આખી દુનિયા લક્ષ્મી પાછળ જ પડી છે! કળિયુગમાં તો મનુષ્યે પૈસા કમાવા પાછળ આંધળી દોટ મૂકી છે. કારણ કે, સમાજમાં પૈસા અને સગવડ વધે તો જ સુખ વધે એવી માન્યતા પ્રવર્તે છે. પણ શું આ માન્યતા ખરેખર સાચી છે? પૈસા આવે તો સુખ આવે જ છે? જીવનમાં પૈસાનું કેટલું મહત્ત્વ છે?
ઝીણવટથી જોઈએ તો લક્ષ્મીનો સ્વભાવ કેવો છે? એક તો એને કમાતા દુઃખ પડે. ઘડિયાળના કાંટે નોકરી-ધંધાની દોડધામ, ઉપરથી સ્ટ્રેસ અને ટેન્શન ભોગવવા પડે. કેટલાકને તો સખત મહેનત કર્યા પછી પણ માંડ જીવન જરૂરિયાત પૂરી કરવાનો પગાર મળે. બીજું, પૈસા આવે તો એ ચોરાઈ ના જાય, વેડફાઈ ના જાય એમ એનું રક્ષણ કરવાનું દુઃખ ઊભું થાય. પૈસા આવ્યા પછી બેન્કમાં પૈસા સેફ કરવાના નિયમિત ધક્કા, સાચી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ચિંતા, ઇન્કમટેક્ષની ઉપાધિ તો રાહ જોઈને ઊભા જ હોય. એટલું જ નહીં, મહેનતથી કમાયેલી લક્ષ્મીને વાપરતા પણ દુઃખ ઊભું થાય. મોટી કમાણી થઈ હોય અને કોઈ માંગતું આવે તો નાછૂટકે આપવા પડે, પણ અંદર ભારોભાર અભાવ થાય. કુટુંબના સભ્યો પૈસા પાણીની જેમ વાપરી નાખે, મોંઘી વસ્તુ લઈ આવે તો “આટલું મોંઘુ?” એમ કરીને અંદર દુઃખ ઊભું થાય.
એટલે જરૂરિયાત કરતા વધારે લક્ષ્મીનો ભરાવો થાય તો પણ દુઃખ અને પૈસાની ભીડ પડે તો પણ દુઃખ. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે “સંસારનું સુખ ‘નોર્માલિટી’માં છે. ભીડ નહીં ને ભરાવો નહીં, એનું નામ સુખ કહેવાય.” જેમ ખેતરમાં પ્રમાણસર વરસાદ પડે તો પાક સારો થાય. પણ જો વરસાદ તૂટી પડે અથવા દુકાળ પડે, તો એ બંને સંજોગોમાં પાકને નુકસાન થાય છે. તેવી જ રીતે, લક્ષ્મીની ભીડ હોય કે ભરાવો હોય તે બંને દુઃખદાયી થઈ પડે છે.
આખી જિંદગી બધા જ પૈસા કમાવા માટે દોટ મૂકે છે, પણ બહુ ઓછા એવા લોકો જોવા મળે છે, જેમને પૈસાથી સંતોષ હોય. શું જે પૈસા વધુ કમાય એ સુખી છે? તપાસ કરીએ તો મોટા મોટા મિલમાલિકો ધૂમ પૈસા કમાતા હોય પણ એમને ખાવાની કે પરિવાર સાથે સમય ગાળવાની ફુરસદ પણ ના હોય. ક્યારે હાર્ટ એટેક આવે અને મૃત્યુ થઈ જાય કહેવાય નહીં. આખી જિંદગી કાળા-ધોળા કરીને, ટેન્શન વહોરીને કમાયેલી લક્ષ્મી અહીં પડી રહે. પોતાની સાથે તો નનામી સાથે બાંધેલા ચાર નાળીયેર સિવાય કશું હાથ ના આવે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે “આ કળિયુગમાં પૈસાનો લોભ કરીને પોતાનો અવતાર બગાડે છે, ને મનુષ્યપણામાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થયા કરે, તે મનુષ્યપણું જતું રહે. મોટાં મોટાં રાજ ભોગવી ભોગવીને આવ્યો છે, આ કંઈ સાવ ભિખારી ન્હોતા, પણ અત્યારે મન ભિખારી જેવું થઈ ગયું છે. તે આ જોઈએ ને તે જોઈએ થયા કરે છે. નહીં તો જેનું મન ધરાયેલું હોય, તેને કશું ય ના આપો તો ય રાજેશ્રી હોય. પૈસો એવી વસ્તુ છે કે માણસને લોભ ભણી દૃષ્ટિ કરાવે છે. લક્ષ્મી તો વેર વધારનારી વસ્તુ છે. એનાથી દૂર જેટલું રહેવાય એટલું ઉત્તમ અને વપરાય તો સારા કામમાં વપરાઈ જાય તો સારી વાત છે.”
પૈસા તો આવી જાય છે પણ મનની શાંતિ ખોરવાઈ જાય છે. જીવનમાં સૌથી મહત્ત્વની મનની શાંતિ છે, અને તે પૈસાથી ખરીદી નથી શકાતી. સંપત્તિ હોય છતાં શાંતિ ન હોય, તો એ સંપત્તિ શું કામની? મનુષ્ય પૈસા કમાવા માટે અનીતિ અને અપ્રમાણિકતા આચરે છે, તેના પરિણામે ભયંકર અશાંતિ અનુભવે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “નીતિ હશે ને પૈસા ઓછા હશે તો પણ તમને શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હશે તો ય અશાંતિ રહેશે.”
મનની શાંતિ મેળવવા માટેનો સુંદર ઉપાય બતાવતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસ્ક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાંને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસ્ક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણેં કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું, તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું તે ઘડીએ તું બાંધું પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય.