Mara Anubhavo - 50 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 50

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 50

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 50

શિર્ષક:- હરિજનોનો મંદિરપ્રવેશ_૨

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 50."હરિજનોનો મંદિરપ્રવેશ_૨"



શ્રી કાશીવિશ્વનાથજીના મંદિરમાં હરિજનોના પ્રવેશથી જુનવાણી વર્ગ ઊકળી ઊઠઠ્યો. બિલાડી, કૂતરાં, ગાય કે અન્ય પશુઓના પ્રવેશથી તેમને કદી ધર્મહાનિ થઈ ગઈ હોય તેવું લાગ્યું નહિ, પણ પોતાના જ ધર્મભાઈઓ સ્નાનાદિથી શુદ્ધ થઈને જો મંદિરમાં પ્રવેશ કરે તો હાહાકાર મચી જાય. સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી અને બીજા અનેક સુધારક મહાપુરુષોના પ્રયત્નથી એક સમજુ વર્ગ તૈયાર થયો હતો. જે આવા ભેદભાવને હિન્દુધર્મનું કલંક સમજતા હતા. તેઓ સૌ મંદિરપ્રવેશને આવકારતા હતા. તેઓના સહયોગથી જ આ મંદિરપ્રવેશ શક્ય બન્યો હતો. પણ કાશીમાં જુનવાણી માનસનું પ્રથમથી જ જોર રહ્યું છે. હરિજનો પ્રત્યે એવી સૂગ ઊભી કરાઈ છે કે માત્ર ઉપરની જ્ઞાતિઓ નહિ, તેની સમીપની જ્ઞાતિઓ પણ તેમની પ્રત્યે સૂગ કરે. ઘણીવાર તો શિક્ષણના કારણે ઉપરની જ્ઞાતિઓ ઓછી સૂગ કરે. સમાજરચના જ એવા પ્રકારની કરાઇ છે કે પ્રત્યેક જ્ઞાતિ એક બીજી પ્રત્યે સૂગનો ભાવ રાખ્યાં કરે.


કાશીમાં જુનવાણી માનસના મુખ્ય બે ઘટકોઃ ૧. પંડિતોનો અને ૨. મારવાડી વેપારીઓનો. પહેલાની પાસે વિદ્યા, પૌરોહિત્ય તથા બીજાની પાસે લક્ષ્મી. આ બન્ને ઉપર પ્રભાવ ધરાવનારા હતા સ્વામી કરપાત્રીજી. સ્વામી કરપાત્રીજીએ ‘રામરાજ્ય પરિષદ' નામનો રાજકીય પક્ષ સ્થાપિત કરેલો અને ઉપરની પ્રજામાં ધર્મ દ્વારા થોડો પ્રવેશ મેળવેલો. તે કૉંગ્રેસના કટ્ટર વિરોધી અને આલોચક હતા. તેઓ વર્ણવ્યવસ્થાના ચુસ્ત હિમાયતી હતા. વ્યક્તિએ વંશપરંપરાથી ચાલી આવતો ધંધો જ કરવો જોઈએ. શૂદ્રોએ શૂદ્રરૂપ રહીને જ આત્મકલ્યાણ કરવું તેવું માનતા હતા. દંડી સંન્યાસીઓ જ ખરા સંન્યાસીઓ છે. બાકીના બધા અશાસ્ત્રીય છે, તેવું પણ માનતા. વ્યાસપીઠ ઉપર માત્ર બ્રાહ્મણ જ બેસે, બીજાથી ન બેસાય તેવી પ્રવૃત્તિ પણ તેમણે શરૂ કરેલી, પણ સફળતા ન મળી. ગાયોના પ્રશ્ને તેમજ ધાર્મિક પ્રશ્ને તેઓ લોકોની લાગણીઓને પોતાના પક્ષમાં ઉશ્કેરતા.


હું ઘણી વાર તેમનાં પ્રવચનો સાંભળવા જતો. રામરાજ્યનો ગાંધીજી તથા તેમનો અર્થ જુદો જુદો હતો. મહાત્મા ગાંધીજી એમ સમજતા હતા રામરાજ્ય એટલે પ્રજાનું રાજ્ય; સુરક્ષા, સંપ, સત્ય, ન્યાય વગેરે ઉચ્ચ ગુણોની સ્ફૂર્તિવાળું રાજ્ય. જ્યારે કરપાત્રીજી વર્ણવ્યવસ્થા પ્રમાણે સૌ પોતપોતાના વર્ણપ્રમાણે રહે અને વર્તે તેને રામરાજ્ય માનતા. એ રીતે તો લાકડાં ફાડનારને પેઢી દરપેઢી લાકડાં જ ફાડ્યા કરવાનાં હતાં અને ચામડું પકવનારાઓને ચામડાના કુંડોમાં જ વંશપરંપરા પૂરી કરવાની હતી. આનું નામ જ સ્થાપિત હિત કહેવાય. તેમના વિચારો સાથે મારો જરાય મેળ પડતો ન હોવા છતાં કટ્ટરતાનાં દર્શન કરવા હું તેમનાં પ્રવચનો સાંભળવા જતો. તેઓ મોટા મોટા યજ્ઞો કરતા-કરાવતા તથા અન્ય ધાર્મિક વિધિઓમાં પણ ખૂબ ભાગ લેતા.


શ્રીકાશીવિશ્વનાથજીના મંદિરમાં હરિજનોના પ્રવેશથી તેઓ ભયંકર રીતે ઊકળી ઊઠ્યા. જ્ઞાનવાપી આગળ સભા થઈ અને અસંખ્ય શાસ્ત્રોનાં પ્રમાણ આપીને તેમણે લોકોને સમજાવ્યા કે બહુ મોટું પાપ થઈ ગયું છે. હવે કાશીવિશ્વનાથમાં શિવતત્ત્વ જ રહ્યું નથી. આવેશમાં તે એટલી હદે બોલી ગયા કે પાયખાનાના પથ્થરમાં ને શિવલિંગમાં હવે કશો જ ભેદ નથી રહ્યો તેમના આવા કઠોર શબ્દો ઉપર દૈનિક “આજ’ માં તંત્રી લેખ લખાયો – ‘યતિ કા તામસ ક્રોધ', વિદ્વાન તંત્રીએ તેમની બરાબર ખબર લીધી. કાશીમાં આ પ્રસંગે ખૂબ ગરમી આવી ગઈ હતી. કરપાત્રીજીનો વિરોધ હોવા છતાં સામાન્ય પ્રજા તેમના પ્રભાવથી મુક્ત હતી. તે ચાહતા હતા કે હવે લોકો એ મંદિરમાં જવાનું બંધ કરે, પણ તેમની અપીલની અસર થોડાંક વ્યાપારી અને મંદિરોના કુટુંબો સિવાય ખાસ ન થઈ. અંતે તેમણે નવું કાશીવિશ્વનાથનું મંદિર બનાવડાવ્યું. તેમની ધારણા હતી કે પ્રજા આ તરફ વળી જશે, પણ તેવું ન થયું. શરૂઆતનાં થોડાંક માણસો વળેલાં તે પણ પાછાં ક્રમે ક્રમે મૂળ મંદિરમાં આવતાં થઈ ગયાં.


મેં કેટલાય પંડિતોના મુખે સાંભળેલું કે જે દિવસે હરિજનોનો મંદિરપ્રવેશ થયો તેના બે દિવસ પહેલાં જ સ્વામી કરપાત્રીજીએ શિવલિંગમાંથી દેવત્વ ખેંચી લીધું હતું, અર્થાત્ એવી કોઈ વિધિ કરીને ભગવાનને લઈ લીધા હતા. એટલે તે શિવલિંગને માત્ર પથ્થર જ બનાવી દીધો હતો. પરમેશ્વરને વ્યાપક માનનારા આ માણસોને શું કહેવું ? આ જ માણસો ૧૯૬૨ની ચીનની લડાઈ વખતે કહેતા હતા કે સ્વામી  કરપાત્રીજીએ અનુષ્ઠાન કર્યું હતું. એટલે ચીન પોતાની મેળે જ પાછું ફરી ગયું હતું. આવી જ અંધશ્રદ્ધા સોમનાથના પૂજારીઓમાં પણ હતી. કહેવાય છે કે મહમદ ગઝનીનું લશ્કર આવીને કિલ્લાની સામે પડ્યું ત્યારે કિલ્લા ઉપર લોકો નાચતા હતા, હસી હસીને કહેતા હતા કે આવતી કાલે મહાદેવ પોતાનું ત્રીજું નેત્ર ખોલશે ને આ મ્લેચ્છો બળીને ખાખ થઈ જશે. આપણે સૌ જાણીએ છીએ કે બીજા દિવસે શું થયું. નાચનારા અને હાંસી ઉડાવનારાની શી દશા થઈ !


ચિંતનમાં વાસ્તવિકતાનો સ્વીકાર નથી થતો હોતો ત્યારે માણસ ભ્રાન્તિઓનો પોષક થઈ જતો હોય છે. આવી અસંખ્ય ભ્રાન્તિઓ ધાર્મિક ક્ષેત્રમાંથી વિતરીત થયા કરતી હોય છે. ધર્મને આવી રીતે પ્રકાશની જગ્યાએ અંધકારનો વાહક બનાવી દેવાતો હોય છે. ભારતનાં સદ્ભાગ્ય સમજીએ કે ‘રામરાજ્ય પરિષદ' જેવી વર્ણવાદી પાર્ટીઓને આ દેશની પ્રજાએ સ્થાન ન આપ્યું. ટૂંકી દૃષ્ટિ, સંકીર્ણ મનોવૃત્તિ અને કાલ્પનિક ખ્યાલોથી કાંઈ રાજવહીવટ ચાલી ન શકે.


સ્વામી કરપાત્રીજી વારંવાર શાસ્ત્રોની દુહાઈ આપતાં કહે છે કે કોઈ સંગ્રહસ્થાનમાં રાખેલી મૂર્તિ અને મંદિરની મૂર્તિમાં એટલો જ ભેદ છે કે પેલી માત્ર પાષાણમૂર્તિ છે જ્યારે મંદિરની મૂર્તિ શાસ્ત્રમંત્રોથી પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિ છે. જે શાસ્ત્રોથી તેમાં દેવત્વ આવ્યું તે જ શાસ્ત્રો જેના પ્રવેશથી દેવત્વ ચાલ્યા જવાનું માને તેને પ્રમાણ માનવું જ જોઈએ. શાસ્ત્રોએ હરિજનોને માત્ર ધજાનાં દર્શન કરીને જ સંતોષ માનવાનું કહ્યું છે. કારણ કે તેમને ધ્વજદર્શનથી જ પુણ્ય મળી જાય છે, વગેરે.


શાસ્ત્ર બાબત એટલું જ કહેવાનું કે પ્રથમ તો પ્રાચીન શાસ્ત્રોમાં (વેદોમાં) આવો ભેદ-નિષેધ દેખાયો જ નથી. અર્વાચીન શાસ્ત્રો તો વર્ણવાદી પંડિતોનાં બનાવેલાં છે અને તે પરિવર્તનીય છે. જો સંન્યાસીઓ સોના-ચાંદીનાં વાસણો રાખતા હોય, લક્ષ્મીનો વ્યવહાર કરતા હોય તો તે વખતે શાસ્ત્રમર્યાદા વિશે આગ્રહ કેમ નથી રખાતો ? શાસ્ત્રમાં સંન્યાસી માટે જે નિયમો બનાવ્યા છે તે ક્યાં જોવા મળે છે ? શાસ્ત્રની દુહાઈ સ્વયંથી લાગુ કરવી જોઈએ શાસ્ત્રનિર્માણ, તેની વ્યાખ્યા તથા તેની કથા કરવાનો અધિકાર જે લોકો લઈ બેઠા હોય તેમની વ્યાખ્યામાં કેટલો ન્યાય રહેશે ? ન્યાય તો સમભાવ રાખનાર સંતો પાસેથી મળી શકે, અને સંતોએ આવા ભેદ રાખ્યા નથી. ચારસો વર્ષ પહેલાં જ નરસિંહ મહેતાએ પોતાના વ્યવહારથી તે સિદ્ધ કર્યુ છે.



આભાર

સ્નેહલ જાની