luchchu shiyaal in Gujarati Moral Stories by Darshana Hitesh jariwala books and stories PDF | લુચ્ચું શિયાળ

Featured Books
Categories
Share

લુચ્ચું શિયાળ

એક વખતની વાત છે. જંગલમાં બે પ્રાણી રહેતા —એક સિંહ, ખરા અર્થમાં રાજા; સાચો, સીધો, અને ન્યાયપ્રિય. અને બીજું શિયાળ, નાનું પણ ચાલાક;એના શબ્દોમાં મધ પણ, અને ડંખ પણ....

સિંહનો સ્વભાવ એવો કે, ખોટું જોઈ જાય તો તરત ગુસ્સે થઈ જાય, કારણ કે એ ખોટું સહન ન કરી શકે અને શિયાળે તો એ જ ગુસ્સાને પોતાની તાકાત બનાવી લીધી.જ્યારે ક્યારેય સિંહ ગુસ્સે બોલતો, શિયાળ મીઠા શબ્દો બોલી કહેતો — “હું તો ફક્ત આપના હિત માટે જ કહું છું રાજા… આપ તો વિશ્વાસ કરો, હું આપનો જ સેવક છું!” અને એ મીઠાશમાં સિંહની શંકા ઓગળી જતી.

પોતાનું હિત ઈચ્છતો શિયાળ સતત સિંહના કાન ભંભેરણી કરતો. ત્યારે સિંહને શિયાળ પોતાનો હિતેચ્છુ લાગતો. પણ ભોળો સિંહ એ જાણતો ન હતો કે જેને તે પોતાનો હિતેચ્છુ સમજે છે એ તો ખરેખર એનો હિતશત્રુ છે.

ચોવીસ કલાક એની જ માળા જપતો. અને મગજથી પાંગળો થતો ગયો. રોજ શંકાનું ધીમું ઝેર પીરસતો. અને સિંહ પોતાની જાતને ભૂલતો. જંગલના બધા પ્રાણીઓને મૂર્ખ ગણતો. અને પોતાની જાતને બળવાન માનતો. કારણકે તેને વિશ્વાસ હતો કે બધા સાથ છોડી દેશે પણ એનો પરમ મિત્ર શિયાળ હંમેશા એની સાથે રહેશે. 

ધીમા ઝેરની અસર એના મિત્ર સામે, એના નિર્ણય સામે અને એક દિવસ આવી ગયો જ્યારે સિંહે ગુસ્સામાં પોતાના સચ્ચા મિત્રને જ દૂર કરી દીધો. શિયાળની ચાલાકી એ દિવસે જીતી ગઈ હતી. સિંહના આંખે શિયાળના શબ્દોની પટ્ટી બંધાઈ હતી. 

પણ જંગલની આંખો બધું જોઈ ગઈ હતી. સમય વીત્યો, અને એક દિવસ એ જ શિયાળ પોતાની જ વાતોના જાળમાં ફસાઈ ગયો. જંગલના બધા પ્રાણીઓએ એની ચાલાકી ઓળખી લીધી. 

******

એક દિવસ જંગલમાં હરણોના ટોળા પર હુમલો થયો.સિંહને ખબર પડી કે એ હુમલો કોઈ બહારથી આવ્યો હતો નહીં, પણ જંગલના વાઘ મિત્રે ખોટી રીતે હરણોને ડરાવી દીધા હતા.હકીકતમાં, વાઘએ ટોળાને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો પ્રયાસ કરતો હતો,પરંતુ શિયાળે વાત એવી વાળી કે —“રાજા, વાઘ તો આપનો તાજ છીનવવા માગે છે.

એ જ તો હરણોને આપની સામે ભડકાવી રહ્યો હતો!”

સિંહે ગુસ્સામાં કંઈ વિચાર્યું નહીં.તત્ક્ષણે વાઘને બોલાવ્યો અને કડક અવાજમાં બોલ્યો — “જંગલનો શત્રુ મને સહન નથી! નીકળ જ અહીંથી!”

વાઘ શાંત હતો, બોલ્યો માત્ર એટલું — “રાજા, એક દિવસ સત્ય આપની આંખ સામે આવશે.”

અને એ જંગલ છોડીને ચાલ્યો ગયો.

****

સમય વીત્યો.

એક સાંજ, શિયાળે પોતાના ફાયદા માટે ગુફા માંથી ખોરાક ચોરી લીધો. અને આરોપ વાઘ પર લગાવ્યો. પણ સદનસીબે સિંહે લપાઈને આ જોઈ લીધું હતું. 

મીઠાશનો પડદો એકપળમાં હટી ગયો. સિંહને વાઘના શબ્દો યાદ આવ્યા. ત્યારે સિંહને પસ્તાવાનો સમય આવ્યો. ત્યારે એને સમજાયું — "જે મીઠું બોલે છે એ હંમેશા વફાદાર નથી હોતો, અને જે ગુસ્સે બોલે છે, એ હંમેશા દુશ્મન નથી હોતો. મીઠું બોલનાર હંમેશા સારો નથી હોતો, અને જે ગુસ્સે થાય એ હંમેશા ખોટો નથી હોતો. ક્યારેક ભોળો ગુસ્સો પણ સત્યનું સ્વરૂપ હોય છે, અને મીઠું બોલવું પણ સૌથી મોટું દંભ.


🌼 જીવનસંદેશ


જીવનમાં પણ જંગલ જેવો જ નિયમ ચાલે છે.અહીં દરેક માણસ દેખાવમાં મિત્ર લાગે છે,પરંતુ દરેક મિત્ર સિંહ જેટલો નિષ્ઠાવાન નથી હોતો. ક્યારેક કોઈ શિયાળ જેવો માણસ તમારા ગુસ્સાને “અહંકાર” કહી દે છે, અને તમારી સચ્ચાઈને શંકાના રંગમાં રંગી દે છે. ત્યારે યાદ રાખજો — જેઓ હંમેશા મીઠું બોલે છે, એ હંમેશા તમારું સારું વિચારે છે એવું નથી. સાચા લોકો ક્યારેક તીખું બોલે છે, કારણ કે એ સત્યથી ભાગતા નથી. અને જે હંમેશા મીઠું બોલે છે, એના શબ્દોમાં ઘણીવાર હિત નહીં, હિસાબ  છુપાયેલો હોય છે.

અંતે, સિંહની જેમ જો હૃદય સ્વચ્છ હોય, તો ગુસ્સો પણ પવિત્ર બને છે. પણ શિયાળ જેવી ચાલાકી, સમય સામે ક્યારેય ટકી શકતી નથી. સત્યની જીત ધીમી હોય, પણ સત્ય ક્યારેય હારતું નથી.

નમસ્કાર દર્શના જરીવાળા "મીતિ"