Talash 3 - 57 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 57

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 57

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

શેફ હાઉસનો વિશાળ બંગલો રાત્રીના અંધકારમાં દીપકની જેમ ઝગમગી રહ્યો હતો. દિલ્હીના મુખ્યાલયમાંથી ખાસ આદેશ પર પૂજા, વિક્રમ સુમતિબહેન અને રાજીવને અહીં લવાયા હતા. ઊંચી દિવાલો, સીસીટીવી કેમેરા અને સજ્જ સિક્યુરિટી હોવા છતાં, એ જ સાંજે થયેલું “પૂજાનું અપહરણ હવે ઇન્ટેલિજન્સ બ્યુરો માટે માત્ર શરમનો નહીં, પરંતુ ગંભીર શંકાનો વિષય બની ગયું હતું.” બંગલાની અંદર જ એક સુંદર ગાર્ડન હતું, જ્યાં પૂજા ટહેલવા ગઈ. પણ એ જ સ્થળ તેની માટે ખતરનાક સાબિત થયું.

હવે, રાત્રીના 11 વાગ્યે એક બંધ રૂમમાં ત્રણ ઉચ્ચ અધિકારીઓ તેની સામે બેઠા હતા. માહોલમાં તણાવનું ઘેરું વાદળ છવાયું હતું. પૂજાના વાળ બખડાઈ ગયા હતા, આંખોમાં થાક અને ડર દેખાતો હતો. ટેબલ પર રાખેલી ફાઈલમાં આજની જ ડ્રામેટિક ઘટનાનો ઉલ્લેખ હતો: કેવી રીતે અજાણ્યા હુમલાખોરોએ સેફ હાઉસ ની અંદર જ હુમલો કર્યો, પૂજાને અચાનક બેહોશ કરી જંગલમાં ખેંચી ગયા, અને પછી કોઈ અજાણ્યા સહાયકે તેને બચાવી પાછું અહીં લાવ્યો.

“પૂજા,” પહેલો અધિકારી ઠંડા સ્વરે બોલ્યો, “આ સુરક્ષિત સ્થળે તને કંઈ રીતે ટાર્ગેટ કર્યું. આપણે સત્ય જાણવું જ પડશે. સાંજમાં ચોક્કસ શું થયું?”

પૂજાએ થોડું પાણી પીધું અને ગળું સાફ કર્યું. “હું... ગાર્ડનમાં ટહેલી રહી હતી. અચાનક મને લાગ્યું કે કોઈ પાછળથી જોઈ રહ્યું છે. હું પલટીને જોઉં  એ પહેલા કોઈએ ભારે વસ્તુથી મારી પાછળ માથામાં માર્યું. આંખો સામે અંધારું છવાઈ ગયું.”

“કોઈ ચહેરો જોયો હતો?” બીજો અધિકારી આગળ વળીને પૂછ્યો.

પૂજાએ આંખો મીંચીને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. “હા... બે જણ હતા. એક તો સેફ હાઉસ ગાર્ડ હતો, જેને મેં જોયો હતો. બીજો... માળી. જે અહીં શાંતિથી કામ કરતો હતો. પણ હવે ખબર પડી છે કે એ સાચો માળી નહોતો, એ સજ્જન સિંહ નામના એક ગુંડાનો માણસ હતો.”

અધિકારીઓની નજરો તીવ્ર થઈ ગઈ. ત્રીજો અધિકારી નોંધ લેતા બોલ્યો, “એટલે પ્લાન પહેલેથી જ તૈયાર હતો. સેફ હાઉસ ની સુરક્ષા ભેદી થઈ ગઈ છે.”

પૂજાનો અવાજ ધ્રુજ્યો, “મને બાંધી ને જંગલમાં લઈ ગયા.  હું ભયમાં હતી. એ ગુંડાઓ મને વાસના ભરી નજરે જોતા હતા.  પછી અચાનક ગોળીબાર થયો... કોઈએ મારી દોરી કાપી અને મને બચાવી.”

અધિકારીઓની નજરો ગંભીર બની ગઈ. રૂમમાં સાવચેત શાંતિ છવાઈ ગઈ હતી. હવે આ મામલો માત્ર એક યુવતીના અપહરણનો નહીં, પરંતુ રાષ્ટ્રની ગુપ્ત એજન્સીની આંતરિક સલામતીનો પ્રશ્ન બની ગયો હતો.

સેફ હાઉસના વિશાળ બંગલામાં તણાવ નો માહોલ ઘેરો હતો. દિલ્હીના આદેશ પર પૂજા, વિક્રમ સુમતિબહેન અને રાજીવને આ ઉચ્ચ સુરક્ષાવાળા સ્થળે લાવવામાં આવ્યા હતા, પરંતુ એ જ સાંજે થયેલું પૂજાનું અપહરણ હવે રાષ્ટ્રીય એજન્સી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયું હતું. રૂમમાં બેસેલા ત્રણ આઈબી અધિકારીઓના ચહેરા પર કડકાઈ અને શંકા છવાઈ હતી.

પૂજા સામે બેઠેલી હતી,થાકેલી, પણ આંખોમાં અજોડ હિંમત સાથે. પહેલો અધિકારી ધીમા પણ ઠંડા સ્વરે બોલ્યો, “પૂજા, હવે એક જ બાબત પર ધ્યાન આપ. તને બચાવનાર કોણ છે? એનું નામ.”

પૂજાએ થોડું મૌન પાળ્યું, પછી નમ્ર પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, “પૃથ્વી.”

“પૃથ્વી?” બીજો અધિકારી આગળ વળી ગયો, “કોણ છે એ? સત્તાવાર રેકોર્ડમાં તો એ નામ નથી. કોણે એને મોકલ્યો? કે એ કોઈ પ્રાઈવેટ મર્સનરી છે?”

પૂજાએ એક ઊંડો શ્વાસ લીધો. “એ મર્સનરી નથી. એ રાજસ્થાનના ફલોદીનો રાજકુમાર છે. પાંચ વર્ષ ઇન્ડિયન આર્મીમાં સર્વિસ આપી છે. એની પહોંચ બહુ ઊંચી છે... કદાચ તમારાં ફાઈલોમાં એ વિશે સત્તાવાર કઈ જ નથી.”

રૂમમાં ક્ષણભર મૌન છવાઈ ગયું. ત્રીજો અધિકારી ચહેરા પર શંકાની લહેર સાથે લેપટોપ પર ઝડપી રીતે ટાઈપ કરવા લાગ્યો. થોડા સેકન્ડમાં એની આંખો પહોળી થઈ ગઈ. 

“સર... એની ફાઈલ પર રેસ્ટ્રિક્ટેડ ટેગ છે. ડિરેક્ટર-લેવલ ક્લિયરન્સ વગર ખુલશે નહીં.”

બીજા અધિકારીએ આશ્ચર્યથી કહ્યું, “રેસ્ટ્રિક્ટેડ? આઈબીના ડેટાબેઝમાં પણ?”

પહેલો અધિકારીની આંખોમાં અજાણ્યો તણાવ ઝબુક્યો. “રેકોર્ડ બ્લેક્ડ હોવાનો અર્થ એક જ છે—આ માણસ સામાન્ય નથી. એ હાઈ-લેવલ ઓપરેશનનો ભાગ રહ્યો છે. પૂજા, તને ખબર છે એ કઈ સાઈડ પર છે?”

પૂજાએ આત્મવિશ્વાસ ભેર કહ્યું, “હા. એ એ સાઈડ પર છે જે આપણને જીવવા દે છે.”

રૂમ માં ભારે શાંતિ છવાઈ ગઈ. ત્રીજો અધિકારી હજી પણ પૃથ્વીના પ્રોફાઇલ પર નજર ફેરવી રહ્યો હતો. “સર, એક સંકેત છે... આ વ્યક્તિનો કનેક્શન... અનોપચંદ સાથે છે.”

પહેલો અધિકારીઓ તાત્કાલિક ચોંક્યો. “અનોપચંદ?”

“હા, એ જ. ભારતના ટોપ 10 ઉદ્યોગપતિઓમાં એક. સરકાર માટે અનેક બિનસત્તાવાર ઓપરેશન કરનાર. જેને સરકારની દરેક એજન્સી અણધારી શક્તિ તરીકે માને છે. અને આ પૃથ્વી... એની શેડો ટીમમાં છે.”

રૂમમાં તણાવ એક પળમાં સાવ બદલાઈ ગયો. અધિકારીઓની આંખોમાં શંકાની જગ્યા પર ગહન સન્માન અને સાવચેત માનસિકતા આવી ગઈ. બીજો અધિકારી ધીમા સ્વરે બોલ્યો, “એટલે એ માણસ આઈબી કરતાં પણ ઊંચા સ્તર પર છે... અને આજના ઓપરેશન વિશે એને પહેલેથી ખબર હતી.”

પૂજાએ હળવું સ્મિત કર્યું. “એટલે જ હું અહીં જીવતી બેઠી છું.”

રૂમની લાઈટ પીઠ પરથી પડતા કઠોર શેડો માં અધિકારીઓના ચહેરા કડકાઈથી ઢંકાઈ ગયા હતા.

ઠંડા એસીમાં પણ હવા ભારેલી લાગી રહી હતી. ડેસ્ક પર પેલા કાગળના ફાઇલના ખૂણાઓ હળવાશથી થરથરી રહ્યા હતા, જાણે દીવાલ પરના સીલીંગ ફેનની આહટ પણ તણાવનો સાથી બની ગઈ હોય.

આગળ બેઠેલી પૂજાના શબ્દો હજી પણ હવામાં ગુંજતા હતા— “એ એ સાઈડ પર છે જે આપણને જીવવા દે છે.”

ક્ષણભરનો મૌન… સૌની આંખો એકબીજા સાથે ટકરાઈ રહી હતી, પરંતુ અવાજ ફક્ત લેપટોપના કીબોર્ડના ટકોરાનો—ટક…ટક…ટક… જાણે રૂમમાં તે જ એક માત્ર હાર્ટ બીટ હતી.

હવે અધિકારીઓના મનમાં એક નામ સ્પષ્ટ ઊભું હતું.


એક એવું નામ, જે તેમની ઓફિશિયલ ફાઈલોમાં બંધ હતું, પરંતુ જેના વિશે અફવાઓ એજન્સીઓના અંધકારમય કોરિડોરમાં ઘૂમી રહી હતી.

એવું નામ, જે સિસ્ટમની અંદર નથી. પણ સિસ્ટમ કરતાં ઊંચું છે.

રૂમમાં તણાવ હવે એક નવી જાતનો હતો— શંકાથી વધારે ચેતનાનો ભાર, અને અજાણી શ્રદ્ધાનો છાંટો.
બહાર બંગલાની આસપાસ સિક્યુરિટી જુસ્સો જાળવી રહી હતી, પરંતુ અંદર સૌની નજરે હવે પૂજાને નહીં, એક અદૃશ્ય પ્રભાવશાળી શક્તિ ની છબી ઊભી થઈ ગઈ હતી. 

પૃથ્વી.
xxx 

 ગુફાના અંતરમાં અંધકારની સામ્રાજ્યમાં ઝબુકતી દીવાના કાંપતા પ્રકાશે અજવાળું પાથર્યું હતું. દિવાલો પર સદીઓ જૂના ચિહ્નો કોતરાયેલા—ત્રિશૂળ, કમળ, અજાણ્યા યંત્રમુદ્રાઓ… પથ્થરની ઠંડક હાડકાં સુધી વીંધી રહી હતી. 300–400 મીટર લાંબી આ ગુફા, એક અજાણ્યું મહાકાય મંદિર લાગતું હતું.

મધ્યમાં પથ્થરના વિશાળ ચબુતરા પર શેરા બેઠો હતો—આઠ ફૂટ ઊંચાઈ અને ચાલીસ ફૂટ પહોળાઈમાં આ મંચ પર એની સામે જ ખજાનાના કોથળા અને લોખંડના સંદૂકો ગોઠવાયેલા હતા. મંત્રોચ્ચારના સ્વર ધીમેથી ગુફાની દિવાલોમાં અથડાઈને પરાવર્તિત થઈ રહ્યા હતા, જાણે દિવાલો પરાણે જીવંત થઈ ગયા હોય. જંગલની અંધારી છાયા ઘેરી હતી. પાંદડા હળવા ખખડાટ સાથે કસકતા, દૂર જંગલી પ્રાણીઓના અવાજ ગુફાની ભયાનકતા માં વધારો કરી રહ્યા હતા. એક તરફ હતા. શંકર રાવ, ફૂલચંદ ત્રણ પોલીસ. માંગી રામ, તો બીજી તરફ હતા. માઈકલ અને સજ્જન સિંહ. છતાં સજ્જન સિંહનું પલડું ભરી હતી. કેમ કે એની પાસે ગ્રેનેડનો થેલો ભરેલો હતો. એણે અને માઈકલે આડેધડ ગ્રેનેડ ફેંકવા મંડી. અને આખી ગુફામાં ધમાકા અને પછી એના પડઘા ગુંજવા લાગ્યા. 

"એ. એ. એ. સા ..માદ..... ગ્રેનેડ ફેંકવાનું બંધ કર." શંકર રાવે ગભરાઈને રાડ નાખી કહ્યું. કેમ કે, ગ્રેનેડને કારણે ગુફામાં ઠેક ઠેકાણે ગાબડાં પડવા મંડ્યા હતા.અને હજારો વર્ષોથી એકમેક પર ટકી રહેલા પથ્થરોએ સરકવાનું શરૂ કર્યું હતું. 

"શંકર રાવ તું ખજાનો મૂકીને જીવ બચાવીને ભાગ, નહીતો પાંચ મિનિટમાં બધા દબાઈને મરશો. " સજ્જન સિંહે સામી રાડ નાખતા કહ્યું. 

"સજ્જન તું મૂર્ખ છે. અમારી ભેગો તું ય દટાઈ મરીશ. ચાલો આપણે અર્ધો અર્ધો ખજાનો વહેંચી લેશું બસ." શંકર રાવે સમાધાન બતાવતા કહ્યું. અને ઉમેર્યું. તારી પાસે એક માત્ર સાથી છે જયારે મારી પાસે. 7 માણસો છે. સમજ્યો."

'સાત માણસ... હા હા હા." અટ્ટ હાસ્ય કરતા સજ્જને જવાબ આપ્યો અને મોટેથી બમ પાડી. "માંગી રામ, ખતમ કર એ પોલીસ વાળાને, અને ઓલ શંકરિયા ને પણ. ચાલ જલ્દી કર મોડું થાય છે." કહીને એક સિગાર પોતાના ખિસ્સામાંથી કાઢીને સળગાવી. એની આ વાત સાંભળીને શન્કર રાવ ચોંક્યો અને માંગી રામ સામે જોયું તો માંગી રામે એની સામે પિસ્તોલ તાકીને ઉભો હતો, "અરે, માંગી તું તો મારો જૂનો વફાદાર છે."

"હા પણ આ સજ્જજ સિંહે મને 5 કરોડ આપવાનું કહ્યું છે. અને 2 કરોડ એડવાન્સ પણ આપી દીધા છે. અને ઉદયપુરમાં એક બંગલાના કાગળ મારા નામે કરી દીધા છે." હવે સહેજ પણ ચાલાકી વગર..." એનું વાક્ય અધૂરું રહ્યું અને શંકર રાવે એના પર છલાંગ લગાવી. અને માંગી રામે અંધાધૂંધ ગોળી એના પર વરસાવી. ગોળીઓ કોઈને ઘાયલ કરતી કે પછી એમજ ગુફાની દીવાલ પર અફળાઈ અને રિવર્સ થવા લાગી હતી. શેરાના માણસો એ તકનો લાભ ઉઠાવી લખનને કહ્યું. "લખન તું શેર સિંહજી ને સંભાળ, આ લોકોને અમે જવાબ આપીયે છીએ. લખને શેરાને હચમચાવી જોયો પણ એ સહેજે હલ્યો નહિ એના મોં માંથી સતત મંત્ર જાપ ચાલુ જ હતા. 

"લખન, જ્યાં સુધી મંત્ર જાપ પુરા નહિ થાય ત્યાં સુધી એ કઈ નહીં બોલે, ભલે એમને ગોળી કે તલવાર વાગશે તો પણ. એક વાર એમણે અમને કહ્યું હતું કે એક વાર ખજાનાની ગુફા ખુલે પછી મંત્ર જાપ વગર ખજાનો ઉંચકવાની કોશિશ કરનાર, ભલે એ પાછો શ્રી નાથજીને જ સોંપવા ઉપાડતો હોય તો ય તેનું મોત થશે. એટલે એ જવાબ નહિ આપે. તું આજુબાજુમાં જો ક્યાંક એક છૂપું ભોંયરું છે. એમાં એમને લઈ જા." ઘાયલ થયેલા શેરાના  સાથીએ વળતો ગોળીબાર કરતા કહ્યું. 

xxx 

લખન, શેરાની બાજુમાં ઉભો રહ્યો, રિવોલ્વર હાથમાં લઈને દરેક ખૂણાને ઝીણવટથી જોઈ રહ્યો હતો. એના પણ બાપ દાદા એ આ ખજાના ને સાચવવાની કસમ ખાધી હતી અને એ માટે આહુતિ આપી હતી. હવે જયારે એ કાર્ય પૂરું થવાનું હતું ત્યારે એ શેરાને મરતો મૂકીને ભાગવા માંગતો નહતો. 

“શેર સિંહ જી!” લખને શેરાને ઝટકા મારતાં કહ્યું. પરંતુ શેરા તલ્લીન હતો—મંત્રોના તાલમાં એના હોઠ અવિરત હલતા હતા.

ગુફાના દૂરના પ્રવેશદ્વાર પરથી શંકર રાવની ટુકડી ચબુતરા તરફ ધસી આવી. તો બીજી બાજુ માંથી સજ્જન સિંહના માણસો પણ ચઢી આવ્યા. ગોળીબારનો તોફાન શરૂ જ હતો. પથ્થરના થાંભલાને ગોળી વાગતાં કણકણાટ થતાં અવાજ, ચિંગારીના  ઝબકારા અને અંધારા માર્ગોમાંથી ગુંજતી ચીસો, ગુફાને નરકનું મેદાન બનાવી રહ્યા હતા.

લખને ઝડપથી ચબુતરાની પાછળના ભાગ તરફ ઝૂકી ને જોયું. એમાં જાતભાતની કલાત્મક કોતરણી હતી. કૈક આંતર પ્રેરણાથી એણે  પથ્થરના એક ત્રિશૂળ ના ચિહ્ન નીચે હાથ ફેરવ્યો. અને અચાનક પથ્થરની સ્લેબ હલવા લાગી. “શેરા! હવે જવું પડશે જીવિત રહીશું તો ખજાનો દુનિયાના ગમે તે ખૂણેથી ફરી શોધી લઈશું.” કહીને એણે શેરાને ખભેથી પકડી ને જોરથી ખેંચ્યો. શેરા નિસ્પૃહ બની ને મંત્રોચ્ચાર કરતા અચાનક ઝટકાથી આગળ ખસ્યો, અને પથ્થરની તિરાડ માંથી અંદર લપસી ગયો. લખન પલભરમાં એની પાછળ ઘૂસી ગયો.

અંદર એક સંકુચિત, ઊતરાળું માર્ગ હતું. બન્ને અંધારામાં ગોથા ખાઈ ને ઘસડાતા જતા રહ્યા. ગોળીબારના અવાજ ધીમા થતાં ગયા. હવે કાનમાં માત્ર પોતાના શ્વાસ અને પથ્થર પર અથડાતા શરીરનો કડકડાટ હતો. રસ્તો જાણે ક્યારેય પૂરો થતો ન હોય એમ લાગતો હતો; દરેક ગોડથોલિયે માથું પથ્થર પર ટીચતુ હતું. માથા પરની ટોર્ચનો ધીમો કિરણ પથ્થરની અજાણી કોતરણી દેખાડતો: “ॐ... 𑀯𑀲𑀼𑀓𑀼𑀢𑀸𑀧...” પ્રાચીન બ્રાહ્મી લિપિમાં લખાયેલા શબ્દો અસ્પષ્ટ લાગતા હતા, પણ એની વચ્ચે કંઈક અજાણી  ઊર્જા છલકાતી હતી. કેટલીકવાર લપસતાં અથડાતા રહ્યા બાદ એમના શરીર ની ગતિ ધીમી થઈ. લખને એક પથ્થરની દિવાલ પકડીને ઊભા થવાનું પ્રયત્ન કર્યો,

અને અચાનક! એક ચીરણમાંથી ચાંદનીનો કિરણ અંદર ઘૂસ્યો.થોડી જ પળોમાં બંને ગુફાના બીજા છેડે આવી પહોંચ્યા. બહાર અરવલ્લીની ઊંચી ઢાળ પર હવા તાજી હતી, આકાશમાં પૂર્ણિમાનો ચાંદ ઝળહળતો હતો.

શેરા પથ્થર પાસે ટેકો લઈને ઊભો રહ્યો, એના શ્વાસમાં હજુ મંત્રોના તાલ હતા. લખને પાછળ જોયું—એ ગુપ્ત માર્ગ હવે અંધકારમાં વિલીન થઈ રહ્યો હતો, જાણે ક્યારેય ત્યાં કોઈ દ્વાર હતું જ નહીં. પણ થોડે દૂરથી આવતા ગોળીબારના અવાજો સ્પષ્ટ સાંભળતા હતા. 

ક્રમશ: