તમારા મગજમાં જે સવાલ અત્યારે આવ્યો એ મારા મગજમાં બહુ જ પહેલાથી હતો. કે અત્યારની આપણી આવક પહેલાં મારી નોકરી ચાલુ હતી તેના કરતા ઓછી છે છતાં આપણે સરળતાથી ઘર સંભાળી શકીએ છીએ. તો પહેલાં એવું તો શું હતું કે મમ્મી પાસે પૈસા બચતા જ ન હતા. ન તો એ સમયે દિકરો હતો કે ન કોઈ બિમાર રહેતું હતું જેની પાછળ પૈસા વપરાય જાય. પણ એ સવાલનો જવાબ ક્યારેય ન મળ્યો. અને એ વિશે મેં તમને ક્યારેય કહ્યું પણ ન હતું. તમે જ્યારે મને આ સવાલ કર્યો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે આપણે એ બધું નથી વિચારવું બસ હવે આપણે આર્થિક તંગીમાં ન સપડાઈએ એની કાળજી લઈશું. અને આપણે હંમેશા પગારમાંથી થોડા રૂપિયા અલગ મૂકતા હતા. હું વેકેશનમાં મારા ઘરે રહેવા ગઈ હતી. હું ત્યાં જાઉં તો મારે ક્યારેય પૈસા ખર્ચવા પડતા ન હતા. હંમેશા પપ્પા કે ભાઈ દિકરાને ફરવા લઈ જતા. ક્યારેક બેન જીજાજી લઈ જતા. આ વખતે પહેલી વખત હું ત્યાં રહેવા ગઈ ને મેં બેનના દિકરા દિકરીને કપડા અપાવ્યા. બેને ખૂબ ના પાડી હતી છતાં મેં અપાવ્યા હતા અને કહ્યું હતું કે તું દર વખતો મારા દિકરાને કપડા રમકડાં અપાવે છે તો હું એકવાર તો અપાવી જ શકું ને ? મેં મારા ઘરે કોઈ દિવસ એવું ખબર ન પડવા દીધી હતી કે આપણ ને પૈસાની તંગી હતી. મેં ટ્યુશન ચાલુ કરેલા, પછી આખા દિવસની શાળાની નોકરી ચાલુ કરી પણ એમ જ કહ્યું હતું કે મારે દિકરાને લઈને તો શાળા સુધી આવવું જ પડે તો એટલો સમય બેસી શું કામ રહું ? મારા સમય સચવાય જાય એવી રીતે પૈસા મળતા હોય તો શું કામ કમાઈ ન લઉ ? મારા ઘરે ક્યારેય મેં કહ્યું ન હતું કે મારી નોકરી છૂટી ગઈ પછી મારે કેટલું અને કેવું સાંભળવું પડ્યું હતું. હું હંમેશા ઘરે આવતી ત્યારે ખૂબ ખુશ છું એમ જ બધાને લાગતું. આમ પણ દુઃખ તો કંઈ હતું નહીં બસ હું નોકરી કરતી રહું એ જ તમે લોકો ઈચ્છતા હતા જેથી આપણે આર્થિક તંગીનો સામનો ન કરવો પડે. હું જ્યારે ઘરે રહેવા ગઈ ત્યારે જ મેં તમને કહ્યું હતું કે હું બેનના દિકરા દિકરીને કપડા અપાવીશ. અને તમે પણ હા પાડી હતી. આ વખતે જાણે હું મોકળા મને મારા ઘરે રહી હતી કારણ કે હવે પૈસાની કોઈ ચિંતા ન હતી. વેકેશન પૂરુ થતા પહેલાં ઘરે આવી ગઈ અને ફરીથી શાળા શરૂ થવાની હતી એટલે દિકરાની શાળામાંથી જે પુસ્તકો લેવાના હતા તે લીધા, બહારથી જે લેવાના હોય તે લીધા અને બધાને કવર ચઢાવીને તૈયાર કરી દીધા. હવે મારે પણ સવારની શાળાનો જ સમય હતો એટલે તમે એમ કહ્યું કે શરૂઆતમાં થોડા દિવસ એ એમની શિફ્ટ ચેન્જ કરાવી લેશે જેથી આપણે દિકરાને એની શાળાએ લેવા મૂકવાની ગોઠવણ કરી શકીએ. આમ, શરૂઆતમાં તો હું વહેલી બસમાં નીકળી જતી અને પછી તમે દિકરાને મૂકવા જતા હતા. અને છૂટે ત્યારે એને લેવા જતા અને પછી મને લેવા મારી શાળાએ લેવા આવતા અને પછી તમે બપોરની શિફ્ટમાં નોકરીએ જતા હતા. પણ રોજ આ આપણને ફાવે એવું હતું નહીં કારણ કે આમ તો તમારો પેટ્રોલનો ખર્ચ વધી જાય અને તમારી નોકરી પણ ડિસ્ટર્બ થાય. મેં દિકરાની શાળામાં તપાસ કરી તો એના વર્ગના અમુક વિદ્યાર્થી વહેલા આવી જતા જેમની મમ્મી મારી જેમ બીજે ક્યાંક નોકરી કરતી હોય. અને છૂટે ત્યારે એ વિદ્યાર્થીઓ ત્યાં જ બેસી રહે એમના મમ્મી લેવા આવે ત્યાં સુધી. હું દિકરાને સવારે શાળાએ મૂકીને મારી શાળાએ આવી તો શકું પણ છૂટયા પછી શું કરવું તે વિચારવાનું હતું.