Bhim and Bakasur in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | ભીમ અને બકાસુર

Featured Books
Categories
Share

ભીમ અને બકાસુર

યુધિષ્ઠિર મહારાજ, ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ પાંચ પાંડવો તેમના માતા કુંતી સાથે અજ્ઞાતવાસમાં ફરી રહ્યા હતા. દિવસે કોઈને કોઈ જગ્યાએ ફર્યા કરે અને રાત્રે કોઈનું ઘર ગોતી, ક્યારેક કોઈ ઘર ન મળે તો રસ્તે સૂઈ જાય. 

એ રીતે તેઓ ફરતા ફરતા એક ગામમાં આવી ચડ્યા. એ વખતના રિવાજ મુજબ તેમણે પૂછ્યું કે આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે?

ગામવાસીઓએ એક ઘર બતાવ્યું જ્યાં પ્રેમશંકર નામે એક ગરીબ પરંતુ સંસ્કારી બ્રાહ્મણ રહેતા હતા. બ્રાહ્મણે પાંડવોને આવકાર આપ્યો. તેમણે જણાવ્યું નહીં કે અમે પાંડવો છીએ. તેમણે ફરતા ફરતા આવી ચડેલા  બ્રાહ્મણ વટેમાર્ગુઓ છીએ એમ કહ્યું. 

બ્રાહ્મણે તેમને જમવા આપ્યું અને પાંડવો જમીને બ્રાહ્મણના ઘરની પરસાળમાં આડા પડ્યા. તેમણે જોયું કે બ્રાહ્મણના ઘરનું કોઈ જમ્યું નથી. તેઓ અંદરોઅંદર કોઈ ગુસપુસ કરી રહ્યા હતા અને દુઃખમાં હોય એ રીતે ખૂબ ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા. બ્રાહ્મણી નું એકાદ ડૂસકું પણ સંભળાયું.

યુધિષ્ઠિર તેમની પાસે ગયા અને પૂછયું કે તેમને શું દુઃખ છે.

બ્રાહ્મણે કહ્યું કે તમે તો અમારા મહેમાન છો. અમારું દુઃખ અમે સહન કરી લેશું. તમે શાંતિથી સુઈ જાવ. અતિથિ તો દેવ છે, તેમને તકલીફ ન અપાય.

પાછળ ભીમ આવ્યો. તેણે કહ્યું કે હું પોતે ભલે બ્રાહ્મણ છું, યુદ્ધના દાવ શીખેલો છું અને ન્યાય માટે બધું જ કરી છૂટું એમ છું. તમારી સમસ્યા મને કહો. 

બ્રાહ્મણે કહ્યું “વાત એમ છે કે આ ગામમાં એક બકાસુર નામનો રાક્ષસ ગામની સીમમાં આવીને પડ્યો છે. અવારનવાર ગામને લૂંટી જાય અને માણસોને જીવતા પકડી સીમમાં લઈ જઈ મારી ખાય. એને અટકાવવા ગયા એ કોઈ સફળ થયા નહીં. પછી એ સહુ ગામલોકોએ નક્કી કર્યું કે આખું ગામ લૂંટાય એના કરતાં અમે રોજ બકાસુરને એક ગાડું ભરી મીઠાઈ અને ખાવાનું મોકલશું. બકાસુર એટલાથી અટક્યો નહીં. એ કહે અમે રાક્ષસો પ્રચંડ ભૂખ ધરાવનારા. અમને  ભોજનમાં પ્રાણી કે માણસ તો જોઈએ જ. બની શકે તો, નહીં, ગમે તેમ કરી એક માણસ રોજ અમારે ખાવા જોઈશે. નહીં તો હું ગામમાં આવી જે બે ચાર માણસો હાથમાં આવશે એને લઈ જઈ મારી નાખીને ખાઈ જઈશ.

ગામલોકો આખરે ન છૂટકે  દરરોજ ઘર દીઠ એક માણસ રાક્ષસને ભોજન માટે મોકલવા લાગ્યા. એ રીતે કાલે રાતે અમારા એકના એક દીકરા આ પ્રવિણીયાનો વારો છે. અમે રાક્ષસને દીકરો સોંપી દેશું પછી નોંધારા થઈ જશું.”

બ્રાહ્મણી ચોધાર આંસુએ રડવા લાગી.ભીમે તેમને સાંત્વન આપ્યું અને કહ્યું,  “ચિંતા નહીં કરો. એ રાક્ષસને ભલે કોઈ ન પહોંચ્યો. હું પહોંચી જઈશ. પ્રવીણ તમારી નજર સામે જ રહેશે.” .

બ્રાહ્મણ કહે “અરે, તમને જવા દેવાય? બ્રહ્મહત્યાનું પાપ પડે.”

ભીમ કહે “ના, હું જીવતો આવીશ જ. અને ગામને એ રાક્ષસના ત્રાસમાંથી છોડાવીશ. તમે નચિંત જ રહો.” 

ત્યાં એક આખો દિવસ પસાર થયો. રાત પડવા આવી. એ  બ્રાહ્મણ બ્રાહ્મણી એક ખૂણે ચૂપચાપ બેસી રહ્યાં. દીકરો પ્રવિણ તૈયાર થઈ બહાર ઉભતો હતો ત્યાં ભીમે તેને અટકાવીને ઘરમાં મોકલી દીધો. ભીમ પોતે બહાર જઈ ઉભો. 

 સાંજનાં અંધારાં ઉતરે ત્યાં  બ્રાહ્મણ પ્રેમશંકરને ઘેર એક ગાડાવાળો આવ્યો. બૂમ પાડીને કહે “એ પ્રેમશંકર ભાઈ.. એ બ્રાહ્મણ ભાઈ.. ટાઈમ થઈ ગયો છે ભાઈ.. જલ્દી કરો..”

ત્યાં તો ભીમ બહાર આવ્યો. કહે “બુમો નહિ પાડ. ચાલ.  હું આવું છું.”

ગાડાવાળો તો  બધાને બૂમો પાડતો કહે “અરે ભાઈ, આ જુઓ બધા. આ પ્રેમશંકરને ઘેરથી કોઈ મહેમાન આવ્યો છે. નથી એના દીકરાને લઈ જવા દેતો નથી મને જવા દેતો. મારે મરવું નથી.” 

ભીમે તેને બોચી પકડી ઉભો કર્યો અને કહ્યું “ચૂપચાપ ગાડું ચલાવ અને સીમમાં રાક્ષસ પાસે લઈ જા.”

ગાડાવાળો ડરતો ડરતો ગાડું લઈ સીમમાં ગયો. ભીમે તેને પરોઢ પછી આવવા કહ્યું. 

ગાડાવાળો કહે “આવજો ભાઈ. તમારું  મડદૂં હશે તો સવારે લઈ જશે. અહીંથી કોઈ જીવતું જતું નથી એટલે તમે ખોટા વિશ્વાસમાં રહેશો નહીં.” 

ભીમે તેને એક અડબોથ મારી કહ્યું “ન જોઈ હોય તો મડદાવાળી. તને કહ્યું ને, અજવાળું થાય પછી આવ. જા, નીકળ હવે નહિતો આજે તારો વારો સમજી લે.” 

ગાડાવાળો પાછું જોયા વગર ચાલતો થયો. ભીમ પોતે ગાડામાં સવાર થઈ સીમમાં  ઊંડે ઊંડે પસાર થયો. દૂરથી એક ગુફા પાસે માનવ હાડકાં પડેલાં દેખાયાં. તે નજીક ગયો. 

ગુફામાંથી રાક્ષસ બહાર આવ્યો. મોટેથી બોલ્યો “એ..ય.. આજે કોઈ આવ્યું છે કે નહીં? મારા ખાવાનું શું? ઓહો , ગાડું દેખાયું. હા,  શિકાર પણ  રુષ્ટપુષ્ટ છે.“

તે ભીમ તરફ આગળ વધ્યો. કહે “ચાલ મગતરાં,  પહેલા તને ખાઉં કે આ મીઠાઈઓ?  ચાલ, જલ્દી કર, લાવ..પછી આ ધોધનું પાણી પી હું આખો દિવસ આરામ કરીશ. ચાલ, શરૂઆત કરું આ મીઠાઈના ટોપલાઓથી.” 

ત્યાં તો રાક્ષસના નાક પર જોરથી એક લાડુ વાગ્યો. ભીમે ટોપલામાંથી લઈ પ્રહાર કરેલો. 

રાક્ષસ ગુસ્સે થઈ નજીક આવ્યો તો ભીમે મરચાં વાળી કોઈ વાનગી રાક્ષસની આંખ તરફ ફેંકી. રાક્ષસ આંખ ચોળે ત્યાં તો તેની પર  એક પછી એક મીઠાઈઓનો પ્રહાર થવા લાગ્યો.  જોરથી ફેંકાતી મીઠાઈના ટુકડાઓ રાક્ષસને વાગી ક્યાંક ઢીમડા કરી રહ્યા.

રાક્ષસ હવે આગળ વધી ગાડાં નજીક આવી ગયો. તે ભીમને પકડે તે પહેલાં ભીમે કઢી કે કોઈ ગરમાગરમ  પ્રવાહી રાક્ષસ પર તપેલું ઊંધું કરી રેડ્યું. રાક્ષસ દાઝી ગયો. “ઓ..ઓ.. વોય વોય..” કરતો તે ચીસો પાડવા લાગ્યો. હજી કળ વળે ત્યાં તો તેની ઉપર સેવ અને પાપડ જેવી વસ્તુઓનો વરસાદ થયો. શરીર અથાણું, કઢી, ગરમાગરમ દાળ વગેરેથી લથબથ થઈ ગંદુ થઈ ગયું. રાક્ષસ શરીર પરની વાનગીઓ ચાટવા લાગ્યો. ભૂખ્યો શું ન કરે ?

આખરે એણે આખું ગાડું ઊંચું કર્યું. તેનું ખાવાનું બધા ટોપલાઓ સીખે ઢોળાઈ ગયું પણ ભીમ કુદીને નીચે ઉતરી ગયો. તેણે બળદ બાંધવાની જગ્યાએથી ગાડું ગોળગોળ ફેરવીને રાક્ષસ સાથે અથડાવ્યું. રાક્ષસના ગોઠણ પર ગાડું વાગ્યું અને તે ગાડાં પર જ પડી લાંબો થઈ સુઈ ગયો. તેના ભારથી ગાડું આગળ ઘસ્યું અને એક ઝાડ સાથે રાક્ષસનું માથું અથડાયું. રાક્ષસને તમ્મર આવી ગયાં. એ તકનો લાભ લઇ ભીમે તેને બોચીથી પકડી તેની કરોડરજ્જુમાં ઢીંચણ દબાવી ખેંચ્યો. પણછની જેમ ખેંચાતા રાક્ષસનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ. પણ તરત તે પલટી મારી ઉભો થયો અને ભીમ તરફ ધસ્યો. ભીમે તેના બે પગ વચ્ચેથી સુઈ જઈ આગળ તરફ જઈ રાક્ષસનો એક પગ પકડી ઉપાડ્યો. રાક્ષસ પડ્યો પણ ત્વરાથી એક લાત મારતો ઊભો થઈ નજીકમાંથી એક આખું ઝાડ ઉખેડી ભીમ તરફ ધસ્યો. ભીમે કાંઈ જ કર્યું નહીં, ફક્ત ગાડાંનો ટેકો લઈ બીજી બાજુ કૂદી ગયો. 

રાક્ષસ ઝાડ સાથે ગાડાં સાથે અથડાયો અને પોતાના જ જોરથી પોતે નીચે પડી ઝાડ નીચે દટાઈ ગયો. ભીમે તેના બે પગ પકડી તેને ખેંચ્યો અને ઢસડ્યો.

રાક્ષસ ઉભો થઈ બે હાથની મુઠ્ઠીથી ભીમને મારવા ગયો. ભીમે નીચા નમી જઈ તેના હાથ પકડી લીધા અને રાક્ષસને નીચે ખેંચ્યો. રાક્ષસ ઊંધા મોંએ પટકાયો. એ સાથે ભીમ તેને પાછળથી પકડી પોતાના ગોઠણથી તેનું શરીર દબાવી ડોક પાસેથી ખેંચી રહ્યો. રાક્ષસની કરોડ તૂટી ગઈ. છેલ્લે જેમ તેમ ઊભો થઈ તે આખું ગાડું ઊંચકી પ્રહાર કરવા ગયો. ભીમે દૂરથી ઝાડ પડેલું તે પૈડા સાથે મારી પૈડું ગોળ ફેરવ્યું. ગાડાનું પૈડું ફરતાં જ રાક્ષસને છાતી પર વાગ્યું અને તે પડ્યો. એની ઉપર વધ્યા ઘટ્યા ખોરાકના અવશેષો પડ્યા. આંખ ખોરાકથી ઢંકાઈ ગઈ. મોં, પેટ, બધું જ ખોરાકથી ગંદું થઈ ગયું છતાં પણ પૂરતી તાકાત વાપરી રાક્ષસ ભીમને પકડમાં લઈ મારી નાખવા  ધસ્યો. ભીમ તેને પકડી રહ્યો.

ભીમે રાક્ષસના પેટમાં માથું માર્યું અને રાક્ષસની દાઢી સાથે ફરીથી પોતાનું વજ્ર જેવું માથું અથડાવ્યું. રાક્ષસનું જડબું તૂટી ગયું. લોહી વહી રહ્યું. તે ભીમને મારવા જાય તે પહેલા ભીમે તેના બે પગ પકડી અલગ અલગ દિશામાં જોરથી ખેંચ્યા. રાક્ષસનું શરીર સિવણી પાસેથી ફાટી ગયું અને તે નીચે પડી મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યો. ભીમે તેની છાતી પર ચડી બેસી તેને ગળા, નાક વગેરે પર પ્રહાર કર્યો અને રાક્ષસ ત્યાં જ મરી ગયો.

ભીમે આ યુદ્ધમાં શ્રમ પડવાથી ખૂબ ભૂખ લાગેલી એટલે ગાડાંમાંથી નીચે પડેલી બધી મીઠાઈઓ ખવાય એટલે ખાધી અને ધોધનું પાણી પી સુઈ ગયો. સવાર પડી એટલે ઉભો થઈ સીમ ની નજીક આવ્યો. ગાડાવાળો ત્યાં જ પડ્યો હતો તેને ઉઠાડ્યો.

એ કહે “મા બાપ, મને છોડો. તમે  તો ભાગી આવ્યા તો ભલે, બકાસુર રાક્ષસ પાછળ  જ આવતો હશે.” 

ભીમ કહે “મેં કહ્યું ને કે મને બોલાવવા આવજે? રાક્ષસ મરી ગયો છે અને તેનું મડદૂં ઉપાડવા આપણે બે ઉપરાંત થોડા માણસો જોઈશે. ચાલ ગામમાંથી લઈ આવીએ.” 

ગાડાવાળો માની શક્યો નહીં. કહે “તમે ખોટું બોલો છો.” ભીમે ફરીથી તેને બોચી પકડી આગળ કર્યો અને રાક્ષસના મડદા પાસે લઈ ગયો. ગાડાવાળો ડરતો ડરતો રાક્ષસના મૃતદેહ પાસે આવ્યો.

ભીમ કહે “તેને અડ. જીવતો નથી.” ગાડાવાળો માની શકયો નહીં. છતાં  ડરતો ડરતો અડી ખાતરી કરી આવ્યો કે રાક્ષસ મરી ગયો છે.

બેય મળી ગામમાંથી બે ચાર મજૂરો પકડી આવ્યા અને રાક્ષસનું મડદૂં ગાડામાં જ નાખી ભીમ ગાડાવાળા સાથે બેઠો અને ગામમાંથી રાક્ષસનું મડદૂં લઈ પસાર થયો. દરેક જગ્યાએ બોલતો ગયો કે ગામનો ત્રાસ કાયમ માટે દૂર થયો. બકાસુરનો વધ થયો.ગામલોકોએ ભીમનો ખૂબ આભાર માન્યો. ભીમને ત્યાં રહી જવા કહ્યું .

ભીમે ગામના છોકરાઓને યુદ્ધના દાવ શીખવ્યા અને ગામલોકો દરરોજ ભીમ, પાંચ પાંડવો અને સાથે પ્રેમશંકરના કુટુંબને પણ જમવા બોલાવવા લાગ્યા. દરરોજ મેવા મિષ્ટાન ખાઈ ખાઈને પ્રવીણને તો મજા પડી ગઈ. 

પછી ભીમે તેને કોઈ ધંધો કરતા શીખવ્યું. એ છોકરો રસોઈ સારી બનાવી જાણતો હતો તેની દુકાન કરાવી. 

હવે ભીમ કહે “અમારું કામ પૂરું થયું. આવજો, જય મહાદેવ.” ગામ લોકોએ સજળ નયને તેમને વિદાય આપી.

બીજે દિવસે પ્રવીણ એની માને કહે “આજે શું ખાવાનું છે? મા કહે “ખીચડી.”

પ્રવીણ કહે “તો આ મેવા મીઠાઈ આટલા દિવસ ખાધા એનું શું? હવે ખીચડી નહીં ભાવે.” 

મા કહે “એ બધું ભીમને કારણે હતું. હવે આજથી ખાઓ તમે તમારે ખીચડી.“ 

મોં વકાસી પ્રવીણ અને પ્રેમશંકર ખીચડી આરોગી રહ્યા.

***