નિતુ : ૧૨૧ (મુલાકાત)
"નિતુ માટે આ બધું કરવું કેટલું મુશ્કેલ થશે!" ડાઈનીંગ ટેબલ પર સાથે જમવા બેઠેલા નિકુંજે વિદ્યાને કહ્યું.
આ બધી વાતથી એ પણ તણાવમાં હતી. તે બોલી, "હા. મુશ્કેલ તો થશે જ. હવે જોવાનું એ છે કે આગળ શું થશે?"
"સો? કાલે એ આવે છે?"
"હા. મેં નવીનને કહીને મેઈલ સેન્ડ કરાવ્યો. એણે તો આવવા માટે તુરંત હામી ભરી દીધી. આઈ નો નિકુંજ, એ આ બધું નિતુ માટે જ કરી રહ્યો છે."
"સ્ટ્રેન્જ..." વિચારમગ્ન થતાં એ બોલ્યો.
"સાચે. મને પણ ચિંતા થાય છે, કે કંપની માટે થઈ ને લીધેલો એનો નિર્ણય શું પરિણામ લાવશે?"
બંને વાતો કરતા હતા એટલામાં બહાર ધીમો વરસાદ શરુ થઈ ગયો. બારી બહાર વરસતા વરસાદને જોઈ નિકુંજે એની ચિંતા હળવી કરવા કહ્યું, "વેલ, પરિણામ તો આવશે ત્યારે આવશે. પણ અત્યારે તારી ચિંતા હળવી કરવાનો મારી પાસે એક મસ્ત પ્લાન છે."
"અને એ શું છે મિસ્ટર?"
એ એનો હાથ પકડી એને બહાર લઈ ગયો. દરવાજે આવી એ ઉભી રહી. આશ્વર્ય સાથે હસતા એ પૂછવા લાગી, "વરસાદ શરૂ છે! ક્યાં લઈ જાય છે મને?"
નિકુંજે એક હળવું સ્મિત આપ્યું. એની એકદમ નજીક ઉભા રહી ધીમા સ્વરે બોલ્યો, "એ વરસાદમાં ભીંજાવા જ લઈ જાવ છું તને."
"કેમ?"
"કારણ કે એ તારી અને મારી વચ્ચે રહેલી બધી જ ચિંતા ધોઈ નાખશે. પછી આપણો સંબંધ એકદમ ચોખ્ખો." કહેતા એણે એનો પકડેલો હાથ ખેંચી પોતાની સાથે બહાર તાણી. બંને વરસાદમાં ભીંજાવા લાગ્યા. નાના બાળકોની જેમ બંને પોતાના આખા ગાર્ડનમાં દોડતા, પલળતા અને મસ્તી કરવા લાગ્યા. ક્યાંય સુધી એમ જ બંને સાથે મસ્તી કરતા કરતાં ગાર્ડનમાં રાખેલ ઝૂલા પર એકબીજાનો હાથ પકડી બેસી રહ્યા.
વરસતા વરસાદ તરફ એકીટશે જોતી નિતુ પોતાના રૂમની બારી પાસે બેઠી હતી. સતત એ વિચારમાં ખોવાયેલી રહેતી હતી. શારદા ત્યાં આવી અને બહારથી જ ઉભા રહીને અંદર ડોકિયું કર્યું. એને આ રીતે બેઠેલી જોઈને પોતે પણ થોડી ઉદાસ હતી. મા થઈને એ સમજી શકતી હતી, કે પોતાની દિકરી કોઈ ચિંતામાં છે. પણ નિતુ પોતાના મુખેથી કોઈ વાત નહોતી કરતી. જે એની ઉદાસીમાં વધારો કરી રહ્યું હતું.
એ અંદર આવી અને એની બાજુમાં બેસી ગઈ. નિતુએ સહેજ મોં ઘુમાવી એના તરફ નજર કરી અને ફરી જેમ હતી એ સ્થિતિમાં જતી રહી.
એની ખિન્નતામાં ઉત્સાહ ભરવા શારદા ઉત્સાહિત થતાં બોલી, "મને થયું કે લાવને તારી ભેગી ઘડીક બેહુ. આ કૃતિના ગયા પછી ઘરમાં આખો દિ' એકલી એકલી રહુ છું... તે કંટાળી જાઉં છું. ઘડીક પડખેવાળી ગીતા આવે, નકર તો થાકી જાવ. હવે તું તો મને ક્યાં કાંય ક્હે છો!"
"મમ્મી! એવું નથી."
"હા ભૈ, હવે તમારી જુવાનિયાંની વાતો અમને તો નથી હમજાવાની. પણ મનમાં હુ હાલે છેને એની બરોબર હમજ પડે છે."
નિતુ આશ્વર્ય સાથે પોતાની મા તરફ જોવા લાગી. "મમ્મી!"
"બે દિ' થ્યાં, રોજ હવારમાં જાગીને પેલા રસોડામાં મને હેરાન કરવા આવનાર મારી નિતુ આવતી નથી. હાંજે આવીને મને કે'તી, મમ્મી! આજે ઓફિસમાં આમ થયું, આજ મેં આમ કર્યું. પણ હમણાંથી દેખાઈ નથી. તે જોઈ છે એને? હેં?"
શારદાની વાત નિતુને બરોબર સમજાતી હતી. એ સોરી કહેતી એને ગળે વળગી પડી. બોલી, "મેનેજર બનતાની સાથે કામ એટલું વધી જશે એની મને જાણ નહોતી. કામમાં ને કામમાં હું એટલી વ્યસ્ત રહેવા લાગી છું, કે તારી સાથે પણ સરખી રીતે વાત નથી કરતી."
"હાલ્યા કરે. કામ છે આપડું, કરવું તો પડેજ ને!"
નિતુએ એની માથી કામના બહાના પાછળ સાચી હકીકત સન્તાડી દીધી. જોકે સવાલ તો એના મનમાં એ જ હતો, કે કાલે મયંક સાથે કઈ રીતિ વાત કરશે?"
નિતુએ માની કરેલી વાતનો અહેસાસ હતો. આજે સવારમાં જાગી એણે પહેલાની જેમ જ રસોઈ ઘરમાં જઈને માને હેરાન કરવાનો પ્રોગ્રામ કરી વાળ્યો. રોજની જેમ બધું ભૂલીને કામથી કામ રાખવાનુ નક્કી કર્યું. વરસાદે વિરામ લીધો હતો. ઓફિસ માટે તૈય્યાર થઈને બહાર ઉભી રહી.
થોડી ક્ષણોમાં એક રીક્ષા ત્યાં આવીને ઉભી રહી અને તે ઓફિસ માટે નીકળી ગઈ. વાદળોથી ભરેલું આભ ક્યારે પાણી છોડશે એ સમજવું મુશ્કેલ હતું. એ ઓફિસ પહોંચી એ સમયે અંધકારમાં થોડો વધારો થઈ ગયેલો. એ બીકે, કે અંદર પહોંચતા પહેલા વરસાદ શરુ થાય અને ભીંજવી દે, એણે ઉતાવળ કરી. પર્સ ખોલી એણે રીક્ષાવાળાને ભાડું આપ્યું.
આગળ હેન્ડલમાં બાંધેલ કપડાંની ઝોળીમાંથી છુટ્ટા પૈસા શોધતા એ કહેતો હતો, "મેડમ, અંદર સુધી મૂકી જઉં? વરસાદી વાતાવરણ છે!"
"ના. હું જતી રહીશ."
"વરસાદ શરુ થઈ જશે તો તમે પલળી જશો."
એક હાથ આગળ ધરતા એણે ના કહી. "ઈટ્સ ઓકે. હું જતી રહીશ."
છુટ્ટા પૈસા ગણી એણે નિતુના હાથમાં આપતા કહ્યું, "ભલે." નિતુએ એની સામે સ્માઈલ આપી અને પૈસા લીધા. એણે રીક્ષાનો ગિયર લગાવ્યો અને ચાલ્યો ગયો. નિતુ હજુ એ જ સ્થિતિમાં ત્યાં ઉભેલી. વધેલા પૈસાને પર્સમાં રાખતી હતી એટલામાં વરસાદે પોતાનું કામ શરુ કરી દીધું.
ઓફિસમાં પ્રવેશતો અન્ય સ્ટાફ તો કમ્પાઉન્ડ વટાવી ચુકેલો, એટલે બિલ્ડિંગની છત નીચે સુરક્ષિત હતો. પણ મેઈન ગેટ પર ઉભેલી નિતુ સામે બિલ્ડીંગ સુધી પહોંચવા આખું કમ્પાઉન્ડ વટાવવાનું હતું. વરસાદના થોડાં છાંટા પડ્યા કે એણે ઉતાવળ કરી. ઝડપથી એ પાછળ ફરવા ગઈ અને પગની આંટી પડતા, એ પાછળ ફરે એ પહેલા નીચે પડવા લાગી.
એના મુખમાંથી આહ નીકળી ગઈ. ઓફિસનો સ્ટાફ એને પડતા જોઈ રહ્યો હતો. ઉંહકાર તો લોકોના મુખમાંથી પણ નીકળી ગયો. પણ નિતુ પડે એ પહેલા જ એને ખબર વિના પાછળ આવી ઉભેલી એક વ્યક્તિએ એને ઝાલી લીધી. એના બાવડાંના આધારે એણે ટેકવી દીધું. એનો હાથ, પોતાની નાભીથી સહેજ ઉપર અટકેલો એને અનુભવાતો હતો. પર વ્યક્તિનો સ્પર્શ એને વ્યાકુળ કરી ગયો.
પ્રવેશદ્વાર પાસે કમ્પાઉન્ડમાં બનતી આ ઘટના બિલ્ડીંગ નીચે ઉભેલો સ્ટાફ જોતો હતો. લાંબા લેવાતા શ્વાસ સાથે એણે ધીમેથી એ વ્યક્તિ સામે જોયું. સહેજ વારમાં જ ભીંજાતા અટકાવવા માટે એ વ્યક્તિએ એની પાસે રહેલી છત્રી એની અને નિતુની ઉપર રાખી દીધી. એટલામાં વરસાદની ગતિ વધી ગઈ. નિતુને થોડી પોતાની તરફ ખેંચી, એ એકીટશે એને તાકી રહ્યો હતો. નિતુને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો, કે એની સામે એનો મયંક ઉભો છે.
બન્ને એકબીજાને જોઈ રહ્યા હતા. એ જ જૂની મુસ્કાન અને ચેહરા પર રેલાતો પ્રેમ. શું કરવું? શું નહિ? એની સમજ ના પડતા નિતુ એની એ મુસ્કાન સામે કોઈ પ્રકારના પ્રતિભાવ વિના જોયા કરી. એમ, જાણે કે સમય ઉભો રહી ગયો. નિતુનું હૃદય જાણે ધબકાર કરવાનું ચૂકી ગયું. બંનેની આંખોમાંથી એકબીજા માટે રહેલી તરસ આ વરસતા વરસાદમાં શમી રહી હતી.
નિતુની આંખો ભીની થઈ ગઈ. મયંક એને કહેવા લાગ્યો, "હું છું. તારા માટે હું હંમેશા હાજર છું. તને સંભાળવા માટે હું તારી સાથે છું. બસ તનથી જૂદા છીએ, મનથી હું તારી પાસે છું. જરા જો નીરખી, તું મારા રૂંએ રૂંએ, હું તારા દરેક શ્વાસમાં છું."
મયંકના શબ્દો સાંભળી નિતુએ આંખો બંધ કરી દીધી. એ નકારમાં ધીરે ધીરે માથું હલાવતી ના કહી રહી હતી. એટલામાં કરુણાનો અવાજ આવ્યો, "નીતિકા! શું વિચારે છે? જલ્દી ચાલ, નહિતર વરસાદ શરૂ થઈ જશે."
એણે આંખો ખોલી તો એનું સ્વપ્ન ભંગ થયું. એ વાસ્તવિકતામાં પ્રવેશી. જોયું, તો પોતે હજુ પોતાના ઘરની બહાર જ ઉભી હતી. સામે રિક્ષામાં કરુણા એની રાહે એને રીક્ષા તરફ બોલાવી રહી હતી. એ ભાનમાં આવી અને રિક્ષામાં બેસી ગઈ.
"હું ક્યારનીય સાદ કરું છું. ક્યાં ધ્યાન હતું તારું?"
"ક્યાંય નહિ." એ નરમાશથી બોલી. કરુણાએ એના ખભા પર એક હાથ રાખ્યો અને બીજા હાથે એનો હાથ પકડતા પૂછવા લાગી, "આર યુ ઓકે?"
"હા." એ ફરી એવી જ નરમાશથી બોલી. કરુણાએ ફરી પૂછ્યું, "શું થયું તને? તારી તબિયત તો બરાબર છેને?"
"હા."
"નિતુ!"
એક શ્વાસ છોડી એ બોલી, "કરુણા, આજે મયંક ઓફિસમાં આવી રહ્યો છે." બંને સર્જાવા જઈ રહેલી સ્થિતિનો વિચાર કરવા લાગી.