ભારતીય સંસ્કૃતિમાં ઘરમાં કે મંદિરમાં ભગવાનની અને દેવ-દેવીઓની આરતી કરવાનો રિવાજ છે. આપણે આરતી કોની કરીએ? સામાન્ય રીતે, શ્રીરામ કે મહાવીર ભગવાન કે જેઓ મોક્ષે સિધાવી ગયા છે તેમની, શ્રીકૃષ્ણ ભગવાન અને શિવ ભગવાન જેવી મહાન વિભૂતિઓની, કે પછી ગણપતિજી, હનુમાનજી, અંબામા અને સાંઈબાબા જેવા દેવ-દેવીઓની આરતી કરવામાં આવે છે.
ભગવાનની સાચી ઓળખ મેળવીને તેમના ગુણગાન થાય તે હેતુથી કવિઓ કે મહાન પુરુષો ઊંચા શબ્દોમાં ભગવાનની આરતી, કીર્તન કે સ્તવન ગવડાવે છે. પછી લોકો તે પ્રમાણે આરતી અને કીર્તન ગાય છે.
આરતી કરવા પાછળ આધ્યાત્મિક વિજ્ઞાન છૂપાયેલું છે. આપણે જેમની આરતી ઊતરીએ તેમની ભક્તિ થાય. ભક્તિથી બે ફળ મળે. એક તો પુણ્યનું બીજ પડે. પછી પુણ્યના ફળરૂપે સંસારમાં સુખ, સંપત્તિ અને આનંદ પ્રાપ્ત થાય. બીજું ફળ એ મળે કે, જેમની કીર્તન ભક્તિ કરીએ તેમની શક્તિઓ આપણામાં વ્યક્ત થતી જાય.
આરતી કરવાથી ઘરમાં બાળકો ઉપર પણ સારા સંસ્કાર પડે છે. કારણ કે, આરતીના માધ્યમથી, ભગવાનના સાચા સ્વરુપને ઓળખીને જેમ જેમ આરાધના કરીએ તેમ તેમ ચિત્તની શુદ્ધિ થાય છે. ખાસ કરીને બાળકો ને યુવાનોમાં આજકાલ જે ટીવી, મોબાઈલ, સોશિયલ મીડિયા વગેરેમાં ચિત્ત બગડે છે, તે આરતી કરવાથી ચોખ્ખું થતું જાય છે. તેનાથી એકાગ્રતાની શક્તિ વધે છે, અને બાળકો તેમજ યુવાનોને ભણવામાં મદદ થાય છે. આરતી કરવાથી મન શાંત થાય છે, ચિત્ત શુદ્ધ થાય છે અને સદ્બુદ્ધિ આવે છે.
ઘરમાં ક્લેશ થાય તો આખું વાતાવરણ બગડી જાય. આરતી તેની પ્રતિપક્ષી કહેવાય છે. તેનાથી ઘરનું વાતાવરણ સુધરી જાય અને પવિત્ર થઈ જાય. માટે, ઘરમાં આરતી કરવા માટે દિવસમાં અમુક સમય નક્કી કરી રાખવો જ્યારે બધા ભેગા મળીને આરતી ઊતારી શકે. ભારતમાં તો દરેક ઘરમાં કોઈ ને કોઈ ભગવાન કે દેવ-દેવીઓ પ્રસ્થાપિત થયા હોય છે. ઘરમાં રોજ નિયમિત રીતે આરતી થાય તો બહુ જ સારું પરિણામ મળે.
આરતી કરતી વખતે અનેક દીવા પ્રગટાવવામાં આવે છે. અહીં, દીવો એ આત્મજ્ઞાનરૂપી પ્રકાશનું પ્રતિક છે. ભગવાનની અંદર જે આત્મદીપ પ્રગટ થયો છે, તેવો અમારામાં પણ દીવો પ્રગટ થાઓ, અને જ્ઞાનરૂપી પ્રકાશ પથરાઓ એવી ભાવના તેની પાછળ રહેલી છે. આપણે જયારે ઘીની વાટ બનાવીને દીવામાં મૂકીએ, તેમાં ઘી પૂરીએ અને દીવા પ્રગટાવીએ તો તે એક પ્રકારની દ્રવ્ય ભક્તિ કહેવાય છે, જેનાથી ભગવાનની આરાધના થાય છે. સાથે સાથે દીવો પ્રગટાવવા પાછળ ભૌતિક વિજ્ઞાન પણ સંકળાયેલું છે. ઘરમાં શુદ્ધ ઘીના દીવા કરવામાં આવે તો વાતાવરણમાં ઓક્સિજન વધી જાય, જે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે તો સ્વાસ્થ્યને ફાયદો કરે છે.
આરતી થઈ ગયા પછી તેને લોકોમાં ફેરવીને તેની આશકા લેવામાં આવે છે, જેમાં દીવા ઉપર હાથ ફેરવીને માથે અને આંખ ઉપર લગાવીએ છીએ. તેની પાછળ પણ એ જ પ્રાર્થના કરવાનો હેતુ છે, કે ભગવાનમાં જેવો જ્ઞાનદીપ પ્રગટ થયો એવો અમારામાં પ્રગટ થાઓ.
આગળ વધીને, ભગવાનના સાચા સ્વરૂપને ઓળખીને તેમની ભક્તિ કરવામાં આવે તો તેમના જેવા ગુણો જેમ કે, ક્ષમા, કરુણા, પ્રેમ, વીતરાગતા વગેરે આપણામાં પ્રગટ થતા જાય. એટલું જ નહીં, જેઓ પોતે નિરંતર આત્મ સ્વરૂપમાં રહેતા હોય તેમની આરતી કરવાથી આપણા કર્મ ધોવાતા જાય અને આત્મારૂપ થવાતું જવાય. જયારે અંબામા, પદ્માવતીમા જેવા માતાજી આદ્યશક્તિ કહેવાય, અને તેમની ભક્તિ કરવાથી પ્રકૃતિ સહજ થતી જાય. વીતરાગ ભગવાનની આરતી કરીએ તો દેવ-દેવીઓ હાજર થાય. તેમની હાજરીથી ઘરનું કલુષિત વાતાવરણ શાંત થાય. દેવ-દેવીઓના આશીર્વાદ ઊતરે, સંસારના અંતરાયો તૂટે અને મોક્ષમાર્ગમાં પ્રગતિ થાય.
આરતી એટલે વિરતિ. જેટલો સમય આરતી કરીએ તેટલો સમય સંસાર વિસ્મૃત થઈ જાય અને ક્રોધ-માન-માયા-લોભના કષાયો વિરામ પામે.