ધ ટ્રાયલ 2
- રાકેશ ઠક્કર
‘ધ ટ્રાયલ 2’ જોયા પછી એમ કહી શકાય કે કાજોલની નહીં એની વેબસિરીઝ દર્શકોની અપેક્ષા પૂરી કરી શકી નથી! હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી એક ખાસ સ્થાન બનાવનાર કાજોલે ‘ધ ટ્રાયલ’ થી OTT ની વેબસિરીઝમાં પ્રવેશ કર્યો હતો. એની થોડી પ્રસંશા થઈ હતી. પણ એની બીજી સીઝન નિરાશ કરી ગઈ છે.
શ્રેણીના મિશ્ર પ્રતિસાદનો મતલબ ભલે એ નથી કે કાજોલ સારી વેબ શ્રેણી પસંદ કરવામાં નિષ્ફળ ગઈ. એટલું ચોક્કસ છે કે તેની પ્રોજેક્ટની પસંદગી દર્શકોની બધી અપેક્ષાઓ પૂરી કરી શકી નહીં. કાજોલ ભલે એમ કહેતી હોય કે ફિલ્મ અને સીરીઝ જે હોય તે ભૂમિકા એ ભૂમિકા છે પણ ‘ધ ટ્રાયલ 2’ માં કોર્ટના કેસ નિસ્તેજ અને રાજકીય ભાષણો પોકળ લાગે છે. દિગ્દર્શક ઉમેશ બિષ્ટ વાર્તાને પડદા પર દમદાર રીતે રજૂ કરી શક્યા નથી. તેથી નયોનિકા (કાજોલ) ના જીવનમાં સમસ્યાઓ બતાવી છે તેમાંથી કોઈ પણ સાથે દર્શક કોઈ ખાસ રીતે જોડાઇ શકતા નથી.
શ્રેણી ક્યારેક થોડી ધીમી અને ઠંડી બની જાય છે. એટલે એમાં કાજોલનો કોઈ વાંક નથી. કેમ કે, પોતાની ભૂમિકાને એણે પ્રામાણિકતાથી ભજવી છે. કાજોલે પાત્ર સાથે કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વાર્તાને કારણે પાત્ર દમદાર બન્યું નહીં. આ શ્રેણીની સૌથી મજબૂત કડી કાજોલ અને બીજા કલાકારોનો ગંભીર અભિનય છે. પહેલા ભાગમાં કાજોલને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તે એક મજબૂત માતા સાથે પોતાની પુત્રીઓનું રક્ષણ કરતી એક વકીલ હોય છે. જે કાયદાની દુનિયામાં ફરી પોતાની ઓળખ શોધવાનો પ્રયાસ કરે છે. જો તમે પહેલી સીઝન જોઈ હોય અને કાજોલની આગળની સફર જોવા માંગતા હોય તો તમે શ્રેણી જોઈ શકો છો. પરંતુ તેનાથી વધુ અપેક્ષા રાખવી એ મૂર્ખામી હશે. આ વખતે પહેલાનો જુસ્સો અને ઉત્સાહ ગાયબ છે. પહેલેથી જ ખ્યાલ આવી જાય છે કે વાર્તા અને પાત્રો કઈ દિશામાં જઈ રહ્યા છે. તેથી આનંદ આવતો નથી.
અમેરિકન શ્રેણી 'ધ ગુડ વાઇફ' પર આધારિત આ વાર્તા છેલ્લા એપિસોડથી આગળ વધે છે. જેમાં કાજોલની ઇચ્છા ના હોવા છતાં પતિ જીશુ સેનગુપ્તા રાજકારણમાં પ્રવેશ કરે છે. એ કારણે સંબંધોમાં તણાવ પેદા થાય છે અને એની અસર બાળકો પર પણ થાય છે. જીશુની હરીફ નેતા સોનાલી કુલકર્ણી તેના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે કાજોલના શ્રેષ્ઠ પ્રયાસ છતાં પરિવાર રાજકારણના દલદલમાં પહોંચી જાય છે. વ્યાવસાયિક મોરચે અલી ખાન હજુ પણ કાજોલના પ્રેમમાં છે, જ્યારે ગૌરવ પાંડે તેના માટે સમસ્યાઓ ઊભી કરવાની કોઈ તક છોડતો નથી. ત્યારે નવો ભાગીદાર કરણવીર વર્મા કંપનીમાં નોંધપાત્ર ઉથલપાથલ મચાવે છે.
મોટાભાગની બાબતો કોર્ટરૂમની બહાર ઉકેલાઈ જાય છે. તેથી વધારે ડ્રામા જોવા મળતો નથી. શો ખૂબ જ અનુમાનિત છે. રાજીવ અને નારાયણી વચ્ચે ફક્ત જુમલાબાજી થતી રહે છે. લેખકે નારાયણી જેવા મજબૂત પાત્રનો વિકાસ સારી રીતે કર્યો નથી. માલિની ખન્નાના પાત્રમાં શીબા ચઢ્ઢા, ઇલ્યાસ તરીકે અસીમ હટ્ટાગડી અને ધીરજ પાસવાન તરીકે ગૌરવ પાંડેનું કામ ખરેખર સારું છે. સનાના પાત્રમાં કુબ્રા સૈત રસપ્રદ છે. અલીખાન વિશાલ ચૌબેના પાત્રમાં ડૂબી ગયો છે. કાજોલ અને અલી વચ્ચેનો ઝઘડો જોવાનું આનંદદાયક બને છે.
જે આખી સીરિઝનો આધાર છે એ કોર્ટરૂમ ડ્રામા પણ નબળો છે. કોર્ટરૂમમાં વગાડવામાં આવતું શાસ્ત્રીય સંગીત દ્રશ્યને બગાડે છે. એમાં જટિલ કેસોનો અભાવ છે. વકીલો વચ્ચેની જ્વલંત દલીલો સ્પષ્ટ નથી. કાનૂની દાવપેચ ઓછા અને અર્થહીન ડ્રામા વધુ છે. કાનૂની લડાઈઓ કરતાં લગ્ન, નૈતિકતા અને મધ્યમ વર્ગની સમસ્યા જેવા જટિલ વિષયો પર શ્રેણી વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. તે મૂળ વાર્તાથી ચોક્કસપણે અલગ છે, તે સારા અને અનિષ્ટ વચ્ચેના યુદ્ધને દર્શાવે છે. જે પહેલી સીઝનમાં પણ જોવા મળ્યું હતું. લેખન એવું છે કે ન્યાય ઘણીવાર કોણ સાચું છે તેના પર નહીં પણ કોણ વધુ સારી દલીલ કરી શકે છે તેના પર આધાર રાખે છે.