46. “મને વિશ્વાસ છે.”
ચાલો તો આજે 32 વર્ષ પહેલાં બ્રાન્ચ કોમ્પ્યુટરાઈઝેશનની વાતો ટૂંકમાં માણીએ.
1993 સપ્ટેમ્બર. રાજકોટ મેળાની મઝાઓ માણી કામધંધે વળગેલું. હું અમદાવાદ મારી બેંકના ટ્રેનિંગ સેન્ટરમાં ઇન્સ્ટ્રક્ટર હતો. મને લેટર અને સૂચના આપવામાં આવી કે આ સોમવારે રાજકોટ ટાગોરમાર્ગ બ્રાન્ચમાં બિઝનેસ અવર્સ (તે વખતે બપોરે 3) બાદ બેંકનાં કોમ્પ્યુટરાઈઝડ ઓપરેશનનો ડેમો આપવાનો છે. હું સ્વાભાવિક રીતે સવારની સાતેક વાગ્યાની બસમાં રાજકોટ ગયો. ઉતર્યો ને જોયું તો ત્રણ ચાર કોમ્પ્યુટરો સાથેનાં ખોખાં પાછળથી ઉતર્યાં. એક યુવાન બસના ક્લીનરને કહી એ રિક્ષામાં મુકાવતા હતા. ખોખાં પર ખાસ જાતનો O વાંચ્યો. એ યુવાનનાં શર્ટ પર પણ. ઓહ, આ કોમ્પ્યુટર્સનો સર્વિસ કોન્ટ્રેક્ટ ધરાવતી ઓનવોર્ડ ટેકનોલોજી કંપની. મેં સામેથી એ યુવાન સાથે હાથ મિલાવી ઓળખાણ કાઢી. તેઓ યજ્ઞેશ પટેલ નામે એન્જીનીયર હતા. બપોરે ટાગોરમાર્ગ મળવાનું પ્રોમિસ આપી છુટા પડ્યા.
હું લોજમાં જમીને એ બ્રાન્ચ ગયો. ઉપરને માળ આ ખોખાં પહોંચી ગયેલાં. મેં આંટાફેરા માર્યા. બે વાગ્યા. ઓચિંતો શ્રી પટેલનો ફોન આવ્યો કે તેઓ લેઈટ થઈ શકે. સ્ટાફને ડેમો આપવા સમયસર ઇન્સ્ટોલેશન કરવું જરૂરી હતું. આમ તો ઓનવોર્ડ ટેકનોલોજીવાળા જ તે કરતા. મને સૂઝ્યું તે કટર લઈ ખોખાંઓ પરની સેલોટેપ કાપી એ મોનિટર્સ અને સીપીયુ બહાર તો કાઢ્યાં. મેનેજર કહે 'જોજો હોં ભાઈ, કાંઈ આડું પડશે તો આપણને બેયને જવાબ દેવો પડશે.' મને મેં કોર્સ કર્યો હોઈ અમુક ખ્યાલ હતો જ. મેં શ્રી.પટેલને ફોન લગાવ્યો. તેમણે જેની આગળ નાનું બુચ જેવું હોય ને ગ્રે કલરનો વાયર હોય તે પાવર કેબલ અને જેને છેડે બ્રશ જેવું દેખાતું હોય તે ડેટા કેબલ એમ કહ્યું. મને કહે છેડે જુઓ તો અંગેજી D જેવો આકાર લાગશે. એ ડી કનેક્ટર કહેવાય. ડેટા કેબલમાં હોય. એક પણ પિન વળે નહીં તેમ જોર કર્યા વગર નાખો. પાવર કેબલનો ત્રણ પિન વાળો સ્લોટ ભરાવો ઇલેક્ટ્રિક પ્લગમાં." કર્યું. પ્લગ જતો હતો ત્યાં ઢીલું વાયરિંગ. બ્રાન્ચનો પીયૂન ડિસમિસ લઈને આવ્યો ને એ ટાઈટ કર્યું. શ્રી.પટેલ કહે હવે મેઈન લાઈનનો વાયર યુપીએસમાં ભરાયો છે કે નહીં તે જુઓ. યુપીએસની સ્વિચ નીચે કરો. હં. લાઈટ આવી? કોમ્પ્યુટરની સ્વિચ ઓન કરો." અને એમ ત્રણ કોમ્પ્યુટર ઓન કર્યાં. તરત એ જ રીતે MS-DOS, એ વખતની કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. (આજે વિન્ડો છે તેવી. ) ઇન્સ્ટેલ કરી. એ પછી boot.exe નામનો પ્રોગ્રામ ધરાવતી ફ્લોપી નાખી કોમ્પ્યુટરમાં પ્રાણ ફૂંકયા. પછી નાખ્યો બેંકનો ALPM માટેનો એ ઓનવર્ડ કંપનીનો સોફ્ટવેર. સેટઅપની ફ્લોપી ત્યારે સવાપાંચ ઇંચની અત્યારે સેવની સાઈનમાં જોઈએ છીએ તેવી આવતી. એ નાખી અને 'પ્રેસ ટુ કંટીન્યુ' આવતું ગયું એમ કરતો ગયો. સ્ક્રીન પર મેન્યુ આવી ગયું. ઇન્સ્ટોલ. મેં એકલા એકલા તાળી પાડી મને વધાવ્યો.
ત્રણમાં પાંચે શ્રી.પટેલ આવ્યા. "સોરી. જ્યાં ઓલરેડી કોમ્પ્યુટર્સ છે તે બ્રાન્ચમાં પ્રોબ્લેમ હતો તે ચાલુ ઓપરેશને સોલ્વ કરવો પડે એમ હતો. ચાલો હું સેટઅપ કરી આપું." મેં એક કોમ્પ્યુટર ચાલુ કરી બતાવ્યું. તેઓ તો ખુશ. "વી આર રેડી ફોર ડેમો".
ત્રણને પાંચે ઓચિંતા રિજિયોનાલ મેનેજર બ્રાન્ચમાં આવ્યા. કહે મારે ડેમો જોવું છે. શરૂ તો બેંકનો ઇન્સ્ટ્રક્ટર જ કરે ને! કોમ્પ્યુટરથી કોઈની નોકરી નહીં જાય (જે એ વખતે લોકોને ભય હતો), કામમાં એક્યુરસી રહેશે, અમુક મેન્યુઅલ કામો પળવારમાં થશે ને કાયમી રેકોર્ડ પણ રહેશે તે કહ્યું. બેકઅપ શું છે તે સમજાવ્યું.
પછીનું શ્રી. પટેલે સેવિંગ્સના પેકેજનું ડેમો કર્યું.
ફ્લોપીઓ કેમ સાચવવી, 'ઓડિટ ટ્રેઇલ' ને એવું એ વખતે જ relevant સમજાવી હું નીકળ્યો.
"મેં રિસ્ક લીધું. જો કાંઈ ઊંધું પડ્યું હોત તો હું, તમે, મેનેજર બધા મુશ્કેલીમાં મુકાત." મેં કહ્યું.
"મેં એવોઇડેબલ રિસ્ક લીધું. અમદાવાદથી એન્જીનીયર શિવા ગાંધીએ કહ્યું કે અંજારીયાભાઈએ … કોર્સ કર્યો છે. સો લેટ હીમ ડુ." તમે ઇન્સ્ટોલ કરવાનું, જે તમારી ડ્યુટીમાં નહોતું તે માથે લીધું અને મેં કરવા દીધું. મને વિશ્વાસ છે તમે કરી શકશો. ન કરવા દીધું હોત તો આ ડેમો કેન્સલ કરવો પડત. અને રિજિયોનલ મેનેજર તો ઓચિંતા આવ્યા. કેન્સલ થાત તો અમારી કંપનીને પણ મુશ્કેલી થાત. યુ હેવ સેવ્ડ ટાઈમ એન્ડ સેવ્ડ ધ ડે."
તેઓ ફસાયેલા તે બ્રાન્ચમાં કોઈએ ડેઇલી બેકઅપની જગ્યાએ મંથલી બેકઅપ રિસ્ટોર કરી નાખેલો. મહિનાની પહેલી તારીખનો ડેટા આવી ગયો ને એ દિવસ સુધીનાં બધાં ટ્રાન્ઝેકશન્સ, ચેકબુક વગેરે ધોવાઈ ગયેલાં. બ્રાન્ચમાં અકારણ રાડ મચી ગયેલી.
CBS ના જમાનામાં આ બધું સમજાય તો પણ કોઈ માને નહીં.
યજ્ઞેશ પટેલ મને લીમડાચોક ટ્રાવેલની બસમાં મૂકી આવ્યા અને ખાસ નાસ્તો કરાવ્યો. અમે સારા મિત્રો બની રહેલા.
**