ભાગ્ય ની વ્યાખ્યા: જે વાતો,ખ્યાલો અથવા આયામો માણસ ના હાથની બહાર છે અથવા જેની પર માણસ નું કોઈ નિયંત્રણ નથી તેને ભાગ્ય, પ્રારબ્ધ અથવા દૈવ કહે છે.
કેટલીક એવી વાતો અથવા મુદ્દાઓ જેને ભાગ્ય વશ થઈને વ્યક્તિએ સ્વીકારવી પડે છે.
(૧) આપણા હોર્મોન્સ
(૨) આપણું DNA,RNA, જન્મ સમય નું સ્વાસ્થ્ય
(૩) આપણું પ્રારંભિક શરીર અને આપણો દેખાવ
(૪) આપણી જાતિ, વર્ણ અને સેક્સ્યુઆલિટી અને કુલ આયુષ્ય.
(૫) આપણી જ્ઞાતિ, માતૃભાષા, જન્મતારીખ, જન્મ સમય, જન્મ સમયે માતા પિતા ની સ્થિતિ
(૬) જન્મ નું સ્થળ, ત્યાંનો સમાજ, ત્યાંના રીતિ રિવાજો, ત્યાંની સરકાર ,કાયદો,વ્યવસ્થા ત્યાંનું વાતાવરણ, કુદરતી સ્થિતિ..
(૭) માતા અને પિતાની સમૃદ્ધિ, ક્ષમતા, તેમનું જીવન, પરિવાર નું વાતાવરણ,ખોરાક ની રુચિ , બન્ને તરફ નું કુટુંબ અને તેના અન્ય લોકો અને આ સર્વે નું આપણી તરફ વલણ
(૮) આસપાસ ના લોકો ,આપણા નોકર ચાકર, આપણી પ્રથમ શાળા, શાળા નું માધ્યમ, ત્યાંના શિક્ષકો અને વાતાવરણ
(૯) આપણી પ્રથમ કેળવણી, આપણ ને આપેલ ધાર્મિક અથવા આધ્યાત્મિક શિક્ષા.. આપણા મન પર પડેલી પ્રથમ આદર્શ છાપ. તેમ જ જન્મ ના વર્ષ થી ૯ વર્ષ ની ઉમર સુધી બનેલી તમામ ઘટનાઓ અને તેની અસર
(૧૦) ટેક્નોલોજી, આરોગ્ય ની સુવિધાઓ તેમ જ આપણને પ્રાપ્ત તેમ જ અપ્રાપ્ય સગવડો અને સુવિધાઓ.
આમ આ સર્વેથી આપણું ભાગ્ય બને છે.. અને દરેકે પોતાના ભાગ્ય નો સ્વીકાર કરવો પડે છે.
તો કર્મ શું છે?
કર્મ : કર્મ એટલે એવી વાતો, અથવા મુદ્દાઓ જેમાં વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ આંશિક અથવા પૂર્ણ રીતે પરિવર્તન કરી શકે છે. કર્મ એટલે એક ઉમર પછી પોતાની જિંદગી અને પોતે પસંદ કરેલા વિકલ્પો ને એક દિશા આપવાની સ્વતંત્રતા..
કર્મ ની સ્વતંત્રતા ની બાબતે પણ ભાગ્ય નો થોડો ઘણો હસ્તક્ષેપ રહે છે.
માતા પિતા,શાળા,સમાજ,સંસ્કૃતિ, સંસ્કાર,કેળવણી ,બુદ્ધિ ક્ષમતા,સંગત અને વારસાઈ તત્વો.. આ દરેક વસ્તુ કર્મ કરવાની અથવા પસંદગી નિર્ધારિત કરવાની ક્ષમતા પર અસર કરે છે.
પરંતુ ભાગ્ય ની બાબતો ને એક દિશા આપી યોગ્ય સમયે ,યોગ્ય વિકલ્પ પસંદ કરવા એ વ્યક્તિ ના પોતાના કર્મ પર આધાર રાખે છે.
નીચેની બાબતો માટે તમે આંશિક અથવા પૂર્ણ રીતે સ્વતંત્ર છો.
(૧) તમે શું ભણવા માંગો છો? કઈ ફિલ્ડ લેવા ઈચ્છો છો, ક્યાં અને કઈ રીતે ભણવા ઈચ્છો છો.
(૨) તમારા ગુરુ ,માર્ગદર્શક અને નજીક ના મિત્રો તમે નક્કી કરી શકો છો.
(૩) તમારો પ્રથમ વિજાતીય મિત્ર, રોમાન્સ,લવ લાઇફ
(૪) તમે વિવાહ કરવા માંગો છો કે નહી
(૫) તમને બાળકો જોઈએ છે કે નહી
(૬) તમારી રોજે રોજ ની ટેવો, આદતો,હાઈજીન અને લાઇફસ્ટાઇલ
(૭) એક પુખ્ત વય ના વ્યક્તિ તરીકે સમય ,સંજોગો અને અન્ય વ્યક્તિ સાથે તમારો સંબંધ, વર્તન, વ્યવહાર
(૮) તમે નોકરી,ધંધો,વ્યવસાય કરવા માંગો છો તે..
(૯) તમારી પોતાની મહત્વકાંક્ષી યોજનાઓ અને સ્વપ્નાઓ..
(૧૦) પૈસા કમાવવા માટે ના પ્રયત્નો, તમારી નિવૃત્તિ ની વય.
(૧૧) તમે કરવા માંગતા પરિવાર,સમાજ,દેશ,વિશ્વ અથવા કુદરત ની સેવા.
(૧૨) કાયદો,વ્યવસ્થા,નિયમ અને પ્રણાલીઓ તેમ જ જીવન મૂલ્યો નું જતન તેમ જ પાલન.
(૧૩) નજીક ના સંબંધો માં તમારી મર્યાદા, ક્યાં કેટલું અને કેવું બોલવું તથા વ્યવહાર કરવો તે..
આ બધું ઓછા કે વધતા અંશે વ્યક્તિના પોતાના હાથમાં છે. પરીસ્થીતી અથવા સંજોગો ને કેવો પ્રતિભાવ આપવો.. એ પોતાના હાથની વાત છે. અને પોતાનો અભિગમ તેમ જ ભાવ તમને જીવન માં આગળ વધવામાં મદદ કરે છે. આપણા દરેક પાસે ૨૪ કલાક છે. જો નિદ્રાના સામાન્ય રીતે ૮ કલાક અને નિત્ય ક્રિયા તેમ જ ભોજન ના ૪ કલાક કાઢી નાખવામાં આવે તો દરેક વ્યક્તિ પાસે ૧૨ કલાક હોય છે. અને આ ૧૨ કલાક માંથી પણ ૮ કલાક આપણે રોજિંદા કામ અને કમાણી પાછળ આપીએ તો દિવસ દરમ્યાન મોટા નિર્ણયો લેવા માટે અને યોગ્ય પરિવર્તનો કરવા માટે આપણી પાસે ફક્ત ૪ કલાક છે. અને કોઈ પણ વ્યક્તિને "કાલે શું થશે"? એ ખબર નથી..માટે આ ૪ કલાક પોતાની જાતને ઓળખવામાં અને યોગ્ય પસંદગીઓ કરવા માટે ફાળવવા. આમ કરવાથી જીવન ની ગુણવત્તા માં સુધારો થાય છે.
(૧) સદાય નવું નવું શીખવું
(૨) પોતાનું મન ખુલ્લું અને સંતુલિત વિચારો વાળું બનાવવું. સમય અનુસાર ચાલવું.
(૩) બીજી બધી જ વાતો પડતી મૂકી પોતે સ્વસ્થ અને પ્રસન્ન રહેવાની ફિકર કરવી...
આ બધી વાતો ને મહત્વ આપવાથી જીવન સુખી થાય છે.
ભાગ્ય અને કર્મ બન્ને એકબીજા ના વિરોધી નહી પરંતુ એકબીજાને પૂરક છે અને બન્ને ની એકબીજા પર ગહન અસર છે.. આ વાત સમજી ને પોતાના નસીબ પર ખુશ થવું નહી અને રડવું પણ નહી.. તેનો સહજતાથી સ્વીકાર કરવો.