કેટલીક કરૂણાંતિકાઓ લાંબા સમય સુધી યાદ રહી જાય છે કારણકે તેમાં હજ્જારો લોકો કસમયે મોતને ભેટ્યા હોય છે, તેનાથી ભારે નુકસાન વેઠવું પડ્યું હોય છે અને લોકોને તેના કારણે ભારે યંત્રણાઓનો સામનો કરવો પડ્યો હોય છે.તેમાંય જો કુદરતી આફતો ત્રાટકી હોય ત્યારે તો મોતનો આંકડો હૃદયને કંપાવી દેનાર હોય છે.દર વર્ષે વિશ્વમાં ક્યાંકને ક્યાંક ભૂકંપ, ચક્રવાત, પુર, દુર્ઘટનાઓ અને વિમાન અકસ્માતોની ઘટનાઓ ઘટતી રહે છે જેમાં હજ્જારો લોકોનાં મોત થાય છે.ઇતિહાસનાં પાનાઓ જોઇએ તો એવી અનેક કરૂણાંતિકાઓ નોંધાયેલી છે જેમાં કરોડો લોકોને યંત્રણાઓ સહન કરવી પડી હતી.
નેપાળ અને કુમાઉની પહાડીઓની આસપાસ એક સમયે એક વાઘ અને દીપડાએ આતંક મચાવી દીધો હતો જેના શિકાર અસંખ્ય લોકો બન્યા હતા. ચંપાવત ટાઇગરનાં નામે કુખ્યાત તે માદા વાઘણે ૪૦૦થી વધારે લોકોનો શિકાર કર્યો હતો.વીસમી સદીનાં આરંભમાં આ વાઘણે કહેર મચાવી દીધો હતો.તે વાઘણ એટલી નિર્ભિક હતી કે ગમે ત્યારે ગામમાં ઘુસી જતી હતી અને શિકાર કરતી હતી.જો કે એક વખત સોળ વર્ષની છોકરીનો તેણે શિકાર કર્યા બાદ જાણીતા શિકારી જિમ કોર્બેટે તેને ઠાર કરવાનું નક્કી કર્યુ હતું અને લોકોને તેના ત્રાસમાંથી છુટકારો અપાવ્યો હતો.જો કે તેનું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે ખ્યાલ આવ્યો કે તેના ઉપરનાં અને નીચેનાં દાંત પડી ગયા હતા એટલે તે કોઇ પ્રાણીનો શિકાર કરી શકે તેટલી સક્ષમ ન હતી તેના માટે માણસ જ આસાન શિકાર હતો તેના કારણે તે આદમખોર બની ગઇ હતી.તે ગાળાની આસપાસ જ કુમાઉમાં એક દીપડાએ ભારે ત્રાસ વર્તાવી દીધો હતો તેણે પણ લગભગ ચારસો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેનો શિકાર પણ જિમ કોર્બેટે કર્યો હતો.આ બંને આદમખોર જાનવરોને ઇતિહાસમાં સૌથી વધારે ખુંખાર મનાય છે.
૧૯૫૯માં એક અનુભવી સ્કીયર્સ અને હાઇકર્સ જુથે ઉરાલની પર્વતમાળામાં પર્વતારોહણનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. આ જુથની આગેવાની ઇગોર ડીટલોવે કરી હતી અને તેમણે ઓટોર્ટનની ટોચે પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતું.તેઓ ત્યાં પોતાની દિશા ભૂલી ગયા તે પહેલા તો બધુ યોજનાબદ્ધ રીતે જ ચાલતું હતું.પોતે દિશા ભૂલ્યા છે તેની જાણ થતા જ ડીટેલોેવે ત્યાં કેમ્પ નાંખીને બીજા દિવસે ફરીથી સાચી દિશા ખોળવાનું નક્કી કર્યુ હતું.જો કે તેમની યોજના સાકાર થઇ ન હતી અને જ્યારે તેમનાં તરફથી કોઇ ટેલિગ્રાફ ન આવ્યો ત્યારે તેમની શોધ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.અભિયાન ચલાવનારાઓને તે તમામનાં મૃતદેહ તે વિસ્તારમાં રહસ્યમય રીતે મળી આવ્યા હતા.તેમનાં પોસ્ટમોર્ટમમાં જે વાતો ઉજાગર થઇ હતી તેણે તેમની મોતને વધારે રહસ્યમય બનાવી હતી.તેમના શરીર પર બાહ્ય ઇજાઓનાં નિશાન ન હતા, કેટલાકે જે કપડા પહેર્યા હતા તે અન્યોનાં હતા. એકનાં મોંમાથી જીભ જ ગાયબ હતી.તેમનાં વસ્ત્રો પરથી ભારે માત્રામાં રેડિયોએકટિવ પદાર્થ મળી આવ્યા હતા.ત્યારે સોવિયત યુનિયન કોલ્ડવોરમાં સક્રિય હોવાને કારણે આ ઘટનાને ગુપ્ત જ રાખવામાં આવી હતી.તે ફાઇલોને ક્યારેય જાહેર કરાઇ ન હતી અને તમામનાં મોતને અદૃશ્ય શક્તિઓનાં કારણે થયાનું કહેવાયું હતું.આ તમામ પર્વતારોહીઓનાં મોત આજે પણ રહસ્યમય જ બની રહ્યાં છે.
શેરડીનો ગોળ કે ખાંડ બનાવાય તે દરમિયાન તે જાડા રગડામાં તબદિલ થાય છે.૧૯૧૯ની પંદરમી જાન્યુઆરીએ માસાચ્યુસેટ્સનાં બોસ્ટનમાં આ રગડાની ટેન્કની હેરાફેરી કરાતી હતી જેમાં બે મિલિયન ગેલન દ્રવ્ય ભરેલું હતું જેમાં વિસ્ફોટ થતાં તેમાંથી પંદર ફુટ ઉંચાઇનું પ્રવાહી બોસ્ટનની સડકો પર રેલાઇ ગયું હતું જે કોઇ પુર કરતા ઓછું ન હતું જેની ચપેટમાં આવનાર તમામ વસ્તુઓ નાશ પામી હતી.આ દુર્ઘટનામાં એકવીસ લોકો અને કેટલાક ઘોડા મોતને ઘાટ ઉતર્યા હતા.૧૫૦ કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.આ રગડાને સાફ કરવામાં મહિનાઓનો સમય લાગ્યો હતો.આ દુર્ઘટના માટે તે દિવસે પડેલી ગરમીને જવાબદાર ગણાવાય છે ત્યારે ગરમીનો આંક ૩૯ ડિગ્રીને વટાવી ગયો હતો.આજે પણ ગરમીનાં દિવસોમાં બોસ્ટનની ગલીઓમાં હવામાં એ રગડાની ગંધ વર્તાય છે.
વિશ્વની દરેક સરકારો વિમાનન માટે સલામતીનાં દાવોઓ કરતી જ હોય છે પણ એ વાસ્તવિકતા છે કે દર વર્ષે વિમાન અકસ્માતમાં હજ્જારો લોકો મોતને ઘાટ ઉતરતા હોય છે.૧૨ નવેમ્બર ૧૯૯૬નાં દિવસે દિલ્હીનાં એરપોર્ટ પરથી સાઉદી માટે એક ફ્લાઇટ રવાના થવાની હતી એ જ વખતે કઝાકીસ્તાનની એક ફ્લાઇટનાં ઉતારણનો સમય હતો.આમ તો દિલ્હી એરપોર્ટ પર રોજ અસંખ્ય ફ્લાઇટો આવતી જતી હોય છે પણ આ દિવસે બંને વિમાન આકાશમાં અથડાયા હતા તમામ ૩૪૯ મુસાફરો મોતને ઘાટ ઉતર્યા હતા.આ અકસ્માતને કારણે ભારત સરકારને પોતાની નીતિઓમાં તાત્કાલિક સુધારો કરવાની ફરજ પડી હતી.
વર્ષ ૨૦૦૩ની વીસમી ફેબ્રુઆરીએ ગ્રેટ વ્હાઇટ નામનાં રોક બેન્ડે રહોડ આઇલેન્ડની સ્ટેશન નાઇટકલબમાં પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યુ હતું.તે બેન્ડ જ્યારે પોતાના સાધનો જમાવતું હતું ત્યારે અચાનક જ આગ ફાટી નિકળી હતી અને હાજર રહેલા ચારસો કરતા વધારે લોકો જીવ બચાવવા માટે સાંકડા એકઝીટ ડોર તરફ ધસ્યા હતા જેના કારણે ભારે અફડાતફડી મચી જવા પામી હતી.માત્ર છ મિનિટમાં જ કલબ આગની લપેટોમાં સ્વાહા થઇ ગઇ હતી અને લગભગ સો જેટલા લોકો ભડથુ થઇ ગયા હતા અને ૨૩૦ જેટલા લોકોને ઇજાઓ થઇ હતી માત્ર ૧૩૨ સદ્ભાગીઓ એવા હતા જેમને કોઇ ઇજા થઇ ન હતી.અમેરિકાનાં ઇતિહાસમાં આ ચોથી ભયંકર ટ્રેજેડી હતી જેમાં આટલું નુકસાન થવા પામ્યુ હતું.આ દુર્ઘટનાએ પણ અમેરિકાને તેના કાયદાઓમાં પરિવર્તન કરવાની ફરજ પાડી હતી.આ દુર્ઘટના બાદ જ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને તમામ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયું હતું.
૧૯૭૧નાં સપ્ટેમ્બર મહિનામાં બસરાનાં બંદર પર ૯૦૦૦૦ ટન અનાજ વહાણમાં લદાયું હતું.જો કે આ અનાજનો ઉપયોગ ખાવા માટે કરવાનો ન હતો તેમાં જે રસાયણો વપરાયા હતા તેના કારણે તેના થેલાઓ પર તે ઝેરી હોવાનાં ચિહ્ન અંકિત કરાયા હતા.જો કે આ ચેતવણી અંગ્રેજી અને સ્પેનિશમાં લખેલી હતી જો કે તેમાંથી કેટલીક થેલીઓ ચોરાઇ ગઇ હતી અને ચોરાયેલો માલ ત્યાં સ્થાનિક બજારમાં વેપારીઓને વેચાયો હતો.આ ચોરી બાદ હજ્જારો લોકોને મર્ક્યુરી પોઇઝન લાગુ પડ્યાનાં અહેવાલો જાહેર થયા હતા.ઇરાકની હોસ્પિટલોમાં ભારે સંખ્યામાં જ્યારે લોકો ભરતી થયા ત્યારે તબીબોને તેમનો ઇલાજ શુ કરવો એ જ સમજ પડતી ન હતી.જો કે ત્યારે તો ઇરાકી સત્તાધીશોએ આ ઘટના પર પરદો નાંખી દીધો હતો પણ એક અમેરિકન પત્રકારે આ આખી કરૂણાતિકા પરથી પરદો હટાવ્યો હતો.ત્યારે મોતનો આંકડો ૫૦૦નો જાહેર કરાયો હતો પણ કહેવાય છે કે તેનાથી વધારે લોકો માર્યા ગયા હતા.
૧૯૩૦નાં વચગાળામાં ગ્રેટ ડિપ્રશને અમેરિકાની આર્થિક હાલતને ડામાડોળ કરી નાંખી હતી.૧૯૩૦માં ટેકસાનની રસ્ક કાઉન્ટીમાં તેલ મળી આવ્યું હતું જેના કારણે આ વિસ્તાર અમેરિકાનો સમૃદ્ધ વિસ્તાર બની ગયો હતો.ત્યારે ન્યુ લંડનમાં એક શાળાનું નિર્માણ કરાયું હતું જેમાં ૭૨ નેચરલ ગેસ હીટર્સ લગાવાયા હતા.૧૯૩૭માં સ્કુલ ડિસ્ટ્રીકટે નેચરલ ગેસનો કરાર રદ કર્યો હતો જોકે તેમણે ગેસ લાઇનને નાણાંની બચત માટે દુર કરી ન હતી.પરિણામે તે ગેસ લાઇનમાં ભારે માત્રામાં ગેસ રહી જવા પામ્યો હતો.નેચરલ ગેસ ગંધ અને રંગહીન હોય છે તેથી તેનાં લીકેજને શોધવાની વાત મુશ્કેલ બની રહે છે.૧૯૩૭માં ૧૮મી માર્ચે ઇન્સ્ટ્રકટરે ભોંયરામાં કોઇ કામ માટે વિજળી ચાલુ કરી હતી તેમાં તણખો ઝરતા જ ભયંકર વિસ્ફોટ થયો હતો અને સ્કુલની ઇમારત ખેદાનમેદાન થઇ જવા પામી હતી જેમાં ૩૦૦થી ૫૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોતને ઘાટ ઉતર્યા હતા.આ દુર્ઘટના બાદ અમેરિકાને તેની શાળાઓ અંગેના કાયદાઓમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.
કેમેરૂનનાં ઉત્તર પશ્ચિમમાં આવેલ લેક ન્યોસ એ સક્રિય જવાળામુખી છે જેના વિસ્ફોટને પરિણામે જ ન્યોસ સરોવરની રચના થવા પામી છે.આ સરોવરનું પાણી જવાળામુખીને કારણે એસિડિક બની ગયું છે અને તેના પેટાળમાં પણ ગેસ ભરેલા છે.આ ગેસ સમયાંતરે પાણીની સપાટી તોડીને બહાર નિકળતા જ રહે છે પણ તે ગેસ નુકસાનકારક નહી હોવાને કારણે કોઇ મુશ્કેલી સર્જાઇ નથી.૨૧ ઓગસ્ટ ૧૯૮૬માં સરોવરનાં પેટાળમાંથી ભારે માત્રામાં કાર્બન ડાયોકસાઇડ બહાર આવ્યો હતો કારણકે ત્યારે સરોવરનાં પેટાળમાં ભૂસ્ખલનની ઘટના બની હતી.આ ઝેરી ગેસનાં વાદળો ચા, ન્યોસ અને સુબુમ નામનાં ગામડાઓ પર છવાઇ ગયા હતા અને ત્યાં રહેલ તમામ જીવંત પ્રાણીઓ તુરત જ મોતને ઘાટ ઉતર્યા હતા.ત્યારબાદ વૈજ્ઞાનિકોએ સરોવરમાં ટ્યુબ લગાવવાનું નક્કી કર્યુ હતું જેથી કાર્બન ડાયોકસાઇડ સલામત માત્રામાં ઉત્સર્જિત થાય.
વીસમી સદીમાં જવાળામુખી ફાટવાની ટ્રેજેડીઓમાં જે સૌથી વધારે ભયાનક હતી તે અનેક રીતે વિશિષ્ટ હતી.આ દુર્ઘટના પુર્વ કેરેબિયન સમુદ્રનાં તટે આવેલ સેન્ટ પિયર આઇલેન્ડ પર ઘટી હતી.૧૯૦૨માં ત્યાંના સ્થાનિકોને કેટલીક અસામાન્ય બાબતોનો અનુભવ થયો હતો.ધરતીમાં કંપ આવતો હતો, સલ્ફરની ગંધ ચોતરફ ફેલાયેલી હતી અને શહેર પર સતત રાખોડીનો વરસાદ થઇ રહ્યો હતો.જેના કારણે જવાળામુખીની આસપાસનો વિસ્તાર રહેવાને લાયક રહ્યો નથી પરિણામે હજ્જારો સાપ સેઇન્ટ પિયરમાં ઘુસી ગયા હતા આ બેબાકળા સાપોએ ત્યારે લોકોમાં ભયની લહેર પ્રસરાવી દીધી હતી તેના ડંખને કારણે પચાસ કરતા વધારે લોકો મોતને ઘાટ ઉતર્યા હતા.આ સાપ માત્ર શહેરનાં માર્ગે જ ત્યાંથી છટકી શકે તેમ હતા.જો કે આ ઘટનાનાં કેટલાક મહિના બાદ માઉન્ટ પેલે જવાળામુખી ફાટ્યો હતો અને ત્રીસ હજાર કરતા વધારે લોકો મોતને ઘાટ ઉતર્યા હતા.આ દુર્ઘટનામાં ટાપુ પર માત્ર બે જ લોકો જીવતા બચ્યા હતા.આ દુર્ઘટના ફ્રાંસનાં ઇતિહાસમાં સૌથી ભયંકર હતી.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં યુનિયન કાર્બાઇડનો પ્લાન્ટ હતો.જો કે ૧૯૮૦નાં ગાળામાં અહી ઉદ્યોગો લાગ્યા હતા પણ તેની સલામતી અંગેની સમજ લોકોમાં ન હતી.૧૯૮૪ની ત્રીજી ડિસેમ્બરે સાંજે ૪૨ ટન મિથેલ આઇસોકેનેટની ટેન્કમાં ભારે માત્રામાં પાણી ઘુસી ગયું હતું.તેના કારણે ટેન્કનું તાપમાન ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ થઇ ગયુ હતું જેણે શહેરમાં ઝેરી ગેસ ફેલાવી દીધો હતો.ત્યારે શહેરવાસીઓને ગળામાં બળતરા અને ગુંગળામણનો અનુભવ થયો હતો.આ દુર્ઘટનાએ ભોપાલની શેરીઓમાં મોતનું તાંડવ મચાવી દીધુ હતું.માત્ર બોત્તેર કલાકમાં જ ૧૦હજાર કરતા વધારે લોકો માર્યા ગયા હતા અને ૨૫ હજાર ત્યારબાદ મોતને ઘાટ ઉતર્યા હતા.ભોપાલ ગેસ કરૂણાંતિકાને વિશ્વની સૌથી ભયંકર ઔદ્યોગિક કરૂણાંતિકા ગણાવાય છે.આ દુર્ઘટનાએ ભારત સરકારને સબક શિખવ્યો હતો અને તેણે પ્રશિક્ષણ કાર્યક્રમો ચાલુ કર્યા હતા.