સુપરહીરો માત્ર સાયન્સ ફિકસનની દેન છે પણ એ વાસ્તવિકતા છે કે પ્રાણી જગતનાં કેટલાક પ્રાણીઓમાં સુપરપાવર હોય છે.તેમની કેટલીક ગતિવિધિઓ તો આપણને એ જ અનુભવ કરાવતી હોય છે.
પક્ષીઓ આગનો ઉપયોગ શિકાર કરવા માટે કરતા હોવાનું ઓસ્ટ્રેલિયાનાં સંશોધકોનાં ધ્યાનમાં આવ્યું છે અને આ આગ તેઓ જાતે જ લગાડતા હોય છે જેથી તેમનો શિકાર બહાર ખુલ્લામાં આવે અને તેઓ તેનો શિકાર કરી શકે.સંશોધકોએ જોયું હતું કે કેટલાક પક્ષીઓ સળગતી લાકડીને કેટલાક ખાસ વિસ્તારોમાં નાંખતા હતા જેથી તેમને શિકાર કરવામાં આસાની થાય.આ આખી વાતને ઇથનોબાયોલોજી જર્નલમાં રજુ કરાઇ હતી.
વ્હેલ પોતાના ભોજન માટે નાની માછલીઓ પર નિર્ભર હોય છે.કિલર વ્હેલ એ દરિયાનું રાક્ષસી પ્રાણી છે જે ગમે તેનો શિકાર કરી શકે છે.કિલર વ્હેલ તેનાથી કદમાં વિશાળ એવી વ્હેલનો શિકાર પણ કરે છે.આ શિકારી મોટાભાગે જે સમયે શિકાર કરતી હોય છે તેની જાણ હમ્પબેક વ્હેલ કે અન્ય સમુદ્રી જીવોને હોય છે આથી તેઓ પણ તેમનો બચાવ કરવા માટે અલગ અલગ રીતો અપનાવતા હોય છે.એક કેસમાં તો જોવા મળ્યું હતું કે સીલે ઓર્કાથી બચવા માટે સુરક્ષિત ઘર બનાવ્યું હતું.
મગરનાં આંસુ એ સાયકોલોજીકલ રિયાલીટી હોઇ શકે છે પણ ઉત્તર અમેરિકાનાં વસાહતી એવા કાચંડાઓ તેના કરતા એક સ્ટેપ આગળ છે.કાચંડાઓ અન્ય શિકારીઓ માટે સ્વાદિષ્ટ ભોજન હોય છે પણ જ્યારે શિકારીનાં મોં પર લોહીનો વરસાદ થાય તો તેની સ્થિતિ કેવી થાય તે કલ્પના કરવા જેવી છે.આંખમાંથી લોહીની પિચકારી છોડવી એ આઠ જેટલા કાચંડાઓની પ્રજાતિની ખાસિયત છે.તેઓ પોતાનાં શિકારની આંખોમાં લોહીની પિચકારી છોડતા હોય છે.તેઓ પોતાના શિકારી પર ચાર ફુટ છેટેથી આ હથિયાર ચલાવતા હોય છે.
ડ્રેગન આમ તો કાલ્પનિક છે પણ ભારતથી ઇન્ડોશિયાની વચ્ચેનાં જંગલોમાં મળતા ઉડતા સાપ કલ્પનાને વાસ્તવિક બનાવે છે.જો કે આ સાપ પોતાનો શિકાર કરવા માટે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ઝંપલાવે છે ત્યારે લાગે છે કે તેઓ હવામાં ઉડી રહ્યાં છે.આ પ્રકારનાં સાપની લગભગ પાંચ જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.આ સાપ આમ તો ઝેરી છે પણ માણસો માટે તે ખતરાજનક નથી.જ્યારે તે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ઝંપલાવે છે ત્યારે તેમનાં શરીરનો આકાર અંગ્રેજીનાં જે જેવો હોય છે અને ત્યારબાદ તે પોતાની પુંછડીનાં ભાગનો ઉપયોગ કરીને નીચે કુદે છે ત્યારે તેમનો આકાર એસ જેવો થાય છે જેથી નીચેની હવા તેમનાં શરીરને હવામાં તરતા રહેવામાં મદદરૂપ નિવડે છે.આમ કરીને તે પોતાનો શિકાર કરવા માંગતા શિકારીઓથી તો બચે જ છે પણ સાથોસાથ પોતાનો શિકાર કરવામાં તેમની ખાસિયતનો ઉપયોગ કરતા હોય છે.
દેડકાઓ આમતો દેખાવે જ જુગુપ્સાપ્રેરક હોય છે અને જ્યારે તેમનાં શરીર પર કાંટા હોય તો તે ઓર વિચિત્ર બની રહે છે પણ તે તેમનાં રક્ષણનું ખાસ હથિયાર હોય છે.આ ખાસ પ્રકારનાં દેડકા આમ તો મધ્ય આફ્રિકાના જંગલોમાં ખાસ કરીને કેમેરૂનમાં મળી આવે છે.જ્યારે આ દેડકાઓ જોખમમાં આવી જાય છે ત્યારે તેઓ તેમનાં બચાવમાં આ હથિયારનો ઉપયોગ કરતા હોય છે જે તેમનાં પંજાની નીચે હોય છે તેઓ ત્યારે બિલાડીનાં નખ જેવા હથિયારનો ઉપયોગ કરતા હોય છે જે તેનાં પંજાની નીચે છુપાયેલું હોય છે.તે તેની ચામડી ચીરીને બહાર આવતું હોય છે આથી જ આ દેડકાને પ્રાણી જગતનુું વુલ્વેરાઇન કહેવામાં આવે છે આમ તો આ દેડકાઓ પોતે પણ કુશળ શિકારી છે અને તે તેનાથી નાની પ્રજાતિનાં જીવોને પોતાનો શિકાર બનાવતા હોય છે.
કેમિકલ વેપનનો ઉપયોગ આમ તો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે અને દુનિયાનો કોઇપણ દેશ તેનો ઉપયોગ કરતા ખચકાય છે પણ પ્રાણી જગતમાં કેમિકલ વેપનનો કેટલાક ખાસ જીવો ઉપયોગ કરતા હોય છે.પ્રાણીજગતમાં બીટલ્સની પાંચસો જેટલી જાતિઓ મળી આવે છે જેમાં બોમ્બાર્ડિયર બીટલ ખાસ છે.આ જીવનાં પેટમાં બે વિભાગ હોય છે જેમાં એકમાં હાઇડ્રોજન પેરોકસાઇડ અને બીજામાં હાઇડ્રોક્વીનન હોય છે.જ્યારે તે ખતરામાં હોય છે ત્યારે આ કેમિકલનું મિશ્રણ થતું હોય છે જે એક પિચકારી રૂપે છુટે છે અને શિકારી ખુદ શિકાર થવાની હાલતમાં પહોંચી જતો હોય છે.આ બોમ્બાર્ડિયર બીટલને હજમ કરવું એટલું આસાન નથી તે જ્યારે શિકારીનાં પેટમાં પહોંચી જાય છે તેના એક કલાક બાદ પણ તે જીવતું તેના પેટમાંથી બહાર નિકળી શકે છે.
પૃથ્વી પર સમુદ્ર કિનારા નજીક મોટાભાગનાં વિસ્તારોમાં બોબીટ વોર્મ મળી આવતા હોય છે.ઇયળ કે અળસિયાને આપણે બહુ નાજુક માનતા હોઇએ છીએ જો કે આ બોબીટ વોર્મ લગભગ દસ ફુટ જેટલા લાંબા હોય છે અને આપણે જે કલ્પના કરીએ છીએ તે અળસિયા કરતા તો ક્યાંય વિશાળ હોય છે.આ પ્રાણી એક ખતરનાક શિકારી પણ છે તેના જડબા બહુ તીણા હોય છે અને તેના દાંત શિકાર પર ખુંપે છે ત્યારે તેમાંથી ઝેર બહાર આવતું હોય છે જે ગમે તેટલા વિશાળ પ્રાણીને પણ વિવશ બનાવી દેતું હોય છે.તે સેન્સરી સિસ્ટમ ધરાવતા હોય છે જેના કારણે તેમને તેમનાં શિકારની જાણકારી તરત મળી જતી હોય છે.તે જ્યાં સુધી શિકાર નજીક ન આવે ત્યાં સુધી રેતીમાં દબાઇ રહેતા હોય છે.તેમનો પ્રહાર માનવીને પણ પારાવાર વેદના આપી શકે તેવો હોય છે.
પર્ચ આમ તો અન્ય સામાન્ય માછલીઓ જેવી જ માછલી છે પણ પર્ચની એક જાતિ જેને બેટ્ટા કે સિયામિઝ ફાઇટિંગ ફીશ તરીકે ઓળખવામાં આવે છે તે પાણીમાં જ રહે છે તેવું નથી પણ તે જમીન પર પણ સહેલાઇથી રહી શકે છે.આ માછલી મોટાભાગે તો ચાર ઇંચ નાની અને એક ફુટ લાંબી હોય છે.આ માછલી જ્યાં રહે છે તે તળાવ જ્યારે સુકાઇ જાય ત્યારે તે લોકોમોશન એબિલિટી વડે નજીકમાં ક્યાં પાણી છે તે જાણી લે છે અને ત્યારબાદ તે જમીન પર ચાલીને કે સરકીને ત્યાં પહોંચી જતી હોય છે.મોટાભાગે તો માછલીઓને શ્વાસ લેવા માટે પાણીની બહાર આવવું પડતું હોય છે પણ પર્ચ પાસે લેબિરિન્થ નામનું ખાસ અંગ છે જેનાથી તેને જમીન પર અન્ય માછલીઓને જે મુશ્કેલી નડે છે તે નડતી નથી.માછલી પાણી વિના રહી ન શકે પણ પર્ચ સહેલાઇથી રહી શકે છે કારણકે કુદરતે તેને આ ખાસ અંગ આપ્યું છે.કહેવાય છે કે આ માછલી ભોજન માટે વૃક્ષ પર પણ ચડી શકે છે જો કે તે અંગેનો કોઇ પુરાવો હાથ લાગ્યો નથી.
દક્ષિણ અમેરિકાનાં ઉત્તર જંગલ વિસ્તાર કે એમેઝોન અને ઓરિનોકો નદીનાં મુખ પ્રદેશમાં આવેલા વિસ્તારોમાં હોટઝીન નામનું પક્ષી મળી આવે છે જે તીણા નહોર ધરાવે છે.આમ તો આ પક્ષી દેખાવમાં બહુ સુંદર છે જેના માથા પર શાનદાર કલગી તેને વધારે સુંદર બનાવે છે.આ પક્ષી પણ પાંદડા અને ફળફુલને આહાર બનાવે છે અને આ પક્ષી વધારે ઉડી શકતું નહી હોવાને કારણે મોટાભાગે વૃક્ષની ડાળીઓને ચીટકી રહે છે તે માટે તેને અન્ય પક્ષીઓની તુલનાએ નખ વધારે મોટા હોય છે જેનાથી ડાળી પર તેની પકડ વધારે મજબૂત રહે છે.જ્યારે આ પક્ષીઓ પર કોઇ શિકારી હુમલો કરે છે ત્યારે તેઓ પોતાના બચ્ચાને નીચેના પાણીમાં નાંખી દે છે અને જ્યારે ખતરો ટળી જાય ત્યારે તેમનાં નહોરદાર નખ વડે તેમને પાછા માળામાં લઇ આવે છે.આ એકમાત્ર પક્ષી છે જેને કુદરતે આ વિશેષતા આપી છે જેનાથી તે પોતાનાં બચ્ચાની રક્ષા કરી શકે છે.
ઝીંગાને આપણે આમ તો સૌથી નબળું માનીએ છીએ પણ સમુદ્રમાં વસતા મેન્ટીસ નામનાં ઝીંગા કંઇક અલગ જ પ્રકારનાં હોય છે જે કમજોર નહી પણ ભયંકર તાકાત ધરાવતા હોય છે તેમનો કરાટે પંચ એટલો ઝડપી અને શક્તિશાળી હોય છે કે ભલભલા કવચને તોડી શકે છે.આ ઝીંગાનો વાર એટલો શક્તિશાળી હોય છે કે તેઓ એકવેરિયમનાં કાચનો પણ ભુક્કો બોલાવી શકે છે.આ વાર એટલો શક્તિશાળી હોય છે કે તેનાથી પરપોટા પેદા થાય છે અને ક્યારેક તો ઝીંગાનાં સંપર્કમાં આવ્યો ન હોવા છતાં શિકાર તેના જોરદાર તરંગોથી જ મોતને ભેટતો હોય છે.આ ઝીંગાની લગભગ ચારસો જેટલી પ્રજાતિઓ દુનિયાભરમાં મળી આવે છે અને તે ચાર ઇંચ જેટલા લાંબા હોય છે જ્યારે તેમનું કદ ક્યારેક તો અઢાર ઇંચ જેટલું હોવાનું જોવા મળ્યું છે.