પુસ્તક પરિચય : મારી વહાલી પરીક્ષા
લેખક : ડૉ. નિમિત ઓઝા
પ્રકાશક :આર. આર. શેઠ
કિમત : 225 રૂપિયા
પ્રાપ્તિસ્થાન: આર.આર.સેઠની તથા અન્ય વેબસાઇટ પર ઉપલબ્ધ.
આધુનિક ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક શ્રી ડૉ. નિમિત ઓઝાનું પુસ્તક - મારી વહાલી પરીક્ષા- વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરતું સંપૂર્ણ પુસ્તક છે. જે આત્મવિશ્વાસ, સકારાત્મક દ્રષ્ટિ અને સતત પ્રયત્ન કરવાની પ્રેરણા આપવા સાથે પરીક્ષાનો સ્વીકાર કરવાની વાત સમજાવે છે. ડો. ઓઝાનું લેખન સરળ, આમજીવનને સ્પર્શતું, સૌને પ્રેરણા આપનાર હોય છે. પુસ્તકમાં તેઓએ શાળા અને અભ્યાસની મહત્વતા, સંઘર્ષ, આત્મવિશ્વાસ અને સ્વપ્ન પૂરા કરવાની શક્તિ વિષે હળવી પરંતુ અસરકારક શૈલીમાં વિચાર રજૂ કર્યા છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તે પરીક્ષાના સમયમાં થતો ભય અને તણાવ દૂર કરે છે. સાથે સાથે યુવાનો, માતા-પિતા અને શિક્ષકો માટે પણ એ માર્ગદર્શક બને છે, કારણ કે તેમાં શિક્ષણના સાચા અર્થ અને જીવનનાં મૂલ્યોને સમજાવાયા છે.
આજના યુગમાં ખાસ એવા વિદ્યાર્થીઓ કે જેમને પરીક્ષા માટે અણગમો છે અથવા પરીક્ષાનો હાઉ છે એમને આ પુસ્તક ખાસ ઉપયોગી બની રહેશે એવું મારૂ માનવું છે. ડૉ. ઓઝા સમજાવે છે કે — પરીક્ષા માત્ર કાગળ પર લેવાતી નથી, પરંતુ જીવનના દરેક પડકારમાં આપણે પરીક્ષા આપી રહ્યા છીએ.તેમના મતે પરીક્ષા એ વિદ્યાર્થીમાં રહેલી બુદ્ધિ,ક્ષમતા,કળા વગેરેની આવડતનું પ્રમાણપત્ર નથી,પણ તેમની યાદશક્તિ,એકાગ્રતા અને તેમણે કરેલી મહેનતનુ પ્રમાણપત્ર છે.
લેખકની ભાષા સરળ, સરસ ઉપમા-ઉદાહરણો સાથે જોડાયેલી છે.ખાસ ક્યાક મૂકેલી નાની નાની પ્રેરણાદાયી વાર્તાઓ જરૂરી બાબતોને ખૂબ સરળતાથી સમજવા ઉપયોગી થાય છે.આ પુસ્તકમાં 33 નાના-નાના પ્રકરણો છે, જેમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી વિષયો જેવા કે સમયનું સંચાલન,આત્મવિશ્વાસ,સ્વપ્ન અને ધ્યેય,સકારાત્મક દ્રષ્ટિકોણ,નિષ્ફળતામાંથી શીખવાની કળા,પરિવાર અને શિક્ષકનું મહત્વ, ક્યારે અને કઈ રીતે વાંચવું, સફળતાનો મંત્ર, કસરતનું સ્વસ્થ જીવન માટે મહત્વ વગેરે મુદાઓ સહજ શૈલીમાં મૂકાયા છે. સાથે સાથે જીવન મૂલ્યો જેમ કે સચ્ચાઈ, પરિશ્રમ, સંસ્કાર,મૂલ્યોની ભાવનાને પણ સમાવે છે. તો છેલ્લે ‘હું એક વિદ્યાર્થી બોલું છુ.’પ્રકરણમાં વિદ્યાર્થીના હ્રદયના ભાવને વાચા આપતી ખૂબ સાચી અને સમજવા જેવી વાત લખી છે કે જે આજના માતપિતા શિક્ષકો અને સમાજ માટે છે.. આજનો વિદ્યાર્થી કહે છે ‘અમને પ્રથમ કે દ્વિતીય આવવાના સપના આપી આંખો ના બગાડતાં અમારી આંખોમાં સમાય એવું ભારતનિર્માણનું સ્વપ્ન આપજો. નીચે પડવાના ડર બતાવવા કરતાં ઉડવા આકાશ બતાવજો. શિક્ષકના ચોકની તાકાત સંવિધાન બદલી શકે. દેશની સરહદે રહેલ જવાન દેશ બચાવે તો એક શિક્ષક દેશ બનાવી શકે છે.’
કેટલાક અગત્યના મુદ્દાઓ આ પુસ્તકમાં જે ખૂબ ઉપયોગી છે તે અહી ટૂકમાં નોંધું છુ :
*લેખક યાદ રાખવાની 4 રીતો વિસ્તૃત રીતે સમજાવે છે : થીયરી ઓફ 1) ઈમેજીનેશન 2) રિલેશન 3)એક્સ્પિરિયન્સ.4)ડ્રોઈંગ..જેના આધારે કોઈ પણ અઘરો મુદ્દો કે પ્રકરણ સરળતાથી યાદ રાખી શકાય છે.* શિક્ષણ મેળવવાની અલગ અલગ પધ્ધતિ/માધ્યમ જણાવતા લેખક આ મુદ્દાઓ આપે છે:વાંચીને,સાંભળીને, પુનરાવર્તન,પોતાની નોટ્સ સ્વયં સમજાય એ રીતે બનાવીને,પ્રશ્નોતરીકે ચર્ચા દ્વારા,પરીક્ષાઓ દ્વ્રારા,માઇન્ડ મેપ દ્વારા,જાતે કરેલા અનુભવો દ્વારા,બીજાને ભણાવીને,acronym એટલે કે ટૂંકું સ્વરૂપ બનાવીને.*પરીક્ષા માટેનો સફળતા મંત્ર :"YOU SHOULD KNOW SOMETHING ABOUT EVERYTHING AND YOU SHOULD KNOW EVERYTHING ABOUT SOMTHIG”અર્થાત દરેક પ્રકરણમાં થોડી ઘણી માહિતી જરૂર હોવી જોઈએ.કોઈ પણ પ્રશ્ન ખાલી ન છોડતા એમાં જેટલું પણ આવડે કે યાદ હોય એટલુ જરૂર લખવું. *પોતાનામા રહેલી ક્ષમતાને ઓળખો.* છેલ્લે સુધી હાર ના માનો.*ક્યારે વાંચવું અને કેટલું વાંચવું,* ઉતમ સફળતા મેળવવા લેખક દ્વારા આયોજનની વાત કરાઇ છે. જેમાં વર્ષની શરૂઆતથી જ, પરીક્ષાના 6 મહિના પહેલા,3 મહિના પહેલા,આગલા દિવસે,પરીક્ષાખંડમાં પ્રવેશ કરીએ ત્યારે અને છેલ્લે પરીક્ષાનું પેપર હાથમાં આવે ત્યારે શું કરવું -એ તમામ બાબતોમાં ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપ્યું છે.
છેલ્લે લેખક ડો.નિમિત ઓઝાના શબ્દોમાં-પરીક્ષાને દુશ્મન નહિ પણ દોસ્ત બનાવીએ,ફક્ત શિક્ષણને નહિ પણ પરીક્ષાને પણ વ્હાલ કરીએ. કેમકે આપણે શિક્ષણપ્રથા કે પરીક્ષાની પદ્ધતિ રાતોરાતો નહિ બદલી શકીએ માટે આપણે તેના પ્રત્યેનો અભિગમ બદલીને, પરીક્ષાને હરાવવાની વાત એટલે આ પુસ્તક મારી વહાલી પરીક્ષા.