પૃથ્વીનો ૭૧ ટકા જેટલો ભાગ તો પાણીથી જ છવાયેલો છે ત્યારે એ વાતનું આશ્ચર્ય ન હોવું જોઇએ કે પાણીની અંદરની દુનિયા માનવી માટે હંમેશા આશ્ચર્યજનક જ રહી છે.સદીઓથી માનવી પાણીની અંદર ડુબકીઓ લગાવતો રહ્યો છે અને ત્યાંથી અનેક પ્રકારની વસ્તુઓ મળી આવે છે ક્યારેક કોઇ તુટેલા પ્લેનનો ભંગાર કે ડુબેલા જહાજનાં અવશેષો મળે છે ક્યારેક તો કિંમતી ખજાનાઓ પણ હાથ લાગે છે.જો કે આના કરતા પણ વિચિત્ર વસ્તુઓ પાણીની સપાટીમાંથી મળી આવે છે.જેમાં પ્રાચીન કોમ્પ્યુટર, ખોવાયેલા શહેર, પાણીની અંદરનું સ્ટોનહેન્જ અને ક્લ્પનામાં પણ ન આવે તેવી વસ્તુઓ પાણીમાંથી મળી આવી છે.
ફ્લોરિડાનાં દરિયા કિનારા પર ખજાનાની શોધ માટે પ્રખ્યાત થયેલા જે મિસ્કોવીચને ૨૦૧૦માં ૧૦૦૦૦ કરતા વધારે નિલમનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત અડધો બિલિયન ડોલર કરતા વધારે હતી.આ શોધે મીડિયામાં હલચલ મચાવી દીધી હતી.સરકારે ત્યારબાદ હંગામી ધોરણે મિસ્કોવીચને નિલમનો માલિક બનાવ્યો હતો પણ તે કિંમતી પથ્થરોને વેચી શકે તેમ ન હતો.આ કિંમતી ખજાનાએ જો કે મિસ્કોવીચની જિંદગી બદતર કરી નાંખી હતી અને તેણે ૨૦૧૩માં કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાની અફવા ઉડી હતી.જો કે એ નિલમનો ખજાનો મિસ્કોવીચ પાસે જ છે.
૧૭૧૮માં બ્લેકબર્ડ તેના ક્વીન એને રિવેન્જને લઇને નોર્થ કેરોલિના જવા નિકળ્યો હતો.આ જહાજ મુળે તો ગુલામોની હેરાફેરી માટે વપરાતું હતું જેને લા કોન્કોર્ડ તરીકે ઓળખવામાં આવતું હતું જો કે આ જહાજને ત્યારબાદ બ્લેકબર્ડે ૧૭૧૭માં આંચકી લીધુ હતું.આ જહાજ તેના સમયમાં સૌથી ખતરનાક મનાતું હતું જે ૧૯૯૬માં પાણીનાં પેટાળમાંથી મળી આવ્યું હતું ત્યારે તેના પર પ્રાચીન કલાત્મક ચીજો ઉપરાંત વિશાળ લંગર, મેડીકલ ગિયર અને શસ્ત્રો મળી આવ્યા હતા.આ જહાજ પર જે સૌથી વિચિત્ર વસ્તુ હતી તે હતી તોપગોળા જે વિવિધ આકાર અને વજનનાં હતા.સૌથી મોટા ગોળાનું વજન ૩૦૦૦ પાઉન્ડ હતું.આ તોપગોળા જહાજ પર ૧૬૪૦થી ૧૭૧૪નાં સમયથી હોવાનું મનાય છે.જેમાંથી નવ ગોળા તો તોપમાં લાગેલા હતા.આ જહાજ પરથી મળી આવેલી વસ્તુઓને નોર્થ કેરોલિનાનાં મેરિટાઇમ મ્યુઝીયમમાં પ્રદર્શનમાં મુકાયેલી છે.
જુન ૨૦૧૧માં ખજાનો શોધનાર એક ટીમને બાલ્ટીક સમુદ્રનાં તળિયેથી એલિયન રકાબી જેવી વસ્તુ મળી આવી હતી જેને બાલ્ટીક સી એનોમોલી નામ અપાયું હતું.આ વસ્તુ ૭૦ મીટર લાંબી હતી અને તેનો રંગ ભુખરો હતો.કેટલાક કહેતા હતા કે આ વસ્તુ સ્ટારવોર્સનું જહાજ મિલેનિયમ ફાલ્કન છે તો કેટલાક તેને વર્ષો પહેલા ગુમ થયેલ શહેરનો એક ભાગ ગણાવતા હતા કેટલાક કહેતા હતા કે તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વપરાતી એન્ટી સબમરિન ડિવાઇસનો હિસ્સો હતું તો કેટલાક તેને નાઝીઓનાં પાણીનાં ગુપ્ત રહેઠાણનો ભાગ ગણાવતા હતા.જો કે કેટલાક ડુબકીબાજોએ તેના નમુના લીધા હતા અને તેને પરિક્ષણ માટે મોકલ્યા હતા.જેમાં જણાયું હતું કે આ વસ્તુ કુદરતી છે જે આઇસ એજનાં સમયે રચાઇ હતી.જો કે કેટલાક તે માનવા તૈયાર નથી ખાસ કરીને જે ટીમે આ વસ્તુને શોધી હતી તેમનું કહેવું છે કે જ્યારે એ લોકો આ વસ્તુની નજીક પહોચ્યા ત્યારે તેમનાં તમામ ઇલેકટ્રોનિક ઉપકરણોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું જ્યારે તેઓ તેનાથી દુર ગયા ત્યારે જ તેઓ ફરીથી કામ કરતા થયા હતા.
રેલ એન્જિનનું કબ્રસ્તાન આમ તો અકસ્માતે મળી આવ્યું હતું જેની શોધ પોલ હેપ્લરે ૧૯૮૫માં કરી હતી તેઓ ત્યારે પોતાનાં મેગ્નોમીટર વડે સમુદ્રનાં તળિયાનાં નકશા બનાવવાનું કામ કરતા હતા.આ કબ્રસ્તાન ન્યુજર્સીનાં કિનારાની નજીક મળ્યું હતું.આ ડુબેલા એન્જિન પ્લેનેટ કલાસ ૨-૨-૨- ટી મોડેલનાં હતા અને ત્યારે તેમને મર્યાદિત માત્રામાં બનાવવામાં આવ્યા હતા જેનું વજન પંદર ટન હતું જ્યારે અન્યોનું વજન ૩૫ ટન જેટલું હતું.જો કે આ એન્જિન ક્યારે ગુમ થયા તેનો કોઇ રેકોર્ડ મળતો નથી પણ નિષ્ણાંતો માને છે કે આ એન્જિનોને બોસ્ટનથી ચડાવવામાં આવ્યા હશે અને તે તોફાનમાં ફસાયા હશે અને પાણીમાં પડી ગયા હશે.જો કે આ એન્જિન આટલો સમય પાણીની અંદર રહ્યા બાદ પણ સારી અવસ્થામાં જળવાઇ રહ્યાં હતા તેમને ત્યાંથી બહાર કાઢીને ફરીથી તેમને બનાવવાની યોજના છે.
૧૯૯૮માં મેડિટેરેનિન સમુદ્રમાં તળિયેથી ઇજિપ્ત સંસ્કૃતિનું ગુમ થયેેલું શહેર એલેકઝાંડ્રીયા મળી આવ્યું હતું.જો કે પાણીમાં તે ૧૬૦૦ વર્ષ ડુબેલુ હોવા છતાં તે સારી હાલતમાં હતું.ડુબકીબાજોને ક્લીઓપેટ્રાનો મહેલ પણ મળ્યો હતો.આ મહેલમાંથી તેમને તે સમયનાં ઇજિપ્તનાં દેવી દેવતાઓની મુર્તિઓ પણ મળી આવી હતી.આ ઉપરાંત બે હજાર વર્ષથી કોઇએ જેને જોયું ન હતું તે સ્ફીંકસનું પુતળુ પણ મળ્યું હતું.
કાળા સમુદ્રનાં તળિયે સંશોધકોને ખારા પાણીની એક ગુપ્ત નદી મળી આવી હતી જેનો કેટલોક ભાગ તો ૧૧૫ ફુટ ઉંડો હતો અને તેનો ફેલાવો અડધો માઇલ જેટલો હોવાનું જણાયું હતું.જો તે પૃથ્વી પર મળી હોત તો તેનો સમાવેશ દુનિયાની છઠ્ઠી વિશાળ નદી તરીકે થયો હોત.એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે પાણીની સપાટીની અંદર પણ બીજો પાણીનો પ્રવાહ હોઇ શકે છે.
ડુબકીબાજોને કિર્ગીસ્તાનનાં ઇસીક કુલ સરોવરમાંથી મેથ્યુ ધ એપોસ્ટલની કબરનાં અવશેષો મળી આવ્યા હતા.તેમને આ ઉપરાંત પણ ૨૦૦ જેટલા અવશેષો મળ્યા હતા જેમાં ધાર્મિક વિધિમાં વપરાતા તાંબાનાં દાતરડા, છરીને ધારદાર બનાવવા માટે વપરાતા પથ્થરો અને માટીનાં વાસણો સામેલ હતા.આ તમામ સામગ્રી સાકા સંસ્કૃતિ સાથે મેળ ખાય છે જે ૨૫૦૦ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતી હતી.આ વસ્તુઓમાં માટીનો ઘડો વધારે મહત્વપુર્ણ હતો જેના પર આર્મેનિયન અને સિરિયન ભાષામાં લખાણ હતું.આ ઘડાનો કબજો ત્યારબાદ નિષ્ણાંતોએ લીધો હતો અને તેના પર શું લખાયેલું છે તે ઉકેલવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.ઘણાં ઇતિહાસકારો માને છે કે મેથ્યુ એપોસ્ટલને આ જગાએ દફનાવવામાં આવ્યા હશે.
૨૦૦૧માં સંશોધકોને ખંભાતનાં દરિયાકિનારેથી એક શહેર મળી આવ્યું હતું.કેટલાક પુરાતત્વશાસ્ત્રીઓ માને છે કે તે શહેર વિશ્વનાં સૌથી પ્રાચિન શહેરોમાંનું એક છે.આ જગાએથી કેટલાક કલાત્મક નમુનાઓ, મુર્તિઓ અને લાકડાનાં વાસણનાં નમુના મળ્યા હતા.જેનું પરિક્ષણ કરતા તે ૯૫૦૦ વર્ષ જુના હોવાનું જણાયું હતું.આ દરમિયાન જ પૃથ્વી પરથી આઇસ એજ પુરો થયો હતો.તેનો અર્થ એ જ થાય છે કે આ શહેર મેસોપોટેમિયન સંસ્કૃતિનાં મળી આવેલા શહેરો કરતા પણ ૫૦૦૦ વર્ષ જુના છે જેને આપણે વિશ્વનાં સૌથી પ્રાચિન શહેરો માનીએ છીએ.આ શહેરમાં વસતા લોકો હડપ્પા સંસ્કૃતિનાં લોકોનાં પુર્વજો હતા.જો કે આ અંગે વૈજ્ઞાનિક સંશોધનો ચાલુ છે જે પ્રાચિન સભ્યતા પર પ્રકાશ પાડી શકશે.
૨૦૦૭માં જ્યારે અંડરવોટર આર્કિયોલોજીનાં પ્રોફેસર અને તેમનાં મિત્ર મિશિગન સરોવરનાં કાંઠે સોનાર રિડિંગ લેતા હતા ત્યારે પાણીની ચાલીસ ફુટ નીચે તેમને પથ્થરોની એક વિશિષ્ટ ગોઠવણી નજરે પડી હતી.આ પથ્થરોની ગોઠવણી ઇંગ્લેન્ડનાં સ્ટોનહેન્જ સમાન જ હતી.આ પથ્થરો લગભગ દસથી અગિયાર હજાર વર્ષ જુના હતાં.જો કે પાણીની અંદર આ પ્રકારની રચના કોણે કરી હશે તે એક રહસ્ય જ છે.મજાની વાત એ છે કે ઇંગ્લેન્ડનું સ્ટોનહેન્જ તો મિશિગન સરોવરથી બહુ દુરનાં અંતરે આવેલું છે.
ગ્રીક આઇલેન્ડનાં કિનારેથી મળી આવેલા એન્ટીકિથેરા જહાજનાં અવશેષોમાંથી પ્રાચિન સમયનું કોમ્પ્યુટર મળી આવ્યું હતું જેનો ઉપયોગ તે સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જાણવા માટે અને ગ્રહણનો સમય જાણવા માટે કરાતો હોવાનું મનાય છે.આ સૌથી જુનુ યંત્ર લગભગ ઇ.સ.પુ. ૨૦૫નું હોવાનું જણાયું છે.જો કે આ પ્રકારની ટેકનોલોજી યુરોપમાં ચૌદમી સદી પહેલા હોવાનો કોઇ પુરાવો નથી ત્યારે આ કોમ્પ્યુટર એક રહસ્ય જ બની રહ્યું છે.આ યંત્રને એથેન્સનાં નેશનલ આર્કિયોલોજીકલ મ્યુઝીયમમાં પ્રદર્શિત કરાયું છે.તેની વધારે તપાસ કરતા જણાયું છે કે તે બહુ અદ્યતન પ્રકારની આંતરિક રચના ધરાવે છે.ઘડિયાલમાં જે પ્રકારે દાંતા હોય છે તે પ્રકારનાં દાંતા તેમાં જોવા મળ્યા છે.આ પ્રકારની ટેકનોલોજી ત્યારે કેવી રીતે અસ્તિત્વ ધરાવતી હતી તે નિષ્ણાંતોને પણ મુંઝવનારી બાબત બની રહી છે.