mara jindgi na anubhavo - 5 in Gujarati Motivational Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | મારા જીવનના અનુભવો - 5

Featured Books
Categories
Share

મારા જીવનના અનુભવો - 5

...ને આખરે ભાલકાના ગેટ પાસે આવીને હું ઉભો રહ્યો, જ્યાં હજારો વર્ષ પૂર્વે પોતાના સમગ્ર જીવનકર્મને પૂરૂ કરીને કૃષ્ણ આવીને થોભી ગયા હશે- તે કહેલુ કે, "ત્યાં એક ભાર-એક વિષાદ તને ઘેરી વળ્યો હતો." એ તરત મને યાદ આવ્યું પણ થયું એમ નહિ મને શું અનુભવાય છે એ જોવું છે મારે...

હું ભાલકાની અંદર જાઉં છું તો ડાબી તરફ લીલ બાઝી ગયેલ એક કુંડ જેમાં માછલીઓ પણ જોઈ અને જમણી તરફ કોઈ ભપકો ના લાગે છતાં આંખને ગમે એવી કોતરણી વાળું મંદિર. ને આગળ કેટલાય પાનખરના પીપળા છું, દુર સુધી દેખાતા મેદાનમાં કેટલીક જેમાં ગાયો ચરે છે, એ જોતાં જોતાં મને જ હું જોઉ તો હજુ કોઈ ભાવ નથી આવી રહ્યો મને…પ્રમાણમાં સારી એવી ભીડ વચ્ચે હું મંદિરમાં પ્રવેશ કરું છું, સાવ શરૂઆતમાં જ આજુબાજુના ગામડાની ભરવાડ જેવો પહેરવેશ ધરાવતી સ્ત્રીઓનું એક ટોળું કીર્તન કરે છે-બધા વચ્ચે પોતાનામાં જ મસ્ત-એ ગમે છે-મંદિરની અંદર જતા તો બીજે કશે ધ્યાન ના પડે ને સીધું જ પગ પર પગ ચડાવીને સુતેલા કૃષ્ણ તરફ જ નજર જાય, ને નજર તીર ય શોધે છે, ગળે એમ જ એક ઘૂંટ ઉતરી જાય છે, હું કૃષ્ણ જોતો જ રહું છું, એ સામે બેઠલા જરા તરફ જુવે છે, મોં પર એ જ ચિરપરિચિત સ્મિત-પુસ્તકોમાં કહે એવું કદાચ ભુવન મોહિની-ખુબ શણગારેલો કૃષ્ણ છે અહી, મને એમ થાય કે અહીં કૃષ્ણ આવ્યા હશે ત્યારે જ કેટલા થાકેલા હશે- પોતાના આખા કુળને-પોતાના મોટાભાઈને પોતાની સામે જતા જોઇને-મુકીને આ પીપળે આવી બે ઘડી વિશ્રાંતિ લેવા બેઠા હશે...બલરામને છેલ્લી વિદાય આપતા એ ક્યાંક ત્રિવેણી પાસે જ હશે ત્યાંથી અહી એ જરા પાસે આવે છે-આ એ જગ્યા છે જ્યાં કૃષ્ણે એના દેહને વિલીન કરવાનું કારણ પામવા આવવું પડ્યું છે. ફરી એ ગયા તો હિરણ્યને કાંઠે જ, છેલ્લો આ ફેરો તો કારણ પામવાનો લીધો છે અહીં...

એ ભાલકાના ગર્ભગૃહના પીપળાને નીચેથી નવી ડાળીઓ ફૂટી છે, પુજારી કહે કે, “લોકડાઉનમાં કોઈની માણસોની નજર ના પડી ને એટલે...” એ પીપળો ગર્ભગૃહમાંથી એક બાજુમાં ઓરડામાં જાય છે ત્યાંથી છત પર બહાર નીકળે છે, એ મને કહે કે, “ત્યાં ઉપર ય ખુબ નવા પાન ફૂટ્યા છે.” મંદિરની બહાર નીકળતા ગળે શોષ પડે એવું તો મને ય અનુભવાયુ છે... ગાંધારીનો શાપ યાદ આવે કે, “કૃષ્ણ તું પશુના મોતે ...” પશુના મોતે...એકલો...અટુલો...કોઈ પાણી પાનાર ના હોય એ પાણીના શોષ સાથે...

એક ઊંડો શ્વાસ...

બહાર નીકળી ડાબી તરફ મહાદેવનું મંદિર છે એની પાસે ય એક પીપળો છે, જેના થડ પાસે ઘણીબધી અગરબતી અને ધૂપ બળે છે, પવન મારી દિશામાં છે અને એ ધૂપની સુગંધ મારા શ્વાસમાં આવતા ઘણું સારું લાગે છે, એ પીપળાના પાંખા છાંયા વચ્ચે એના થડનો ઘાટો છાંયો મેં જોયો છે, જે છાંયામાં એક કાળું નાનું ગલુડિયું સુતું છે. ને એમ થાય કે એનો ઘાટો છાંયો પામવો છે તો આપણે ય એના થડ પાસે જઈને બાળક બનીએ તો...ધ્યાન આવીને એ સુતેલા ગલુડિયાને હાથ ફેરવે છે ને એ એમ જ શાંતિથી ઊંઘતું પડ્યું રહે છે.મારી નજર મુખ્ય મંદિર પર પીપળાને નવા ફૂટેલા પાન તરફ જાય છે.

એવું કહેવાય છે કોઈપણ મંદિરે જઈએ પછી ત્યાં થોડી ક્ષણો બેસવું જોઈએ, હું મંદિરના પ્રવેશદ્વાર જ પર જે પીપળો છે ત્યાં બેસું છું, તારું સ્મરણ આવે છે ને થાય કે તારા વ્હાલા કૃષ્ણને જ્યાં પીડા મળી છે ત્યાં તને કેવું ભારેખમ જ લાગ્યું હશે...

એક કુતરું પગથીયા પાસે સૂતું છે, આ પીપળાના પાંખા છાંયે, સારમેયની અંતિમ અવસ્થા જેવું પાંખું-નાદુરસ્ત-કૃશકાય કુતરું...હું કોઈપણ કુતરાને જોઉં તો મને એની નજર કૈક કહેતી હોય એવું લાગે. પણ આ મારી સામે જુવે છે-તો જાણે કઈ નથી કહેતું-કઈ જ નહિ...એણે જે છે એ કેટલું સહજ સ્વીકારી લીધું...જે કદાચ કૃષ્ણ ય ના સ્વીકારી શક્યા, જે અહી તીર વાગ્યું બાદ લોહી નીંગળતા પગે ત્રિવેણી સુધી ગયા. માણસ થઈને જીવેલા ઈશ્વર...

ભાલકાથી ત્રિવેણી જવા નીકળ્યા તો આખા રસ્તે જાણે લાગ્યું કે આ જંગલ હશે, આમાં ક્યાંક કેડી કે રસ્તો હશે જ્યાં કૃષ્ણના રક્તના ટીપાં પડતા ગયા હશે, અહી જ પેલા મોરપીંછના ઢગલા થતા ગયા હશે, આ ટૂંકો રસ્તો એમનો કેટલો લાંબો લાગ્યો હશે? એમના જીવનનો બીજો ય એક આવો જ ટૂંકો રસ્તો ય કેટલો પીડાદાયક રહ્યો છે, મથુરાથી ગોકુળનો રસ્તો-ગોકુળથી મથુરાનો રસ્તો, જન્મતા સાથે માની સોડથી અલગ થવાનો ને અલગ થઈને જ્યાં એ સોડ-સ્નેહ-પ્રેમ બંધાયો એ યશોદા-નંદબાબા-સખાઓ-ગોપીઓ અને...અને રાધાથી દુર થવાનો એ રસ્તો...એના એ ઘાવ....એ ઘાવ તો આજીવન જ દુઝ્યા હશે એની અંદર...આ તીરના ઘાવની પીડા એની સામે કેટલી નાની છે.

કૃષ્ણને પૂજવો નહીં એને વિચારવો ગમે છે મને, કોઈને પ્રેમ કરતું થવાનું પહેલું ચરણ કદાચ એના વિશે વિચારતું થવું એ છે.