Mumbai 2025 in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | મુંબઈ 2025

Featured Books
Categories
Share

મુંબઈ 2025

મુંબઈ 2025

મોહમયી, સ્વપ્નનગરી વગેરે ઘણું કહેવાતી આ નગરનાં જોવાલાયક સ્થળો તો અનેક છે. 

અમને બાળપણમાં ભણવામાં આવતું કે મુંબઈમાં જોવા જેવું એટલે ચોપાટી, મરીન લાઇન્સ, ફોર્ટ બજાર, ગેટવે ઓફ ઈન્ડિયા, ચર્ચગેટ, બાબુલનાથ. પછી આગળ જુહુ બીચ, તારાપોરવાલા એક્વેરિયમ, કમલાનહેરુ પાર્કનું બુટ હાઉસ, જુહુ ઇસ્કોન મંદિર  વગેરે 80ના દસકામાં ઉમેરાયાં.

એ બધાં સ્થળો તો જ્યાં હતાં ત્યાં છે જ, આખા દેશની સાથે મુંબઈની પણ કાયાપલટ થઈ ગઈ છે એટલે એ જ સ્થળો  આજે સાવ નવા રંગરૂપમાં જોવા મળશે. ઉપરાંત નવાં સ્થળો પણ ઘણાં ઉમેરાયાં છે. જેમ કે ગેટ વે ઓફ ઈન્ડિયા જોવા હવે  રેલિંગો માં થઈ મોટી લાઇનમાં ઉભી પ્રવેશ મળે છે. જુહુ બીચ ઘણા સ્થાનિકોને ઓવર ક્રાઉડેડ લાગે છે એટલે અંધેરી, સાંતાક્રુઝ વ . તરફ વસતા હવે વર્સોવા બીચ જોવા જાય છે. ત્યાં મેટ્રો પણ જાય છે.

હું મારી  સપ્ટેમ્બર 2025ની મુંબઈ યાત્રામાં જોયેલ સ્થળોનું વિહંગાવલોકન કરાવીશ.

એક તો મુંબઈની જીવાદોરી લોકલ ટ્રેન. હવે ટિકિટબારીઓનું સ્થાન ટિકિટ વેન્ડિંગ મશીનોએ લીધું છે. ટિકિટ માત્ર  સ્ટેશનનું નામ ટચ કરી સ્કેન કરી upi પેમેન્ટથી મળે છે. ડબ્બાઓમાં પણ અંદર ઇન્ડિકેટર હવે કયું સ્ટેશન, કઈ તરફ આવશે એ બતાવે. ફાસ્ટ ટ્રેનોમાં ઓટોમેટિક ડોર ક્લોઝર પણ છે.

નવી સુવિધા ઉમેરાઈ છે મેટ્રોની. અલગ અલગ લાઇનોમાં અગત્યના સ્થળો ઝડપથી કવર થાય છે. એકવા લાઇન દ્વારા સહાર  ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ જવા ઘણા લોકો ઉપયોગ કરે છે. સિદ્ધિવિનાયક, વરલી અને દાદર મેટ્રો ચાલે છે. થોડા સમયમાં મુંબઈ સેન્ટ્રલ અને કફ પરેડ સુધી ચાલશે.  આમ તો દરેક  શહેરની મેટ્રો જેવી આ મેટ્રો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, પ્લેટફોર્મ જવા એક્સેલેટર, પ્લેટફોર્મના દરવાજા પણ ટ્રેન આવે ત્યારે જ ખુલે. અહીં પ્લાસ્ટિક ટોકનો ને બદલે ટિકિટ પર છાપેલ QR કોડ લાઇટ પર ધરી અંદર કે બહાર જવાય છે.

ચોપાટીએ નવાં રંગ રૂપ ધારણ કર્યાં છે. સરસ મોઝેક ટાઇલ્સ વાળી પહોળી ફૂટપાથ, બેસવા પાળી ઉપરાંત અંદર દરિયા તરફ જતી જેટી જેની પાળે બેસી શકો, કચરા કે ફેરિયા મુક્ત. ચર્નીરોડ સ્ટેશન થી બ્રિજ ઉતરી સીધા ત્યાં જઈ શકો. એમ જ મરિન લાઇન્સની પાળી.

નવી, વરલી સી ફેસ ની ચોપાટી જોઈ. મત્સ્ય કન્યા, આર.કે. લક્ષ્મણ ના કોમન મેન નાં સ્ટેચ્યુ સાથે ફોટો પડી શકે છે. સારો એવો લાંબો, પહોળો વોકવે છે.

પૂર્વ મુંબઈના અંતરિયાળ વિસ્તારોને સાંકળતી રૂપકડી  બહુરંગી, એક પાટા પર દોડતી મોનો રેલ એ વિસ્તારોની જરૂરિયાત ઉપરાંત એક ટૂરિસ્ટ એટ્રેક્શન છે. વડાલા થી ચેમ્બુર લેખકે પ્રવાસ કર્યો છે.

ચેમ્બુરમાં હવે બંધ આર કે સ્ટુડિયો  થોડૉ અંદરથી જોવા મળે છે. ત્યાં  રસ્તે એક શિવાજી મહારાજની પ્રતિમા અને કિલ્લો સરસ બનાવ્યાં છે.

ચોપાટી અને વરલી નજીક મલબાર હિલ પર એક નેચર વોક ટ્રેઇલ બની છે જેમાં લાકડાના પુલ પર થઈ 300 મીટર સુધી ચાલતા જઈ પરત આવવાનું. એ આખી ટ્રેઇલ જંગલમાંથી પસાર થવાનો અનુભવ કરાવે છે. બન્ને બાજુ ખૂબ ઊંચાં વૃક્ષો, એક તરફ ખડકો જ્યાં વરસાદ  હમણાં બંધ થયો હોય તો ઝરણાં, નીચે અને ઉપર ઢોળાવ પર હરિયાળી, ઉપરથી નીચે ટચૂકડાં દેખાતાં ઊંચાં બિલ્ડિંગો અને વૃક્ષો વચ્ચેથી સામે દેખાતો સમુદ્ર જોવા જેવાં છે. એક કલાકના સ્લોટ છે અને 25 રૂ. ટિકિટ પ્રિ બુક ઓનલાઈન કરવાની રહે છે. મોરબીવાળી ન થાય એટલે કલાકે 200 લોકોને જ પ્રવેશ મળે છે.

સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જ જાય છે એ સાથે વ્યવસ્થા પણ ખૂબ સારી છે. બેરીકેડમાં થઈને જ જવાનું. કોમન દર્શન માટે સીધી લાઇન સ્ટેડિયમના પગથિયા જેવી જગ્યાએ ત્રીજી હરોળમાંથી દર્શન કરી શકે, જો સન્મુખ ઊભેલાનું માથું આડું ન આવે તો. એમાં ખાસ ભીડ હોતી નથી. એક લાઇન બહારથી શરૂ કરી વચ્ચેના વર્તુળમાં આવે અને એક સ્પેશિયલ દર્શન લાઇન 100 રૂ. ટિકિટ સાથે. એમાં આરતીનો સમય ન હોય તો પંદર વીસ મિનિટમાં દર્શન થઈ જાય. સિનિયર સિટીઝને આ લાઇનમાં ઊભવાનું, આઈ કાર્ડ બતાવવાનું.એને ટિકિટ મળે પણ નિઃશુલ્ક.

ચારે તરફથી સુરક્ષા, પોલીસ સહાય કરે. ક્લોઝ સર્કિટ ટીવીના મોટા સ્ક્રીન પર પણ દર્શન, આરતી જોવાય.  મંગળવાર સિવાય ખાસ સમય લાગતો નથી.

મકાનો 50 ના દાયકાથી અહીં 5 કે 6 માળ નાં હતાં જ. હવે એ બધાં રી ડેવલપમેન્ટ માં જઈ ગગનચુંબી, 40 કે 42 માળ તો  સામાન્ય, એવી અને હેરત  પમાડે એવી ડિઝાઇન ને દેખાવની ઈમારતો બને છે.

વરલી બાંદ્રા સી લિંક જરૂર પસાર થવું. એમાં ઇસ્ટર્ન  એક્સપ્રેસ હાઈવે પકડો એટલે આવી ઈમારતો બેય બાજુ આવ્યા કરે. સમુદ્ર વચ્ચે ઝુલતા પુલ આકારનો બ્રિજ સારો વ્યુ આપે છે.

એવો જ એન્જિનિયરિંગ ચમત્કાર અટલ સેતુ જે નવી જૂની મુંબઈને જોડતો 21 કિમી લાંબો પુલ છે. એમાં જો કે બેય તરફ ઊંચાં  અર્ધ પારદર્શક શીટ લગાવ્યાં છે એટલે એમાંથી દેખાય એ જ દરિયો. ક્યાંક મેં મઝગાંવ ડોક અને કદાચ ન્હાવા શેવા બંદર નજીકની કાર્ગો અને કોઈ પેસેન્જર શિપ જોયેલી. ઇસ્ટર્ન  એક્સપ્રેસ હાઈવે પરથી ત્યાં જવા  એક  સાત કિમી લાંબી ટનલમાંથી પસાર થવાનું છે જે પૂરી રોશનીથી ભરેલી, અદ્ભુત રોડ યાત્રા છે.

પૂર્વમાં  દાદર  અને કિંગ સર્કલ વચ્ચે ફ્લાયઓવર નીચે ચાલવા એક કિમી  લાંબા વોકવે, વચ્ચે બાંકડાઓ અને પિલર્સ પર સુંદર ચિત્રો સાથે બન્યા છે. મોઝેક ટાઇલ્સ નો રંગીન વોક વે છે.

હવે તો સ્ટેશનોના પુલ પર પણ દાણાદાર  મોઝેક ટાઇલ્સ છે, જુના પથ્થરોની જગ્યાએ.

2007 આસપાસ થયેલ બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સ પણ એક લટાર મારી જોવા જેવો છે. ત્યાં કોર્પોરેટ ઓફિસો, બેંકો અને વીમા કંપનીઓની હેડ ઓફિસો છે. ONGC નું ક્રૂડ ડ્રમ આકારનું બિલ્ડિંગ તો બેન્ક ઓફ બરોડા નું સિલ્વર કલરનું, કર્વેચર વાળું મકાન ગમ્યાં. એ જ રીતે અન્ય મકાનો.

નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર અને સાથે જિયો મોલ પણ એક આંટો મારવા જેવાં, વૈભવી દુકાનો જોવા. મનીષ મલ્હોત્રાના ડિઝાઇન સ્ટુડિયો જ્યાં એક્ટર એક્ટ્રેસોના વસ્ત્રો ડિઝાઇન થાય છે, ક્યાંક 60,000 ની રિસ્ટવોચ અને લાડો નામની ફક્ત લાડુઓ વેચતી સ્વીટ શોપમાં 7200 રૂ. કિલો લાડુ જોયા!

નવી મુંબઈમાં વાશીનું રેલવે સ્ટેશન પણ જોવા જેવું છે જ્યાં રંગીલા ફિલ્મનું ‘આઈ રે.. જોર લગાકે નાચે રે ..’  ગીતનું શૂટિંગ થયેલ.

નવી મુંબઈમાં જ ખારઘર તરફથી આવતાં ફ્લેમિંગો અભયારણ્ય આવે છે. રસ્તાની બાજુએ  સાચું લાગે એવું મૂળ જેટલી જ સાઈઝનું ફ્લેમિંગો મૂક્યું છે.

એક સર્કલ પર ગાંધીજીના ત્રણ વાંદરાની 2025ની આવૃત્તિ જોઈ -  એક વાંદરો માઇક્રોફોન લઈ બોલતો, બીજો બાઈનોક્યુલર લઈ જોતો, ત્રીજો ઇયરફોન લગાવી મોટું સાંભળતો. ઇન્દ્રિયોના નિગ્રહ ની જગ્યાએ સાચું વ્યક્ત કરવા સૂચવતો.

ચર્ચગેટ નજીક 90 વર્ષ જૂની કે. રુસ્તમની દુકાનમાં હજી બિસ્કિટ વચ્ચે, સંચાથી બનાવેલ આઇસક્રીમ મળે છે એ પ્રખ્યાત છે. નજીક ઈરોઝ સિનેમાની જગ્યાએ સ્વદેશ મોલ નીતા અંબાણીએ બનાવ્યો છે ત્યાં લાઇવ બનતું પટોળું, કાશ્મીરી અખરોટ વુડ માં બારીક કોતરણીમાં  અખરોટનો માવો ભરાવી પોલિશ કરેલું ફર્નિચર જોયું.

સવા લાખની કૃષ્ણ મૂર્તિ અને 76000 ની સાડી પણ જોઈ!

મુંબઈ 60 કે 70ના દસકાની ફિલ્મોમાં જોયેલું એ કરતાં સંપૂર્ણ અલગ છે. છ થી આઠ લેન રસ્તાઓ, ઘોડબંદર રોડ તરફ સ્કાય સ્ક્રેપરો જે ક્યાંક 50 માળ નજીકનાં હતાં. મુંબઈ સેન્ટ્રલ થી ટેક્ષીમાં નીકળ્યો તો સહેજ જ આગળથી ફ્લાયઓવર સીધો 10 કિમી દૂર સાયન, વડાલા વગેરે જતો હતો. ભાયખલા ઝૂ, ચર્ચ વગેરેની ખાલી ટોચ દેખાય.

હજી પીળી કાળી ટેક્સીઓ ખૂબ છે સાથે ઓલા ઉબેર જેવી ટેક્સીઓ પણ ચાલે છે. બન્નેનાં ભાડાં સરખાં જ હોય છે.

ભેળવાળા ફેરિયાઓની જગ્યાએ ફ્રેન્કી, ચિપ્સ ને એવું વેંચતા ફેરિયાઓ ક્યાંક દેખાય છે પણ  દાદર સિવાય મોટે ભાગે નાની લાયસન્સ શોપ્સ  દેખાઈ.

મરાઠી ભાષી આંદોલન વચ્ચે ચગેલું પણ અઠવાડિયું રહ્યો ત્યાં મારે બધે જ ગુજરાતી ભાષાથી જ ચાલી ગયું. એ બધું કદાચ મલાડ અને આગળ થયું હશે.

અહીંનું ગણેશ સ્થાપન  એટલે મોટો મહોત્સવ. મોટા ગણપતિ, વિવિધ ડિઝાઈનો અને થીમ, ઝાકઝમાળ, રોજ કાર્યક્રમો અને લગભગ ફ્રી પ્રસાદ કાજુકતરી કે એવી મીઠાઈનો. ગણેશ વિસર્જન તો જુઓ તો જાણો. ઢોલ નગારાં, ડંકાઓ સાથે બધા નાચે અને સરઘસ લઈ જાય.  એ વખતે આખા બિલ્ડિંગના રહેવાસીઓ આપણા બેસતાં વર્ષ જેવા  પોતાને શણગારે, વિસર્જન વખતે નૃત્યો કરે. 

વિસર્જન ફક્ત કુંડમાં જ થાય છે. મોટી મૂર્તિ પરવાનગીથી પોલીસ સાથેની બોટમાં દરિયામાં ઊંડે લઈ જઈને.

આજનું મુંબઈ  મોટા ભાગની જૂની ઇમારતો  તોડી ઉપર કહ્યું તેમ સ્કાય સ્ક્રેપર્સનું  શહેર બની રહ્યું છે. કાયાપલટ તો ચકિત થઈ જાય એવી છે. એક દસકા અગાઉ જોયું હોય તેમણે પણ આજનું મુંબઈ એક વાર જરૂર જોવું. વિકસિત ભારતનું પ્રતિબિંબ.

***