમ પોચા સાહેબ તરફ ખેંચાયો અને મહીં જે થોડાક ઢોકળાનો ભૂકો પડેલો એ પોચા સાહેબના મોં પર ઉડયો. ચંદુલાલની વાઈફે ઢોકળા સાથે ખાવા માટે તેલમાં લસણવાળી મરચાની ચટણી ડબ્બામાં એક તરફ નાંખેલી. એ ચટણી પોચા સાહેબના ચશ્માના કાચ પર ચોંટી. કેટલીક ચશ્માના કાચ વટાવીને પોચા સાહેબની આંખોમાં જઈ પડી. પોચા સાહેબનો રોષ ભભૂકી ઉઠ્યો. એમણે ચશ્મા ઉતારી આંખો ચોળવા માંડી. પણ તેથી તો આંખોમાં વધુ બળતરા થવા લાગી. પોચા સાહેબ જલ્દી પાણીના નળ તરફ ભાગ્યા. એમની આંખો બરાબર ઉઘડતી નહોતી. જે તરફ પાણીના નળ હતા એ તરફ સાતમાં ધોરણના બે બાળકો ઝગડી પડ્યા હતા. એ લોકોને મારવા માટે ઉકાલાલ ધસ્યા એટલે એ બંને ઉકાલાલના હાથમાં ન આવી જવાય એટલે ગ્રાઉન્ડમાં દોડ્યા. પોચા સાહેબ અડધી આંખો ખોલતા ખોલતા ઝડપથી નળ તરફ જતા હતા. પેલા બે બારકસોનું ધ્યાન ઉકાલાલ તરફ હતું. અચાનક પોચા સાહેબના ગળામાંથી રાડ નીકળી. પેલા બેઉ બરકસોમાંથી એક પોચા સાહેબ સાથે ભટકાયો. પોચા સાહેબ ધરણને શરણ થયા, છોકરો પણ ગ્રાઉન્ડમાં ગડથોલિયું ખાઈ ગબડી પડ્યો. પોચા સાહેબ આંખો ખોલીને જેવા ઊભા થવા ગયા એ વખતે જ બીજો છોકરો કે જે પેલાની પાછળ દોડયે આવતો હતો એ પોચા સાહેબ પર પડ્યો. બેઉં છોકરાઓ તો ગભરાઈને ઊભા થઈ વર્ગમાં જતા રહ્યા. પણ પોચા સાહેબની હાલત ખરાબ હતી. પહેલીવાર પડ્યા એટલે ગોઠણ છોલાયા હતા, બીજી વખતે એમનું મોં બહુ બુરી રીતે ગ્રાઉન્ડની રેતીમાં ઘસાયું. ચશ્મા ઉડીને દૂર જઈ પડ્યા હતા. આંખોમાં તો બળતરા શરૂ જ હતી અને નાક પણ છોલાયું હતું. રૂપાલી આ દ્રશ્ય જોઈ તરત જ પાણીની બોટલ લઈ આવી. પોચા સાહેબની જીભ પર ન જાણે કેટલીય ગાળો આવીને બેસી ગઈ હતી પણ એ ગાળોને શબ્દ સ્વરૂપ આપી શકાય એમ નહોતું. બાબુલાલ એમનું બાઈક લઈ આવ્યા. પોચા સાહેબને તાત્કાલિક દવાખાને લઈ જવા પડે એમ હતા.(ક્રમશઃ)