Hollywood- Memorable Movies Memorable Actors in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | હોલિવુડ : યાદગાર મુવીઝ, યાદગાર અભિનેતા

Featured Books
Categories
Share

હોલિવુડ : યાદગાર મુવીઝ, યાદગાર અભિનેતા

ઉત્તમ કલાકાર એ છે જે દર્શકોને તેમનો અભિનય એ વાસ્તવિકતા છે તેવો અહેસાસ કરાવી દે.તેનો અભિનય જ દર્શકોને હસતા કે રડતા કરવા માટે કાફી હોય છે.અભિનેતાઓમાં ઘણાં એવા હોય છે જેમની કારકિર્દી દાયકાઓ સુધી લંબાયેલી હોય છે પણ તેમનો યાદગાર અભિનય બહુ ઓછો હોય છે જ્યારે કેટલાક કલાકાર એવા હોય છે જેઓ ઓછા સમય માટે પરદા પર આવ્યા હોય છે પણ તેમની પ્રતિભાને કારણે તેઓ યાદગાર બની જાય છે.૧૯૭૫માં રિલીઝ થયેલી વન ફ્લ્યુ ઓવર ધ કુકુઝ નેટ્‌સ એૅ જેક નિકોલ્સનનાં યાદગાર અભિનયને કારણે ક્લાસિક ફિલ્મ બની રહેવા પામી છે જેમાં તેણે મેકમર્ફી તરીકે ઉત્તમ અભિનય આપ્યો હતો.મેન્ટલ ઇન્સ્ટીયુશનમાં કેટલાક અસામાજિક તત્વો પોતાનો સ્વાર્થ સાધવા માટે દર્દીઓને ભોગ બનાવે છે અને મેકમર્ફી નર્સ રાચેટ સામે લોકોને બળવો કરવા પ્રેરે છે જેથી તેમની સ્થિતિમાં સુધારો થાય.આ ફિલ્મનાં અભિનય માટે નિકોલ્સનને અઢળક પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.આ ફિલ્મમાં તેનો અભિનય એટલો તાદૃશ હતો કે એવું જ લાગે કે નિકોલ્સન સાથે જ એસાયલમનો દર્દી હતો.
મેરિલ સ્ટ્રીપને વિશ્વમાં ઉત્તમ અભિનેત્રી માનવામાં આવે છે તેણે પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારનાં ચરિત્રોને સાકાર કર્યા છે.સોફીઝ ચોઇસમાં તેણે હોલોકાસ્ટમાં ઉગરી ગયેલી અને પોતાના આઘાતનો સામનો કરનાર ચરિત્રને સાકાર કર્યુ હતું.તેનો અભિનય એ કક્ષાનો હતો કે લોકોમાં તે કરૂણા અને ગુસ્સો બંને જગવી જાય છે.આ ફિલ્મનાં અભિનય માટે તેને ઓસ્કાર નોમિનેશન મળ્યુ હતું.ટેલિવિઝન ડ્રામામાં જો કોઇ યાદગાર પાત્રને પસંદ કરવાનું કહેવાય તો બ્રેકિંગ બેડનાં વોલ્ટર વ્હાઇટનું નામ મોખરે રહે છે.બ્રાયન ક્રેન્સ્ટને કેમેસ્ટ્રીનાં ટીચર તરીકે યાદગાર અભિનય આપ્યો હતો જેને કેન્સર થયાનું નિદાન થયું હોય છે.આ અભિનય માટે ક્રેન્સ્ટનને અઢળક પુરસ્કારો મળ્યા હતા.આ પાત્રને ટેલિવિઝન ઇતિહાસનું સૌથી યાદગાર પાત્ર ગણાવવામાં આવે છે.જેમાં વોલ્ટર વ્હાઇટનું એક મૃદુભાષી વ્યક્તિમાંથી ડ્રગ લોર્ડમાં રૂપાંતરણ દર્શાવાયું છે.તેનો અભિનય જ એટલો યાદગાર હતો કે લોકોને લાગતું હતું કે તે ખરેખર ક્રિમિનલ છે.જો કે ક્રેન્સ્ટન વાસ્તવમાં તો ખુબ જ મોજિલો અને મિલનસાર હતો જે પોતાના ચાહકોને બહુ પ્રેમથી ઓટોગ્રાફ આપતો હતો.
૨૦૦૧માં આવેલી ટ્રેઇનિંગ ડેમાં ડેન્ઝલ વોશિંગ્ટને ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી તરીકે યાદગાર અભિનય આપ્યો હતો.આ ફિલ્મનાં અભિનયને કારણે ડેન્ઝલ વોશિંગ્ટનને ઓસ્કાર મળ્યો હતો.આ ભૂમિકા તેની લાંબી કારકિર્દીમાં મહત્વપુર્ણ મનાય છે.આમ તો ડેન્ઝલ વોશિંગ્ટને નાયક તરીકે જ મોટાભાગે અભિનય આપ્યો છે પણ આ પાત્રમાં તેણે આપેલો અભિનય એટલો સહજ હતો કે તે ખલનાયક હોવાનું જ પ્રતિત થાય છે.તેણે પાત્રની તમામ ખુબીઓને બહુ ઝીણવટથી પરદા પર સાકાર કરી હતી.આ ફિલ્મમાં તેણે તેને અપાયેલા સંવાદોમાં પણ પોતાની રીતે ઘણાં ફેરફાર કર્યા હતા.
નો કન્ટ્રી ફોર ઓલ્ડમેનમાં એન્ટન ચિગુરા તરીકેનો જેવિયર બાર્ડેમનો અભિનય બહુ યાદગાર મનાય છે.આ અભિનયને કારણે તેને ઓસ્કાર મળ્યો હતો.આ ફિલ્મમાં તે એક એવી વ્યક્તિનો પીછો કરે છે જેણે તેના પૈસા ચોરી કર્યા હોય છે.આ ફિલ્મમાં તે તેની આડે આવનાર દરેકને ઠંડે કલેજે પતાવી દે છે.આ ફિલ્મનો તેનો અભિનય એવો હતો કે લોકો તેને વાસ્તવમાં સાયકોપેથ માની બેઠા હતા.લોકો તેની સાથે વાત કરવાની પણ પસંદ કરતા ન હતાં.
રે ચાર્લ્સે એકવાર કહ્યું હતું કે તે પ્રસિદ્ધ નહી પણ મહાન બનવા માંગે છે.આ વાત તેની બાયોપિકમાં અભિનય આપનાર જેમી ફોક્સ પર વધારે ફીટ બેસતી સાબિત થાય છે.આ ફિલ્મનો તેનો અભિનય ઉત્તમ અભિનયની શ્રેણીમાં સામેલ કરાય છે.રે ચાર્લ્સ તરીકેનો જેમી ફોક્સનો રેનો અભિનય તેને તાદૃશ કરનાર બની રહે છે.તેમાં જેમીએ એક સંગીતકારની આંતરિક પીડાને પરદા પર ચરિતાર્થ કરી આપી હતી.રે ચાર્લ્સનું જીવન ટ્રેજેડીથી ભરપુર હતું.તે માત્ર સાત વર્ષની વયે અંધ થઇ ગયો હતો.તેને નશાની લત લાગી હતી અને તેના નજીકનાં લોકો તેને એક પછી એક છોડી ગયા હતા.તેમ છતાં એક સંગીતકાર તરીકે તેણે અપાર લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.જેમી ફોક્સને આ અભિનય બદલ ઓસ્કાર મળ્યો હતો.આજની તારીખમાં પણ યાદગાર બાયોગ્રાફીકલ અભિનય માટે તેનાં અભિનયને શ્રેષ્ઠ માનવામાં આવે છે.જેમીએ રેની પ્રતિભા અને તેની ખુબીઓને પરદા પર અદ્‌ભૂત રીતે સાકાર કરી આપી હતી.
ઇદી અમીન તરીકેનો ફોરેસ્ટ વ્હીટકરનો ધ લાસ્ટ કિંગ ઓફ સ્કોટલેન્ડનો અભિનય યાદગાર મનાય છે.જેમાં તેણે ઇદી અમીનની ક્રુરતા અને પાગલપણાને બહુ અદ્‌ભૂત રીતે પરદા પર ચરીતાર્થ કર્યા હતા.આ ફિલ્મનો અભિનય વ્હીટકરને ઓસ્કાર અપાવી ગયો હતો.આ ફિલ્મનો તેનો અભિનય એટલો જોરદાર હતો કે ફિલ્મ પુરી થયા બાદ પણ તે સહેલાઇથી ભૂલી શકાતો નથી.
ડિટેક્ટીવ ડિયાઝ તરીકે સ્ટીફાની બીટ્રીઝનો બ્રુકલીન નાઇન નાઇનનો અભિનય યાદગાર મનાય છે.સીટકોમનાં ઇતિહાસનો આ સૌથી યાદગાર અભિનય મનાય છે.તેણે લગભગ આઠ સિઝન માટે આ પાત્રને સાકાર કર્યુ હતું.લોકો માનતા હતા કે બીટ્રીઝ વાસ્તવમાં રોઝા ડિયાઝ છે.જો કે સ્ટીફાની એક પ્રતિભાશાળી ગાયક પણ હતી.૧૨ યર્સ સ્લેવમાં સોલોમન નોર્થોપ તરીકેનો ચિવેટલ ઇઝયોફોરનો અભિનય એ ઉત્કૃષ્ટ અભિનયનો નમુનો છે.આ પાત્ર માટે તેને અનેક પુરસ્કાર માટે નોમિનેશન મળ્યું હતું.
બેન કિંગ્સલે આમ તો ૧૯૬૦થી અભિનયની દુનિયામાં વ્યસ્ત છે અને તેમને પ્રતિભાશાળી કલાકાર માનવામાં આવે છે.માર્વેલની સેંગ ચી, લીજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ અને આયર્ન મેન થ્રીમાં તેમનો અભિનય તમામે જોયો જ છે પણ યાદગાર અભિનયની વાત આવે તો ગાંધીને યાદ કરવામાં આવે છે.દિગ્દર્શક ઇઝાબેલ કોક્ઝીટે એકવાર કહ્યું હતું કે તે કોઇપણ પાત્ર ભજવી શકે છે જો તમે તેને એક ખુરસીનું પાત્ર ભજવવાનું કહો તો તે ખુરસીનાં પાત્રને પણ ચરિતાર્થ કરી શકે છે.આ ફિલ્મ માટે બેનને ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.આ ફિલ્મને વિશ્વની સૌથી યાદગાર ફિલ્મ ગણાવાય છે.
હોલિવુડ મુવીઝ : ખલનાયક ભારે પડ્યા
ફિલ્મ શોલેમાં અમિતાભ - ધર્મેન્દ્ર, સંજીવ કપુર જેવા કલાકારો હતા જે ફિલ્મનાં નાયક હતા પણ આ ફિલ્મ નવાસવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશેલા અમજદખાનની ગબ્બરની ભૂમિકાને કારણે વધારે લોકપ્રિય બની હતી.આ ઉપરાંત મિસ્ટર ઇન્ડિયામાં મોગેમ્બો લોકપ્રિય થયો હતો.આ સિવાય પણ ઘણી ફિલ્મો છે જેમાં ખલનાયક વધારે લોકપ્રિય થયા હતા.જોકે આ જોઇને ત્યારબાદ હીરોની ભૂમિકાઓ ભજવતા કલાકારોએ ગ્રે શેડની ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી હતી જેમાં શાહરૂખને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી.આ પ્રકારનો ટ્રેન્ડ હોલિવુડમાં પણ જોવા મળે છે જ્યાં ફિલ્મોનાં ખલનાયકોએ નાયકોને દબાવી દીધા હતા.આમ તો ખલનાયક એ કોઇપણ ફિલ્મનું મહત્વનું પાસુ હોય છે જે નાયકનાં માર્ગનો રોડો બનતો રહે છે.અહી હોલિવુડની એવી દસ ફિલ્મોની વાત કરાઇ છે જેમાં ખલનાયકે નાયકોને ઝાંખા પાડી દીધા હતા.
વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી ધ ડાર્ક નાઇટ આમ તો બેટમેન સિરીઝની લોકપ્રિય ફિલ્મ છે પણ આ ફિલ્મનો ખલનાયક ધ જોકર ફિલ્મનું મહત્વનું પાસુ બની ગયો હતો.આમ તો બેટમેન સિરીઝની મોટાભાગની ફિલ્મોમાં ખલનાયક મહત્વનો જ ભાગ બની રહ્યાં છે પણ હીથ લિગરે ભજવેલી જોકરની ભૂમિકા કદાચ આ સિરીઝની સૌથી દમદાર ભૂમિકા હતી.આ ફિલ્મની સફળતા જોવા માટે જો કે હીથ જીવિત રહ્યાં ન હતા પણ આ ભૂમિકાને કારણે તેમને મરણોત્તર એકેડેમી એવોર્ડ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે મળ્યો હતો.સ્ટારવોર્સની સિરીઝનો આરંભ આમ તો ૧૯૭૭થી થયો છે અને હજી પણ આ સિરીઝ એટલી જ લોકપ્રિય છે આ ફિલ્મોમાં પણ ખલનાયક મહત્વનાં રહ્યાં છે જેમાં ડાર્થ વેડર મહત્વપુર્ણ બની રહ્યો છે.વેડરની ભૂમિકાને મહત્વપુર્ણ બનાવનાર પાસાઓમાં તેનો ખાસ આઇકોનિક ડ્રેસ, માસ્ક અને વિશિષ્ઠ અવાજ હતા.ફિલ્મનો નાયક તો અલબત્ત લ્યુક જ હતો પણ વેડરની ભૂમિકાને કારણે આ ફિલ્મો વધારે લોકપ્રિય બની હતી.
૨૦૦૭માં રિલીઝ થયેલી નો કન્ટ્રી ફોર ઓલ્ડમેન જેવિયર બાર્ડેમની એક્ટિંગને કારણે વધારે આઇકોનિક બની રહી હતી.લેવિન મોસ તરીકે જોસ બ્રોલિને પણ જોરદાર કામ કર્યુ હતું.ટોમી લી જોન્સે પણ અદ્‌ભૂત અભિનય આપ્યો હતો.પણ વિચિત્ર હેરસ્ટાઇલ, વેક્યુમ ક્લિનર જેવા હથિયાર સાથે એન્ટન ચિગુરે ફિલ્મને વધારે ડરામણી બનાવી દીધી હતી.આ પાત્રને લોકો એ કારણે જ ભૂલી શક્યા ન હતા અને આ જોરદાર એક્ટિંગે જ બાર્ડેમને ઓસ્કાર અપાવ્યો હતો.આમ તો વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી અનબ્રેકેબલ બ્રુસ વિલિસની ફિલ્મ ગણાય છે જેમાં તેણે એક સિક્યુરિટી ગાર્ડની ભૂમિકા ભજવી હતી જે સુપરમેન હોય છે.જો કે ફિલ્મનું પ્રાણ તત્વ સેમ્યુઅલ જેક્સન બની રહ્યો હતો.આમ તો ફિલ્મનાં અંતે આપણને શ્યામલની સ્ટાઇલનો ઝટકો મળે છે.મિ.ગ્લાસ તરીકે તેનો અભિનય એ આઇકોનિક બની રહ્યો હતો જે ફિલ્મમાં ખલનાયક તરીકે વર્તે છે.
૧૯૭૩માં રિલીઝ થયેલી ધ વિકરમેનનો નાયક આમ તો ધાર્મિક વૃત્તિનો સાર્જન્ટ નીલ હોવી છે અને ખલનાયક લોર્ડ સમરાઇઝલ છે જે ભૂમિકા ક્રિસ્ટોફર લીએ ભજવી હતી.આમ તો લીએ તેમની કારકિર્દીમાં અસંખ્યવાર ખલનાયકની ભૂમિકા ભજવી છે જેમાં ડ્રેક્યુલા અને સારૂમાનનો સમાવેશ થાય છે પણ વિવેચકોએ અને ઓડિયન્સે ધ વિકરમેનને તેમની ફિલ્મ ગણાવી છે.ધ રોકી હોરર પિક્ચર શો આમ તો ૧૯૭૫માં રિલીઝ થયેલી આઇકોનિક ફિલ્મ છે જે તેના સેટ્‌સ, કોસ્ચ્યુમ અને સંગીતને કારણે વધારે જાણીતી બની હતી પણ તેનાં પાત્રો પણ વધારે લોકપ્રિય બની રહ્યાં હતા.સુસાન સેરેન્ડોન અને બેરી બોસ્ટવીક આમ તો યાદગાર ગણાય પણ ફિલ્મને કલાસિક ડો.ફ્રાંક એન ફર્ટરે બનાવી હતી.જે ફિલ્મમાં સનકી વૈજ્ઞાનિક બતાવાયો હતો.આ ભૂમિકા ટીમ કરીએ યાદગાર બનાવી દીધી હતી.
અ નાઇટમેર ઓન ધ એલમ સ્ટ્રીટ એ હોલિવુડની કલાસિક હોરર ફિલ્મ ગણાય છે.ફિલ્મનો ખલનાયક ફ્રેડી ક્રુગર છે જે ભૂમિકા રોબર્ટ ઇંગલેન્ડે ભજવી હતી.આમ તો એંસીનાં દાયકાની મોટાભાગની ફિલ્મો ખાસ કરીને હોરર ફિલ્મોની સ્ટોરી ટિપિકલ જ રહેવા પામી છે પણ ૧૯૮૪ની અ નાઇટમેર ઓન એલમ સ્ટ્રીટમાં ક્રુગરનાં વન લાઇનર અને તેની હયાતી પરદા પર અલજ ભય જન્માવનાર બની રહ્યાં હતા.આ ફિલ્મે ત્યારે ૪૪૦ મિલિયન ડોલરની કમાણી કરી હતી.જેમ્સ કેને યુ મર્ડર માય મિઝરીમાં જોરદાર અભિનય આપ્યો હતો પણ કેથી બેટ્‌સે સાયકોટીક એની વિલ્કીસની ભૂમિકામાં પ્રાણ રેડી દીધા હતા.જ્યારે તેનો ફેવરિટ લેખક બરફીલા તોફાનમાં ફસાઇ જાય છે ત્યારે વિલ્કીસ તેને બચાવીને તેની સાથે લઇ જાય છે અને તેની દેખભાળ કરે છે.જો કે ત્યારબાદ એ જણાઇ આવે છે કે વિલ્કીસની ચાહત એ કોઇ ઓર જ રંગ ધરાવે છે.આમ તો ફિલ્મમાં વિલ્કીસને દયાળુ અને પરોપકારી દર્શાવાઇ છે પણ ફિલ્મમાં પાછળથી તેની જે કાર્યવાહી દર્શાવાઇ છે તે આંચકાજનક બની રહે છે.આ કારણે જ વિલ્કીસને ઓલ ટાઇમ સેડેસ્ટીક વિલન ગણાવાય છે.થોર એ સુપરમેન છે અને ક્રીસ હેમ્સવર્થે એ ભૂમિકાને ખાસ બનાવી છે તેની હાજરીમાં અન્ય પાત્રો ઝાંખા પડી જતા નજરે પડે છે પણ ૨૦૧૧માં રિલીઝ થયેલી થોરમાં ટોમ હિડલસ્ટોને લોકીની ભૂમિકાથી ક્રીસ હેમ્સવર્થને પડકાર આપ્યો હતો. હિડલસ્ટોનનો અભિનય યાદગાર બની રહ્યો હતો.માર્વેલની ફિલ્મોમાં આ પાત્રે અસરકારક છાપ છોડી છે.આથી જ લોકીને ગ્રેટ એન્ટી વિલન ગણાવાય છે.
૧૯૮૨માં રીલીઝ થયેલી બ્લેડ રનર એ રીડલે સ્કોટની સાયન્સ ફિક્સન ફિલ્મ છે જેમાં નાયક આમ તો હેરિસન ફોર્ડ છે પણ રોય બેટ્ટી તરીકે રૂત્ગર હોરે યાદગાર અભિનય આપ્યો હતો ખાસ કરીને ટીઅર્સ ઇન રેઇન તરીકે પ્રસિદ્ધ થયેલ તેનાં મોનોલોગને કારણે આ પાત્ર યાદગાર બની રહેવા પામ્યું હતું.આ મોનોલોગ આમ તો ૪૨ શબ્દોનો ડાયલોગ હતો.જે સી બીમ્સ સ્પીચ તરીકે પણ પ્રખ્યાત છે.આ મોનોલોગને કારણે અને રેપ્લીકાન્ટ રોય બેટ્ટીનાં અભિનયને કારણે આ પાત્ર સૌથી વધારે યાદગાર ખલનાયક તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે.