વાર્તા: પ્રસિદ્ધિ અને અપમાન.
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
ખીચોખીચ ભરેલાં હૉલમાં શ્વેતા દાખલ થતાં જ સૌએ પોતાનાં સ્થાન પર ઉભા થઈ એને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી. આજે શ્વેતા પોતાનાં જીવનનાં એ મુકામે હતી જ્યાં પહોંચવાની કદાચ એણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય! એ અલગ વાત છે કે અહીં પહોંચવું એ એની જીદ હતી.
એક કલાકનો કાર્યક્રમ હતો. શ્વેતાને એક ઉત્તમ લેખિકા તરીકેનો એવૉર્ડ મળવાનો હતો. આખોય સમારંભ ખૂબ સારી રીતે પૂર્ણ થયો. શ્વેતાએ પણ ખૂબ સુંદર રીતે પોતાનું પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું. પણ જેવું એનું આ વક્તવ્ય પૂર્ણ થયું કે તરત જ પ્રેક્ષકોમાંથી એક વીસ બાવીસ વર્ષની છોકરી સ્ટેજ પર આવી અને શ્વેતાને ધડાધડ બે લાફા મારી દીધાં. પોતાનું આવું જાહેરમાં થયેલું અપમાન જોઈને શ્વેતા તો બરાબર ગુસ્સે થઈ. તમામ આયોજકોને એ છોકરી માટે ખખડાવી નાંખ્યા.
પણ એ છોકરી કોઈનું સાંભળતી ન હતી. એ કોઈક મક્કમ ઈરાદા સાથે ત્યાં આવી હોય એમ લાગ્યું. આખરે એ દોડીને માઈક પાસે ગઈ અને એણે બોલવા માંડ્યું. "આ શ્વેતા, કે જેને તમે આટલું બધું માન સન્માન આપી રહ્યાં છો, જેને તમે ઉત્તમ લેખિકાનો એવૉર્ડ આપ્યો છે એ આમાંથી કશાયને લાયક જ નથી." આટલું સાંભળીને પ્રેક્ષકોમાં હોબાળો મચી ગયો. અંદરોઅંદર બધાં એક આચરજભર્યાં ભાવ મોં પર લાવી એકબીજાની સાથે કશુંક ગણગણવા લાગ્યા.
એ છોકરી બોલતી જ ગઈ. જેમ જેમ એની પાસેથી માઈક લઈ લેવા બધાં એની પાછળ પડ્યાં એમ એ માઈક લઇને દોડતી ગઇ અને બોલતી ગઇ. "પૂછો તમારાં આ ઉત્તમ લેખિકા શ્વેતાને કે આ પ્રસિદ્ધિ પામવા એણે દીકરીનો અને પરિવારનો ત્યાગ શા માટે કર્યો? શું વાંક હતો એમની એ નાનકડી દીકરીનો કે આણે એક ક્ષણનો ય વિચાર કર્યા વિના એને તરછોડી દીધી? એક સરસ મજાનો પરિવાર ત્યજી દીધો? શું આ જ છે એક ઉત્તમ લેખિકાનાં ઉત્તમ વિચારો?"
હવે પ્રેક્ષકોને પણ એમાં રસ જાગ્યો. એમણે જ આ છોકરીને બોલવા દેવા કહ્યું. પછી એણે કહ્યું કે, "પોતાની જાતને દુનિયા સામે પ્રખ્યાત બનાવવા એણે તમામ સંબંધો કાપી નાંખ્યા. પોતાની નાનકડી દીકરીનો પણ વિચાર સુદ્ધા ન કર્યો. તમારી આ લેખિકાને માત્ર પૈસા કમાવવામાં જ રસ છે. સંબંધો વિશે આટલી મોટી મોટી વાતો લખનાર પોતે જ એકપણ સંબંધમાં રસ ધરાવતી નથી. આ શ્વેતા માત્ર પ્રસિદ્ધિની ભૂખી છે."
"તમે વધારે વિચાર કરો એ પહેલાં જ હું કહી દઉં કે હું જ આ શ્વેતાની એકમાત્ર દીકરી છું જેને એણે તરછોડી હતી. જે મા ન બની શકી એ પ્રસિધ્ધ શું બનવાની?" લગભગ અડધો કલાક આ છોકરી બોલતી જ રહી. પરંતું શ્વેતાનાં ચહેરા પર લગીરે પસ્તાવો ન હતો. એને તો જે જોઈતું હતું એ મળી ગયું હતું. એણે તો પોતાનાં આ અપમાનનો બદલો લેવાને બદલે એને જ હથિયાર બનાવી દીધું. હવે એને એક કારણ મળી ગયું લોકો સમક્ષ રજુ કરવાનું. "સંસારનાં બંધનો એને એની ક્ષમતા બહાર લાવવામાં બાધક બની રહ્યાં હતાં. ઘરનાં લોકો એને આગળ આવવા દેવા માંગતા ન હતાં. આથી જ એણે ગૃહત્યાગ કરવો પડ્યો. એણે પોતાની વ્હાલસોયી દીકરીને પણ છોડવી પડી." વગેરે વગેરે.
હવે લોકોમાં એનાં વિશે જાણવાની વધારે ઉત્સુકતા ઊભી થઈ. પણ શ્વેતા તો જાણે કશું બન્યું જ ન હોય એમ ત્યાંથી ઊભી થઈને પોતાનો એવૉર્ડ લઈ કારમાં બેસીને જતી રહી. એને ખબર હતી કે એનો આ એવૉર્ડ જોઈને ખુશ થવા માટે ઘરે કોઈ ન હતું. છતાં પણ એને માટે તો આ એવૉર્ડ જ જીવન હતું. આવા અનેક એવૉર્ડ એ જીતી ચૂકી હતી, પરંતુ એને સંતોષ મળ્યો નથી. એને તો હજુ વધુ ને વધુ એવૉર્ડ જોઈએ છે.
આવા પણ લોકો દુનિયામાં છે, જેને પરિવાર કરતાં પ્રસિદ્ધિ વધારે વ્હાલી હોય છે. એણે પોતાનાં સપનાંઓ વિશે પતિ સાથે ચર્ચા કરી એમને વિશ્વાસમાં લીધા હોત તો કદાચ પરિસ્થિતિ અલગ જ હોત. શ્વેતાએ જો થોડો પ્રયત્ન કર્યો હોત તો કદાચ એની આ સફળતા માણવા એની પડખે એનો પરિવાર ઉભો હોત.
એ આટલાં ઉમદા વિચારો ધરાવતી લેખિકા હોવાં છતાં એ ન સમજી શકી કે એનાં મૃત્યુ પછી પણ એનાં આ એવૉર્ડને જીવંત રાખવા એનાં પરિવારની હાજરી એનાં જીવનમાં અનિવાર્ય છે.
આભાર.
સ્નેહલ જાની.