ખનક તેના મમ્મી અને બહેનની વાત સાંભળી મનોમન કંઇક નક્કી કરીને પોતાના રૂમમાં ગઈ. તેને રૂમમાં જઈને વર્ષોથી ધૂળ ચડેલું કેરમ ઉતાર્યું. કેરમ જ એક એવી રમત હતી જે રમતાં રમતાં બાપ દીકરી એકબીજાને પોતાના મનની વાત કરતા.તે કેરમ સાફ કરીને તે તેના પપ્પા પાસે તેમના રૂમમાં ગઈ..
સુરેશભાઈ રૂમમાં વિચારોમાં ખોવાયેલા એક ખૂણામાં બેઠા હતા.ખનક રૂમની શાંતિ ભંગ કરતા બોલી, "શું લાગે છે પપ્પા આજે તમે જીતી જશો કે હું?"
ઓહો! આજે ઘણા સમય પછી તને કેરમ યાદ આવ્યું? પણ બેટા આજે મને રમવાની ઈચ્છા નથી,આપણે પછી ક્યારેક રમશુ તો ચાલશે?
"ના, પપ્પા રમવું તો આજે અને અત્યારે જ પડશે." ખનક પોતાની વાત મનાવવા માટે થોડું મોટા અવાજે બોલી.. મને ખબર છે મમ્મીએ તમારો અને મારો બંનેનો મૂડ ખરાબ કરી નાંખ્યો છે,મૂડ સારો કરવા એકવાર રમી લઈએ પ્લીઝ.. ખનક સુરેશભાઈ ને મનાવવા માટે બોલી..
દીકરીની જીદ સામે સુરેશભાઈ હારી ગયા અને એ કેરમ રમવા માટે માની ગયા..
બંને પોતાની જગ્યાએ ગોઠવાય ગયા.કેરમ પણ આજે થનગની રહ્યું હતું કારણકે ઘણા સમય પછી આ બંને મહારથી રમવા માટે બેઠાં છે.
રમતાં રમતાં ખનક ને જે વાત કરવી હતી તેણી તે વાતની ધીરેથી શરૂઆત કરતા બોલી,"પપ્પા ખરેખર વર્ષો પહેલાં શું થયું હતું? ત્યારે હું નાની હતી પણ એટલી પણ નાની નહતી હતી કે મને કઈ ખબર ન પડે.આપણું એ ઘર જ્યાં મારું અને શ્રુતિ નું બાળપણ વીત્યું હતું, જ્યાં આપણે ઘણી યાદગાર પળો વિતાવી હતી,તે કઈ રીતે જતું રહ્યું?અને મમ્મીના ઘરેણાં,આટલું બોલતા જ ખનક અટકી ગઈ,તેનાથી વધારે બોલાય તેમ નહતું..
સુરેશભાઈ તેની દીકરી થી બધું છુપાવવા માંગતા હતાં પરંતુ આજે તે છુપાવી શકે તેમ નહતા. તેણે નમ્ર અવાજે કહ્યું, "ખનક, કેટલાંય વર્ષોથી દિલમાં કઈક દટાયું છે. આજે એ બધા ઘાવ ફરી તાજાં થઈ રહ્યાં છે."
ખનક થોડું નજીક આવી. "શું થયું હતું એ વખતે, પપ્પા? એ આપણું મોટું ઘર કેમ વેચાયું? મમ્મીના દાગીનાં? એ બધું ક્યાં ગયું? તમે કદી ખૂલીને કહ્યું નહીં..."
સુરેશભાઈએ ઊંડો શ્વાસ લીધો. વર્ષોથી મનમાં ભરેલો ઘડો હવે છલકાવા માગતો હતો..
"તારાં કાકા રમેશ અને એનો દિકરો વિનય – એમણે મારા વિશ્વાસનો ભંગ કર્યો... એવો કે જેના માટે આજે પણ દિલ રડતું રહે છે."
ખનકની આંખો ઊંડા વિસ્મયથી ચમકી. "શું?? પણ પપ્પા તમે તો એમના પર આંધળો વિશ્વાસ કરતા હતા."
"હાં. એ જ તો મારી ભૂલ હતી. રમેશે મને કહેલું, 'ભાઈ, આપણે પોતાનું બિઝનેસ કરવું છે. ફેક્ટરી ઊભી કરીએ. તારો અનુભવ અને મારી જુસ્સા સાથે નવું સામ્રાજ્ય ઊભું કરીએ.'"
"અને તમે હા કહી દીધી?" ખનકએ જિજ્ઞાસાથી પૂછ્યું.
"હા. હું માની ગયો. આખી જિંદગી એક દુકાનમાં વિતાવવા કરતાં કાંઈક નવું કરવાની મારી ઈચ્છા હતી. લાગ્યું કે વૃદ્ધાવસ્થામાં કશુંક પોતાનું હોય, એ સારું,એટલે મેં મારા જીવનભરની બચત તેમાં નાંખી દીધી. તારા મમ્મીના દાગીનાં... જે તેણીએ લગ્નમાં મેળવેલા, મારી સાથે લગ્નના આટલાં વર્ષ પછી પણ સાચવીને રાખેલા, એ પણ વેંચી નાખ્યાં."
સુરેશભાઈના ગળે રક્તભીના આંસુની ગાંઠ હતી. "એ દાગીનાં વેચવાનો દિવસ... મને આજ પણ યાદ છે. તારી મમ્મી ચુપચાપ કરમાય ગયેલાં ફૂલ જેવી બેઠી હતી. કશું બોલી નહીં, માત્ર આંખોથી દેખાડ્યું કે કેટલી તૂટેલી હતી એ અંદરથી."
"પપ્પા..." ખનકે તેના પપ્પાનો હાથ પકડી લીધો ..
"એ પૈસાં સાથે રમેશે કંપની ખોલી. મારા નામે બધા કાગળો બનાવી નાખ્યા. કાગળ પર મારી સહી તો હતી, પણ કાંઈક નકામા દસ્તાવેજો સાથે બૅન્કમાંથી લોન લીધી. એ લોનના પૈસા તેમણે પોતાના ખાતામાં ફેરવ્યા. ધંધો તો ચાલ્યો નહિ, કારણ કે ધંધો શરૂ થયો જ ન હતો.એ પૈસાથી એ બાપ દીકરા એ પોતાનું ઘર ભર્યું.
"તો તમે આટલું થયું તો તેમની સામે પોલીસમાં ફરિયાદ કેમ ન કરી?" ખનક ગુસ્સામાં બોલી
"શરુમાં કરી હતી, પણ સાબિત કંઈ થતું નહોતું. દસ્તાવેજમાં મારી સહી હતી. એ લોકોને ગુનેગાર સાબિત કરવા માટે પુરાવા મારી પાસે નહોતા. એ એક દાવ પેચની રમત હતી ... અને હું તેમાં હારી ગયો બેટા."
આટલુ બોલતા જ સુરેશભાઈ ના ગળે ડૂમો ભરાઈ આવ્યો.. તે "એ ઘર જેમાં તું અને શ્રુતિ મોટા થયા, તારા પહેલા જન્મદિવસની તસ્વીરો ખૂણે ચોટી હતી... એ ઘર જતું રહ્યું. બૅન્કે હરાજીમાં મૂક્યું. એકે એક કરીને બેટા બધું ગુમાવ્યું."
સુરેશભાઈની વાત સાંભળીને ખનકની આંખો ભરાઈ ગઈ.
ખનક તેનાં પિતાના ખભા પર હાથ રાખી રડતાં રડતાં બોલી “પપ્પા, તમે અને મમ્મીએ બધું એકલા સહન કર્યું… કેમ?”
"કારણ કે અમે નહોતા ઇચ્છતાં કે તું અને શ્રુતિ તમે બંને બહેનો ત્યારે હજુ એક ઉગતા ફૂલની જેમ હતા,તમને મારે બાળપણમાં જ કાંટાનો અનુભવ નહોતો કરાવવો.તમારા બંનેનો અભ્યાસ, તમારા સપના એ જ અમારા સાચી ધરોહર છે. હું અને તારા મમ્મી તૂટયા પણ તમને બંનેને ઊભા રાખ્યા."
થોડી ક્ષણ શાંતીએ હવાલો રાખ્યો.
પછી સુરેશભાઈ હળવેથી હસ્યા, “પણ આજે તે પૂછ્યું અને મેં તને બધું કહ્યું. આમ તો ઘાવ હજુ તાજાં છે, પણ હવે લાગે છે કે કોઈ પોતાનો મનથી સાંભળે તો દુઃખ થોડું હળવું થવા લાગે છે.”
ખનક એ પિતાના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને ક્હ્યું, "હવે તમે એકલા નથી, પપ્પા. આજે આપણી પાસે જે પણ છે અને જેવું પણ છે હું તમારી સાથે જ છું.
"હું પણ તમારી સાથે જ છું" બહાર ઊભી રહીને બધી વાત સાંભળી રહેલી શ્રુતિ બોલી..અમે બંને બહેનો તમારી દીકરી તરીકે નહિ, તમારું ઘર બનીને રહીશું."
સુરેશભાઇની આંખોમાંથી ટપકતાં આંસુ હવે દુઃખના નહોતા, તે આશ્વાસન અને પ્રેમના હતા.આજે તેની બંને દીકરીઓ તેમનો ખભો બની તેમની સાથે ચાલવા તૈયાર થઈ ગઈ છે.
તેમણે તરત જ બહાર શ્રુતિ ની સાથે ઉભેલા દિવ્યાબેન ને ક્હ્યું, દિવ્યા આપણે "ઘર તો ગુમાવ્યું, દાગીનાં પણ ગયા, પણ આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે આ બે કોહિનૂર જેવી દીકરીઓ છે.."
"હા, તમારી વાત સાચી છે." દિવ્યાબેન આંખમાં આવેલ આંસુ લુછતા બોલ્યા.. પણ તમારા આ એક કોહિનૂર માંથી ક્યારે નૂર જતું રહે અને ડાંસ નું ભૂત આવી જાય તેનું કઈ નક્કી નથી હોતું..તે ખનકને થોડી હેરાન કરવા માટે બોલ્યાં..
"હા,બોલી લે મમ્મી તું તારે જે બોલવું હોય તે બોલી જ લે. પણ એક વાત યાદ રાખજે હું તને બીજું કાંઈ પાછું આપી શકીશ કે નહીં એ તો ખબર નહી પણ મારા ડાંસ ની જ કમાણી માંથી તારો સોનાનો ચેઈન અને પેલું ડી અને એસ વાળું પેનડન્ટ જે પપ્પાએ તને આપ્યું હતું તે તો તને પાછું અપાવીશ જ.."
ખનકની વાત સાંભળી દિવ્યાબેન અને સુરેશભાઈ એ એકબીજા સામે જોયું, બંને ચેહરા પર સ્મિત અને આંખોમાં આંસુ હતાં કારણ કે એ પેનડન્ટ તે બંને માટે ખાસ હતું.
"હવે ચાલો પહેલા બધા નાસ્તો કરી લઈએ પછી મારી ડાંસ દિવાની તુ કાલથી નવી સ્કૂલમાં જવાનું છે તો તેની કઈ તૈયારી કરવાની હોય તો કરી લે.." દિવ્યાબેન વાતને બીજી તરફ વાળતાં બોલ્યાં..
ખનક જે સ્કૂલમાં હતી ત્યાં ફક્ત દસ ધોરણ સુધી જ અભ્યાસ થઈ શકે તેમ હતો એટલા માટે તેને બીજી સ્કૂલમાં એડમિશન લીધું હતું.
નવી સ્કૂલની વાત સાંભળીને ખનક વિચારમાં પડી ગઈ કે શું તેને તેની જૂની સ્કૂલની જેમ અહીં મજા આવશે કે નહીં?કેવા હશે તેના નવા મિત્રો અને સ્કૂલના ટીચર્સ?
વધુ આવતા અંકે...